મારાં મા-બાપે મને એવું નથી શીખવાડ્યું! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મારાં મા-બાપે મને

એવું નથી શીખવાડ્યું!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જ્ઞાન ત્યાં બેઠા પછી, લગરીક પણ લાધ્યું નથી,

તોય બોધિવૃક્ષ મેં ગુસ્સો કરી કાપ્યું નથી,

ઝેર અંગે મસ્ત ભાષણ અબઘડી હું દૈ શકું,

શું લખું અમરત વિશે, જે કોઈ દી ચાખ્યું નથી.

-કિશોર જિકાદરા

આ દુનિયા જાતજાતના લોકોથી ભરેલી છે. આ જગતમાં જો કંઈ ‘મોસ્ટ અનપ્રિડિક્ટેબલ’ હોય તો એ માણસ છે. માણસ વિશે એવું કહેવાતું આવ્યું છે કે, માણસ સામાજિક પ્રાણી છે. જોકે, બધા સામાજિક નથી હોતા, કેટલાંક અસામાજિક પણ હોય છે. અમુક લોકો વિચિત્ર હોય છે. ધૂની, બિન્ધાસ્ત, ઉદાર, નિખાલસ, ખેલદિલ, બદમાશ, લુચ્ચા, સ્વાર્થી, સારા, ખરાબ, ભેજાગેપ, આસ્તિક, નાસ્તિક, પોતાના, પારકા, કોઈના ન હોય એવા, ઘનચક્કર, એવાં જુદી-જુદી કેટેગરીનાં માણસો આ જગતમાં હોય છે. માણસ માટે આમ તો માણસના બે જ પ્રકાર મહત્ત્વનાં હોય છે. ગમે એવા અને ન ગમે એવા! સંબંધો વિશે એવું કહેવાતું આવ્યું છે કે, ગમે એવા હોય એની સાથે સંબંધ રાખવો અને ન ગમે એવા હોય એનાથી દૂર રહેવું. અલબત્ત, દરેક કિસ્સામાં આવું થઈ શકતું નથી. અમુક વખતે એવા લોકો આપણા પનારે પડે છે જેને આપણે નથી નજીક રાખી શકતા કે નથી દૂર હડસેલી શકતા. ગમે કે ન ગમે, ફાવે કે ન ફાવે, આપણે એની સાથે સંબંધ નિભાવવો પડતો હોય છે. છેડો ફાડવાનું મન થાય, પણ દરેક સાથે છેડોયે ફાડી શકાતો નથી! આપણને એમ થાય કે, મારા નસીબમાં આ ક્યાં ભટકાઈ ગયો કે ભટકાઈ ગઈ!

અમુક લોકો આપણી જિંદગીમાં સીધી રીતે જોડાયેલા નથી હોતા છતાં એ આપણી આજુબાજુમાં હોય છે. આપણા પાડોશીઓ, આપણી સાથે કામ કરતાં લોકો, સફરમાં ઘણી વખતે સાથે થઈ જતાં લોકો આમ જુઓ તો આપણી જિંદગીનો હિસ્સો હોતા નથી છતાં એની સારી કે નરસી બાબતોની આપણને અસર થતી હોય છે. આપણે ઇચ્છીએ નહીં તો પણ એના મોઢા જોવા પડતાં હોય છે, એની સાથે વાત કરવી પડતી હોય છે. અમુક સગાઓ કે ઇન લોઝ પણ એવા હોય છે જેને જોઈને આપણને કોઈ વિચિત્ર પ્રકારનું ઇરિટેશન થાય! તમારી લાઇફમાં એવા કેટલાં લોકો છે જેને તમારું ચાલે તો તમે દૂર કરી દો? થોડાક ચહેરાઓ એવા હશે જ! જોકે, એમાં આપણું કંઈ ચાલતું નથી. સમય આવ્યે કુદરતી રીતે એ દૂર થઈ જાય તો જુદી વાત છે, બાકી આપણે ઇચ્છીએ ત્યારે એને દૂર કરી શકતાં નથી.

કોઈ પણ એક્શનનું રિએક્શન હોય છે. કોઈ આપણી સાથે કંઈ વર્તન કરે ત્યારે આપણે એને રિસ્પોન્સ આપતા હોઈએ છીએ. એ રિસ્પોન્સ પોઝિટિવ હોય, નેગેટિવ હોય, બેલેન્સ્ડ હોય અથવા તો કેલ્ક્યુલેટેડ હોય છે. આની સાથે લાંબુ કરવામાં કંઈ માલ નથી એવું વિચારીને આપણે ટેક્ટફુલ્લી વર્તન કરીએ છીએ. મનમાં તો એવું થતું હોય કે, મારું ચાલે તો આને કચકચાવીને મોઢામોઢ જે કહેવું હોય એ કહી દઉં, પણ આપણે એવું કરતાં નથી અને ઘણીવાર કરવું હોય તો પણ કરી શકતાં નથી. આવા સમયે માણસ કેવું વર્તન કરે છે એના ઉપરથી માણસનું માપ નીકળતું હોય છે. વર્તન પરથી આપણી કક્ષા નક્કી થતી હોય છે. મેચ્યોરિટી, સમજદારી કે પરિપક્વતા એટલે આપણે કયા સંજોગોમાં કેવું વર્તન કરીએ છીએ એની આવડત. બધા મગજ કાબૂમાં રાખી શકતા નથી. મગજને કાબૂમાં રાખવા મક્કમતા જોઈએ. મન અને મગજ જેના કાબૂમાં નથી એ ભટકી કે અટકી જતાં હોય છે. ઘણાં લોકો ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં સારામાં સારું વર્તન કરતાં હોય છે. માણસને ઓળખવો હોય તો એના સારા સમયના વર્તનને નહીં, પણ તેના ખરાબ સમયના બિહેવિયરને ચેક કરવું જોઈએ.

એક છોકરીની આ વાત છે. કોલેજ પૂરી કરી. કેમ્પસ ઇન્ટરવ્યૂમાં જ એ જોબ માટે સિલેક્ટ થઈ ગઈ. પોતાનું કામ એ પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે કરતી હતી. એનો બોસ વિચિત્ર મગજનો હતો. કારણ હોય કે ન હોય એ તેને ખખડાવવાનો મોકો જ શોધતો રહેતો. ઓફિસના કલિગનું એક વોટ્સએપ ગ્રૂપ હતું. એમાં કામની વાતો થતી. છોકરી કંઈ લખે તો એનો બોસ તેને ખરાબ રીતે જવાબ આપે. તને કંઈ સમજ જ નથી પડતી! ક્યારેક તો ફૂલ કે ઇડિયટ જેવાં શબ્દો પણ એ વાપરતો! એ છોકરી કંઈ જ ખરાબ જવાબ ન આપે. સોરી અથવા તો હું વધુ ધ્યાન રાખીશ એવું લખી દે.

આખરે એ છોકરીને નવી જોબ મળી. થોડા દિવસમાં એ નોકરી છોડવાની હતી. એ જવાની હતી તો પણ તેનો બોસ ગ્રૂપમાં તેના વિશે મન ફાવે એમ લખતો. આવું બધું વાંચીને એક વખત એ છોકરીના કલિગે તેને કહ્યું કે, હવે તો તું જવાની છે. હવે તું શા માટે એનું સાંભળે છે? એને કચકચાવીને જવાબ દઈ દે. મન થાય તો એક-બે ગાળો પણ દઈ દે! એ હવે તારું કંઈ બગાડી શકવાનો નથી. કલિગની વાત સાંભળીને એ છોકરીએ કહ્યું કે, ના મારાં મા-બાપે મને એવું નથી શીખવાડ્યું! કોઈ હલકું હોય એટલે આપણે હલકા નહીં થવાનું!

એ છોકરીએ પિતા સાથેનો એક અનુભવ શેર કર્યો. અમે ફેમિલી સાથે ટ્રેનમાં સફર કરતાં હતા. અમારી સામેની સિટમાં એક માણસ ખરાબ રીતે બેઠો હતો. એને જોઈને જ ખબર પડી જાય કે, આ બદમાશ માણસ છે. એક વખત એણે ઇરાદાપૂર્વક મારા ડેડી સાથે પગ અથડાવ્યો અને પછી પોતે જ ઝઘડો કર્યો. તમને બેસતા નથી આવડતું. કંઈ ભાન પડે છે કે નહીં? એ જેમ-તેમ બોલતો હતો. મારા ડેડીએ તેને સોરી કહ્યું. પોતાના પગ ઉપર લઈ લીધાં. મને એ સમયે એક તબક્કે તો એવો વિચાર પણ આવી ગયો હતો કે, મારા ડેડી કાયર છે. વાંક નથી છતાં સાંભળી લે છે. આ વાત મારા મનમાં ખટક્યા કરતી હતી. અમારું સ્ટેશન આવ્યું એ પછી મેં ડેડીને કહ્યું, તમે શા માટે એની વાત સહન કરી લીધી? તમારે લડી લેવાની જરૂર હતી!

મારી વાત સાંભળીને ડેડીએ કહ્યું, દીકરા આપણે કોઈ માણસ નીચલી કક્ષાએ હોય તો એની કક્ષાએ નહીં ઉતરવાનું! આપણે આપણું ગૌરવ જાળવી રાખવાનું. એની સાથે ક્યાં આપણે કોઈ લાંબો સંબંધ છે? જિંદગીમાં પણ અમુક તબક્કે આવા લોકો ભટકાઈ જતાં હોય છે. એ જેવા હોય એવા આપણે નહીં થવાનું, આપણે તો આપણે હોઈએ એવા જ રહેવાનું! વાત હાર-જીતની નથી, વાત કોણ નબળો કે કોણ શક્તિશાળી એ નથી, વાત છે ગ્રેસની, વાત છે ગરિમાની, વાત છે સંસ્કારની અને વાત છે આપણી સમજદારીની! ડેડીની આ વાત જ મને આ બોસ સાથે ડીલ કરવામાં કામ લાગી છે. હવે થોડા દિવસો છે. નોકરી બદલાશે એટલે એની સાથેના પનારામાંથી પણ મુક્તિ મળી જવાની છે. અત્યાર સુધી મેં મારો ગ્રેસ નથી છોડ્યો તો હવે જતાં જતાં શા માટે મારું ગૌરવ ગુમાવું?

આપણને ઘણી વખત કોઈના વર્તન પછી એને બતાવી દેવાનો વિચાર આવી જાય છે. જેવા સાથે તેવા થવાવાળો પણ એક વર્ગ હોય છે. ઘણાં લોકોના મોઢે આપણે એવું સાંભળીએ છીએ કે, આપણે સારા સાથે સારા રહીએ, પણ ખરાબ સાથે એના જેવા થતાં પણ મને આવડે છે! આવું કરવું અઘરું નથી. અઘરું તો આપણે સારા હોઈએ તો સારા રહેવાનું છે. એક યુવતીના ઇનલોઝ વિચિત્ર મગજના હતા. વાતે વાતે ટોણાં મારે. એક વખત એ યુવતીને તેના એક રિલેટિવે કહ્યું, તું પણ એને બતાવી દે ને! એ યુવતીએ કહ્યું, હા હું બતાવી દઈશ, પણ મારી ખાનદાની! મારી પાસે મારી ખાનદાની છે. મારી ખાનદાની મને બહુ વહાલી છે. મારે એ ગુમાવવી નથી.

સમસમીને બેસી રહેવું અને ઇરાદાપૂર્વક જતું કરવામાં બહુ ફર્ક છે. ન બોલી શકાય ત્યારે માણસ ચૂપ રહેતો હોય છે, બોલી શકાય તેમ હોય ત્યારે જે મૌન રહે છે એ જ ખરા અર્થમાં સમજું હોય છે. હમણાંની જ એક ડિવોર્સની ઘટના છે. એક પતિ-પત્ની છૂટા પડતાં હતાં. છોકરીને પતિ અને સાસરીયાઓનો ત્રાસ હતો. બંનેનાં પરિવાર છેલ્લી વખત ભેગાં થયા હતા. પત્નીના એક સગાએ તેને કહ્યું હતું કે, તું તારે ચોપડાવી દેજે, જે મનમાં આવે તે. કંઈ બાકી ન રાખતી. આવો મોકો બીજી વાર નહીં મળે. એ છોકરીને જ્યારે બોલવાનું આવ્યું ત્યારે તેણે કહ્યું કે, આપણા અન્નજળ કદાચ આટલા જ હતા. હવે છૂટા પડીએ છીએ ત્યારે મારા મનમાં કોઈ કડવાશ નથી. મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગું છું. જે થયું એમાં કોનો વાંક હતો એ પણ હું ભૂલી જવા માંગું છું. તમે બધા ખુશ રહો એવું ઇચ્છું છં. આવું સાંભળીએ ત્યારે એવો પણ વિચાર આવે કે, આવું શક્ય નથી. આટલા સારા થવાની પણ કોઈ જરૂર હોતી નથી. સાચી વાત છે, બધા આટલા સારા થઈ શકતા નથી, પણ દુનિયામાં એવા લોકો પણ છે જે જતું કરી દે છે. જતું કરીને મોટાભાગે આપણે કોઈને મુક્ત નથી કરતા હોતા, પણ આપણે ઘણા પૂર્વાગ્રહોથી આઝાદ થતાં હોઈએ છીએ.

આપણું સુખ એના પર પણ આધાર રાખતું હોય છે કે, આપણે કેટલું જતું કરીએ છીએ અને કેટલું સંઘરી રાખીએ છીએ? ભાર લઈને ફરીએ તો જિંદગી અઘરી અને આકરી જ લાગવાની છે. હળવા થયા વગર હળવાશ ક્યાંથી લાગવાની છે? આપણે પકડી રાખીએ છીએ એટલે જ કશાથી છૂટી શકતા નથી. મુક્ત થતા આવડે એ જ જિંદગીને માણી શકે. આપણી જિંદગી ઉપર માત્ર ને માત્ર આપણું આધિપત્ય જ રહેવું જોઈએ, તો જ આપણી જિંદગી આપણને આપણી લાગશે.

છેલ્લો સીન :

આપણી ‘કક્ષા’ કઈ છે એ બીજા નક્કી કરે છે, પણ એ કેવી રાખવી એ આપણા હાથની વાત છે. આપણું વર્તન અને આપણી વાણી જ આપણી ‘કક્ષા’ નક્કી કરતી હોય છે.              –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 23 ઓકટોબર 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “મારાં મા-બાપે મને એવું નથી શીખવાડ્યું! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

  1. આપણી ‘કક્ષા’ કઈ છે એ બીજા નક્કી કરે છે, પણ એ કેવી રાખવી એ આપણા હાથની વાત છે. આપણું વર્તન અને આપણી વાણી જ આપણી ‘કક્ષા’ નક્કી કરતી હોય છે….👌👌👌👌jabardst artical che ..aa vaachi ne aapna parents na sanskaro nu moolya khabar padi..thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *