કોઇ મારું સારું બોલતું જ નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
 

વો તુજે યાદ કરે જિસને ભૂલાયા હો કભીહમને તુઝ કો ના ભૂલાયા, ના કભી યાદ કિયા,

મુઝ કો તો કુછ હોશ નહીં, તુમ કો ખબર હો શાયદ, લોગ કહતે હૈં કી તુમને મુઝે બરબાદ કિયા.
જોશ મલિહાબાદી
તમારા વિશે કોણ કેવું બોલે છે એની તમને કેટલી પરવા છે? આમ તો બધા એવું જ કહેતાં હોય છે કે મને કોઈના કહેવાથી કંઈ ફેર પડતો નથી. જેને જે કહેવું હોય એ કહે. હકીકતે બધાને ફેર પડતો હોય છે. પોતાના વિશે વાત થતી હોય ત્યારે દરેક માણસના કાન સરવા થઈ જતાં હોય છે. તમને કોઈ કહે કે, તમને ખબર છે પેલો માણસ તમારા વિશે શું બોલતો હતો? આપણે તરત જ પૂછીશું કે શું કહેતો હતો? કેટલા લોકો એવું કહે છે કે રહેવા દે, મારે નથી સાંભળવું! આપણને ખબર હોય કે એ મારા વિશે સારું બોલતો જ નહીં હોય તોપણ આપણે જાણવા માગીએ છીએ કે એ શું બોલતો હતો! ઘણી વખત કોઈ આપણા વિશે ઘસાતું બોલ્યું એવી આપણને ખબર પડે કે તરત જ આપણે ફોન કરીને એને ખખડાવી નાખીએ છીએ. ખખડાવી શકીએ એમ ન હોઈએ ત્યારે આપણે ખુલાસા કરીએ છીએ. આપણને એવી ખબર પડે કે કોઈ આપણા વિશે સારું બોલતું હતું તો આપણે કંઈ કરતાં નથી. કેટલા લોકો એવા હોય છે જેને આવી ખબર પડે પછી ફોન કર્યો હોય કે તમે મારા વિશે સારું બોલ્યા એ મને ખબર પડી, મને બહુ આનંદ થયો કે તમે મારા વિશે આવું બોલતા હતા, થેન્કયુ! ના, આપણે એવું નથી કરતા. નેગેટિવ હોય એ જ આપણને સૌથી વધુ ઈફેક્ટ કરે છે, એટલે જ નેગેટિવિટીથી બચવું પડે છે. કોઈક જરાક અમથું આડુંતેડું આપણા વિશે બોલે તો તરત જ આપણું મગજ છટકી જાય છે. એને આટલી મદદ કરી તોપણ એ મારા વિશે આવું બોલે છે! ભલમનસાઈનો તો જમાનો જ નથી. આવા લોકો માટે કંઈ કરવું જ ન જોઈએ! આવા ઉદ્ગારો આપણા મોઢામાંથી સરી પડે છે.
ઘણા લોકો એટલા માટે જ સારું કરતા હોય છે કે લોકો તેનું સારું બોલે. સારા હોય અને સારું કરતાં હોય એવા લોકોને એનાથી ફેર નથી પડતો કે કોણ શું બોલે છે. એ નક્કી કરી લે છે કે મારે આવું કરવું છે. મોટાભાગના લોકો એટલે જ કંઈ નવી શરૂઆત કરતાં નથી કે એને સૌથી પહેલો વિચાર એ જ આવે છે કે લોકો શું કહેશે? મારી ઇમેજનું શું? સમાજ, સોસાયટી, પીપલ અને ફ્રેન્ડ્સ શું કહેશે? એવું જે વિચારે છે એ કંઈ કરી શકતા નથી. લોકો શું કહેશે એ જાણવા માણસ પહેલેથી અભિપ્રાય મેળવવાનું શરૂ કરી દે છે કે હું આવું કરું તો કેવું? એના જે જવાબ મળે તેમાં માણસ એવો ગૂંચવાઈ જાય છે કે પછી એમાંથી નીકળી જ શકતો નથી.
ઘણા લોકોને એવું થાય છે કે મારું કોઈ ભલું ઈચ્છતું જ નથી. બધા મને બદદુઆ જ દે છે. એક માણસ હતો. તેના મગજમાં એવું જ ચાલ્યા રાખે કે મને બધા બદદુઆ જ દે છે. એ માણસ એક સાધુ પાસે ગયો. તેણે સાધુને પોતાના દિલની વાત કરી કે કોઈ મારું સારું બોલતા નથી. કોઈ મારું ભલું ઇચ્છતું નથી. બધા મને બદદુઆ જ દે છે. સાધુએ કહ્યું કે, એક કામ કર, દુઆ આપનારાઓની સંખ્યામાં વધારો કરી દે! બાકી લોકો તો કાયમ ભગવાનનું પણ ક્યાં સારું બોલે છે? દરેક માણસે ક્યારેક તો એવું કહ્યું જ હોય છે કે, ભગવાન પણ મારી સામે નથી જોતો! ભગવાન જેવું કંઈ છે કે નહીં? માણસ જો ભગવાનને પણ ન છોડતો હોય તો માણસને ક્યાંથી છોડવાનો? બદદુઆ આપવાથી બદદુઆ લાગી જતી નથી. બદદુઆ લાગતી હોત તો ક્યારનુંય કેટલું બધું ખતમ થઈ ગયું હોત! હા,કોઈનું દિલ ન દુભાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. આપણે કહીએ છીએ કે, કોઈની ‘હાય’ લાગે છે. જાણીજોઈને કોઈના દિલને ઠેસ ન પહોંચાડો તો તમારે કોઈ બદદુઆથી ડરવાની જરૂર નથી. ક્યારેક એવું થઈ જાય તો ખરા દિલથી સોરી કહી દો. સામેના માણસની તો ખબર નહીં, પણ તમને તો હળવાશ લાગશે જ.
તમે જો સાચા રસ્તે હોવ અને કોઈ ખોટું કામ કરતાં ન હોવ તો પછી કોણ શું કહે છે એની પરવા ન કરો. બે મિત્રો હતા. એક મિત્રએ બીજા મિત્રને કહ્યું કે પેલો તારા વિશે ખરાબ બોલતો હતો. બીજા મિત્રએ કહ્યું કે હશે જવા દે. મિત્રએ કહ્યું કે તને કેમ એના ખરાબ બોલવાથી કંઈ અસર નથી થતી? મિત્રએ જવાબ આપ્યો, એટલા માટે કે એ કોઈ દિવસ કોઈનું સારું બોલ્યો જ નથી! જે માણસ કોઈ દિવસ કોઈનું સારું બોલતો ન હોય એ ખરાબ બોલે તો એની ચિંતા ન કરવી. હા, જે માણસ સાચું બોલતો હોય એની નોંધ ચોક્કસપણે લેવી. એ બોલે છે એમાં કેટલું સાચું છે? જો એની વાત સાચી હોય તો આપણામાં સુધારો કરવાનો પ્રયાસ કરવો. બધા જ બધું ખોટું બોલતા હોય એવું જરૂરી નથી. શું બોલે છે એના કરતાં પણ કોણ બોલે છે એ મહત્ત્વનું છે.
બાય ધ વે, તમે કોના વિશે શું બોલો છો, એના વિશે કંઈ વિચાર કર્યો છે ખરાં? આપણે કેવા છીએ એની છાપ આપણે કોના વિશે કેવું બોલીએ છીએ એના ઉપરથી જ નક્કી થતી હોય છે. ‘વાંકદેખા’ લોકોને બધુ વાંકું જ દેખાય છે. નવ્વાણું વાત સારી હશે તો એને એ ભૂલી જશે અને એક ખરાબ વાતને પકડીને એ કહેશે કે બાકી બધું તો બરાબર, પણ આનું શું છે? અહીં તમે માર ખાઈ ગયા, આ જે રીતે થવું જોઈતું હતું એ રીતે ન થયું, તમે અહીં બેદરકાર રહ્યા, સામેવાળો માણસ સમસમી જાય છે. મનમાં એવું બોલે છે કે આને સારું હોય એ દેખાતું નથી. પ્રોબ્લેમ જ શોધવા છે. એવા ઘણા લોકો હોય છે જે દૂધમાંથી પોરાં કાઢે. અલબત્ત, જો એ માણસ સાચો હોય તો એને એટલી તો ખબર પડતી જ હોય છે કે બીજાં કામ એણે સારાં કર્યાં છે. ઘણા લોકોને વખાણ કરવાની ફાવટ જ હોતી નથી અને ઘણાને મનમાં એવો ખોટો ડર હોય છે કે જો આના વખાણ કરીશ તો એ છકી જશે. બહુ ઓછા સિનિયર, બોસ કે માલિક એવા હોય છે જેને એપ્રિસિએટ કરતાં આવડતું હોય. મોટિવેશન માત્ર ને માત્ર શબ્દોથી જ મળે છે. કંઈ ખર્ચ વગર તમે કોઈ વ્યક્તિને પોતાના બનાવી શકો છો. સંબંધોમાં પણ આવું જ હોય છે. હસીને વાત કરો, ખોટાં વાંક ન કાઢો અને સાચું અને સારું હોય તેનાં વખાણ કરો.
માણસ કોઈના વિશે અભિપ્રાય આપવામાં હંમેશાં ઉતાવળ કરતો હોય છે. જે માણસને આપણે ક્યારેય મળ્યા ન હોય, જેનો આપણને કોઈ સારો કે ખરાબ અનુભવ ન હોય, જેની સાથે ક્યારેય કોઈ પનારો પડયો ન હોય અને કદાચ ભવિષ્યમાં પનારો પડવાનો પણ ન હોય એના વિશે પણ આપણે ફટ દઈને અભિપ્રાય આપી દઈએ છીએ. બધાં બોલતાં હશે એ કંઈ ખોટું થોડું હશે એવું માનીને આપણે કહીએ છીએ કે મને તેનો અનુભવ નથી પણ તેનાથી સાવચેત રહેવા જેવું છે, એવું મેં સાંભળ્યું છે. આપણે કેટલું બધું કોઈ પાસેથી સાંભળ્યું હોય એના આધારે જ ચલાવતા હોઈએ છીએ? કોઈના વિશે અભિપ્રાય આપતા પહેલાં આપણે કદી વિચારીએ છીએ ખરાં કે આપણે તેને અન્યાય તો નથી કરતાને? કોઈ તમારી વાત પરથી કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાના હોય ત્યારે કોઈના વિશે અભિપ્રાય આપતાં પહેલાં સો વાર વિચાર કરવો. આપણે તો આપણે ઓળખતાં હોય તેના વિશે પણ ક્યાં સાચો અભિપ્રાય આપતાં હોઈએ છીએ? આપણને ઓળખતો હોય એટલે એ આપણા માટે સારો થઈ જતો હોય છે! કોઈ તમારા વિશે શું બોલે છે, એની ચિંતા કરવા કરતાં તમે કોઈના વિશે શું બોલો છો એની ચિંતા વધારે કરવાની જરૂર હોય છે. આપણે લોકો વિશે જેવું બોલતાં હોઈશું એવું જ લોકો આપણા વિશે બોલશે. આપણે આપણું ધ્યાન રાખીએ તોપણ એ નાનીસૂની વાત નથી!    
છેલ્લો સીન : 
ખરો મોટો માણસ એ છે, જેને મળીને કોઈને પોતે નાનો છે એવો અહેસાસ ન થાય! -અજ્ઞાાત
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 16 નવેમ્બર, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *