માણસ કેવો છે, એની સાચી ખબર ક્યારે પડે?
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
ગર્વ હું કરતો નથી, એ વાતે હું મગરૂર છું, જાણતો ના હું જ મુજને, એટલો મશહૂર છું,
તારી પાસે પ્હોંચવાની વાત કોરાણે રહી, હું જ મારાથી હજી તો કેટલોય દૂર છું !
– કિસ્મત કુરેશી
દુનિયામાં સૌથી અઘરું જો કોઈ કામ હોય તો એ માણસને ઓળખવાનું છે. દરેક માણસ રહસ્યનું એક એવું પડીકું છે જેની અંદર શું છે એ કળી શકાતું નથી. જે માણસ આગના ગોળા જેવો હોય છે એ જ ક્યારેક બરફનો ટુકડો બની જાય છે. શાંત રહેતો માણસ અચાનક જ આગબબુલા થઈ જતો હોય છે. સંત અને શેતાનમાં માત્ર માનસિકતાનો જ ફર્ક છે. બહુ ઓછા લોકો એવા હોય છે જે પોતાની માનસિકતા ગુમાવતા નથી.
પોતાને ગમતું હોય એની માણસ પૂજા કરતો રહે છે. ન ગમતું હોય એની સાથે ક્રૂર થતાં પણ એ અચકાતો નથી. વંદો જોઈને માણસ એને મારવા દોડે છે. ઝેરી દવાના સ્પ્રેનો વંદા ઉપર છંટકાવ કરીને એને પતાવી દે છે. કોઈને એમાં કંઈ અજુગતું લાગતું નથી કે અરેરાટી થતી નથી. વંદો મારનાર માણસ જ જો પતંગિયાને પકડીને મસળી નાંખે તો આપણને એવું થાય છે કે કેવો ક્રૂર માણસ છે, સુંદર પતંગિયાને મારી નાખતાં એને કંઈ નથી થતું? જીવ તો વંદામાં પણ છે અને પતંગિયામાં પણ છે. માણસની માનસિકતા અને જીવનું વ્યક્તિત્વ માણસ પાસે ચોક્કસ પ્રકારનું વર્તન કરાવતું રહે છે.
એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને પૂછયું કે માણસ કેવો છે એની સાચી ખબર કેવી રીતે પડે? સંતે કહ્યું કે બે પરિસ્થિતિ એવી હોય છે જ્યારે માણસ પરખાઈ જાય છે. એક તો માણસ પાસે કંઈ પણ ન હોય ત્યારે અને બીજું માણસ પાસે બધું જ હોય ત્યારે. આ બે અવસ્થા એવી છે જ્યારે માણસ જેવો હોય એવો રહી શકતો નથી.
કંઈ ન હોય ત્યારે માણસના બગડવાના ચાન્સીસ વધુ હોય છે. મારી પાસે કંઈ નથી પછી મારે ગુમાવવાનું શું છે? માણસ કંઈ જોખમ લેતો હોય ત્યારે એ એટલું વિચારે છે કે વર્સ્ટમાં વર્સ્ટ શું થઈ જવાનું છે? માનો કે એણે જે વર્સ્ટ માન્યું હોય એ થઈ જાય પછી શું? પછી એ વિચારે છે કે જે બગડવાનું હતું એ તો બગડી ગયું, મારું ખરાબ થવાનું હતું એટલું થઈ ગયું. હવે હું બતાડી દેવાનો છું. જુદા પડતી વખતે ઘણાં માણસો એટલા બધા હિંસક બની જાય છે કે આપણને એવું થાય કે જો તો આ માણસે કેવો રંગ બદલી નાખ્યો?
સાચો માણસ હોય એ એવું વિચારે છે કે મેં ભલે બધું ગુમાવ્યું પણ મેં મારી જાત, મારું માન અને મારી મર્યાદા ગુમાવ્યાં નથી. મારો ગ્રેસ મારી પાસે છે. મારાથી અમુક ન થાય એ ન જ થાય. મારી પરિસ્થિતિ ભલે બદલાઈ પણ હું શા માટે બદલાઉં? હું તો જેવો છું એવો જ રહીશ. જેની પાસે કંઈ ન હોય એવા ઘણાં માણસો ઘૂંટણિયા ટેકવી દે છે. આજીજી કરતાં રહે છે. યાચક બની જાય છે. મદદ માંગવી અને ભીખ માંગવી એમાં ફર્ક છે. માણસે પોતાની જાતને એટલી નીચી પણ પાડવી ન જોઇએ કે કોઈ એની દયા ખાય !
માણસ કેવો છે એની બીજી પરખ જ્યારે માણસ પાસે બધું જ હોય ત્યારે થાય છે. જ્યારે માણસ પાસે બધું જ આવી જાય ત્યારે સાથોસાથ અહમ્ આવી જવાની શક્યતા સૌથી વધુ રહે છે. શક્તિ ઘણી વખત શાણપણ ગુમાવી દે છે. હું તાકાતવર છું. મારું કોઈ શું બગાડી લેવાનું છે? કોની ત્રેવડ છે કે મારો વાળ પણ વાંકો કરી શકે. એક ફિલોસોફરે સરસ વાત કરી છે કે માણસની ઔકાત જોવી હોય તો એને એક વખત સત્તાસ્થાને બેસાડી દો. સત્તા અને સંપત્તિ બે એવી ચીજ છે જેને પચાવતાં બહુ ઓછા લોકોને આવડે છે. બધા હા જી હા કરતાં હોય ત્યારે સ્વસ્થ અને તટસ્થ રહેવું સૌથી વધુ આકરું હોય છે.
જ્યારે કંઈ પણ ન હોય અથવા તો જ્યારે બધું જ હોય ત્યારે માણસના સંસ્કાર મપાઈ જાય છે. સંસ્કાર અને કુસંસ્કાર માણસની અંદર જ હોય છે અને સમય આવે એ બહાર આવી જતાં હોય છે. જેને પ્રકાશનું ગૌરવ છે એ અંધકારમાં પણ ઉજળો રહે છે. કોઇ જોતું ન હોય ત્યારે માણસ જેવો રહે એવો જ એ હોય છે. એક માણસ પાસે કંઈ ન હતું. એક વખત તેને એક સોનામહોર મળી. બે ઘડી તેને થયું કે મારી પાસે કંઇ નથી. આ સોનામહોર હું લઇ લઉં. કોને ખબર પડવાની છે? કોઇ જોતું નથી.આ જ માણસને પછી વિચાર આવ્યો કે કોઈ નથી જોતું એ વાત સાચી પણ હું તો જોઉં છુંને! કોઇને ખબર નથી પણ મને તો ખબર છે ને કે આ ખોટું છે!
માણસને આખી દુનિયાની શરમ નડતી હોય છે, માત્ર પોતાની શરમ જ નડતી હોતી નથી! લોકો પાસે સારા થઈને ફરનારા પોતે ખરેખર કેટલાં સારા છે એ ક્યારેય ચકાસતા નથી. સારું શીખવું પડતું હોય છે અને ખરાબ આવડી જતું હોય છે, કારણ કે ખરાબ થવું બહુ સહેલું છે. કોઈ ચોરે ક્યારેય ચોરી કરવાના ક્લાસ ભર્યા હોતા નથી, છતાં એને કેમ આવડી જાય છે? જે સાવ ઈઝી હોય એનાથી વધુ સાવચેત રહેવાની જરૂર હોય છે.
સારા હોવું સારું છે પણ સારા રહેવું અઘરું છે. સારું આવી જાય પછી ખરાબ હોય એ દરવાજે આવીને ઊભું રહી જાય છે. સારું ચૂપકીદીથી આવે છે પણ ખરાબ સતત દરવાજા ખખડાવતું રહે છે. આપણને ખબર હોવી જોઈએ કે આને અંદર આવવા દેવાનું નથી. ઘણાં લોકો એવા હોય છે જે ખૂબ આગળ આવી ગયા હોવા છતાં એવા ને એવા રહે છે. બાકી તો માણસ છકી જાય છે. હવામાં આવી જાય છે. જે માણસ ફુલાઈને હવામાં આવી નથી જતો એના માટે જ લોકો એવું કહેતાં હોય છે કે એકદમ ડાઉન ટુ અર્થ માણસ છે.
રઈસી અને ઐયાશીમાં ફર્ક છે. સંપત્તિ આવી જાય પછી તમે કોને આવવા દો છો એના ઉપરથી સંપત્તિની સાર્થકતા અને વિનાશકતા નક્કી થાય છે. આપણે ઘણાં લોકોને જોતાં હોઈએ છે જે સમય મુજબ બદલાતાં રહે છે. એની પાસે કંઈ હતું નહીં ત્યારે એ એટલો બધો સીધો હતો, હવે એ બદલાઈ ગયો છે, પહેલાં જેવો નથી રહ્યો. ઘણાં લોકો માટે આવી વાત સાંભળવા મળે છે. પહેલાં જેવો એટલે કેવો? આપણે નક્કી કરી નથી શકતા કે અગાઉ હતો એ સાચો હતો કે અત્યારે જે છે એ સાચો છે?
ઘણાં લોકો સફળ થાય પછી એકલા થઈ જતાં હોય છે, કારણ કે સફળ થવા તેણે બધાંનો ઉપયોગ કરી લીધો હોય છે. સારપ સાથે આવતી સફળતા જ સાચી સફળતા હોય છે અને એ જ ટકતી હોય છે. ઘણાં લોકો બધાના રસ્તા કાપીને આગળ તો નીકળી જાય છે પણ જ્યારે પાછું વળીને જુએ છે ત્યારે કોઇ નથી હોતું, પછી એ કહે છે કે મારું કોઈ નથી. મારું કોઈ નથી એવું કહેનારાએ એક વાર એ પણ વિચારવું જોઇએ કે હું કોઇનો છું ખરો. તમે કોઇના હોવ તો જ તમારું કોઇ હોય. તમે કોઇના ન હોવ અને બધા લોકો તમારા રહે એવું તમે ઈચ્છતા હોય તો તમે ખોટા જ ભ્રમમાં રાચો છો. કંઇ ન હોય ત્યારે અને બધું જ હોય ત્યારે એકસરખું જ વર્તન કરતાં લોકોનો આદર કરો, કારણ કે એ પછી જે હોય છે એ જ સંસ્કાર છે. સંસ્કારને કોઇ આકાર નથી હોતો, છતાં એ દેખાઈ આવતાં હોય છે.
છેલ્લો સીન
તમારા પોતાના વિશે બહુ વાત ન કરશો, કારણ કે તમારા ગયા પછી લોકો એ કરવાના જ છે. -એડિસન
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 12 જાન્યુઆરી, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com