તમને ખબર છે, તમે અત્યારે સુખી જ છો!

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
તારી નજરની બહાર ગયો તો નથીસનમ! ચીલો મેં ચાતર્યો જ નથીએમ પણ નથી,
દોસ્તોહવે તો મારી હયાતીને દુવા દો! કહેશો મા કે મર્યો જ નથીએમ પણ નથી.
મકરન્દ દવે

સુખનું સૌથી મોટું દુઃખ શું છે? સુખનું સૌથી મોટું દુઃખ એ છે કે એ જાય પછી જ આપણને સમજાય છે કે એ સુખ હતું! આપણે સુખને અનુભવતા નથી, સુખને માત્ર વાગોળતા રહીએ છીએ. સુખી હોઈએ ત્યારે આપણને ખબર જ નથી હોતી કે આપણે સુખી છીએ. થોડીક જૂની તસવીરો કાઢીને એના ઉપર નજર માંડજો. એમ થશે કે કેવી સરસ ક્ષણો હતી! એ તસવીર લેવાતી હશે ત્યારે તમને અહેસાસ નહીં હોય કે હું અત્યારે સુખી છું. જૂના મિત્રો, જૂની વાતો, જૂની ઘટનાઓ અને જૂની ક્ષણો આપણને કેમ સારી લાગતી રહી છે? કારણ કે એ આપણે દિલથી જીવ્યા હોઈએ છીએ.
હા, બધું એવું નથી હોતું જે સારું જ હોય છે. કેટલીક ઘટનાઓ જિંદગીભર આપણને ખૂંચતી રહે છે. થોડીક કડવી યાદો, માઠા પ્રસંગો, ખરાબ સમય અને બીજું ઘણું બધું આપણે ભૂલવા મથતાં હોઈએ છીએ પણ ભૂલી શકાતું નથી. સુખને યાદ કરવું પડતું હોય છે અને દુઃખ ચડી આવતું હોય છે. દુઃખ ધસમસતું આવે છે. દુઃખ આપણને ઘેરી લે છે. માણસ સુખી એટલા માટે પણ થઈ શકતો નથી કારણ કે એ દુઃખને ભૂલતો નથી. દુઃખને જેટલું ઘાટું કરશો એટલું એને ભૂંસતા વાર લાગશે. કુદરતે દરેકને એક ચેક રબર આપ્યું છે. તમે શું ભૂંસો છો અને શું નથી ભૂંસતા એના પરથી નક્કી થાય છે કે તમારે કેવા રહેવું છે, સુખી કે દુઃખી? આ ચેક રબરનું નામ છે, ભૂલી જવું. સુખી થવાનો સૌથી મોટો ઉપાય છે ભૂંસી નાખો અને ભૂલી જાવ. યાદ રાખવા જેવું જ યાદ રાખવું એ સુખી થવા માટે ફરિજયાત છે.
તમને ખબર છે કે તમે અત્યારે સુખી છો? માનો તો! પણ આપણે માનતા નથી. આપણને આપણે દુઃખી છીએ એવું માનવાનું ફાવી ગયું હોય છે. આ વાંચવાનું બાજુએ મૂકીને વિચારશો તો કદાચ એવું પણ લાગશે કે ક્યાં સુખી છીએ? દુઃખ સિવાય જિંદગીમાં બીજું છે શું? કેટલી બધી ઉપાધિ છે? કામની ચિંતા, ઘરની ઉપાધિ, બાળકોની ફ્કિર, લોનનો ત્રાસ, કામ પતતાં નથી અને બે છેડા ભેગા થતા નથી. હા, આવું હોય છે, બધાને હોય છે. આવી સ્થિતિમાંથી કોઈ જ બાકાત નથી. સાવ સુખી તો કોઈ જ નહીં હોવાનું. સુખ અને દુઃખ તો જિંદગીનાં પેકેજ ડીલ છે. એ સાથે જ મળવાનાં. જોડાજોડ જ ચાલવાનાં.
એક ટ્રકચાલક હતો. રૂપિયા કમાવવા અને ઘર ચલાવવા એ ખૂબ મહેનત કરતો. તકલીફો હતી છતાં એ ખુશ રહેતો. ટ્રક ચલાવતી વખતે મજાથી ગીતો ગાતો. એને એક વખત પૂછવામાં આવ્યું કે તું આટલો ખુશ કેવી રીતે રહી શકે છે? તેણે કહ્યું કે હું પણ ખૂબ દુઃખી રહેતો. મારી જાતને કોસતો. આ તે કંઈ જિંદગી છે? મારે આ ભારખટારો જ ખેંચવાનો. આખી જિંદગી આમાં જ ચાલી જશે? સુખ મારા માટે છે જ નહીં? આવા બધા વિચારો મને આવતા હતા. એવામાં એક દિવસ એક ઘટના બની. મારી ટ્રકનું આગળનું ટાયર નબળું પડી ગયું. ગમે ત્યારે એ ટાયર ફાટી જાય એમ હતું અને મારી ટ્રક અટકી જાય એવી સ્થિતિ હતી. શું કરવું એની ચિંતા કરતો હતો. મારા ક્લીનરે એ પછી જે વાત કરી તેનાથી મારી આંખો ઊઘડી ગઈ. ક્લીનરે કહ્યું કે ચિંતાનું કંઈ કારણ નથી. એક કામ કરો, આગળનું ટાયર કાઢીને પાછળનાં બે ટાયર એટલે કે જોટામાં નાખી દો. જોટાનાં ટાયર સારાં છે. તેમાંથી એક ટાયર કાઢી આગળ નાખી દો. નબળું ટાયર પાછળ નાખી દેશો તો એ બીજા સારા ટાયર સાથે ટકી જશે. આ જ વાતે મને શીખવાડયું કે સુખને આગળ રાખો અને દુઃખને જોટામાં મૂકી દો. જો દુઃખને જ વાગોળતો રહીશ તો એક દિવસ દુઃખ ફાટી જશે અને ગાડી અટકી જશે. એ દિવસથી જે સુખ આપે એવું હોય એને હું આગળ રાખું છું અને ખુશ કરું છું.
સુખની રાહ ન જુઓ. જે સુખ છે તેને અનુભવો. આપણી તકલીફ એ છે કે આપણે સુખનું પ્લાનિંગ જ કરતા રહીએ છીએ. સુખની રાહ જ જોતાં રહીએ છીએ. સુખની રાહ જોવામાં સુખ અનુભવતા નથી. આપણે સુખને શોધતા હોઈએ છીએ ત્યારે સુખ આપણાં બારણે ટકોરા મારતું હોય છે. આપણે બારણું ખોલતા નથી. આપણે કહીએ છીએ, હમણાં નહીં, હમણાં હું સુખ શોધું છું! સુખની શોધમાં આપણે દુઃખી થતાં રહીએ છીએ અને ટકોરા દેતાં સુખને આવવા દેતા નથી. જે મળશે કે નહીં એ નક્કી નથી હોતું તેની પાછળ આપણે દોડતાં હોઈએ છીએ અને જે હોય છે એની ઉપર નજર સુધ્ધાં નાખતાં નથી.
સુખ તો હોય જ છે, આપણને એની પરવા રહેતી નથી. આપણે મોટા સુખ માટે મરીએ છીએ અને એમાં જ નાનાં-નાનાં સુખની કતલ કરતાં રહીએ છીએ. સુખી થવા માટે બીજી એક જરૂર એ હોય છે કે તમે તમારી જાતની કોઈની સાથે સરખામણી ન કરો. સરખામણી કરતા રહેશો તો તમારી પાસે જે છે એ તમને નાનું અને નક્કામું જ લાગશે. મારી પાસે તો કંઈ છે જ નહીં, બીજા લોકો પાસે કેટલું બધું છે. મારા કરતાં મારો મિત્ર વધુ સુખી છે. તેની પાસે કાર છે, બંગલો છે, સાધનો છે અને મારી પાસે તો કંઈ નથી. આપણે જ જો આપણી જાતને નાની અને ઓછી આંકીએ તો આપણું સુખ આપણને ક્યારેય સુખી ન કરી શકે.
એક માણસ એક સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે મારી પાસે કંઈ નથી. સંતે કહ્યું કે તારી પાસે બધું જ છે જે બીજા લોકો પાસે છે. બીજા જેવું જ શરીર છે, હાથ-પગ છે, આંખ, કાન, નાક છે, દિમાગ છે અને દિલ પણ છે. તું કેમ એમ કહે છે કે મારી પાસે કંઈ નથી? પેલા માણસે કહ્યું કે બીજા લોકો પાસે કેટલું બધું છે! જમીન, મકાન, મિલકત, સાધન-સામગ્રી, સુવિધા અને બીજું કેટલું બધું હોય છે. સંતે કહ્યું કે તારી પાસે બીજા જેટલું ભલે ન હોય પણ તારા પૂરતું તો છે જ ને! પછી દુઃખી શા માટે થાય છે?
પેલા માણસને સંતની વાતથી સંતોષ ન થયો. આખરે સંત તેને બહાર લઈ ગયા. ફળિયામાં ઝાડ ઊગેલાં હતાં. સામે બે પીપળા હતા. સંતે કહ્યું કે આ પીપળા સામે જો, બંનેનાં પાંદડાં સરખાં છે? એકમાં ઓછાં છે અને બીજામાં વધુ છે. એટલે શું ઝાડનું મહત્ત્વ ઘટી જાય છે? સંત એ માણસને બીજા ઝાડ તરફ લઈ ગયા. આંબાના એ ઝાડ ઉપર કેરી ઊગેલી હતી. સંતે કહ્યું કે, બંને આંબાની કેરી ગણી જો. એકસરખી છે? નથી! એકમાં ઓછી છે અને એકમાં વધુ છે. ઓછી-વધુ હોવાથી ઝાડનું મહત્ત્વ ઘટી જાય છે? બંનેની કેરી તોડીને ચાખી જો, મીઠાશ એકસરખી જ છે. એ પછી સંત તેને બગીચામાં લઈ ગયા. ગુલાબના બે છોડ હતા. એકમાં થોડાં ફૂલ હતાં અને બીજામાં વધુ ફૂલ હતાં. સંતે બંને છોડમાંથી એક-એક ગુલાબ તોડયું. પેલા માણસને આપ્યું અને કહ્યું કે હવે આ ગુલાબને સૂંઘી જો. બંનેમાંથી એકસરખી સુગંધ આવે છે ને? કુદરતનું કોઈ તત્વ એકબીજા સાથે પોતાની સરખામણી નથી કરતું અને એકસરખો જ સ્વાદ અને સુગંધ આપે છે. માત્ર માણસ જ બીજા માણસ સાથે પોતાની સરખામણી કરતો રહે છે અને પોતાને ઊંચો-નીચો, સક્ષમ-નિર્બળ કે સુખી અથવા દુઃખી માનતો રહે છે.
સુખ તો આપણી પાસે જ છે અને આપણી સાથે જ છે. જે પોતાને દુઃખી સમજે છે એ ક્યારેય સુખી થઈ શકતો નથી. આપણને ખબર જ હોતી નથી કે આપણે સુખી છીએ. જેને એ ખબર હોય છે એ સુખી જ છે. દુઃખને પકડી ન રાખો અને સુખની પાછળ ન દોડો. અત્યારે જે છે એનો આનંદ માણો, યાદ રાખો અત્યારે છે એ જ સુખ છે. સમયની દરેક ક્ષણે તમને સુખી જ કરવા છે, તમારે સુખી થવું છે ખરું?         
છેલ્લો સીન:
તમે માણસને કશું શીખવી શકતા નથી. તમે તો માત્ર એને એની અંદર જે કંઈ છે તેને શોધી કાઢવામાં મદદ કરી શકો છો. ગેલેલિયો.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 19 જાન્યુઆરી, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *