આપણે કેટલી અને કેવી જિંદગી જીવીએ છીએ?
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
આથી વધુ શું હોય ખુલાસો કે હું નથીચાલો શરૂ કરી દો તમાશો કે હું નથી.
એ તો ફક્ત છે મારા વિચારો કે હું નથીથોડી વધારો મારી વ્યથાઓ કે હું નથી.
હરીન્દ્ર દવે

એક જ જિંદગી મળી છે, એને પૂરેપૂરી જીવી લો, આવું આપણે બોલતાં અને સાંભળતાં રહીએ છીએ. ખરેખર આપણે એક જિંદગી જીવતા હોઈએ છીએ ખરાં? ના. આપણે એક જિંદગી નથી જીવતા. આપણે એક જિંદગીમાં અનેક જિંદગી જીવતા હોઈએ છીએ. બહુ ઓછા લોકો જેવું જીવતા હોય એવા જ હોય છે અથવા તો જેવા હોય એવું જ જીવતા હોય છે. મોટા ભાગના લોકો એક જિંદગીમાં ત્રણ જિંદગી જીવતા હોય છે. એક જાહેર જિંદગી, બીજી ખાનગી જિંદગી અને ત્રીજી પોતાની સાથે જ જિવાતી જિંદગી. ત્રણેયમાં માણસ એક હોય છે પણ વ્યક્તિત્વ જુદું જુદું હોય છે.
બહાર ડાહ્યો થઈને ફરતો માણસ પોતાના લોકો સાથે જ બદમાશ હોઈ શકે છે. એ જ માણસ વળી વિચારોથી સાવ જુદો જ હોય છે. ઘણી વખત કેટલાક માણસો આપણને સમજાતા હોતા નથી. એના મનમાં ખરેખર શું ચાલી રહ્યું છે એ કળી શકાતું નથી. રહસ્યમય પ્રકૃતિ ઘણાની ફિતરત હોય છે. આવા લોકો વિશે એવી છાપ હોય છે કે એનો કંઈ ભરોસો નહીં, એ ગમે ત્યારે ગમે તે કરે. દઈ દે તો રાજપાટ દઈ દે અને લઈ લે તો છેલ્લો રૂપિયો પણ લઈ લે. અમુક લોકો વિશે આપણે છાતી ઠોકીને કહી શકતા હોઈએ છીએ કે ગમે તે થાય એ આ હદ સુધી તો ન જ જાય.
એક પરિવારના બે ભાઈઓ વચ્ચે ઝઘડો હતો. બંનેમાંથી કોઈ કંઈ વાત સમજવા તૈયાર જ ન થાય. મારો કક્કો જ સાચો. હું કહું એ જ સત્ય. મેં નક્કી કર્યું એમાં કોઈ બાંધછોડ નહીં. પરિવારના એક સભ્યએ એક વડીલ, વિદ્વાન અને ડાહ્યા માણસનો સંપર્ક કર્યો. તેને કહ્યું કે તમે આ બંને ભાઈઓ વચ્ચે મધ્યસ્થી બની સમાધાન કરાવો. આ વડીલે ના પાડી. તેણે કહ્યું કે ઝઘડામાં તો જ પડાય જો બંને વ્યક્તિ સમજુ હોય, અથવા તો એક વ્યક્તિ એવી હોય જે આપણે કહીએ તેને સ્વીકારે. બીજી એક વાત એ કે એ બંનેની ઇચ્છા પણ કોઈ વચલો રસ્તો કાઢવાની હોવી જોઈએ. એ બંને ભાઈઓ તો પોતાના રસ્તાને જ સાચો માને છે એટલે વચલો રસ્તો નીકળી જ ન શકે. મારે વચ્ચે પડી મારી આબરૂ દાવ પર લગાવવી નથી. પોતાની વાતને જ સાચી માનનારાઓના ઝઘડામાં પણ કોઈ પડતું નથી. આવા લોકોથી તો છેટા જ સારા. આગ બુઝાવવા જવાનું હોય ત્યારે એવો ડર લાગતો હોય છે કે ક્યાંય આપણે દાઝી ન જઈએ.
તમે ક્યારેય તમારી જાતને એવો સવાલ પૂછયો છે કે હું જેવો છું એવું જ જીવું છું? જેવા તમારા વિચારો છે એવું જ તમારું વર્તન છે? તમે જે માનો છો એને વળગી રહો છો? એક માટે જેવું તમારું મંતવ્ય છે એવું જ બધાં માટે છે? આખી દુનિયાનો ન્યાય તોળતો માણસ જ્યારે એ જ વાત પોતાના પર આવે ત્યારે બદલાઈ જતો હોય છે. પોતે આખી દુનિયા સામે બગાવત કરી પ્રેમલગ્ન કર્યાં હોય છતાં જ્યારે દીકરો કે દીકરી લવમેરેજની વાત કરે ત્યારે એ મૂંગો થઈ જાય છે. એવી દલીલ કરે છે કે અમારી વાત જુદી હતી. તમે જે કરો છો એ વાજબી નથી. વજન કરવાનાં કાટલાં બદલાઈ જતાં હોય છે. પોતે અનેક ભૂલો કરી હોય તેનો વાંધો નહીં પણ પોતાનાં જ બાળકો નાની સરખી ભૂલ કરે ત્યારે બાંયો ચડાવી લેતા હોય છે. મોઢું ફેરવી લેતા હોય છે. સિદ્ધાંત અને આદર્શની વાતો કરનારા પણ પોતાની માથે આવે ત્યારે પાણીમાં બેસી જતા હોય છે. આપણે ઠોકી બેસાડતા હોઈએ છીએ કે આ સાચું છે, આ ખોટું છે, આ ભૂલ છે, આ યોગ્ય છે, આ વાજબી નથી, પોતે જે માનતા હોય એ જ સાચું. હું કહું એ જ બ્રહ્મવાક્ય. બાકીના કહે એ મિથ્યા. તમારાં સંતાનો કે તમારાં સ્વજનો તમારી વાત માનતાં હોય ત્યારે તમારી સૌથી મોટી જવાબદારી એ હોય છે કે તમારા આગ્રહો અને દુરાગ્રહો તેના પર ઠોકી ન બેસાડો. તમારી માન્યતાઓ સિવાયની બીજી ઘણી માન્યતાઓ હોય છે. તમારી ધારણાઓ તમારા માટે સાચી હોય તો પણ એ બધાં માટે સાચી હોય એ જરૂરી નથી. આખી જિંદગી જૂઠના સહારે કાઢનાર લોકો બીજાની વાત આવે ત્યારે સત્યવાદીઓ થઈ જતાં હોય છે.
દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને વફાદાર રહેનારા વીરલા બહુ ઓછા હોય છે. આપણા સિદ્ધાંતો, આદર્શો, માન્યતાઓ ઘણી વખત કડડડભૂસ થઈ ઘૂંટણિયા ટેકવી દેતી હોય છે. ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલની આ સાવ સાચી વાત છે. રામપ્રસાદને ફાંસી આપવાની હતી. જે દિવસે ફાંસી હતી એની આગલી રાતે પણ એ સમયસર ઊંઘી ગયા. રોજના ક્રમ મુજબ જ સવારે ઊઠી ગયા. ફ્રેશ થઈ કસરત કરવા લાગ્યા. જેલરથી રહેવાયું નહીં. જેલરે રામપ્રસાદને કહ્યું કે એક કલાક પછી તો તમને ફાંસી આપવાની છે અને તમે અત્યારે કસરત કરો છો, તમને કોઈ ભય નથી લાગતો? રામપ્રસાદે કહ્યું કે આખી જિંદગી હું મારા નિયમો, સિદ્ધાંતો અને આદર્શો મુજબ જીવ્યો છું અને હવે જો ડરી કે ડગી જાઉં તો તો મારી જિંદગી લાજે. જે જ્યારે થવાનું હશે ત્યારે થશે, એના માટે હું જે કરું છું એ શા માટે છોડી દઉં? ગળામાં ગાળિયો પહેરાવાયો ત્યાં સુધી એ સ્વસ્થ હતા. આપણે એક નાનકડી વાતે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. આપણા નિર્ણયો, નિયમો અને સિદ્ધાંતો નેવે મૂકી દઈએ છીએ. માણસ પોતાને અનુકૂળ હોય ત્યાં જ સુધી જ આદર્શોને વળગી રહે છે.
એક મજાકની વાત છે. એક ડીલ માટે અમુક લોકો ભેગા થયા હતા. આ વખતે એક માણસે ઊંચા અવાજે કહ્યું કે મારા માટે મારા સિદ્ધાંતો મહત્ત્વના છે. એ રીતે જ બધું થશે. એણે પોતાના સિદ્ધાંતો કહ્યા. બીજા લોકોને એ મંજૂર ન હતા. બધાંએ ના પાડી દીધી. જે માણસે સિદ્ધાંતની વાત કરી હતી તેને થયું કે હવે તો આખો ખેલ બગડી જશે. તેણે ઊભા થઈને કહ્યું કે તમને મારા સિદ્ધાંતો માન્ય ન હોય તો કંઈ વાંધો નહીં, મારી પાસે બીજા સિદ્ધાંતો પણ છે. પોતાના સ્વાર્થ માટે માણસ સિદ્ધાંતોની પણ જુદી જુદી પોટલીઓ લઈને ફરતો હોય છે જ્યાં જે પોટલીથી કામ પતે એમ હોય એનાથી પતાવી લેવાનું.
માણસ કોઈ એક વાત પર ટકી શકતો નથી. ગમે એવી છે મારી માન્યતા છે એવું વિચારીને પણ જીવતો નથી. ફાયદો અને ગેરફાયદો જોઈ માન્યતા બદલતો રહે છે. એક વાતને બધાં વળગી રહી શકતા નથી. ઓશો રજનીશ રાયપુરની સંસ્કૃત કોલેજમાં ફિલોસોફીના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. રજનીશ પોતે જે માનતા એવી રીતે જ જીવતા. કોલેજ જાય ત્યારે એ દાઢી ન કરતા. બીજા પ્રોફેસરો ક્લીન શેવ કરીને આવતા. દાઢી ન કરીએ તો સ્ટુડન્ટ્સ ઉપર કેવી અસર પડે? રજનીશ પોતાની રીતે જ જીવે. એક વખત કોલેજના પ્રિન્સિપાલે તેમને કહ્યું કે, રજનીશજી, તમે દાઢી કરીને કેમ નથી આવતા? રજનીશ હસવા લાગ્યા. તેમણે કહ્યું કે જે કુદરતી છે એ જ સત્ય છે. હું કુદરતને માનું છું. દાઢી ઊગવી એ કુદરતી છે. દાઢી કરવી એ તો કૃત્રિમતા છે. છતાં જે કરે છે એની સામે મને કોઈ વાંધો નથી. હું કુદરતી રીતે જીવું છું, એમાં પણ કોઈને વાંધો ન હોવો જોઈએ.
એક જિંદગીમાં બે ત્રણ જિંદગી જીવનારો માણસ જ જિંદગીથી થાકી જતો હોય છે. સહજ અને સ્વાભાવિક તો એક જ જિંદગી હોય છે. આપણે જેવા છીએ એવી જ રીતે જીવીએ તો જ જિંદગી જીવવા જેવી લાગે છે. તમે જુદી જુદી જિંદગી જીવતા હોય તો એક કરી જોજો, જેવા છો એમ જ રહો, ખરેખર ખૂબ જ હળવાશ અને શાંતિ લાગશે.
છેલ્લો સીન :
સમાજ એ કૃત્રિમ ચહેરો છે. જ્યાં દરેક વ્યક્તિ પોતાનું સાચું ચારિત્ર્ય છુપાવે છે અને તે સંતાડવાના કારણે જ તે બહાર પડે છે.-એમર્સન
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 5 જાન્યુઆરી, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *