Gen Z બિન્ધાસત હશે પણ બુદ્ધિ વગરની નથી -દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

Gen Z બિન્ધાસત હશે
પણ બુદ્ધિ વગરની નથી

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

Gen Zની માનસિકતા અને માન્યતાઓ વિશે બહુ બધી વાતો થઇ રહી છે.
ઘણા લોકો જેન ઝીને વગોવે છે પણ સાવ એવું નથી.
લાઇફ અને કરિયર માટે જેન ઝી ફોકસ્ડ અને ક્લિયર છે.
હા, તેના વિચારો ચોક્કસ થોડાક અલગ છે!


———–

માત્ર આપણા દેશમાં જ નહીં, આખી દુનિયામાં અત્યારે જેન ઝીની ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે. નેપાળમાં જેન ઝીએ સત્તાપલટો કરાવી નાખ્યો. ફ્રાંસ સહિત અનેક દેશોમાં જેન ઝી સરકારની સામે મેદાને પડી. આ તો આંદોલનોની વાત થઇ, એ સિવાય પણ તમામ ક્ષેત્રમાં જેન ઝીના પ્લસ અને માઇનસ પોઇન્ટ્સની વાતો થતી રહે છે. જેન ઝીને વગોવવામાં આવી રહી છે. ઓફિસના સિનિયર્સોના મોઢે એવું સાંભળવા મળે છે કે, જેન ઝીનું કામમાં ધ્યાન નથી હોતું. એ ફોકસ્ડ નથી. એ કોઇને રિસ્પેક્ટ કરતા નથી. પોતાની મસ્તીમાં જ પડ્યા હોય છે. સાવ કેર ફ્રી જનરેશન છે. રિલેશન્સને પણ બહુ લાઇટલી લે છે. એના મૂડ અને માનસિકતા બદલતા રહે છે. મોબાઇલ સિવાય કશામાં રસ નથી. આ અને આના જેવી બીજી અનેક વાતો કરીને જેન ઝી વિશે ઘસાતું બોલાતું રહે છે. જેન ઝી વિશેનો હમણાંનો એક રસપ્રદ સરવે એવું કહે છે કે, જેન ઝીને અગાઉની જનરેશન કરતા નબળી સમજવાની ભૂલ જરાયે કરવા જેવી નથી. એ વાતથી ઇન્કાર થઇ શકે એમ નથી કે, જેન ઝી જનરેશન જુદી છે પણ એ તો અગાઉની જનરેશનો પણ એવી જ હતી. દરેક જનરેશનની ખૂબીઓ અને ખામીઓ હોય છે. જનરેશન ઝી બિન્ધાસ્ત હશે પણ એ બુદ્ધિ વગરની જરાયે નથી. એ લોકોની માન્યતાઓ અને માનસિકતાઓ તદ્ન જુદી છે. જેન ઝી અનેક મામલે વધુ સારા અને સક્ષમ છે. જિંદગી, કરિયર, સંબંધો, પ્રેમ સહિતની તેઓની પોતાની માન્યતાઓ છે. તેઓ કોઇ બંધન સહન કરી શકતા નથી. પોતાની રીતે જીવવા ઇચ્છે છે. તેમના ફંડા એકદમ ક્લિયર છે. તેમના અનેક ઇશ્યૂઝ પણ છે. જનરેશન ગેપની વાતો આપણે સમજતા થયા ત્યારથી થતી આવી છે. અગાઉના સમયમાં પાંચ વર્ષે જનરેશન બદલાતી હતી, હવે તો દર વર્ષે બધું બદલાતું જાય છે. જનરેશન ઝી સમજતી નથી એવું વડીલો કહે છે ત્યારે જનરેશન ઝી પીપલ પણ એવો સવાલ કરે છે કે, તમે અમને કેટલા સમજો છો? સમજો નહીં તો પછી સ્વીકારવાની તો વાત જ ક્યાં આવી? તમે તમને જ સાચા માનો તો સમસ્યાઓ થવાની જ છે.
વેલ, જનરેશન ઝી એટલે શું? જનરેશન ઝી એટલે એવા લોકો જેમનો જન્મ 1997થી 2012 દરમિયાન થયો છે. બીજી રીતે કહેવું હોય તો એવા લોકો જે આજે 13થી 28 વર્ષના છે. આ જનરેશન એવી છે જેમાં ટીનએજર્સ અને યંગસ્ટર્સનો સમાવેશ થાય છે. તેમાં એવા લોકો પણ છે જે ભણી રહ્યા છે અને એવા લોકો પણ છે જે જોબ કરે છે અને પોતાની જાતને સાબિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ એવી જનરેશન છે જેણે જન્મની સાથે જ મોબાઇલ અને ટેક્નોલોજી જોયા છે. સમજણા થયા ત્યારથી તેનું કનેકશન સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ અને મોબાઇલ સાથે રહ્યું છે. આ જનરેશન જ સૌથી વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. મેપ, પેમેન્ટ, શોપિંગ સહિત બધું જ ઓનલાઇન કરે છે. માનસિકતાની વાત કરો તો જેન ઝી પોતાનો મત ધરાવે છે. તેમના વિચારો પરંપરાગત માન્યતાઓથી જુદા પડે છે. તેઓ આસાનીથી દોરવાઇ જતા નથી. જે ચાલી રહ્યું છે તેની સામે તેઓ સવાલ કરે છે અને જવાબ પણ મેળવે છે. રાજકારણ, સમાજ, પર્યાવરણ, ન્યાય અને સમાનતા જેવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા અને જરૂર પડ્યે મેદાનમાં ઉતરી આવતા પણ તેઓ ડરતા કે અચકાતા નથી.
જેન ઝીના અભ્યાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, તેઓ પોતાની રીતે કામ કરવા ટેવાયેલા છે. તેઓ મલ્ટિટાસ્કિંગ છે. એક સાથે અનેક કામો કરવા સક્ષમ છે. અલબત્ત, એક સાથે અનેક કામો કરતા હોવાના કારણે તેમના પર એવો પણ આક્ષેપ થાય છે કે, તેઓ એકેય કામમાં હન્ડ્રેડ પર્સન્ટ હોતા નથી. એને બધું કરવું છે અને રાતોરાત ફેમસ અને પૈસાવાળી થઇ જવું છે. જનરેશન ઝીને આઠ કે નવ કલાકની નોકરીમાં બહુ મજા આવતી નથી. એને ફ્લેક્સિબલ અવર્સવાળી જોબ ગમે છે. મોટા ભાગનાને સ્ટાર્ટઅપ, ફ્રિલાન્સ અને ઓનલાઇન કરિયરમાં રસ છે. આ સરવેમાં એક રસપ્રદ વાત એવી પણ બહાર આવી છે કે, જેન ઝી પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં બેલેન્સ રાખવા ઇચ્છે છે. તેઓ કોઇને કોઇ કારણોસર એ બેલેન્સ જાળવી નથી શકતા એ જુદી વાત છે પણ તેમનો ઇરાદો તો બેલેન્સ જાળવવાનો હોય જ છે.
જેન ઝી પોતાની લાઇફમાં જે થઇ રહ્યું છે એની ખુલ્લા દિલે વાત કરે છે. કંઇ છુપાવતા નથી. તણાવ, ડિપ્રેશન, એંગ્ઝાઇટી, રિલેશનશીપ, લવ, બ્રેકઅપ, મેરેજ જેવા મુદ્દાઓ પર એ ખુલીને વાત કરે છે. કોણ શું કહેશે કે કોને કેવું લાગશે એની એક હદથી વધુ પરવા તેઓ કરતા નથી. ટોક્સિક સંબંધો તેઓ સહન કરતા નથી. આ જનરેશનમાં વધુ બ્રેકઅપ એટલે જ થાય છે, કારણ કે એને જરાકેયે એવું લાગે કે હવે અમારા રિલેશન્સ ટોક્સિક થઇ રહ્યા છે કે થઇ ગયા છે એટલે એ સંબંધો પૂરા કરી નાખે છે. જ્યાં સંબંધો પૂરા કરી શકે એમ ન હોય ત્યાં ઘર્ષણ થાય છે. ખાસ તો માતા પિતા અને પરિવારના કેટલાંક નીતિનિયમો અને રીતરિવાજો સાથે તેઓ સંમત થઇ શકતા નથી. એનો મતલબ જરાયે એવો નથી કે, તેઓ વડીલોને આદર કરતા નથી પણ તેઓ વડીલોને આંખો મીંચીને ફોલો કરતા નથી.
જનરેશન ઝી નવી ટેક્નોલોજી, નવી સિસ્ટમ અને નવી આદતો ફટાફટ અપનાવી લે છે. ઉલટું તેને રોજેરોજ કંઇક નવું જોઇએ છે. અત્યારે બધી એપમાં એટલે જ સતત નવું નવું આપતા રહેવું પડે છે. તમને એ જાણીને કદાચ આશ્ચર્ય થશે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સૌથી વધુ ઉપયોગ જનરેશન ઝી જ કરે છે. એઆઇ ટૂલ્સથી તેઓ સારી રીતે વાકેફ છે. આ જનરેશન રોજ પાંચથી દસ કલાક ઓનલાઇન હોય છે. વર્ચ્યુઅલ વર્લ્ડ સાથે સૌથી નજીકનો નાતો તેમને છે. જેન ઝી ક્રિએટિવ છે. એના મગજમાં સતત કંઇક સર્જનાત્મક ચાલતું રહે છે. એમાંયે જો એને કોઇ સારી તક મળી ગઇ તો એ સોળે કળાએ ખીલી ઉઠે છે. જે લોકો પોતાની કરિયર માટે સ્પષ્ટ છે એ રાત-દિવસ પોતાના સ્ટડીમાં વ્યસ્ત રહે છે અને સફળ થઇ બતાવે છે.
જેન ઝીના થોડાક નેગેટિવ પોઇન્ટ્સ પણ છે. ખાસ તો તેઓ સ્પર્ધાત્મક વાતાવરણથી તણાવ અને એંગ્ઝાઇટી અનુભવે છે. સોશિયલ મીડિયાના કારણે પોતાની સરખામણી બીજા સાથે કરતા રહે છે. જિંદગી અને કરિયર વિશે ઓવરથિંકિંગ કરે છે. ઝડપથી હતાશ થઇ જાય છે. તેના હાથમાં મોબાઇલ છે અને ધારેલી વિગતો મળી જાય છે એટલે એ પોતાને સમજુ માની લે છે. મોબાઇલમાંથી જે મળે છે એ માહિતી છે, જ્ઞાન નથી એની તેમને સમજ પડતી નથી. રીલ્સ અને શોર્ટ વીડિયો જોવા ટેવાયેલી આ જનરેશન લાંબા કન્ટેન્ટ સહન કરી શકતી નથી. તેને બધું ટૂંકમાં જોઇએ છે. લાંબી મિટિંગો પણ તેનાથી સહન થતી નથી. ડિજિટલ એડિક્શનના કારણે તેને અનેક પ્રોબ્લેમ થઇ રહ્યા છે. દસ મિનિટ પણ તેઓ ફોન વગર રહી શકતા નથી. તેઓ રિલેશન સ્ટેબલ રાખી શકતા નથી. જતું કરવાની અને સહન કરવાની ભાવના તેમનામાં ઓછી હોય છે. કમિટમેન્ટ ઇશ્યૂઝનો પણ તેઓ સામનો કરી રહ્યા છે. જેન ઝી વધુ પડતી સેન્સેટિવ પણ છે. તેમને નાની નાની વાતમાં લાગી આવે છે. ફાઇનાન્સિયલ ડિસિપ્લિનમાં તેઓ માનતા નથી. અગાઉના સમયમાં બચતનું મહત્ત્વ ખૂબ હતું. હવેની જનરેશન કમાવ અને વાપરો એવી થિયરીમાં માનવા લાગ્યા છે.
જેન ઝીના કેટલાંક ઇશ્યૂઝ છે એમાં ના નહીં પણ એનો મતલબ એ પણ નથી કે આ જનરેશન જરાયે કામની નથી. કેટલાંક નિષ્ણાતો તો એવી વાતો કહે છે કે, હજુ એક-બે જનરેશનો જવા દો, જેન ઝીને સારી કહેવડાવે એવી જનરેશન આવવાની છે. સમયની સાથે બધું બદલાતું રહેવાનું છે. જે બદલી રહ્યું છે એને બગડી ગયું છે એવું માની લેવાની કંઇ જરૂર નથી. દરેકને પોતાની રીતે જીવવું હોય છે, જનરેશન ઝી જો પોતાની રીતે વિચારે તો એમાં કશું ખોટું નથી. જનરેશન ઝીને સમજવાની અને સ્વીકારવાની જરૂર છે. જનરેશન ઝીને જીતવા માટે દિમાગ કરતા દિલનો ઉપયોગ કરવાની વધુ જરૂર છે. તમે એને સ્વીકારો તો એ તમારા થઇને જ રહેશે, એની સામે જો બાંયો ચડાવી તો એને સંઘર્ષ છેડતા પણ વાર નહીં લાગે. જેન ઝીને વગોવવાને બદલે વધાવો, એની ખૂબીઓ જોવો અને ખામીઓને નજરઅંદાઝ કરો. એને ખાલી ટેકો આપો, એનો રસ્તો એ કરી લેવામાં માહેર છે.


————–

પેશ-એ-ખિદમત
પૂછતા ફિરતા હૂં ગલિયોં મેં કોઇ હૈ કોઇ હૈ,
યે વો ગલિયાં હૈં જહાં લોગ થે સરશારી થી,
આખરી બાર મૈં કબ ઉસે સે મિલા યાદ નહીં,
બસ યહી યાદ હૈ ઇક શામ બહુત ભારી થી.
(શરસાર= મસ્તી/ઉન્માદ) -હમ્માદ નિયાઝી

(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 03 ડિસેમ્બર 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *