શા માટે દરેક માણસે પોતાને આવડે એવું લખવું જોઈએ? – દૂરબીન

શા માટે દરેક માણસે પોતાને

આવડે એવું લખવું જોઈએ?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

તમારી સંવેદના દુનિયાને સ્પર્શે

કે ન સ્પર્શે, તમારા પોતાના લોકોના

દિલને તો ટચ થવાની જ છે.

તમારી ફિલિંગ્સ અમુક લોકો માટે તો

મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોવાની જ છે.

 

વારસો માત્ર સાધનો અને સંપતિનો જ

નથી હોતો, સાચો વારસો

સંસ્કાર અને સંવેદનાઓનો હોય છે.

નિયમિત રીતે લખવાની ટેવ પાડવી જોઇએ.

 

સંવેદનાઓ ઉપર કોઇ ચોક્કસ લોકોનો ઇજારો નથી હોતો. દરેક માણસમાં સંવેદનાઓ હોય જ છે. દરેક વ્યક્તિ માટે મા મહાન જ હોય છે. બધા માટે પિતા ફર્સ્ટ રોલ મોડેલ હોય છે. તમામ લોકો માટે દીકરી વહાલનો દરિયો જ હોય છે. દરેક પ્રેમી માટે એની પ્રેમિકા વિશ્વની સૌથી સુંદર સ્ત્રી હોય છે. દરેક પ્રેમિકા માટે એનો પ્રેમી બેસ્ટ પર્સન હોય છે. આપણામાં સતત કોઇ વ્યક્તિ ધબકતું હોય છે અને આપણે પણ કોઇ માટે જિંદગીનું કારણ હોઇએ છીએ. કોઇ હોય છે જેને આપણાથી બહુ મોટો ફેર પડે છે. આપણું હાસ્ય કોઇને મહેકાવી દેતું હોય છે અને આપણાં આંસુ કોઇના માટે આઘાતનું કારણ બનતાં હોય છે. તમારા માટે એવી કઇ વ્યક્તિ છે જે ઉદાસ હોય તો તમને ચેન નથી પડતું? હોય છે, એવા થોડાક લોકો હોય છે જે આપણા દિલથી સાવ નજીક હોય છે.

તમારી વ્યક્તિ તમને યાદ આવે છે અથવા તો તમારા માટે કંઇક યુનિક કરે છે ત્યારે તમે શું કરો છો? થોડુંક હસો છો, ક્યારેક થોડું રડો છો, ક્યારેક થેંક્યુ કહીને વાત પૂરી કરી દો છો. એ વખતે તમને જે થતું હોય છે એ તમે સ્પષ્ટ રીતે બયાન કરી શકો છો? ના, બધું બોલાતું નથી, હા આપણે ધારીએ તો લખી શકીએ. આવી વાત સાંભળીને ઘણા લોકો એવું કહે કે, અમે કંઇ થોડા લેખક છીએ? અમારી પાસે લેખકો જેવા શબ્દો ન હોય, એવી શૈલી ન હોય. કંઇ જરૂર નથી. તમારે ક્યાં આખી દુનિયાને વંચાવવું છે? તમને જેના માટે લાગણી છે એને પહોંચે તો એ પૂરતું નથી? તમે તમારી ભાષામાં, તમને આવડે એવું કાગળના પાના પર કે લેપટોપ અથવા તો મોબાઇલના સ્ક્રીન પર વ્યક્ત ન થઇ શકો? કોણ રોકે છે તમને?

એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે, લખાયેલા શબ્દો ક્યારેક ને ક્યારેક બોલવાના છે. તમારા શબ્દો દુનિયાના લોકોને સ્પર્શે કે ન સ્પર્શે, તમે જેના માટે લખ્યા છે એને અને તમારી સાથે જોડાયેલા લોકોને તો પૂરી તીવ્રતાથી સ્પર્શવાના જ છે. હવે તો સોશિયલ મીડિયા જેવું તગડું માધ્યમ પણ છે. તમે તમારો બ્લોગ પણ બહુ આસાનીથી બનાવી શકો છો. તમારે તમારી લાગણી બધા સમક્ષ ન મૂકવી હોય તો એક ડાયરીમાં તો ચોક્કસ લખી શકો છો. ઘણા લોકો એટલા માટે નથી લખતા, કારણ કે એને એવું થાય છે કે, લોકોને કેવું લાગશે? મારા વિશે શું માનશે? ઘણા લોકો લખી શકે એમ છે પણ એ લખવાનું વિચારતા જ રહે છે, લખતાં નથી!

એક વર્ગ એવો છે જે એવું માને છે કે એ સારું લખે છે, લખતાં પણ હોય છે, જોકે તેનો આગ્રહ એવો હોય છે કે કોઇ છાપે તો લખીએ! ન છાપે તો નથી લખવું! દુનિયાની એવી ઢગલાબંધ મહાન કૃતિઓ છે જે પબ્લિશ થઇ એ પહેલાં ક્યાંય હપ્તાવાર કે બીજી કોઇ રીતે છપાઇ નહોતી. તમારા શબ્દોમાં તાકાત હશે તો એ લોકોના દિલને સ્પર્શવાના જ છે. બીજા કોઇને ન સ્પર્શે કે તમારા શબ્દો જેના માટે છે એને તો સ્પર્શવાના જ છે.

આપણે વારસો મૂકી જવાની વાતો કરીએ છીએ. વારસો માત્ર સાધનો અને સંપત્તિનો જ નથી હોતો, વારસો સંસ્કારનો અને સંવેદનાનો પણ હોય છે. તમને ખબર છે કે તમારા પરદાદા કે પરદાદી કેવા સંવેદનશીલ હતાં? ન હોય, કારણ કે આપણે એને જોયાં હોતાં નથી. એમણે જો કંઇ લખ્યું હોત તો તમે અંદાજ બાંધી શકત કે એમના વિચારો, એમની વ્યથા અને એમની સંવેદનામાં કેટલી તીવ્રતા હતી. તમને નથી લાગતું કે તમે લખ્યું હશે તો કદાચ આવનારી પેઢીને તમે કેવા હતા તેનો આછો પાતળો અંદાજ આવે? એક દલીલ એવી પણ થાય છે કે કોણ યાદ કરવાનું છે? બધા ભૂલી જવાના છે. આવો વિચાર આવે એ સ્વાભાવિક છે પણ એક હકીકત એ પણ છે કે માણસ જિંદગીમાં અમુક તબક્કે તો એના રૂટ્સ તરફ આકર્ષિત થાય જ છે. આપણને ક્યારેક તો એવું મન થાય જ છે કે વડીલોને પૂછીએ કે દાદા કે પરદાદા કેવા હતા? એ શું કરતા હતા? એણે કેવાં પરાક્રમો કર્યાં હતાં?

એક યુવાને તેના પિતાને કહ્યું કે પપ્પા, આ ફેસબુક અને બીજાં સોશિયલ મીડિયા  સદીઓથી ચાલ્યાં આવતાં હોત તો કેવું સારું હતું? પિતાએ પૂછ્યું, કેમ આવો વિચાર આવે છે? દીકરાએ કહ્યું કે, મને ખબર તો પડત કે આપણા પરદાદા અને બીજા વડવાઓ કેવું સ્ટેટસ અપલોડ કરતા હતા? આજે ઘણા પરિવારો એવા છે જેમની પાસે એના દાદા-પરદાદાએ લખેલી ડાયરીઓ છે. હા, ભાષા થોડીક બદલાય છે, માનસિકતામાં પણ થોડુંક પરિવર્તન આવ્યું છે પણ સંવેદનાઓ તો સદીઓ નહીં પણ યુગોના યુગોથી એવી ને એવી જ છે.

ઘણા લોકોની વાત સાંભળીએ ત્યારે એવું થાય કે ફિલ્મને ટક્કર મારે એવી કહાની છે એની તો. દરેક વ્યક્તિની એક કહાની હોય છે. દરેક વ્યક્તિ એક જીવતી-જાગતી નવલકથા છે. દરેકના સંઘર્ષમાં કંઇક અનોખો દમ હોય છે. દરેક લવસ્ટોરી યુનિક હોય છે. આવી ઘણી સ્ટોરીઝ સમયની સાથે લુપ્ત થઇ જાય છે કારણ કે એ ક્યાંય, કોઇ સ્વરૂપે લખાઇ હોતી નથી. તમારી સંવેદનાને વેડફાવા ન દો, તમને આવડે, તમને ફાવે એવા શબ્દોમાં લખતા રહો. ડાયરી એ દરરોજ જિવાતી ઘટનાઓ જ નથી પણ આવતીકાલનો ઇતિહાસ છે. બધાના ઇતિહાસ આખી દુનિયા નોંધ લે એવા હોતા નથી પણ તમારા ઇતિહાસની નોંધ તમારી આવનારી પેઢી તો લઇ જ શકે. એમાં પ્રેરણાની વાત હોય તો એ પ્રેરણાદાયી બનવાની જ છે. સંઘર્ષની વાત કોઇને તો હિંમત આપવાની જ છે. બાય ધ વે, તમારા ચોથી પેઢીનાં પરદાદા-દાદીનું દાંપત્યજીવન કેવું હતું એ જાણવામાં તમને રસ પડે કે નહીં? જો જવાબ હા હોય તો આવતી ત્રણ-ચાર પેઢી માટે તમે તમારા પ્રેમ, દાંપત્યજીવનની વાતો લખતાં રહો. કોઇનો ખૂણો ક્યારેક તો ભીનો થશે, અત્યારે તમારી સાથે છે એને તો ટચ કરશે જ. છપાય તો જ લખાય એવું નથી હોતું, અમુક શબ્દો, અમુક સંવેદનાઓ અને અમુક ઘટનાઓ અંગત લોકો માટે મર્યાદિત હોય છે. સંવેદનાઓ વહેતી રહેવી જોઇએ, તો જ એ ક્યાંક પહોંચે!

 

પેશ-એ-ખિદમત

મહફિલ મેં કિસ ને આપકો દિલ મેં છુપા લિયા,

ઇતનોં મેં કૌન ચોર હૈ પહચાન જાઇએ,

યે તો બજા કિ આપ કો દુનિયા સે ક્યા ગરજ,

જાતી હૈ જિસ કી જાન ઉસે જાન જાઇએ.

(બજા-ઠીક)               -દાગ દેહલવી

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 21 મે 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

5 thoughts on “શા માટે દરેક માણસે પોતાને આવડે એવું લખવું જોઈએ? – દૂરબીન

 1. true…
  i agreed…
  i am also trying to write…
  thanks for such a wonderful article.
  regards.

 2. હા…પણ જે મજા ડાયરી માં લખવાની છે એ મજા typing કરવામાં નથી…હું પણ ઘણું બધું લખું છું….પણ કોઈને બતાવતી નથી….જે સુગંધ અને ભીનાશ ડાયરી માં છે એવી બીજે ક્યાંય નથી….*મારી ભીની ડાયરી* ….અને *મારી અનેરી વાતો*

 3. હા…પણ જે મજા ડાયરી માં લખવાની છે એ મજા typing કરવામાં નથી…હું પણ ઘણું બધું લખું છું….પણ કોઈને બતાવતી નથી….જે સુગંધ અને ભીનાશ ડાયરી માં છે એવી બીજે ક્યાંય નથી….*મારી ભીની ડાયરી* ….અને *મારી અનેરી વાતો*…..

Leave a Reply

%d bloggers like this: