હન્ડ્રેડ પર્સન્ટ પરફેક્ટ ટાઇમ ક્યારેય આવવાનો જ નથી – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

હન્ડ્રેડ પર્સન્ટ પરફેક્ટ ટાઇમ
ક્યારેય આવવાનો જ નથી

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

જિંદગીમાં બધું જ બરાબર હોય એવું ક્યારેય
બનવાનું નથી. કદાચ થોડોક સમય એવું રહે, બાકી
કોઈ ને કોઈ ચેલેન્જ આવતી જ રહેવાની છે.
સંજોગો અને પરિસ્થિતિને ટેકલ કરતા શીખવું જ પડે છે

———–

ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે! આખી દુનિયા એ વાત બહુ સારી રીતે જાણે છે કે, ક્યારે શું થવાનું છે એ નક્કી નથી. આમ છતાં આ અનિશ્ચિત જગતમાં માણસ નિશ્ચિતતા શોધતો રહે છે. માણસની એ પ્રકૃતિ છે. એક રીતે જોવા જઇએ તો એમાં કશું ખોટું પણ નથી. દરેક માણસ ભવિષ્યની ચિંતા કરવાનો જ છે. આપણે બધા જ બચતથી માંડીને જે કંઇ પ્લાનિંગ કરીએ છીએ એ કપરા સમયમાં કામ લાગે અને ટકી રહેવાય એ માટે જ કરતા હોઇએ છીએ. એવું કરવું પણ જોઇએ. અલબત્ત, એમાં થોડું ધ્યાન પણ રાખવાનું હોય છે. હમણાં થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, લોકો ભવિષ્ય માટેના પ્લાનિંગ કરે છે, પણ જ્યારે એ પ્લાનિંગ નિષ્ફળ જાય અથવા તો કંઇક ન થવાનું થાય ત્યારે માણસ તૂટી જાય છે. હતાશામાં સરી જાય છે. સમય અને સંજોગો સામે હારી જાય છે. નિષ્ણાતો એવી સલાહ આપે છે કે, દરેક માણસે એક વાત યાદ રાખવાની હોય છે કે, આપણું ધારેલું ક્યારેય થવાનું નથી. સમય ગમે ત્યારે પલટી મારી શકે છે. ગણતરીઓ ઊંધી પડી શકે છે. વિચાર્યું હોય એવું થવાને બદલે ક્યારેય વિચાર્યું પણ ન હોય એવું થઇ શકે છે. આવા સંજોગોમાં પણ ટકી રહેવાની માનસિક ક્ષમતા કેળવવાની હોય છે.
દરેક માણસ સપનાંઓ સેવતો હોય છે. આટલું થઇ જાય એટલે લાઇફ સેટ. જિંદગીમાં અમુક સમયે એવું લાગે પણ છે કે, હવે લાઇફ સેટ થઇ ગઇ છે. બધું બરાબર છે. જોકે, એવું લાંબું ટકતું નથી. આ વિશેનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ એવું કહે છે કે, માનવ મનની સૌથી મોટી મર્યાદા એ છે તે હંમેશાં સ્થિરતા, સલામતી અને નિશ્ચિતતા શોધે છે. દુનિયાનું એક સનાતન સત્ય એ છે કે, સમગ્ર બ્રહ્માંડમાં પરિવર્તન સિવાય કશું જ કાયમી નથી. વિજ્ઞાન, મનોવિજ્ઞાન, સામાજિક સર્વેક્ષણો અને ઇતિહાસ એ વાત સાબિત કરે છે કે, જે લોકો બદલાવ સ્વીકારવા તૈયાર નથી એ લોકો ફેંકાઇ જાય છે. જીવન ટકાવી રાખવાની સૌથી પહેલી શરત એ છે કે, દરેક પરિસ્થિતિ માટે હંમેશાં તૈયાર રહેવું. ક્યારેય એવું માનવું નહીં કે, અત્યારે જે છે એ કાયમ રહેવાનું છે. જે છે એ ગમે ત્યારે ચાલ્યું જઇ શકે છે. જેના વિશે ક્યારેય વિચાર્યું ન હોય એવું મળી પણ શકે છે. માણસનો એક પ્રોબ્લેમ એ પણ હોય છે કે, જ્યારે કંઇક સારું થાય છે ત્યારે એ હરખાઇ જાય છે પણ જ્યારે જરાકેય બૂરું થાય છે ત્યારે એ રોદણાં રડવાનું શરૂ કરી દે છે. મનોવિજ્ઞાનનો એક સિદ્ધાંત છે, ઇનટોલરન્સ ઓફ અનસર્ટનિટી. ચિંતા, ડિપ્રેશન, એંગ્ઝાઇટી અને હાઇપર ટેન્શનનું એક સૌથી મોટું કારણ અનિશ્ચિતતાનો અસ્વીકાર છે. ન્યૂરોસાયન્સનો એક અભ્યાસ એવું કહે છે કે, આપણું મગજ પ્રિડિક્શન મશીનનું કામ કરતું રહે છે. માણસ ભૂતકાળના અનુભવો અને બીજા લોકોની વાતોના આધારે ભવિષ્ય વિશે આગાહીઓ કરવાના પ્રયાસ કરતો રહે છે. આપણે બધા જ આવું કરતા હોઇએ છીએ. કંઇ પણ કરીએ ત્યારે એવો વિચાર કરીએ છીએ કે, આમ કરીશું એટલે તેમ થશે. આટલું રોકાણ કરીશું તો આટલો ફાયદો થશે. વેપારથી માંડીને સંબંધો સુધીની વાતમાં માણસ ગણતરીઓ કરતો રહે છે. જે માન્યું હોય અને જે ધાર્યું ન હોય એવું થાય ત્યારે માણસના મનમાં ભયંકર તણાવ પેદા થાય છે. જે લોકો એ વાત સ્વીકારી શકે કે, આવું તો થાય, દર વખતે આપણે ધારીએ એવું થાય એ જરૂરી નથી, એ લોકો આસાનીથી આ તણાવનો સામનો કરી શકે છે. જે આવું સ્વીકારી નથી શકતા એ માનસિક પ્રોબ્લેમનો ભોગ બને છે.
સમય વિશે બીજી એક સરસ વાત પણ કરવામાં આવે છે. તમે જે કંઇ કરો એની સાથે પ્લાન બી પણ તૈયાર રાખો. જો પ્લાન એ સફળ ન થાય તો પ્લાન બી પર કામ કરીશું. પ્લાન બી તૈયાર રાખવાનો એક મતલબ એવો થાય છે કે પ્લાન એ ફેઇલ જઇ શકે છે એવી તમારી માનસિક તૈયારી છે. પ્લાન એ સફળ થાય તો સારી વાત છે પણ એ ન થાય તો હતાશ થયા વગર પ્લાન બી પર કામ ચાલુ કરી દેવાનું. કોરોના મહામારી બાદ ગેલેપ વર્લ્ડ સરવે કરવામાં આવ્યો હતો. તેમાં એવું બહાર આવ્યું હતું કે, જે લોકો આર્થિક, સામાજિક, શારીરિક અને માનસિક લેવલે પ્લાન બી સાથે જીવતા હતા તેઓ કોરોના કટોકટીમાંથી બીજાની સરખામણીએ ચાર ગણી ઝડપે બહાર આવી શક્યા હતા. કોરોનાના પરિણામે આખી દુનિયામાં અસંખ્ય લોકો માનસિક બીમાર થયા હતા. તેનું સૌથી મોટું કારણ એ જ હતું કે, એ લોકો નવી, જુદી અને જોખમી સ્થિતિ માટે માનસિક રીતે તૈયાર જ નહોતા. ધારેલું ન થયું એટલે એ લોકો ડિસ્ટર્બ થઇ ગયા હતા.
દુનિયાની જેટલી ફિલોસોફી છે એમાં પણ સરવાળે એ જ વાત લખવામાં આવી છે કે, અત્યારે જે છે એ જ સત્ય છે. ગ્રીક ફિલોસોફર હેરાક્લિટ્સે કહ્યું છે એ વાત યાદ રાખવા જેવી છે. એકની એક નદીમાં બીજી વખત પગ મૂકી શકતા નથી, કારણ કે નદીનું પાણી તો સતત વહેતું રહે છે. તમે પણ દર ક્ષણે બદલતા રહો છો. તો પછી બદલતી પરિસ્થિતિનો અસ્વીકાર શા માટે?
લાઇફ સાથે ફ્લેક્સિબલ રહેવાની સાથે એ પણ ધ્યાન રાખવાનું હોય છે કે, ક્યાંક નેગેટિવ ન થઇ જવાય. કેટલાક લોકોને એવા વિચાર આવતા રહે છે કે, કંઇ કરવાનો ખાસ કોઇ મતલબ નથી. સફળતાની ગેરંટી ન હોય એવા કામ શા માટે કરવા એવું પણ ઘણા વિચારે છે. સત્ય એ છે કે, જે માણસ જોખમ લે છે એ જ ધાર્યાં પરિણામો મેળવી શકે છે. કોઇએ જો રિસ્ક ન લીધું હોત તો દુનિયા આજે અહીં સુધી પહોંચી જ ન હોત. માનવ જીવનનો ઇતિહાસ એ વાતની ગવાહી પૂરે છે કે, દરેક સમયના લોકોએ મોટાં મોટાં જોખમો લીધાં છે. એક નાની શોધ બાદ પણ તેમાં નવા નવા ઉમેરા થતા જાય છે. આટલાં મોટાં વિમાનો હવામાં ઊડે છે. જંગી જહાજો દરિયામાં તરે છે. ટેક્નોલોજીમાં દરરોજ કંઇક ને કંઇક નવું આવતું જ રહે છે. એ બધું કોઇના પ્રયાસો, કોઇએ લીધેલાં જોખમો અને સખત પ્રયાસોથી જ શક્ય બન્યું છે. આપણી સામે માત્ર સફળ પરિણામો જ આવતાં હોય છે. સફળ થનાર વ્યક્તિ સફળ થયા પહેલા કેટલી વખત નિષ્ફળ ગઇ હતી એ આપણને ખબર હોતી નથી. એ લોકો જ્યાં સુધી સફળ ન થયા ત્યાં સુધી હિંમત હાર્યા નહોતા એટલે જ સફળ થયા હતા. તેમને એ વાતની પણ ખબર હતી કે, એક ધડાકે ધાર્યું હોય એ થઇ જવાનું નથી.
પરફેક્ટ ટાઇમ એક રીતે જોવા જઇએ તો ક્યારેય આવવાનો નથી, બીજી રીતે જોઇએ તો અત્યારે જ પકરફેક્ટ ટાઇમ છે. રાઇટ ટાઇમની રાહ જોઇને બેસી રહીએ તો કદાચ એ ટાઇમ ક્યારેય આવવાનો નથી. અત્યારે છે એ જ વાજબી અને યોગ્ય સમય છે. સરવાળે એ જ વાત સમજવાની છે કે, ગમે તે થાય, હિંમત ન હારો. મનથી મજબૂત રહો. નક્કી કરો કે ગમે એવો સમય હશે હું મારે જે કરવું છે એ કરીશ. ન કરી શકું તો પણ હતાશ તો નહીં જ થાઉં. જિંદગી પ્રત્યે જે આશાવાદી છે એ જ છેલ્લે સફળ અને સુખી થતા હોય છે.


———-

પેશ-એ-ખિદમત
જલાએ હૈં દીયે તો ફિર હવાઓં પર નજર રખો,
યે ઝોકેં એક પલ મેં સબ ચરાગોં કો બુઝા દેંગે,
કોઈ પૂછેગા જિસ દિન વાકઇ યે જિંદગી ક્યા હૈ,
જમીં સે એક મુટ્ઠી ખાક લેકર ઉડા દેંગે.
– અનવર જલાલપુરી


————

(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 15 જુલાઇ 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *