તમને જોબમાંથી રજા લેતા ડર લાગે છે? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમને જોબમાંથી રજા

લેતા ડર લાગે છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

હમણાં થયેલો એક સર્વે કહે છે કે, નોકરીમાં

રજા લેતા રહેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. જોકે,

દેશ અને દુનિયામાં એવા લોકોની કમી નથી જેને

જોબમાંથી રજા લેતા ડર લાગે છે!

હું રજા લઇશ તો સિન્સિયર નહીં લાગુથી માંડીને

રજા લઇશ તો નોકરીમાંથી કાઢી મૂકશે

એવો ભય ઘણા લોકોને સતાવે છે

ચાલો, આજે લેખની શરૂઆત એક જોકથી કરીએ. એક કર્મચારી હતો. તેનો બોસ તેને દર વખતે એમ કહેતો કે, તું કોઇ કામનો નથી. એક વખત આ કર્મચારી બોસ પાસે રજા માંગવા ગયો. બોસને કહ્યું કે, અંગત કામ છે, એક દિવસની રજા જોઇએ છે. રજાની વાત સાંભળીને બોસે કહ્યું કે, તું રજા ઉપર જઇશ તો પછી કામ કોણ કરશે?

નોકરીમાંથી રજા લેવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું છે. બોસ પાસે જતી વખતે ધબકારા વધી જાય છે કે, આ રજા આપશે કે નહીં? હવે મોટાભાગની કંપનીઓમાં રજા લેવા માટે ઓનલાઇન સિસ્ટમ આવી ગઇ છે. તમારે રજા જોઇતી હોય તો કંપનીના ઇન્ટ્રાનેટમાં લીવ એપ્લિકેશન કરી દેવાની. બોસ ઓનલાઇન જ તમારી લીવ એપ્રૂવ કે રિજેક્ટ કરી દે. એપ્રૂવ કરી દે તો તો વાંધો નહીં, પણ રિજેક્ટ કરે ત્યારે હાલત કફોડી થઇ જાય છે કે, હવે બોસને કન્વિન્સ કેમ કરવા? અમુક કંપનીઓમાં તો રજા માટે રીતસરનું કરગરવું પડે છે. હું ખરેખર જેન્યુન રિઝનથી લીવ માગું છું એવું સાબિત કરવું પડે છે. ઘણા બોસને તો કર્મચારીઓની રજા રિજેક્ટ કરવામાં સેડેસ્ટિક પ્લેઝર પણ મળતું હોય છે. રજા ન મળતી હોવાના કારણે જોબ બદલાવી હોય એવાં પણ અનેક ઉદાહરણો આપણને જોવા મળે છે. એટલે જ કહેવાય છે કે, કોઇ માણસ કામને કારણે નોકરી નથી મૂકતા, મોટા ભાગે ત્યાંના લોકો અને એમાંય ખાસ કરીને સિનિયર્સના કારણે મૂકતા હોય છે. બહુ ઓછી કંપનીઓ એવી હોય છે જ્યાં આરામથી રજા મળી જાય.

રજા વિશે વાત કરવાનું મન થયું એની પાછળ એક કારણ છે. અમેરિકામાં હમણાં એક સર્વે થયો કે, નોકરીમાંથી સમયાંતરે રજા લેવાથી હાર્ટએટેકનું જોખમ ઘટે છે. આ સર્વેની વાત સાંભળીને એવી પણ મજાક થાય છે કે, અહીં તો એવી હાલત છે કે, રજા માંગવામાં જ હાર્ટએટેકનું જોખમ થઇ જાય છે. કાલે રજા લેવી હોય તો રાતે એ વિચારે ઊંઘ પણ નથી આવતી કે, કહેવું કઇ રીતે? ક્યારેક બોસ કંઇ માથાકૂટ વગર હા પાડી દે તો લોટરી લાગી હોય એવો આનંદ થાય છે. વેલ, રજા અંગેના સર્વેની વાત કરીએ તો, અમેરિકાની પ્રાઇવેટ રિસર્ચ યુનિવર્સિટી સિરાક્યૂઝ દ્વારા કરાયેલા રિસર્ચમાં એવું બહાર આવ્યું હતું કે, જે લોકો પોતાના માટે સમયાંતરે રજા લેતા નથી એને પાચન સંબંધી પ્રોબ્લેમ્સથી માંડીને હાર્ટએટેક સુધીનું જોખમ રહે છે. જોબના કારણે માણસ સતત સ્ટ્રેસમાં રહે છે. રજા લેવાથી બ્રેક મળે છે અને શારીરિક અને માનસિક સ્ફૂર્તિનો અનુભવ થાય છે.

આ વાત આમ તો સમજી શકાય એવી છે કે, રજા હોય તો રિલેક્સ ફીલ થાય છે અને તેનાથી તાજગી રહે છે. જોકે, એક નવો ઇસ્યૂ એ છે કે, લોકો હવે રજા લેતા ડરે છે. એટલા માટે નહીં કે મને રજા નહીં આપે તો? એટલા માટે કે, મારું ઇમ્પોર્ટન્સ ઘટી જશે તો? મને કામ પ્રત્યે સિન્સયર નહીં ગણવામાં આવે તો? મારી ઇમેજ ખરાબ થશે તો? ઘણા લોકોને તો ત્યાં સુધી ડર લાગે છે કે, જો હું રજા માંગીશ તો મને નોકરીમાંથી કાઢી મૂકશે. અત્યારે દરેક ક્ષેત્રમાં ગળાકાપ હરીફાઇ છે. દરેક પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથી રહ્યા છે. યંગસ્ટર્સને પરફોર્મન્સ એંગ્ઝાઇટી પણ રહે છે. દરેકને પોતાની જાત અને પોતાનું કામ પ્રૂવ કરવાનું પ્રેશર લાગે છે.

હવે કામના અવર્સ પણ વધી ગયા છે. મોટા સિટીમાં તો લોકો સવારે કામ પર નીકળી જાય છે તે છેક રાતે ઘરે પહોંચે છે. કામના બોજ અને રજા મળતી ન હોવાના કારણે લોકોના સંબંધો સામે પણ સવાલો ઊઠવા લાગ્યા છે. નવાં કપલ્સમાં સૌથી મોટો ઇસ્યૂ એ જ છે કે, એકબીજાને સમય આપી શકતા નથી. આજનો યંગસ્ટર્સ રિલેશનશિપની વેલ્યૂ સમજે છે, પણ કરિયરના કારણે મુશ્કેલી અનુભવી રહ્યો છે. જ્યાં હાજર રહેવું જરૂરી હોય ત્યાં પણ મોજૂદ રહી શકતો નથી. હાયર પોસ્ટ પર સિલેક્ટ થયેલા એક યુવાનની આ વાત છે. નવી જોબના કારણે તે કોઇ પ્રસંગોમાં હાજરી આપી શકતો ન હતો, એટલે તેનાં સ્વજનો તેને એવાં ટોણાં મારતાં હતાં કે, હવે તું મોટો માણસ થઇ ગયો છે. એણે કહ્યું કે, ભાઇ હું કામમાં બરાબરનો ફસાયો છું. મારે પણ બધે આવવું હોય છે, પણ મેળ પડવો જોઇએને?

સામા પક્ષે કર્મચારીઓનો એક એવો વર્ગ પણ છે, જે ખોટાં બહાનાં બતાવીને પણ રજા લેતો રહે છે. બીમારીનું બહાનું એના માટે હાથવગું હોય છે. બોસ દલીલ કરે તો એ લોકો એવું કહે છે કે, બીમારી કંઇ થોડી પૂછીને કે આગોતરી જાણ કરીને આવે છે? હવે દિવાળી આવે છે. આપણે ત્યાં દિવાળી પર ફરવા જવાનો ટ્રેન્ડ છે. ઘણા લોકોએ રજા ન મળવાના કારણે જ ફરવા જવાનું માંડી વાળવું પડ્યું હશે. રજાના ઇસ્યૂ તો રહેવાના જ, આમ છતાં એ હકીકત છે કે, મેળ પડે ત્યારે અને કામ ડિસ્ટર્બ ન થાય એ ધ્યાનમાં રાખીને સમયાંતરે રજા લેતી રહેવી જોઇએ. લોકો કોઇ કારણ કે પ્રસંગ હોય ત્યારે તો રજા લેતા હોય છે, પણ અમુક વખતે કોઇ કારણ વગર પોતાના માટે પણ રજા લેવી જોઇએ. એનાથી તમે કામમાં ચોરી નહીં કરો, પણ રજા પછી કામ વધુ સારી રીતે કરી શકશો. આવી બધી વાતો સાંભળીને ક્યારેક આપણને એમ પણ થાય કે, કાશ આપણા બોસ લોકો પણ એ વાત સમજતા હોત કે, કર્મચારીઓને રજા આપવી જોઇએ. એનાથી એની વર્કિંગ કેપેસિટી વધશે. જોકે, આવું સમજવાવાળા લોકો બહુ ઓછા અને ઢસરડો કરાવવાવાળાની સંખ્યા આપણે ત્યાં વધુ છે. સાચી વાત છે કે નહીં?

પેશ-એ-ખિદમત

વહેશતેં કૈસી હૈ ખ્વાબોં સે ઉલઝતા ક્યા હૈ,

એક દુનિયા હૈ અકેલી તૂ હી તન્હા ક્યા હૈ,

કાશ દેખો કભી ટૂટે હુએ આઇનોં કો,

દિલ શિકસ્તા હો તો ફિર અપના પરાયા ક્યા હૈ.

(શિકસ્તા-તૂટેલું)  – ઉબેદુલ્લાહ અલીમ

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 13 ઓકટોબર 2019, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: