માન અને સ્થાન મેળવવા જાત સાબિત કરવી પડે છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

માન અને સ્થાન મેળવવા
જાત સાબિત કરવી પડે છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


રોજ કનડે છે તમારી યાદ પણ,
બારમાસી છે અહીં વરસાદ પણ,
લાખ વાતો આપણી તો થાય છે,
આપણી વચ્ચે નથી સંવાદ પણ.
– ગિરીશ રઢુકિયા



દરેક માણસનાં સપનાં હોય છે. મારે આમ કરવું છે, મારે અહીં પહોંચવું છે, મારે મારું નામ કરવું છે. સપનાં જ માણસને આગળ વધવાની પ્રેરણા આપે છે. સપનાં નથી તો કંઇ નથી. સફળતા માટે એક વાત યાદ રાખવાની હોય છે કે, મહેનત વગર કંઇ શક્ય બનવાનું નથી. જે માણસ જ્યાં હોય છે ત્યાં પહોંચવા જેટલી મહેનત એણે કરી હોય છે. જેટલી મહેનત એટલી સફળતા. જેમ જેમ સમય જાય છે એમ એમ સફળ બનવું અઘરું થતું જાય છે. એનું કારણ એ નથી કે હવે તકો નથી. તકો તો હવે કદાચ પહેલાં કરતાં ઘણી બધી વધુ છે. સફળ નથી થવાતું એનું કારણ એ છે કે, માણસ પાસે હવે લલચાઇ જવાય એવાં પ્રલોભનો ઘણાં બધાં છે. પહેલાં પણ માણસ પાસે ચોવીસ કલાક જ હતા અને અત્યારે પણ એટલા કલાકો જ છે. આપણે સમયની બરબાદી વધુ કરવા લાગ્યા છીએ. મોબાઇલ આપણો સમય આપણને ખબર ન પડે એ રીતે ખાઇ જાય છે. રીલ્સ જોવાનું શરૂ થાય પછી કેટલો સમય ચાલ્યો ગયો એની ખબર પડતી નથી. આજના સમયમાં સૌથી મોટો પડકાર સમયના સદુપયોગનો છે. જે માણસ સમયને સમજીને ચાલે છે એ સફળતાની નજીક પહોંચી શકે છે. એવું બિલકુલ નથી કે માણસને સફળ કેવી રીતે થવું એની ખબર નથી. એને બધી ખબર છે. સફળતા માટે શું કરવું જોઇએ એનું પણ એને પૂરેપૂરું ભાન છે. તકલીફ ત્યાં થાય છે કે, લોકો પોતાના માર્ગથી ભટકી જાય છે. મનોરંજન અને આનંદપ્રમોદમાં માણસ અટવાઇ જાય છે અને મહેનત કરવાનું ઠેલાતું રહે છે. સફળતા માટે મનને મક્કમ રાખવું પડે છે. આજના સમયમાં માણસે એવી યાદી તૈયાર કરવી પડે છે કે, મારે શું નથી કરવાનું? ટુ ડુ લિસ્ટ તો બધા પાસે છે જ, નોટ ટુ ડુ લિસ્ટ તૈયાર કરવાની જરૂર રહે છે. મારે મોબાઇલ પાછળ સમય નથી બગાડવાનો, વેબ સીરિઝની લાલચમાં ફસાવવાનું નથી. ક્યારેક રિલેક્સ થવા માટે થોડું કંઇક કરો તેનો કોઇ વાંધો નથી. આરામ અને મજાની આદત ન પડવી જોઇએ. ઇઝી હોય એ માણસને બહુ ગમે છે. બધાને મજા કરવી હોય છે. મહેનત કરવાનો સમય હોય ત્યારે મજા કરતા રહીએ તો જ્યારે મજા કરવાની હોય ત્યારે મહેનત કરવી પડે છે.
તમને કોઇ પૂછે કે, તમારી લાઇફનો ગોલ શું છે તો તમે શું જવાબ આપો? એની સાથે બીજો મહત્ત્વનો સવાલ એ છે કે, તમારો ગોલ પ્રાપ્ત કરવા માટે તમે કરવા જોઇએ એટલા પ્રયાસો કરો છો? આપણા પ્રયાસો બીજા કરતાં વધુ હોવા જોઇએ. દુનિયામાં કશું જ અશક્ય નથી એ બધા જાણે છે. એના માટે જે કરવું જોઇએ એ પણ અશક્ય નહીં પણ અઘરું તો છે જ. એક છોકરીની આ વાત છે. તેના પિતા સફળ વ્યક્તિ હતા. એક વખત દીકરીએ પિતાને પૂછ્યું, સફળ થવા માટે શું કરવું જોઇએ? પિતાએ સરળ રસ્તો બતાવ્યો. તેમણે કહ્યું કે, આપણે જે કરતા હોઇએ એ પૂરી મહેનત અને લગન સાથે કરતા રહેવાનું. સફળતા આપોઆપ તમારી નજીક આવતી જશે. આપણે જે કરતા હોઇએ એમાં બેસ્ટ હોવા જોઇએ. સફળ થવા માટે મહેનતની આદત પાડવી પડે છે. મહેનત સહજ લાગવી જોઇએ. મહેનત ગમવી જોઇએ. કેટલાક લોકો કામ કરે છે, પણ એ વેઠ ઉતારતા હોય એવી રીતે કરે છે.
એક યુવાનની આ વાત છે. એ પોતાનું કામ ખૂબ જ સારી રીતે કરતો હતો. એક વખત તેને પૂછવામાં આવ્યું કે, તું આટલા ઇન્વોલમેન્ટથી કામ કેવી રીતે કરી શકે છે? તેણે કહ્યું કે, આ મારું કામ છે, મારે જ કરવાનું છે, મારે એ કામ કેવી રીતે કરવું એ મારે નક્કી કરવાનું હોય છે. કામ કરવાની રીત જે મેં શીખી છે એ એવી છે કે, પોતાના કામમાં ઓતપ્રોત થઇ જવું. ખોવાઇ જવાની એક મજા છે. કામ કરતી વખતે વિચારો એ કામમાં જ હોવા જોઇએ. મારી સાથે એવું થતું હતું કે, હું જ્યારે કોઇ કામ કરતો હોઉં ત્યારે મારું ધ્યાન બીજે રહેતું હતું. કામ પતાવીને શું કરવાનું છે એના વિચાર કરતો હતો. મેં તેમાં ફેરફાર કરીને એવું વિચારવાનું શરૂ કર્યું કે, મારે સૌથી પહેલાં મારું કામ કરવાનું છે. બાકી બધું પછી. આપણે શું અત્યારે કરવું અને શું પછી કરવાનું છે એ નક્કી કરવું પડતું હોય છે. આપણે કરવા જેવાં કામ પેન્ડિંગ રાખતા હોઇએ છીએ અને પેન્ડિંગ રાખવા જેવાં કામો પહેલાં કરતા હોઇએ છીએ. એના કારણે કરવા જેવાં કામો પેન્ડિંગ જ રહી જતાં હોય છે.
આજકાલ મજા માટે બહુ બધી વાતો થાય છે. કોઇ પ્લેઝરને પેન્ડિંગ રાખવું નહીં એવી વાતો થતી રહે છે. સાચી વાત છે, પણ પ્લેઝર પાછળ કરવા જેવું કામ રહી ન જાય તેની પણ કાળજી રાખવી પડતી હોય છે. પ્લેઝરને પેન્ડિંગ ન રાખો એનો કોઇ વાંધો નથી, પ્લેઝરની જેમ કામ પણ પેન્ડિંગ ન રહેવું જોઇએ. જિંદગીમાં ઘણા સાથે એવું પણ થતું હોય છે કે, જે કામ કરવું હોય એ મળતું નથી અને જે કામ કરવાની ઇચ્છા ન હોય એવું કામ કરવું પડે છે. આવું થતું હોય છે. આવા સંજોગોમાં પણ જે કામ મળ્યું હોય તેને મહત્ત્વનું ગણીને કરતા રહીએ એ જરૂરી છે. એક યુવાનની આ સાવ સાચી વાત છે. તેને ભણીગણીને આઇએએસ થવાની ઇચ્છા હતી. ખૂબ મહેનત કરવા છતાંયે તેને આઇએએસ થવામાં સફળતા મળી નહીં. આખરે તેને મામલતદાર કક્ષાનું કામ મળ્યું. પહેલાં તો તેને હતાશા થતી હતી, પણ આખરે તેણે નક્કી કર્યું કે, હવે જે કામ મળ્યું છે એને બેસ્ટ રીતે કરવું છે. થયું એવું કે, આખા સ્ટેટમાં તેના કામને બેસ્ટનો એવોર્ડ મળ્યો. તેણે કહ્યું કે, દરેક વખતે આપણું ધાર્યું થાય એવું જરૂરી નથી, પણ જે થાય છે એમાં આપણું ધાર્યું તો આપણે કરી જ શકીએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે, કોઇ કામને નાનું ગણવું નહીં. એક માળી હતો. તેને એક બગીચાનું કામ સોંપવામાં આવ્યું. તેણે નક્કી કર્યું કે, હું જેવો બગીચો બનાવું એવો કોઇ બનાવી શકવું ન જોઇએ. મારા બગીચામાં જે વ્યક્તિ આવે એ ખુશ થાય એ જ મારો ઉદ્દેશ છે. તેણે એવું કરી બતાવ્યું. એક દિવસ એક નાના બાળકે આવીને તેમને કહ્યું કે, તમે કેવાં સરસ ફૂલ ઉગાડો છો! મને તો મજા આવી જાય છે. એ માળીએ કહ્યું કે, તને ગમ્યું એટલે મારી મહેનત સફળ. આપણને ક્યારેય એવું થાય છે કે, મેં કર્યું એ સફળ કે સાર્થક થયું. અનેક લોકોની ઇચ્છા એવી હોય છે કે, મારા કામની નોંધ લેવાય. દરેક કામની નોંધ લેવાતી જ હોય છે. આપણે જેના માટે જે કરીએ છીએ એ જો આપણા કામથી ખુશ હોય એ પૂરતું છે.
અત્યારના સમયની એક સમસ્યા એ છે કે, કોઇને પોતાના કામથી સંતોષ નથી. આપણને જ જો આપણા કામથી સંતોષ ન હોય તો બીજાને ક્યારેય આપણા કામથી સંતોષ થવાનો નથી. એક યુવાન સરસ કામ કરતો હતો. તેને બેસ્ટ કર્મચારીનો એવોર્ડ મળ્યો. એવોર્ડ વખતે બોસે તેને સારાં કામ કરવાનું કારણ પૂછ્યું. એ યુવાને કહ્યું કે, હું જ્યારે સવારે કામ પર આવું છું ત્યારે એટલું વિચારું છું કે, મારે આજે મારું કામ બેસ્ટ રીતે કરવું છે. ખુશ રહીને કરવું છે. કોઇ દાંડાઇ કરવી નથી. કોઇ આળસ કરવી નથી. દિવસ પૂરો થાય અને ઘરે જતો હોઉં ત્યારે એ વિચારું છું કે, મેં મારું કામ સરખી રીતે તો કર્યું છેને? હું સેલ્ફ એનાલિસિસ કરું છું. બીજા જુએ કે ન જુએ, બીજા કદર કરે કે ન કરે, મને મારાથી ફેર પડે છે. એક બીજા કર્મચારીની આ વાત છે. એ એવી જગ્યાએ કામ કરતો હતો જ્યાં એનું કામ કોઇ જોતું નહોતું. કામ ન કરે તો પણ કોઇને ખબર પડે એમ નહોતી. તેણે કહ્યું કે, કોઇ મારું કામ નહોતું જોતું, પણ હું તો જોતો હતોને? મને તો ખબર હતીને કે, હું શું કરું છું. જેને પોતાની ખબર હોય છે એને કંઇ વાંધો આવતો નથી. સ્થાન, માન અને સફળતા માટે માણસે પોતાની જાતને સાબિત કરવી પડતી હોય છે અને એ માત્ર ને માત્ર મહેનત, ધગશ અને પ્રામાણિકતાથી જ શક્ય બને છે.


છેલ્લો સીન :
હાથમાં સફળતાની રેખાઓ હોય તો પણ તેને પરસેવાથી ચમકાવવી પડે છે. મહેનત વગર કંઇ મળતું નથી. મહેનત વગર કદાચ મળી જાય તો એ લાંબું ટકતું નથી. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 30 નવેમ્બર 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *