માણસ ભલે બોલે નહીં પણ
બીજાને જજ તો કરે જ છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
પાન પૂછે ડાળને ખરવા વિશે,
પૂછતી લહેરો બધી તરવા વિશે,
ગાલ ભીના થઈ શરમાયા કરે,
અશ્રુઓ છે અવઢવે ઝરવા વિશે.
– ડો. રમેશ ભટ્ટ `રશ્મિ’
માણસ મનમાં એક ફૂટપટ્ટી લઈને ફરતો હોય છે. પોતાની આ ફૂટપટ્ટીથી માણસ બધાને માપતો રહે છે. માણસ માણસને પામવાનો પ્રયાસ બહુ ઓછો કરે છે, પણ બધાને માપતો તો રહે જ છે. કોણ કેવું લાગે છે? કોણે શું પહેર્યું છે? કોણ કેવું બોલે છે? કોણ કેવું વર્તન કરે છે? એ બધું આપણે સતત ઓબ્ઝર્વ કરતા રહીએ છીએ. સીન મારવા એ માણસની પ્રકૃતિ છે. દરેક માણસ બીજાને ઇમ્પ્રેસ કરવાના પ્રયાસો કરતો હોય છે. બધાને સારું દેખાવવું હોય છે. કેટલા લોકો ખરેખર પોતે હોય એવું જ વર્તન કરતા હોય છે? મનમાં બીજું કંઇક ચાલતું હોય છે અને માણસ જુદું જ બોલતો હોય છે. જેની જરૂર હોય એને સારું લગાડવાનો કોઇ પ્રયાસ માણસ છોડતો નથી. માણસ માણસની હેસિયત જોઇને તેની સાથે વર્તન કરે છે. બહુ ઓછા લોકો દરેક વ્યક્તિની સાથે સારું અને એકસરખું વર્તન કરતા હોય છે. માણસ સરવાળે ચાલબાઝ છે. એ ચાલ ચાલતો રહે છે. એક માણસમાં એક કરતાં વધુ માણસ જીવતા હોય છે. માણસમાં એક સંત જીવતો હોય છે. એક શેતાન પણ જીવતો હોય છે. આપણી અંદરનો સંત કે શેતાન પરિસ્થિતિ મુજબ સજીવન થઇ જાય છે. બધાને ખબર હોય છે કે, હું ખરેખર કેવો છું, પણ પોતે જેવો હોય એવો વ્યક્ત થતો નથી. માણસને મહોરા બદલવાની આદત હોય છે. એ ફટ દઇને મહોરું બદલી નાખે છે. દેખાતા હોય એવા બધા હોતા નથી. કેટલાંકનું વર્તન જોઇને આપણને એમ થાય છે કે, આ તે કેવો માણસ છે! ઘડીકમાં એનું વર્તન બદલી જાય છે. કેટલાક લોકો જેવા સાથે તેવાનો સિદ્ધાંત અપનાવતા હોય છે. પોતે જેવા હોય એવા રહેવાવાળા કેટલા લોકો હોય છે? સ્થાન, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, નામના અને સંપત્તિ જોઇને સંબંધ રાખનારાઓની આ જગતમાં બહુમતી છે. કામ હોય ત્યાં માણસ ઝૂકી ઝૂકીને સલામ ભરે છે. અભિમાની અને સ્વમાનીમાં બહુ મોટો ફેર છે. અભિમાની માણસ પોતાનાથી નીચેના માણસ સાથે મન ફાવે એમ વર્તે છે. એ જ માણસ પોતાના કરતાં સુપરિયર સામે સીધો ચાલે છે. નીચા અને નબળા માણસ સાથે માણસ કેવી રીતે વર્તે છે તેના પરથી માણસનું માપ નીકળી આવે છે.
એક ગરીબ માણસ હતો. તેની સાથે બધા તોછડાઇથી જ વર્તતા હતા. તેને થતું કે, મારો સમય આવવા દોને, હું પણ બધા સાથે તોછડાઇથી જ વર્તવાનો છું. એક વખત એક માણસ તેની સાથે ભૂલથી અથડાઇ ગયો. પેલો માણસ ગુસ્સે થઇ ગયો. જે માણસ અથડાયો હતો એણે બહુ સારા શબ્દોમાં માફી માંગી. મને માફ કરજો. મારું ધ્યાન નહોતું. મારો કોઇ ઇરાદો નહોતો. એ ચાલ્યો ગયો એ પછી પેલા ગરીબ માણસને ખબર પડી કે, એ તો બહુ મોટો માણસ હતો. તેને થયું કે, એ માણસ મારી સાથે ખરાબ રીતે વર્તી શક્યો હોત, પણ એણે બહુ સલુકાઇથી વાત કરી. એ સમયે તેણે નક્કી કર્યું કે, ગમે એવો મોટો થઇ જઇશ તો પણ હું બધા સાથે સારી રીતે જ વર્તીશ. આપણે શું કરતા હોઇએ છીએ? બધા સાથે એકસરખું વર્તન આપણે કરી શકીએ છીએ?
આપણે બધા એવું કહેતા અને સાંભળતા હોઇએ છીએ કે, કોઇને જજ કરવા ન જોઇએ. કોઇના સંજોગ કે કોઇની સ્થિતિ સમજ્યા વગર કોઇ વિશે અભિપ્રાય બાંધવો ન જોઇએ. ખરેખર એવું થઇ શકે છે ખરું? હમણાંની એક સાવ સાચી વાત છે. થોડાક ફ્રેન્ડ્સ એક હોટલમાં રોકાયા હતા. બધા સવારે બ્રેકફાસ્ટ કરતા હતા ત્યારે જ એક કપલ નાસ્તો કરવા માટે આવ્યું. તેની સાથે એક બાળક હતું અને બાળકને સાચવવા માટે આયા હતી. બાળકને આયા સાથે જોઇને એક મિત્રએ કહ્યું, બાળકને આ ઉંમરે સૌથી વધુ જરૂર માતાની હોય છે. માતા બાળકની કાળજી રાખવાને બદલે તેનું ધ્યાન રાખવા આયા રાખી લે છે. બાળકને માતાનો પ્રેમ મળતો જ નથી. આ વાત સાંભળીને બીજા ફ્રેન્ડે કહ્યું કે, આ બધા ધનવાનોનાં કામો છે. બાળક માટે આયા રાખીને પણ એ રોફ ઝાડતા હોય છે. ત્રીજા મિત્રએ કહ્યું કે, તમે બંનેને તેના વિશે કંઇ ખબર નથી અને તમે તેને જજ કરો છો. બનવા જોગ છે કે, એ સ્ત્રીને કોઇ શારીરિક પ્રોબ્લેમ હોય, બાળકને તેડી શકતી ન હોય. આ વાત સાંભળીને તેના બીજા બે મિત્રએ કહ્યું કે, અમે જજ કરીએ છીએ તો તેં શું કર્યું? તેં પણ અંતે તો જજ જ કર્યું છે. આ વાત સાંભળીને ચોથા મિત્રએ કહ્યું કે, જજ કરવું એ માણસની પ્રકૃતિ છે. કોઇને જજ ન કરવા જોઇએ એવું જે માને છે એ પણ બીજાને જજ તો કરતા જ હોય છે. હા, એ બોલતા નથી. એ કોઇના વિશેનું જજમેન્ટ પોતાના પૂરતું જ રાખે છે, બાકી જજ તો કરે જ છે.
આપણે બધા કોઇને જોઇને તેના વિશે આછો પાતળો અંદાજ તો બાંધતા જ હોઇએ છીએ. કોઇ છોકરા અને છોકરીને હોટલમાં કે બીજે ક્યાંય એકસાથે જોઇને આપણે એવું વિચારીએ જ છીએ કે, આ બંને પતિ-પત્ની હશે કે પ્રેમી-પ્રેમિકા હશે? બાઇક પર કોઇ કપલ જતું હોય ત્યારે પણ પાછળ બેઠેલી છોકરીને જોઇને આપણે બાઇક ચલાવનાર સાથે તેના સંબંધનું અનુમાન લગાવીએ છીએ. છોકરી ચીપકીને બેઠી હોય એટલે માની લઇએ છીએ કે તેની પત્ની કે પ્રેમિકા જ હશે. ધ્યાન રાખીને બેઠી હોય તો એવું વિચારીએ છીએ કે, તેનો ભાઇ કે બીજા કોઇ સ્વજન હશે. જાણે અજાણે આપણા મનમાં કોઇના વિશેની માન્યતાઓ બંધાતી હોય છે. સારો માણસ બોલતો નથી. બોલે તો પણ એ એમ કહે છે કે, ગમે તે હોય આપણને શું ફેર પડે છે? ઘણા લોકો એમ પણ કહે છે કે, બીજાની પંચાતમાં નહીં પડવાનું.
સારી અને સાચી વાત એ છે કે, કોઇની પંચાતમાં ન પડવું. કોઇની પર્સનલ લાઇફમાં દખલ ન દેવી. બહુ ઓછા લોકો એવું કરી શકતા હોય છે. આપણા વિચારો ફટ દઇને બદલી જતા હોય છે. એક ઓફિસની આ વાત છે. દરેક સિનિયર પોતાની કેબિનમાં બેસીને કામ કરતા હતા. એક સિનિયર કર્મચારી પોતાની કેબિનમાં બેસીને કામ કરતો હતો ત્યારે તેને મળવા માટે એક માણસ આવ્યો. કર્મચારી એ માણસ સાથે સરસ રીતે વાત કરતો હતો. આ દરમિયાનમાં સામેની કેબિનમાં બેઠેલા કર્મચારીએ ઇન્ટરકોમ કરીને એ કર્મચારીને કહ્યું કે, તને જે મળવા આવ્યો છે એ માણસ બહુ ચાલુ ચીજ છે. તેની સાથે ડીલ કરવામાં ધ્યાન રાખજે. આ કોલ પછી એ કર્મચારીનું પેલા માણસ સાથેનું વર્તન જ બદલાઈ ગયું. કોઇએ કહ્યું એટલે એ માણસના કપાળ પણ જાણે બદમાશ માણસનું લેબલ લાગી ગયું. એ ગયો પછી તેને વિચાર આવ્યો કે, મારું વર્તન કેમ બદલાઈ ગયું? હું તો એ માણસ સાથે સમજી વિચારીને જ ડીલ કરતો હતો. કોઇનો અભિપ્રાય મારા પર આટલી મોટી અસર કરે છે? આપણા બધા ઉપર બીજાનો અભિપ્રાય જબરો અસર કરતો હોય છે. ઘણા લોકો સાથે આપણે એ કેવો છે એ કોઇને પૂછીને જ વર્તન કરતા હોઇએ છીએ.
દરેક માણસને દરેક માણસનો જુદો જુદો અનુભવ થયો હોય છે. માણસ ઘણી વખત ખરાબ માનસિકતામાંથી પસાર થતો હોય છે. એ ક્યારેક આપણી સાથે સારું વર્તન કરી ન શક્યો હોય તો આપણે તેના વિશેની એક છાપ બાંધી લઇએ છીએ. એક સંતે કહેલી આ વાત છે. તેણે કહ્યું હું માણસને ગમે એટલી વાર મળ્યો હોઉં તો પણ હું જ્યારે તેને મળું છું ત્યારે પહેલી વખત મળતો હોવ એ જ રીતે વર્તું છું. માણસ વિશેની કોઇ ઇમેજ, કોઇ છાપ કે કોઇ ગ્રંથિ બાંધી રાખતો નથી. માણસ દરરોજ બદલાતો હોય છે. એના વિશે સારું કે નરસું ધારી લેવામાં મોટું જોખમ હોય છે. અગાઉ સારી રીતે વર્તનારો માણસ આપણું કરી નાખે એવો પણ હોઈ શકે છે. માણસ સાથેના વર્તનમાં એ કેવો છે એનું ધ્યાન ચોક્કસ રાખવું, પણ સાથોસાથ એની પણ કાળજી રાખવી કે, હું કેવો છું અથવા તો હું કેવી છું? આપણે પોતાના જેવા રહીએ તો એ બહુ સારી અને મોટી વાત છે. આપણો ગ્રેસ આપણે જાળવવાનો હોય છે. કોઇ સારા કહે એનાથી આપણે સારા થઇ જતા નથી, કોઇ ખરાબ કહે એનાથી આપણે ખરાબ પણ થઇ જતા નથી. આપણે જેવા હોઇએ એવા જ રહેતા હોઇએ છીએ. એટલે જ આપણે નક્કી કરવું પડતું હોય છે કે આપણે કેવા રહેવું છે. આપણે એ જ ચેક કરતા રહેવાનું હોય છે કે હું કેવો છું? આપણે કેવા રહેવું એ આપણા હાથની વાત છે. આપણે જેવા હશું એવા ઓળખાઇ આવવાના છીએ. કોઇને જજ ન કરવા જોઇએ એ વાત સાચી, પણ આપણે આપણી જાત માટે પણ કોઇ ખોટા ભ્રમ પાળવા ન જોઇએ. જેને પોતાની ઓળખ છે એ જ સાચો માણસ છે. સારા રહેવું વધુ સહેલું છે, કારણ કે જે સારા નથી એણે સારા દેખાવવા માટે પ્રયાસો કરવા પડતા હોય છે. માણસ ગમે એવાં નાટક કરે, પણ છેલ્લે તો એ એવું જ વર્તન કરી બેસે છે જેવો એ ખરેખર હોય છે. જે ખરેખર સાત્ત્વિક માણસ છે એણે પોતાની સાત્ત્વિકતા સાબિત કરવા માટે કોઇ પ્રયાસ કરવા પડતા નથી.
છેલ્લો સીન :
સત્યનો પોતિકો સક્ષમ રણકાર હોય છે. આ રણકાર ક્યારેય બોદો હોતો નથી. સત્યનો રણકાર સતત ગુંજતો રહે છે અને વહેલો કે મોડો સંભળાયા વગર રહેતો નથી. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 07 ડિસેમ્બર 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
