તને મારું કંઈ હવે
ગમતું જ નથી

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
પ્રતીક્ષા મહેલમાં કે ઝૂંપડીમાં એકસરખી છે,
વિરહ-રાતો મૂકી દે છે બધાને એક કક્ષામાં!
પ્રણય માગે, ફરજ માગે, ધરા માગે, ગગન માગે,
કહો કોને કરું રાજી હૃદયના એક ટુકડામાં!
– નઝર તુરાવા
શબ્દોને સલુકાઇથી વાપરવા એ બહુ મોટી કળા છે. આપણા શબ્દો આપણી સંવેદનાનું સૌથી મોટું પ્રતીક છે. આપણે જે બોલીએ છીએ એ સામેની વ્યક્તિને સીધી અસર કરે છે. એમાંયે જેને આપણી પરવા છે, જેને આપણા પર લાગણી છે, એના માટે તો આપણો એક એક શબ્દ મહત્ત્વનો હોય છે. એ લોકો આપણો ટોન પારખી જાય છે. આપણે જરાકેય ઢીલું બોલીએ તો તરત જ કહેશે કે, કેમ ધીમું બોલે છે? કેમ ડાઉન લાગે છે? શું થયું છે? આપણી વ્યક્તિને આપણે કહેવું પડતું નથી કે હું મજામાં નથી. એને ખબર જ પડી જાય છે. ચહેરાની લકીર બદલે એટલે એની આંખો ચમકે છે. શબ્દોને સુગંધમાં બોળીને વાપરવા જોઇએ. આપણે ઘણાને સાંભળીએ ત્યારે કહીએ છીએ કે, કેવું મીઠું બોલે છે? નાનાં બાળકોની કાલીઘેલી વાતો એટલે જ સારી લાગે છે, કારણ કે એમાં કોઇ કપટ હોતું નથી. શબ્દોનું ધ્યાન ન રાખીએ તો એમાં ધાર નીકળી આવે છે. શબ્દો તીક્ષ્ણ બની જાય છે. આપણે એવા કેટલાયે લોકોને જોયા હોય છે જે બોલે ત્યારે સામેની વ્યક્તિને છરકા પડી જાય છે. માણસથી બધું સહન થઇ જાય છે, પણ ખરાબ રીતે બોલાયેલા શબ્દો સહન થતા નથી.
એક સાવ સાચી ઘટના છે. એક ભાઇ ખાનગી પેઢીમાં નોકરી કરતા હતા. એનો શેઠ બોલવામાં બહુ તોછડો હતો. એ કોઇ વસ્તુની ના ન પાડે, પણ બોલે એવું કે હાડોહાડ લાગી આવે. રજા માંગે તો કહે કે, હા જાવ તમારે તો રખડવું જ છે. કરો મજા. ક્યારેક રૂપિયાની જરૂર હોય તો ના ન પાડે, પણ એવું કહે કે, ઉડાડતા ન હોવ તો. ધ્યાન રાખતા હોવ તો કોઇની પાસે હાથ લંબાવવો ન પડે. વાત નાની હોય કે મોટી, એની જીભ કુહાડાની જેમ જ ચાલે. આખરે એ ભાઇએ નોકરી છોડી દેવાનું નક્કી કર્યું. હું નોકરી છોડું છું એવું શેઠને કહ્યું ત્યારે પણ શેઠે એવી જ વાત કરી કે, તને વળી શેમાં વાંકું પડ્યું? જઇને જઇને ક્યાં જવાનો છે? તમારે બધાને બસ મજા કરવી હોય છે. હવે જાય છે તો મને કારણ તો કહે. એ ભાઇએ કહ્યું કે, નોકરી છોડવાનું કારણ માત્ર ને માત્ર તમારી કડવી જીભ અને તમારા આકરા શબ્દો છે. તમે મદદ કરો તો પણ એવી રીતે કરો છો કે મને ના પાડી દેવાનું મન થાય છે. જે માણસ બોલ્યે ન ઠારી શકે એ રાખ્યે ક્યારેય ઠારી શકવાનો નથી. દુનિયામાં સૌથી વધુ તકરારો, વિવાદો અને માથાકૂટો થઇ હોય તો એ માત્ર ને માત્ર બોલવાના કારણે થઇ છે. માણસ ખરાબ હોતો નથી, એનું બોલવાનું ખરાબ હોય છે. તોછડા લોકો તકરાર જ સર્જે. આપણા શબ્દો આપણી નમ્રતા છતી કરે છે. માણસ નમ્ર છે કે નહીં એ તેના મોઢા પરથી નહીં પણ એ કેવું બોલે છે એના પરથી નક્કી થાય છે.
દાંપત્યમાં સૌથી વધુ જરૂરી કંઇ હોય તો એ સંવાદ છે. આ સંવાદ પણ સાત્ત્વિક હોવો જોઇએ. મોટાભાગનાં કપલ્સમાં જો કોઇ પ્રોબ્લેમ હોય તો એ વાત કરવાની રીતનો હોય છે. વાંધો પડે એટલે માણસનો ટોન બદલાઇ જાય છે. એક કપલની આ વાત છે. બધા કપલને થતા હોય એવા નાના-મોટા ઝઘડા એ બંને વચ્ચે પણ થતા રહેતા. ઝઘડો થાય ત્યારે પત્નીનું મગજ જાય. એ મન ફાવે એમ બોલવા લાગે. પતિના બોલવાના ટોનમાં જરાયે ફેર ન પડે. એ શાંતિથી જ વાત કરે. એક વખત પત્નીએ પૂછ્યું, માથાકૂટ થાય ત્યારે તું કેમ આટલો બધો શાંત રહી શકે છે? પતિએ કહ્યું, એનું કારણ એ છે કે, રાડો પાડવાથી કોઇ વાત સાચી સાબિત થઇ જતી નથી. મારી વાત સાચી જ હોય એવું જરૂરી નથી. સાચી હોય તો પણ એનો મતલબ એ નથી કે, હું ગમે એમ બોલું. મારી વાત સાચી હોય ત્યારે હું એવું વિચારું છું કે હું સાચો છું, મારે દલીલો કરવાની કોઇ જરૂર નથી. મારી વાત ખોટી હોય ત્યારે એવા વિચાર આવે છે કે, મારી ભૂલ છે એટલે મારે કારણ વગરની દલીલ કરવી ન જોઇએ. ઝઘડા તો થવાના છે, માથાકૂટ પણ થવાની છે. ગમે તે થાય આપણે શાંતિથી વાત કરી શકવા જોઇએ. આપણે ગમે એમ તોયે એકબીજાના છીએ. ભલે ક્યારેક ઝઘડો થાય પણ અંતે તો સાથે જ રહેવાનું છે. આપણને બંનેને જ એકબીજાની પરવા છે. બીજું કોઇ તો ધ્યાન રાખવા આવવાનું નથી. મારે તારી પાસે કંઇ જ સાબિત કરવું હોતું નથી. સાબિત કરવું હોય તો પણ એટલું જ કે, તું મારી છે. તારા ઘણા માઇનસ પોઇન્ટ્સ છે એ મને ખબર છે. એનો વિચાર આવે ત્યારે એવું પણ થાય છે કે, મારાયે માઇનસ પોઇન્ટ્સ ક્યાં ઓછા છે? મેં તો નક્કી કર્યું છે કે, તારા માઇનસ પોઇન્ટ્સ જોવા જ નહીં, પ્લસ પોઇન્ટસ જ જોવા. પોતાની વ્યક્તિમાં જેવું શોધશો એવું મળી આવશે. સારું શોધશો તો સારું જ મળશે, જો વાંધા અને પ્રોબ્લેમ શોધવા બેસશો તો એ પણ મળી જ આવવાના છે. પોતાની વ્યક્તિ જેવી છે એવી જ એનો સ્વીકાર કરવામાં સંબંધનું સત્ત્વ જળવાઇ રહે છે.
પ્રેમ, સંબંધ કે દાંપત્યમાં માણસ પોતાની વ્યક્તિ માટે કંઇક ને કંઇક કરતો જ રહે છે. બદલામાં એની એવી અપેક્ષા પણ હોય જ છે કે, મારી વ્યક્તિ હું જે કરું છું એનાં વખાણ કરે. મને એપ્રિસિએટ કરે. અરે વાહ! ખૂબ જ સરસ કર્યું છેને કંઇ. આ તો તું જ કરી શકે. તારી લાગણી અને તારી મહેનતને દાદ દેવી પડે. માત્ર બે-ચાર શબ્દો બોલીએ તો એને લાગે છે કે, મારી મહેનત વસૂલ. કંઇ ન બોલીએ ત્યારે એવું જ લાગે છે કે, હું ગમે એ કરું, એને કંઇ ફેર જ પડતો નથી. એક કપલની આ વાત છે. બંનેએ લવ મરેજ કર્યા હતા. પ્રેમમાં હતાં ત્યારે પત્નીની નાની નાની વાતની પતિ નોંધ રાખતો. એનાં વખાણ કરતો. મેરેજ થયા પછી એણે વખાણ કરવાનું જ બંધ કરી નાખ્યું. પત્ની કંઇ કરે તો એને જરાયે એપ્રિસિએટ ન કરે. એક વખત પત્નીએ સામેથી પૂછ્યું કે, મેં જે બનાવ્યું એ કેવું લાગ્યું? પતિએ કહ્યું, ઓકે છે. પતિના વર્તનથી કંટાળીને એક વખત પત્નીએ કહ્યું કે, તને હવે મારું કંઇ ગમતું જ નથી. પતિએ કહ્યું કે, અરે! એવું બિલકુલ નથી. મને ગમે જ છે. દરેક વાતમાં વખાણ કરવાં જરૂરી છે? પત્નીએ કહ્યું, હા જરૂરી છે. તને ખબર છે તારા શબ્દોથી મને કેટલો ફેર પડે છે. સારું ન હોય ત્યાં ટીકા કર એનોયે વાંધો નથી, પણ સારું હોય ત્યારે સારું બોલતા તારું શું જાય છે? આપણે આખી દુનિયાને સારું લગાડીએ છીએ, પણ પોતાની વ્યક્તિને ક્યારેય સારી કહેતા નથી. એક બીજા કપલની આ વાત છે. પતિ ક્યારેય પણ કંઇ સારું કરે તો પત્ની તરત જ કહે. તું બહુ સારો છે. કંઇ ભલાઇનું કામ કરે તો કહે કે, તું કાઇન્ડ હાર્ટેડ છે. એક વખત પતિએ કહ્યું કે, હું સારો હતો કે નહીં એ મને ખબર નથી, પણ તેં મને સારો કહીને વધુ સારો બનાવ્યો છે. આપણે આપણી વ્યક્તિને આઇ લવ યુ કહીએ છીએ, પણ ક્યારેય એવું કહીએ છીએ કે, તું બહુ સારી છે કે તું બહુ સારો છે. પોતાની વ્યક્તિના સારાપણાની કદર પણ સ્નેહનો જ એક ભાગ છે. નાની સરખી ભૂલ થાય ત્યારે આપણે એવું બોલી દઇએ છીએ કે, તને કંઇ ખબર જ નથી પડતી. કેટલાક લોકો તો ત્યાં સુધી બોલી જાય છે કે, તારામાં બુદ્ધિ જેવું કંઇ છે કે નહીં? આ શબ્દો કેવા વાગતા હોય છે એની આપણને કલ્પના હોતી નથી. ભૂલ કરે ત્યારે પણ આપણે કેવી રીતે કહીએ છીએ એના પર ઘણો મોટો આધાર રહેતો હોય છે. જે તમારી નજીક છે એને એપ્રિસિએટ કરતા રહો, તમે આપોઆપ એને સારા લાગશો. પોતાની વ્યક્તિ દ્વારા થતું ઇન્સલ્ટ સૌથી વધુ ખરાબ અને ઘાતક નીવડતું હોય છે. પોતાની વ્યક્તિએ કરેલી એક સારી વાત માણસને ટકાવી રાખે છે. તું મારી સાથે છે તો બધું જ છે. મારે કોઇની જરૂર નથી. એકે હજારા. જેને એકબીજાનો સાથ હોય એને બીજા કોઇ ટેકાની જરૂર પડતી નથી. માણસનો પ્રોબ્લેમ એ છે કે, એ જેનું ધ્યાન રાખવાનું હોય એનું ધ્યાન રાખતો નથી અને બીજા બધા પાસે કાલાવાલા અને હા જી હા કરતો હોય છે. જેની સાથે જીવીએ છીએ એનું જતન કરીએ તો જ જિંદગી જીવવા જેવી લાગવાની છે. શબ્દોને સંભાળીને વાપરશો તો સંબંધને ટકાવવામાં મહેનત કરવી નહીં પડે. આપણે જે બોલીએ એના પરથી જ આપણે કેવા છીએ એ વર્તાઇ આવતું હોય છે.
છેલ્લો સીન :
માણસને માણસ તરીકે જુએ એ જ સાચો માણસ છે. આપણે જે રીતે બીજાને જોઈએ એ જ દૃષ્ટિથી એ પણ આપણને જોવાના છે. સન્માન એને જ મળે છે જે સન્માન આપી જાણે છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 19 જુલાઇ 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
