તારે મારું વધુ પડતું સારું
વિચારવાની જરૂર નથી

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
ખુલ્લા છે દરવાજા એના,
તો પણ તું શોધે છે ચાવી?
ઓણ થયું ચોમાસુ એવું,
બે-ત્રણ ઇચ્છા મેં પણ વાવી.
– રાકેશ હાંસલિયા
સંબંધમાં સૌથી ખરાબ જો કોઇ વાત હોય તો એ કોઇની જિંદગીમાં કારણ વગરનો ચંચૂપાત કરવાની આદત છે. દરેક વ્યક્તિનો પોતાનો એક સ્વભાવ હોય છે, પોતાની પ્રાઇવસી હોય છે, પોતાના ગમા અને અણગમા હોય છે. એને છંછેડવા જોઇએ નહીં. રિલેશન્સમાં પણ એ વાતની કાળજી રાખવી પડતી હોય છે કે, જાણે અજાણે કોઇની લાઇફમાં એન્ક્રોચમેન્ટ થઇ ન જાય. કેટલાક લોકોની આદત જ શિખામણ આપવાની હોય છે. કોઇ સલાહ માંગે કે ન માંગે, કોઇને ગમે કે ન ગમે, એ લોકો સલાહ આપતા જ રહે છે. આવા લોકો વળી એવી રીતે વાત કરે છે જાણે સામેની વ્યક્તિમાં કંઇ ગતાગમ જ નથી. દુનિયાભરનું જ્ઞાન એને જ છે. અમુક વાતમાં ટપ્પો પડતો ન હોય તો પણ એનો અભિપ્રાય હોય જ. કેટલાક લોકો મોઢામોઢ કહી દેતા હોય છે કે, તારું ડહાપણ તારી પાસે રહેવા દે, મને ખબર છે મારે શું કરવું. બધા લોકો બોલતા નથી, અમુક લોકો કિનારો કરી લે છે. આની નજીક રહેવામાં બહુ માલ નથી એવું વિચારીને સેફ ડિસ્ટન્સ રાખવા માંડે છે. સંબંધ તો જ જળવાય જો લાગણીઓનું સન્માન થતું રહે. માત્ર મને શું ગમે છે એ જ નહીં, એને શું ગમે છે એનો પણ વિચાર કરવામાં આવે. વેવલેન્થ એને જ કહેવાય જ્યાં એકબીજાના વિચારો ઝિલાતા અને જિવાતા હોય.
એક છોકરો અને એક છોકરી બહુ સારા ફ્રેન્ડ હતાં. એક વખત બંને શાંત જગ્યાએ ફરવા ગયાં. એકદમ ખુશનુમા વાતાવરણ હતું. છોકરી એ ક્ષણોને ફીલ કરતી હતી. બંને ચૂપ હતાં. થોડા સમય પછી છોકરીએ તેના ફ્રેન્ડને પૂછ્યું, કેમ કંઇ બોલતો નથી? તેના ફ્રેન્ડે કહ્યું, તું કંઇ સાંભળવાના મૂડમાં નથી. તું જે વાતાવરણ છે એને માણવાના મૂડમાં છે. હું કંઇ બોલીને તને ડિસ્ટર્બ કરવા માંગતો નહોતો. છોકરીએ પૂછ્યું, તને કંઇ બોલવાનું મન થતું નહોતું? છોકરાએ કહ્યું, સાચી દોસ્તી એ છે જ્યાં પોતાને શું મન થાય છે એ નહીં, પણ દોસ્તનું શું મન છે એની ખબર અને સમજ હોય. આની સામે એક સાવ જુદો જ કિસ્સો સમજવા જેવો છે. એક કપલ હતું. બંને એક વખત ફરવા ગયાં. જ્યાં ગયાં ત્યાં સરસ મજાનો ધોધ હતો. ધોધ દેખાય એવી ટેકરી પર પહોંચીને બંને બેઠાં. પતિએ સાઉન્ડ સિસ્ટમ કાઢીને ફુલ વોલ્યૂમ સાથે મ્યુઝિક શરૂ કર્યું. પત્નીએ કહ્યું, પ્લીઝ, એ રહેવા દેને. બે ઘડી આંખો મીંચીને આ ધોધનો જે અવાજ આવે છે એને ફીલ કર. ઉપરથી નીચે પડતા પાણીના અવાજની સાથે પક્ષીઓના કલરવનો અવાજ કેટલો મીઠો લાગે છે! પતિએ કહ્યું, તારો ટેસ્ટ જ અલગ છે. આવી જગ્યાએ તો ફુલ મ્યુઝિક સાથે ડાન્સ કરવો જોઇએ. બે વ્યક્તિ સાથે રહેતી હોય ત્યારે બંનેના ગમા અણગમા અલગ હોય એવું સ્વાભાવિક છે, પણ આપણે આપણી વ્યક્તિના ગમાને કેટલું રિસ્પેક્ટ કરીએ છીએ એ સૌથી વધુ મહત્ત્વનું છે.
એક બીજા કપલની આ વાત છે. બંનેના સ્વભાવ અને ગમા-અણગમામાં હાથી-ઘોડાનો ફેર હતો. પતિ હંમેશાં પત્નીને ગમે એવું કરે. પત્નીને પણ એ વાતની ખબર હતી કે, હું કરું છું એ એના સ્વભાવથી વિપરીત છે તો પણ એ કરે છે. એક વખત પત્નીએ પૂછ્યું, તને ગમતું નથી તો પણ તું કેમ બધું કરતો રહે છે? પતિએ કહ્યું, એનું કારણ એ છે કે, તું મને ગમે છે. ગમતી વ્યક્તિનું ગમતું ગમાડવું પણ પ્રેમનો જ એક પ્રકાર છે. ધીમે ધીમે થયું એવું કે, પત્ની પણ પતિને જ ગમતું હતું એમાં રસ લેવા માંડી. બંને પોતપોતાનું ગમતું કરતાં તો પણ બંને તેને એન્જોય કરતાં હતાં. બંનેને એકબીજાની પરવા હોય એ અનેક વાતે છતું થતું હોય છે. ગમે એવું તો બધા જ કરે, પોતાની વ્યક્તિ માટે પોતાને ન ગમતું હોય એવું પણ કરી જાણે એ જ સાચા સાથી છે.
દરેક વ્યક્તિની એક સરહદ હોય છે. એને ઓળગંવી ન જોઇએ. મર્યાદા તૂટે ત્યારે માન ખૂટે છે. કોઇ બોલાવે ત્યારે હાજર થઇ જઇએ એ બરાબર છે, પણ કોઇના બોલાવ્યા વગર જ પહોંચી જઇએ ત્યારે સંબંધ સામે સવાલો ખડા થાય છે. સહાનુભૂતિ અને સાંત્વના પણ જ્યારે જરૂર હોય ત્યારે જ આપવાની હોય છે. કાળજી રાખીએ એ બરાબર છે, પણ કોઇને કાળ ચડવા ન લાગે એનું પણ ધ્યાન રાખવું જોઇએ. એક પ્રેમી કપલની આ સાવ સાચી વાત છે. પ્રેમી એની પ્રેમિકાને દરેક વાતમાં સલાહ, શિખામણ અને માર્ગદર્શન આપે. પહેલાં પહેલાં તો પ્રેમિકા કંઇ બોલતી નહીં, પણ એક સમયે કહી દીધું કે, યાર તું દરેક વાતમાં સલાહ ન આપ. મને ખબર પડે છે કે, શું સારું છે અને શું ખરાબ છે. શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ. જ્યારે જરૂર હશે ત્યારે તને પૂછી લઇશ, પણ તું દરેક વાતમાં સલાહ ન આપ. પ્રેમીએ કહ્યું કે, હું તો તારા સારા માટે કહું છું. પ્રેમિકાએ કહ્યું, તારે મારું વધુ પડતું સારું વિચારવાની કંઇ જરૂર નથી. મારા સારાની મને સમજ પડે છે. પ્રેમીમાં તો પણ કંઇ સુધારો ન થયો. આખરે પ્રેમિકાએ તેની સાથે બ્રેકઅપ કરી નાખ્યું. મને જ બધી ખબર પડે અને સામેની વ્યક્તિમાં કંઇ બુદ્ધિ જ નથી એવું સમજનાર વ્યક્તિ છેલ્લે એકલી પડી જતી હોય છે.
આઇ એમ ધેર ફોર યુ એવું કહ્યા પછી પણ ક્યારે સાથે રહેવું અને ક્યારે દૂર ખસી જવું તેની સમજ હોવી જોઇએ. દરેક વખતે ચીપકવાની આદત ગૂંગળામણ પેદા કરે છે. કોઇ કેર કરે એ બધાને ગમે, પણ એમાં એક શરત હોય છે. આપણી વ્યક્તિ જ જો કેર કરે તો જ ગમે છે. ન ગમતી વ્યક્તિ કેર કરવા જાય ત્યારે પસંદ નથી પડતું. જેનું મોઢું જોવું જ ગમતું ન હોય તેની વાત સાંભળવી પણ ક્યારેય પસંદ આવતી નથી. કેર એની જ કરો જેને તમારી કેર છે. જેને તમારા પ્રેમ અને તમારા લાડની જરૂર છે. પત્ની એના ફ્રેન્ડ્સ સાથે ડિનર પર ગઇ હોય તો પણ પૂછે કે, તેં જમી લીધું? જમવા ગઇ હતી, જમી જ લીધું હોય એ ખબર હોવા છતાં આપણે પૂછતા હોઇએ છીએ. આપણી વ્યક્તિને એ ગમતું પણ હોય છે.
કોનું કેટલું સારું વિચારવું, ક્યારે સારું વિચારવાનું બંધ કરવું એનું ધ્યાન રાખવું પડતું હોય છે. કેટલાક કિસ્સામાં લોકો સામેની વ્યક્તિને ખબર ન પડે એ રીતે એને પરાધીન બનાવી દેતા હોય છે. એક કપલની આ સાવ સાચી વાત છે. પતિ પત્નીની તમામે તમામ વાતની વધુ પડતી કાળજી લે. એના માટે બધું જ તૈયાર રાખે. પત્ની બહાર જવાની હોય ત્યારે પણ રિઝર્વેશનથી માંડીને બધું જ કરી આપે. એક વખત પત્નીએ કહ્યું, મને ખબર છે કે તને મારી ચિંતા છે. તું એવું ઇચ્છે છે કે, મારી વાઇફને કંઇ જ પ્રોબ્લેમ ન થાય, પણ તને એક વાત કહું, મને જે આવડે છે એ મને કરવા દે. જરૂર પડશે ત્યારે તને કહીશ. ક્યારેક તો તું એવું કરે છે, જાણે મને કંઇ ખબર જ નથી પડતી. આટલું બધું પણ ધ્યાન ન રાખ. વ્યક્તિ ગમે એટલી અંગત હોય તો પણ એ કરી શકતી હોય એ એને કરવા દેવું જોઇએ. કમ્ફર્ટ ચોક્કસ આપો, પણ ડિસકમ્ફર્ટ ફીલ થવા લાગે એટલું પણ ન કરો. પગથિયું હોય કે ખાડા હોય ત્યારે એવું કહીએ કે, ધ્યાન રાખજે, તો ઠીક છે. દરેક ડગલે અને પગલે એવું કહેવા લાગીએ કે, ધ્યાન રાખજે, ધ્યાન રાખજે, તો એનું મગજ જવાનું જ છે. કેર, ચિંતા, ફીકર અને મદદ ચોક્કસ કરો, પણ પહેલાં એ ચેક કરો કે, એને એની જરૂર છે? વધારે પડતો પ્રેમ પણ ક્યારેક પ્રેમની સમાપ્તિનું કારણ બનતો હોય છે. પ્રેમ અને સંબંધ જેટલો મુક્ત હોય એટલો જ જોડાયેલો રહે છે.
છેલ્લો સીન :
સંબંધો જ્યારે ભારરૂપ લાગવા માંડે ત્યારે તેના તૂટવાના ચાન્સીસ વધી જાય છે. હળવા, સહજ અને સાત્ત્વિક સંબંધો જ લાંબો સમય ટકે છે. સંબંધમાં સ્પેસ ઘટી તો અકળામણ વધી જવાની છે. મોકળાશ જ સંબંધની માવજત કરે છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 26 જુલાઇ 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
