વર્કોહોલિક : તમે વધુ પડતું કામ તો કરતા નથીને? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

વર્કોહોલિક : તમે વધુ પડતું
કામ તો કરતા નથીને?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

સતત કામ કરનારા લોકોએ એક વાત યાદ રાખવી
જોઈએ કે, માત્ર કામ જ જિંદગી નથી. થોડોક આરામ,
થોડીક મજા અને પોતાના માટે પણ થોડો સમય રાખવો જોઈએ.
તમારું ડે પ્લાનિંગ કેવું હોય છે?


———–

જિંદગીમાં કામ કરવું જરૂરી છે. કામ વગર તો કોઇ સફળતા, કોઇ મંજિલ કે ધારેલું કશું જ હાંસલ થવાનું નથી. કામ છે તો બધું છે. કામનો મહિમા ખૂબ ગવાયો છે. કામ કરવું જ જોઇએ એ વાતથી કોઇ ઇન્કાર ન કરી શકે, પણ તેની સાથે એ વાતેય યાદ રાખવા જેવી છે કે, કામ જ જિંદગી નથી. દુનિયામાં આજકાલ વ્હાઇટ કોલર એડિક્શનની ખૂબ ચર્ચાઓ છે. હમણાંનો એક અભ્યાસ એવું જણાવે છે કે, દુનિયામાં વર્કોહોલિક લોકોની સંખ્યા સતત વધી રહી છે. માનસશાસ્ત્રના નિષ્ણાતો યંગસ્ટર્સને સાવધાન કરે છે કે, ધ્યાન રાખજો, વર્કોહોલિક ન થઇ જતા. એવું થશે તો જિંદગી બરબાદ થઇ જશે. આપણને સ્વાભાવિક રીતે જ એવો સવાલ થાય કે, વર્કોહોલિક કોને કહેવાય? કેમ ખબર પડે કે, હું વર્કોહોલિક છું કે નહીં? એ વિશે એક્સપર્ટ્સનો મત એવો છે કે, સખત મહેનત કરનાર વ્યક્તિ અને વર્કોહોલિક વ્યક્તિમાં બહુ મોટો ફેર છે. સખત મહેનત કરનારો માણસ જરૂર પડ્યે કામ છોડીને રિલેક્સ થઇ શકે છે. વર્કોહોલિક વ્યક્તિ કામ વગર બેચેની અનુભવવા લાગે છે. નવરા બેસવામાં એને ગીલ્ટ ફીલ થાય છે. કામ વગર આવા લોકો તણાવમાં આવી જાય છે. તણાવ ઘટાડવા માટે પણ તેમણે કામનો સહારો લેવો પડે છે. આવા લોકો પરિવાર માટે તો સમય કાઢતા જ નથી, પોતાના શોખ પૂરા કરવા માટે પણ ટાઇમ સ્પેર કરતા નથી. તબિયત સારી ન હોય તો પણ એ લોકો કામને વળગેલા રહે છે.
આજના સમયમાં કોઇ પણ વાત હોય તો તરત જ ફાયદો અને નુકસાન ગણવામાં આવે છે. વર્કોહોલિક હોવાના ચોક્કસપણે ફાયદાઓ છે. આવા લોકો ઝડપથી સફળતા મેળવી શકે છે. વધુ કામ કરતા હોવાથી પ્રમોશન અને આવકના ચાન્સીસ પણ વધારે રહે છે. ઓફિસમાં અને સમાજમાં કામઢા માણસ તરીકે તેઓ પ્રતિષ્ઠા પણ મેળવે છે. અલબત્ત, વર્કોહોલિક હોવાના ફાયદા કરતાં ગેરફાયદા વધુ છે. સૌથી મોટી વાત તો એ છે કે, માણસના સંબંધો પર જોખમ પેદા થાય છે. સામાજિક જીવન ખતમ થઇ જાય છે. માણસ ધીમે ધીમે એકલો પડી જાય છે. ભલે વધુ કામ કરતા હોય, પણ લાંબા ગાળે એના કારણે ગુણવત્તા ઘટે છે. સતત કામ શારીરિક અને માનસિક સમસ્યાઓનો પણ ભોગ બનાવે છે. માણસ અનિદ્રા, હાઇ બ્લડપ્રેશર અને સખત થાક અનુભવે છે.
બર્ગન વર્કોહોલિઝમ સ્કેલ મુજબ દુનિયાના દસથી પંદર ટકા કામ કરતા લોકો વર્કોહોલિક શ્રેણીમાં આવે છે. હવે આ પ્રમાણ વધી રહ્યું છે. તેનું એક અને સૌથી મોટું કારણ ટેક્નોલોજી છે. દુનિયામાં જ્યારે ઇન્ટરનેટ નહોતું ત્યારે લોકો ઓફિસ કે બિઝનેસથી ઘરે આવતા એ પછી પોતાને જે કરવું હોય એ કરતા હતા. હવે માણસ મોબાઇલ અને લેપટોપના રૂપમાં માણસ ઓફિસને સાથે લઇને જ ફરે છે. ઘરે હોય ત્યારે પણ કામ કરતા હોય છે. ફરવા ગયા હોય ત્યારે પણ કેટલાક લોકો ઇ-મેલના જવાબો આપતા હોય છે કે પ્રેઝન્ટેશન તૈયાર કરતા હોય છે. ન કરવું હોય તો પણ કરવું પડે છે. જે રીતે કમ્પિટિશન વધી રહી છે એ જોઇને બધાને એવું લાગે છે કે, કામ તો કરવું જ પડશે, જો નહીં કરું તો હું ફેંકાઇ જઇશ. નોકરીમાંથી કાઢી મૂકવાનો ભય પણ બધાને સતાવી રહ્યો છે. હવેનો સમય ગ્લોબલ ઇકોનોમીનો છે. ટાઇમ ઝોન અલગ અલગ હોય એવા દેશોના લોકો એકબીજા સાથે કામ કરતા હોય છે. મોડી રાત સુધી કામ કરવું પડે છે. રિમોટ વર્કિંગનો ટ્રેન્ડ પણ સતત વધી રહ્યો છે. કેટલાંક કામ એવાં છે કે, કામ કરો એટલાં નાણાં મળે, માણસ વધુ કમાવવા માટે કામ કરતો રહે છે.
વર્કોહોલિક લોકો પર વર્લ્ડ હેલ્થ આર્ગેનાઇઝેશન અને ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશ દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે, અઠવાડિયાના પંચાવન કલાક કે તેથી વધુ સમય કામ કરવાના કારણે વિશ્વમાં દર વર્ષે 7.45 લાખ લોકોનાં મોત હાર્ટએટેક અને બ્રેઇનસ્ટ્રોકના કારણે થાય છે. આ ઉપરાંત બીજો એક અભ્યાસ એવું કહે છે કે, વર્કોહોલિક લોકોમાં 32.7 લોકો એડીએચડી એટલે કે અટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવ ડિસઓર્ડરથી પીડાતા હતા. તેમાં માણસ કોઇ કામ પર ધ્યાન આપી શકતા નથી, એકાગ્રતા રહેતી નથી. માણસ ઇમ્પલ્સિવ એટલે કે અધીરો અને ઉતાવળો બની જાય છે. આ ઉપરાંત 25.6 ટકા લોકોમાં ઓસીડી એટલે કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરનો ભોગ બનેલા હતા. મતલબ તેમનામાં કોઇ ને કોઇ ધૂન સવાર હતી. 33.8 ટકા લોકો એંગ્ઝાઇટીથી પીડાતા હતા. વર્કોહોલિઝમ એક વિશ્યસ સર્કલ છે. વધુ પડતું કામ કરો અને સંબંધને સમય ન આપો એટલે સંબંધ બગડે, સંબંધ બગડે એટલે એકલતા લાગે. એકલતાના કારણે ડિપ્રેશન આવે, કામ સરખી રીતે ન થાય, કામ ન થાય એના કારણે વધુ હતાશા ઘેરી વળે. સરવાળે માણસ પોતે જ સર્જેલાં વમળોમાં ફસાતો જાય છે.
વર્કોહોલિઝમની સૌથી ગંભીર અસરો જાપાનમાં જોવા મળી છે. કરોશી નામનો એક જાપાનીઝ શબ્દ છે. તેનો અર્થ એવો થાય છે કે, વધુ પડતા કામના કારણે થતું મૃત્યુ. જાપાનની સરકાર પણ હવે લોકોને કહેતી થઇ છે કે, કામ કરો એ સાથે પોતાની જાત અને પરિવારને પણ સમય આપો. જાપાન જેવી સ્થિતિ હવે અનેક દેશોમાં થતી જાય છે. આપણા દેશની વાત કરીએ તો, ભારતની ગણના કામના વધુ કલાકોમાં થાય છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ કહે છે કે, સરેરાશ ભારતીય અઠવાડિયાના 47.7 કલાક કામ કરે છે. તેમાં પણ 44 ટકા લોકો અઠવાડિયે પચાસ કલાકથી વધુ કામ કરે છે. ભારતની સરખામણીએ ફ્રાંસમાં અઠવાડિયે 30 કલાક, જર્મનીમાં 34 કલાક અને અમેરિકામાં લોકો 37 કલાક કામ કરે છે. ભારતમાં મુંબઇ, દિલ્હી, બેંગલુરુ સહિત કેટલાંક મોટાં શહેરોમાં ઓફિસે આવવા જવા માટે પણ કલાકોનું ટ્રાવેલ કરવું પડે છે. એ કામના ટેન્શનમાં વધારો કરે છે. દુનિયામાં થયેલા એક અભ્યાસમાં 47 ટકા લોકોએ એવું કહ્યું હતું કે, વર્ક રિલેટેડ સ્ટ્રેસ પર્સનલ લાઇફ બગાડી રહ્યો છે. ભારતના યંગસ્ટર્સને એવો ભય લાગે છે કે, જો હું કામ નહીં કરું તો બીજો કોઇ મારી જગ્યા લઇ લેશે. આપણા દેશમાં 60 ટકા કર્મચારીઓ એવું માને છે કે, રજા માંગીશ તો બોસને નહીં ગમે. વધુ કામ કરીને અને મોડે સુધી ઓફિસમાં રોકાઇ કેટલાંક લોકો કંપની પ્રત્યેની વફાદારી સાબિત કરવાના પ્રયાસો પણ કરતા રહે છે.
તમે કેટલું અને કેવું કામ કરો છો એ વિચારી જોજો. દિવસનું પ્લાનિંગ એવી રીતે કરો કે, કામ પણ થઇ રહે, આરામ પણ મળે, પરિવારને પણ સમય આપી શકાય અને પોતાના માટે પણ સમય મળી રહે. આમ તો દિવસના ત્રણ ભાગ પાડીને એવું કહેવામાં આવે છે કે, 24 કલાકમાં આઠ કલાક કામના, આઠ કલાક આરામના એટલે કે સૂવાના અને બાકીના આઠ કલાક ઇતર પ્રવૃત્તિઓ માટે ફાળવવા જોઇએ. જોકે, બહુ ઓછા લોકો એવું કરી શકતા હોય છે. હવે લોકો મોડે સુધી વેબસીરિઝ જોતા રહે છે અથવા તો મોબાઇલ લઇને બેઠા રહે છે. ઊંઘ ડિસ્ટર્બ થાય છે. લાઇફ સ્ટાઇલ બદલાઈ ગઇ છે. એના કારણે હાઇપરટેન્શનનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કામ અને કામના બોજને આપણે ટાળી શકતા નથી, પણ એને મેનેજ ચોક્કસ કરી શકીએ. સારી જિંદગી, શાંતિ અને સુખ જોઇતાં હોય તો આ વિશે ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર રહે છે. બાય ધ વે, તમે જે કરો છે એ તો બરાબર છેને? ન હોય તો હજુ કંઇ મોડું થયું નથી. દિવસનું પ્લાનિંગ એવી રીતે કરો કે, તમને કામ કરવાની પણ મજા આવે અને રિલેક્સ થવા માટે પણ પૂરતો સમય મળી રહે.


————

પેશ-એ-ખિદમત
આખિર આખિર એક ગમ હી આશ્ના રહ જાયેગા,
ઔર વો ગમ મુઝકો ઇક દિન દેખતા રહ જાયેગા,
અબ હવાએ હી કરેગી રોશની કા ફૈસલા,
જિસ દીયે મેં જાન હોગી વો દીયા રહ જાયેગા.
– મહશર બદાયુની


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 13 મે 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *