જેન ઝીનો IQ ઘટ્યો છે,
EQ સલામત રહે તો ઘણું!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
ઇતિહાસમાં એવું નોંધાયું છે કે, માણસજાતની બુદ્ધપ્રતિભા
સમયની સાથે સતત વધતી રહી છે.
વીસમી સદીમાં પહેલી વખત આઇક્યુમાં ઘટાડો
જોવા મળ્યો છે. ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ ભલે ઘટે પણ
ઇમોશનલ ક્વોશન્ટ જળવાઇ રહે એ વધુ મહત્ત્વનું છે
———–
માણસ બુદ્ધિશાળી જીવ છે. માણસની પ્રકૃતિ અને પ્રવૃત્તિના કારણે જ આજે દુનિયા આ કક્ષાએ પહોંચી છે. માણસજાતનો ઇતિહાસ એવું કહે છે કે, માણસની બુદ્ધિ જેમ જેમ સમય ગયો એમ એમ વિકસતી રહી છે. દરેક જનરેશન તેની અગાઉની જનરેશન કરતાં વધુ શાણી અને હોશિયાર સાબિત થઇ છે. અલબત્ત, હમણાંના એક લેટેસ્ટ રિસર્ચે પહેલી વખત એવું નોંધ્યું છે કે, જેન ઝીનો આઇક્યૂ એટલે કે ઇન્ટેલિજન્સ ક્વોશન્ટમાં ઘટાડો થયો છે! હવે એનો અભ્યાસ શરૂ થયો છે કે, આવું થવાનું કારણ શું છે? તેની સાથોસાથ એની ચર્ચા પણ ચાલી છે કે, આઇક્યૂ ઘટે એનો વાંધો નથી, પણ ઇક્યૂ ઘટવો ન જોઇએ. ઇમોશનલ ક્વોશન્ટ વધ્યો છે કે ઘટ્યો છે તેના વિશે કોઇ સત્તાવાર અભ્યાસ થયો નથી. નિષ્ણાતોને એ વાતનો ડર સતાવી રહ્યો છે કે, ક્યાંય માણસની સંવેદનાઓ તો ક્ષુબ્ધ થતી જતી નથીને? માણસને માણસ સાથે જે નિસબત હોવી જોઇએ એ તો બરકરાર છેને? સવાલ એ પણ છે કે, શું હવે પછીની જનરેશનોનો આઇક્યૂ પણ ઘટતો જશે?
દુનિયામાં છેલ્લા થોડા સમયમાં સૌથી વધુ ચર્ચા જેન ઝીની થઇ રહી છે. શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ સહિત અનેક દેશોમાં જેન ઝીએ સરકારો ઉથલાવી નાખી છે. ઇરાન સહિત અનેક દેશમાં જે ઉત્પાત ચાલી રહ્યો છે એના માટે જેન ઝીને જવાબદાર માનવામાં આવે છે. જેન ઝી વિશે એવું કહેવાતું રહ્યું છે કે, એકવાર એ લોકો જે નક્કી કરી લે એને છોડતા નથી. આઇક્યૂના અભ્યાસે એટલે જ લોકોને વિચારતા કરી મૂક્યા છે. સ્ટેનફર્ડ યુનિવર્સિટી અને અન્ય સંશોધકોએ સાથે મળીને કરેલા અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે, જેન ઝી એટલે કે 1997થી 2012માં જન્મેલાઓનો આઇક્યૂ મિલેનિયલ્સ એટલે કે 1981થી 1996 દરમિયાન જન્મેલા લોકો કરતા ઓછો છે. એ સાથે એવું પણ કહેવાયું છે કે, વીસમી સદીમાં પહેલી વખત એક જનરેશન કરતાં બીજી જનરેશનનો આઇક્યૂ ઘટ્યો હોય એવું જોવા મળ્યું છે. મિલેનિયલ્સના સરેરાશ આઇક્યૂ 100થી 105ની સરખામણીમાં જેન ઝીનો આઇક્યૂ 95થી 98 રહ્યો છે. મતલબ કે, જેન ઝીનો આઇક્યૂ પાંચથી સાત પોઇન્ટ ઓછો છે.
આપણા દેશ માટે સારી વાત એ છે કે, આપણે ત્યાં જેન ઝીના આઇક્યૂમાં ઘટાડો જોવા મળ્યો નથી. સંશોધકોએ નોંધ્યું છે કે, આઇક્યૂમાં ઘટાડો મોટા ભાગે અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યો છે. ભારત સહિત એશિયાના દેશોમાં હજુ પણ વધારો જ જોવા મળ્યો છે. આઇક્યૂના ઘટાડાની શરૂઆત કોરોનાના સમયથી શરૂ થઇ હોવાનું માનવામાં આવે છે. લોકડાઉનના કારણે લોકોના શિક્ષણથી માંડીને સામાજિક વિકાસને મોટી અસરો પહોંચી હતી. આ ઉપરાંત મોબાઇલે પણ દાટ વાળ્યો છે. લોકોનો સ્ક્રીન ટાઇમ સાતથી નવ કલાકનો થઇ ગયો છે. માણસ સતત સોશિયલ મીડિયા જોતો રહે છે. રીલ્સમાં કલાકોનો સમય વેડફે છે. લોકોનું વાંચન ઘટ્યું છે. સાઇબર એડિક્શનના કારણે લોકોની લાંબું વિચારવાની આદત છૂટી ગઇ છે. લોકો કોઇ બાબતમાં શાંતિથી લાંબું વિચારી પણ શકતા નથી. અગાઉના સમયમાં કોઇ મુશ્કેલી, સમસ્યા કે પડકાર હોય ત્યારે માણસ શાંતિથી બેસીને વિચારતો હતો કે શું કરવું? હવે એવું કરતો. જ્યારે મુશ્કેલ સ્થિતિ સર્જાય ત્યારે સમજ્યા વિચાર્યા વગર ઉતાવળિયા નિર્ણયો લઇ લે છે. અત્યારની જનરેશન ઝડપથી ડિપ્રેશનમાં આવી જાય છે એનું કારણ એ છે કે, એને કોઇ મુશ્કેલી સામે કેવી રીતે ટકવું તેનું નોલેજ જ નથી. નવી જનરેશન કમ્ફર્ટ લાઇફ જીવવા લાગી છે. એને રોજિંદા પ્રશ્નોનો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. એના કારણે વિચારવાની શક્તિ જ ક્ષીણ થઇ રહી છે.
આઇક્યૂમાં પાંચ-સાત પોઇન્ટના ઘટાડા વિશે નિષ્ણાતો એવું પણ કહે છે કે, આટલા ઘટાડાથી કંઇ આભ ફાટી પડવાનું નથી, પણ એ ચેતવણી ચોક્કસ છે. મગજના ઉપયોગ વિશે પહેલેથી એવું કહેવાતું આવ્યું છે કે, માણસ મગજની ક્ષમતા કરતાં તેનો ઓછો ઉપયોગ કરે છે. હવે તેમાં પણ ઘટાડો થાય તો માણસ નવું અને લાંબું વિચારી શકશે નહીં. મોબાઇલના કારણે લોકોની લાઇફ ઇઝી થઇ ગઇ છે. જીપીએસના કારણે રસ્તા યાદ રાખવા પડતા નથી. કંઇ પણ હોય તો લોકો ફટ દઇને ગૂગલ કે એઆઇ પ્લેટફોર્મની મદદ લેવા દોડી જાય છે. પોતાનું મગજ વાપરવાનું માણસે ઘટાડી નાખ્યું છે. તેની અસર તો થવાની જ છે. નિષ્ણાતો એવી સલાહ આપે છે કે, વાંચન વધારો. તમને જે ગમતું હોય એ વાંચો પણ વાંચવાનું ચાલુ રાખો. વાંચન વગર જ્ઞાન મળવાનું નથી. માણસ નવરો પડ્યો નથી કે તરત જ મોબાઇલ હાથમાં લઇ લે છે. આખો દિવસ મોબાઇલ સાથે ન રહો. પોતાની જાતને ટાઇમ આપો. એકાંતનો અહેસાસ માણો. વર્ચ્યુઅલ વર્લ્ડથી દૂર રહો. મિત્રો અને સ્વજનોને મળો. પ્રકૃતિની નજીક રહો. કુદરતી વાતાવરણને માણો.
આઇક્યૂમાં ભલે ઘટાડો થયો, ઇક્યૂ માટે સાવધાન રહેવાની સલાહ નિષ્ણાતો આપે છે. જિંદગીમાં ટકી રહેવા માટે ભાવનાત્મક સમજ હોવી જરૂરી છે. ઇક્યૂને સરળ શબ્દોમાં કહેવું હોય તો સૌથી પહેલાં તો પોતાની જાતને સમજવી અને લાગણીઓને સમજવી. લાગણીઓ પર નિયંત્રણ રાખવું. જિંદગી, કરિયર અને સંબંધો માટે સકારાત્મક રહેવું. બીજાની લાગણીઓને પણ સમજવી. જેનો ઇક્યૂ ઊંચો હોય એવા લોકો બીજા લોકો સાથે સારી રીતે સંવાદ સાધી શકે છે. તેનું કમ્યુનિકેશન પાવરફુલ હોય છે. તે કોઇ પણ તાણ વગર પોતાનું કામ કરી શકે છે. પડકારોનો સામનો પણ તેઓ સ્વસ્થતાથી કરી શકે છે.
સમય બદલાયો છે. સમય સાથે માણસે પણ બદલવું પડે છે. બદલવામાં અને બગડવામાં બહુ મોટો ફર્ક છે. બગડવાનો અર્થ બિલકુલ એવો નથી કે માણસ ખરાબ થઇ રહ્યો છે, તેનો અર્થ એ છે કે માણસ જિંદગી જીવવાનો રસ્તો ભૂલી ગયો છે. માણસ હવે સંબંધો વર્ચ્યુઅલ વર્લ્ડમાં શોધે છે અને સામે હોય તેની અવગણના કરે છે. મોટાભાગના લોકો કોઇ ને કોઇ રિલેશનશિપ ક્રાઇસિસમાંથી પસાર થઇ રહ્યા છે. દરેકને પોતાના કોઇ ને કોઇ સ્વજન સાથે પ્રોબ્લેમ છે. મોટાભાગની મેરેજ લાઇફ ડિસ્ટર્બ છે. અગાઉના સમયમાં અસુવિધાઓ ચોક્કસ હતી, પણ સુખ અને શાંતિ અકબંધ હતાં. હવે સાધન સુવિધાઓની કોઇ કમી નથી. ઘેરબેઠા માણસ માંગે એ હાજર થઇ જાય છે. આમ છતાં બધાને એવું લાગે છે કે, જિંદગીમાં કંઇક ખૂટે છે. સોશિયલ મીડિયાના કારણે માણસની પોતાના પાસેથી જ અપેક્ષાઓ વધી ગઇ છે. દરેકને સેલિબ્રિટી થઇ જવાના અને પોપ્યુલર બનવાના ધખારા છે. પ્રયાસ કરવામાં કશું ખોટું નથી, પણ માણસને પોતાના પ્લસ અને માઇનસ પોઇન્ટની ખબર હોવી જોઇએ.
આજના યંગસ્ટર્સને બધું જોઇએ છે અને બહુ ઝડપથી જોઇએ છે. સફળતાની એક ગતિ હોય છે, એક રિધમ હોય છે, એ એના સમયે જ મળે છે. રાતોરાત કંઇ થઇ જતું નથી. અત્યારનો માણસ લાંબું વિચાર્યા વગર જોખમ લઇ લે છે. એનો પણ વાંધો ન હોય. સફળ થાય તો કંઇ વાંધો નથી આવતો. પ્રોબ્લેમ એ છે કે, નિષ્ફળતા મળે તો એ પચાવી કે સહન કરી જાણતા નથી. હવેની જનરેશનને એ શીખવવું પડે એમ છે કે, નિષ્ફળ જઇએ તો શું કરવું? દરેક માણસને જિંદગીમાં ક્યારેક તો નિષ્ફળતા મળતી જ હોય છે. ખરાબ સમય પણ આવતો જ હોય છે. એવા સમયે તૂટી જવાનું નથી પણ ટકી રહેવાનું હોય છે. સંબંધો જો સજીવન હોય તો ટકી રહેવું સહેલું પડે છે. સંબંધોને સ્વસ્થ અને સાર્થક રાખવા માટે સંવેદનાઓ જીવતી હોવી જોઇએ. હવે જિંદગી વિશે નવેસરથી વિચારવું પડે એમ છે. આજે નહીં તો કાલે એ કરવું જ પડશે. જે પાછળ છૂટી ગયું છે એને અપનાવવું જ પડશે. સુખ અને શાંતિ માટે બેક ટુ બેઝિક્સ સિવાય બીજો કોઇ વિકલ્પ જ માણસ પાસે નથી.
————
પેશ-એ-ખિદમત
ખામોશી સે માર ન દે ઇક દિન મુઝકો,
શોર સા ઇક જો મેરી જાત કે અંદર હૈ,
ચાહે જો ભી ખિડકી મૈં ખોલૂં `અતહર’,
સબકે બાહર એક હી જૈસા મંઝર હૈ.
– મિર્ઝા અતહર જિયા
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 18 ફેબ્રુઆરી 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
