મને ખબર છે, એને
હું જરાયે પસંદ નથી

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
અહીં ઊંચી નજર જોઈ તહીં નીચી નજર જોઈ,
અમે તો બેય આલમને હંમેશાં બેખબર જોઈ,
ભલેને ભાગ્યવશ ઉન્નત બની હરખાય છે કોઈ,
હતી જે ધૂળ શિખરે એ રખડતી દરબદર જોઈ.
– ચંદ્ર પરમાર
આ વિશ્વમાં સૌથી વિચિત્ર, સૌથી ભેદી અને સૌથી ખતરનાક કંઇ હોય તો એ માણસ છે. તેની સાથોસાથ એમ પણ કહેવું પડે કે, દુનિયામાં સૌથી શ્રેષ્ઠ, સૌથી ઉમદા અને સૌથી વધુ સંવેદનશીલ જો કોઇ હોય, તો એ પણ માણસ જ છે. માણસ બે નહીં પણ અનેક એક્સ્ટ્રીમ વચ્ચે જીવે છે. દરેક માણસ જુદો છે. માણસ પાછો હંમેશાં એકસરખો પણ રહેતો નથી. સારો માણસ ગમે ત્યારે ખરાબ થઇ શકે છે અને ખરાબ માણસ કોઇ પણ ક્ષણે સારો થઇ શકે છે. માણસની જિંદગીમાં ક્યારે ટર્નિંગ પોઇન્ટ આવે અને ક્યારે માણસ ધરમૂળથી બદલાઇ જાય એ નક્કી હોતું નથી. આપણી સાથે રહેતી વ્યક્તિને પણ આપણે પૂરેપૂરો ઓળખી શકતા નથી. અમુક સમયે એ એવું વર્તન કરે છે જે જોઇને આપણને જ સવાલ થાય છે કે, આ એ જ માણસ છે જેને હું પ્રેમ કરતો હતો કે પ્રેમ કરતી હતી? જેને સર્વસ્વ માનતા હોય એ ગમે ત્યારે શૂન્ય થઇ જાય છે. આપણે પણ કેટલા બદલાતા હોઇએ છીએ? દરરોજ આપણામાં કંઇક ઉમેરાતું હોય છે. દરરોજ કંઇક બાદ પણ થતું હોય છે. શું ઉમેરાય છે અને શું બાદ થાય છે એના પરથી એ નક્કી થતું હોય છે કે, આપણી દિશા પ્રગતિ તરફની છે કે પતન તરફની? આપણે ક્યારેય એ વિચાર કર્યો છે કે, આપણામાં કેવાં કેવાં પરિવર્તનો આવ્યાં છે? આપણે કાં તો સારા થયા હોઇએ છીએ અને કાં તો બૂરા. આપણું વર્તન પણ પાછું બધા સાથે એકસરખું નથી હોતું. કોઇ માટે આપણે અત્યંત સારા હોઇએ છીએ અને કોઇ માટે આપણે એટલા જ ખરાબ પણ હોઇએ છીએ.
એક પતિ-પત્નીની આ વાત છે. બંને બહુ જ સરસ રીતે રહે. બંનેના નેચર પણ ખૂબ જ સારા. પતિ દરેક માણસ સાથે ખૂબ જ સરસ રીતે રહે. અજાણ્યા માણસ સાથે પણ સલુકાઇથી વાત કરે. આ કપલના ફેમિલીમાં એક માણસ હતો. એનું નામ પડે એટલે પતિનાં ભવાં તંગ થઇ જાય. પતિએ પત્નીને અનેક વખત કહ્યું કે, એનું નામ ઘરમાં નહીં લેવાનું, મને એનાથી નફરત છે. એક દિવસ પત્નીએ પૂછ્યું, તું તો બધા સાથે સરસ રીતે રહે છે, એની સાથે તને શું પ્રોબ્લેમ છે? પતિએ કહ્યું, એને જોઇને મને ગુસ્સો આવે છે. મેં એના વિશે એક ગંદી વાત સાંભળી હતી. એ પછી એના પરથી મારું મન ઊઠી ગયું છે. આપણી જિંદગીમાં પણ એવા કેટલાક લોકો હોય છે જેના પરથી આપણું મન ઊઠી ગયું હોય છે. કેટલાક લોકોએ તો આપણું કંઇ જ બગાડ્યું નથી હોતું. એની સાથે આપણને કંઇ લાગતુંવળગતું પણ નથી હોતું, તો પણ અમુક લોકો આપણને ગમતા હોતા નથી. આપણે જ કહીએ છીએ કે, ખબર નહીં કેમ પણ મને એ માણસ પસંદ નથી. ક્યારેય આપણી સિકસ્થ સેન્સ એવું કહેતી હોય છે કે, એ માણસ સંબંધ રાખવા જેવો નથી. આપણે એનાથી ડિસ્ટન્સ રાખીએ છીએ. એને જોઇને જ આપણને ચીડ ચડે છે. આપણે પણ કંઇ ઓછા પ્રેજ્યુડાઇસ પાળ્યા નથી હોતા. આપણા લાઇક્સ અને ડિસલાઇક્સ પણ ઓછાં નથી હોતાં. આપણી માનસિકતા પણ ચોક્કસ પ્રકારની હોય છે. અમુક લોકો ગમે છે. અમુક લોકો નથી ગમતા. અમુક લોકો વહાલાં લાગે છે. એના માટે આપણે કંઇ પણ કરવા તૈયાર હોઇએ છીએ. એનો પડ્યો બોલ ઝીલીએ છીએ.
એક બીજો સાવ સાચો કિસ્સો છે. એક ભાઇ હતા. તેના પડોશમાં એક ફેમિલી રહેતું હતું. તેને એક નાનકડી દીકરી હતી. આ ભાઇની છાપ એક નંબરના ખડૂસ માણસની હતી. કોઇની સાથે સીધા મોઢે વાત ન કરે. કોણ જાણે કેમ, એ દીકરી એને એટલી બધી વહાલી હતી કે, એ કહે એ બધું જ કરે. એક વખત એ ભાઇની પત્નીએ કહ્યું કે, તું કોઇની સાથે સખણો નથી રહેતો, પણ એ નાનકડી છોકરી તને નચાવે એમ તું નાચે છે. એ ભાઇએ કહ્યું, હા એ કહે એ બધું હું કરું. કદાચ ગયા ભવનું લેણું અથવા તો દેણું કંઇક બાકી છે. એને જોઉં છું અને મારામાં જે સારો માણસ છે એ સજીવન થઇ જાય છે. હું એની સાથે સાવ નિર્દોષ ફીલ કરું છું. મને એવું લાગે છે કે, એ મારા માટે એન્જલ છે. એવી એન્જલ જે મને હસાવી શકે છે, રડાવી શકે છે અને એ ઇચ્છે એમ કરાવી શકે છે. આપણી જિંદગીમાં પણ એવા એક-બે લોકો હોય છે, જેના માટે આપણે કંઇ પણ કરવા તૈયાર હોઇએ છીએ. એની સાથે કોઇ જ સ્વાર્થ નથી હોતો. આપણને એ પણ ખબર હોય છે એની પાછળ ઘસાવવાનું જ છે, તો પણ આપણે એના માટે બધું કરતા હોઇએ છીએ. એનું કારણ એ હોય છે કે, એના માટે કંઇક કરવાથી આપણને ખુશી મળતી હોય છે. આનંદ કંઇ પોતાનાથી જ નથી મળતો, સાચો આનંદ તો આપણે કોઇના માટે કંઇક કરીએ ત્યારે મળતો હોય છે. આપણને વહાલી વ્યક્તિ માટે કંઇ કરવાનો આપણને જરાયે થાક નથી લાગતો. એને ગમે છેને એટલે બસ. આપણને ખબર ન હોય એ રીતે કેટલાક લોકો આપણી પ્રાયોરિટી બની જતા હોય છે. એ આપણા દિલથી નજીક હોય છે.
આપણને કેટલાક લોકો ગમતા હોતા નથી. આપણે પણ કેટલાક લોકોને ન ગમતા હોઇએ એવું બની શકે છે. આપણો કોઇ વાંક ન હોય, આપણે કોઇનું કંઇ બૂરું ન કર્યું હોય તો પણ કેટલાક લોકો આપણને પસંદ કરતા હોતા નથી. જે લોકો આપણને પસંદ ન કરતા હોય એને વહાલા થવાનો કે એની પાસે સારા થવાનો પ્રયાસ પણ ન કરવો જોઇએ. એની માન્યતા એને મુબારક. કેટલાક લોકો આપણી સફળતા, આપણને મળતું સન્માન કે આપણું નામ જોઇને પણ બળતા હોય છે. એને કારણ વગર આપણી ઇર્ષા આવતી હોય છે. એવા લોકોનો કોઇ ઇલાજ હોતો નથી. એક સાવ સાચો કિસ્સો છે. યંગસ્ટર્સનું એક ગ્રૂપ હતું. બધા ઓકેઝનલી એકબીજાને મળતા હતા. મોજ મજા કરતા હતા. એક વખત એક યુવાનના ઘરે પાર્ટી હતી. બધા જવાના હતા. એક મિત્રએ તેના બીજા એક મિત્રને પૂછ્યું, તું પાર્ટીમાં આવે છેને? એ યુવાને કહ્યું, ના હું નથી આવવાનો. પેલાએ નવો સવાલ કર્યો, કેમ નથી આવવાનો? એ યુવાને કહ્યું, મને ખબર છે હું એને જરાયે પસંદ નથી. મારે ત્યાં આવીને એને ન ગમતું હોય એવું કરવું નથી. મને એવી પણ ઇચ્છા નથી કે, હું એને સારો લાગું, પસંદ આવું. હું શા માટે પસંદ નથી એનું કારણ પણ મારે નથી જાણવું. હું મારા પૂરતું ધ્યાન રાખું છું કે, મારાથી કંઇ ખોટું કે ખરાબ ન થઇ જાય, બાકી કોઇ માણસને મારા માટે જે ધારવું હોય એ ધારે અને માનવું હોય એ માને. મને એક વાતની ખબર છે કે, તમે દુનિયામાં બધાને ખુશ રાખી શકતા નથી. બધાને રાજી રાખવાના પ્રયાસ પણ કરવા ન જોઇએ. એવું કરવા જઇએ તો આપણે પોતે પણ રાજી રહી શકતા નથી. કેટલાક લોકો ક્યારેય બદલાતા નથી. એને બદલવાનો પ્રયાસ કરવો એ આપણા જ સમય અને આપણી જ શક્તિની બરબાદી હોય છે. આપણે બસ આપણા પૂરતું ધ્યાન રાખીએ એટલું બસ છે. આપણને નફરત કરતા હોય, કારણ વગર ધિક્કારતા હોય, એનાથી દૂર રહેવામાં જ માલ હોય છે. માત્ર શરીરથી નહીં, મનથી પણ એવા લોકોથી દૂર થઇ જવું હિતાવહ છે. એના વિચાર કરીને પણ સરવાળે આપણું જ મગજ બગડવાનું છે. આપણે આપણા સુખ અને શાંતિ માટે કેટલાક નિયમો ઘડવા પડતા હોય છે. એમાંનો જ એક નિયમ એવો છે કે, અમુક લોકોને ન વતાવવામાં, અમુક લોકોને ન સમજાવવામાં અને અમુક લોકોથી દૂર રહેવામાં જ આપણી ભલાઇ હોય છે.
છેલ્લો સીન :
જિંદગીના વર્તુળને કેવડું મોટું રાખવું એ આપણે નક્કી કરવાનું હોય છે. વર્તુળ એવડું મોટું ન કરી નાખો કે પોતાના લોકો જ નજરે ન પડે. માણસે એ નક્કી કરવાનું હોય છે કે, ખરેખર કોણ મારું છે? જે મારા છે એના માટે હું એમનો છું ખરો? – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 17 મે 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
