બીક લાગવા માંડે એટલો પ્રેમ ન કર – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બીક લાગવા માંડે
એટલો પ્રેમ ન કર

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


તું ફરીથી આવ તો વાંધો નથી,
બે ઘડી ચોંકાવ તો વાંધો નથી,
આ ઢળેલાં નૈન બોલે છે બધું,
ના મને સમજાવ તો વાંધો નથી.
-`અગન’ રાજ્યગુરુ


પ્રેમમાં ગજબની તાકાત છે. પ્રેમ પ્રેરણા, હૂંફ, ઉત્સાહ, હિંમત અને જીવવાનું કારણ પૂરું પાડે છે. આ જ પ્રેમ ક્યારેક ડરાવે છે. અસલામતીનો અનુભવ કરાવે છે. સંશય પણ પેદા કરે છે. બે વ્યક્તિ પ્રેમમાં હોય, સરસ મજાનું દાંપત્ય જીવન જીવતા હોય ત્યારે પણ એક ડર એવો સતાવે છે કે, મારી વ્યક્તિ કાયમ માટે મારી તો રહેશેને? અમારો પ્રેમ આવો ને આવો તો રહેશેને? અમારા પ્રેમને કોઇની નજર તો નહીં લાગી જાયને? મારી વ્યક્તિને કંઇ થઇ તો નહીં જાયને? ક્યારેક તો આ ડર મોત સુધી પહોંચી જાય છે. એ મરી જશે તો? હું કેવી રીતે જીવી શકીશ? એના વગર તો હું મારું અસ્તિત્ત્વ જ ન કલ્પી શકું. આજના સમયમાં બેવફાઇ, બ્રેકઅપ, ચીટિંગ અને મલ્ટીપલ રિલેશન્સની વાતો બહુ થાય છે. આવા સમયમાં પણ એવા લોકો છે જે એકબીજાને સંપૂર્ણપણે વફાદાર છે. પોતાની વ્યક્તિ સિવાય એને બીજો કોઇ વિચાર જ નથી આવતો. બંનેની દુનિયા જ એકબીજા હોય છે. કંઇ પણ હોય એ સાથે જોઇએ. એના વગર કંઇ ગમે નહીં, એના વગર ક્યાંય જવાનું મન થાય નહીં. કંઇ સારું હોય તો પણ એ તરત જ યાદ આવી જાય. એના વગર કોળિયો ગળે ન ઊતરે. રાતની ઊંઘ હરામ થઇ જાય. સતત એની હાજરી જોઇએ. એવા દંપતીઓ પણ કંઇ ઓછાં નથી, જેનો સંવાદ સંપૂર્ણ સજીવન છે. એકબીજાની બધી જ વાત બંનેને ખબર હોય છે. કંઇ પણ હોય એને કહ્યા વગર ચાલે જ નહીં. નાનામાં નાની વાતો પણ એક બીજાને કહી દે. એકબીજામાં ઓતપ્રોત હોય એ જ પોતાની વ્યક્તિને આત્મસાત્ કરી શકે છે. જેને પોતાની વ્યક્તિ સાથે જીવવાની મજા આવે છે એ દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ છે.
નવો નવો પ્રેમ હોય કે તાજું દાંપત્યજીવન હોય, ત્યારે બે વ્યક્તિ એકબીજામાં ખોવાયેલી હોય એ સ્વાભાવિક છે. સમય જાય પછી કોણ કેવું રહે છે એ મહત્ત્વનું હોય છે. કેટલાક લોકોનો પ્રેમ સમય સાથે પરિપક્વ થાય છે. એક કપલની આ સાવ સાચી વાત છે. બંનેના અરેન્જ મેરેજ હતા. એકબીજા વિશે ખાસ કંઇ ખબર નહોતી. બંનેના મનમાં ભય હતો કે, આની સાથે સરખું ચાલશે તો ખરુંને? શરૂઆતના સમયમાં બંનેને થોડુંક ડિસ્ટન્સ પણ લાગતું હતું. ધીમે ધીમે બંને એકબીજાને સમજવા લાગ્યા. એક તબક્કે બંનેને એમ થવા લાગ્યું કે, કુદરતે મને સારી વ્યક્તિ આપી છે. પત્નીએ કહ્યું કે, સમયની સાથે અમે બંને ગ્રો થયા છીએ. એવું બિલકુલ નથી કે, એનામાં માઇનસ પોઇન્ટ્સ નથી, એનામાં પણ છે અને મારામાં પણ અનેક માઇનસ પોઇન્ટ્સ છે. અમારા બંનેનો પ્લસ પોઇન્ટ એ જ છે કે, અમે એકબીજાના માઇનસ પોઇન્ટ્સ નહીં પણ પ્લસ પોઇન્ટ્સ જ જોયા છે. સારું જ શોધ્યું છે. પ્રેમ અને દાંપત્યમાં પણ અંતે તો તમે તમારી વ્યક્તિમાં જે શોધો એ જ મળતું હોય છે.
બીજા એક કપલની આ વાત છે. બંને બહુ જ સારી રીતે રહે. સાથે હોય ત્યારે બંને એકબીજા સાથે હન્ડ્રેડ પર્સન્ટ હોય છે. ધીમે ધીમે એવું થયું કે, પત્ની પતિ સાથે એકલી હોય ત્યારે તો બહુ સરસ રીતે રહે, પણ જાહેરમાં થોડીક અતડી રહે. પતિ સાથે સરખી વાત પણ ન કરે. પતિને તેનું આ વર્તન સમજાતું નહોતું. એક વખત તેણે પત્નીને પૂછ્યું, તું આવું કેમ કરે છે? પત્નીએ કહ્યું, કોઇની નજર ન લાગી જાય એટલે! હું જાણીજોઇને આવું કરું છું. તને ખબર છે, અત્યારના સમયમાં કોઇ કોઇનું સારું જોઇ નથી શકતું. આપણે બંને પ્રેમથી રહીએ છીએ એ ઘણાથી નથી જોવાતું. પતિએ પ્રેમથી કહ્યું કે, તું આવું બધું વિચાર નહીં. લોકોએ તો જે કરવું હશે એ કરશે અને જે કહેવું હશે એ કહેશે. આપણે સરસ રીતે રહીએ છીએ એ જ સૌથી મોટી વાત છે. આવી જ એક સાચી ઘટના બીજા એક કપલની છે. પતિ-પત્ની બહુ જ સરસ રીતે રહે. પતિ પત્નીનું બહુ જ ધ્યાન રાખે. પત્નીને કોઇ વાતનું ઓછું ન આવે એની કાળજી રાખે. એક વખત પતિ પત્નીનું ધ્યાન રાખતો હતો ત્યારે પત્ની અચાનક રડવા લાગી. પતિએ પૂછ્યું, શું થયું, આમ કેમ અચાનક રડવા લાગી? પત્નીએ કહ્યું, તું આટલો બધો પ્રેમ ન કર, મને ડર લાગવા માંડે છે. કંઇ થઇ જશે તો? પતિએ કહ્યું, કંઇ નથી થવાનું, તું ખોટી ચિંતા ન કર, મજામાં રહે. જે લોકો પ્રેમથી રહે છે તેને ક્યારેક તો પ્રેમનો ભય લાગે જ છે.
પ્રેમ ક્યારેક જુદી રીતે પણ ડરાવતો હોય છે. એક કપલ હતું. બંને એકબીજા સાથે ખૂબ સરસ રહે. પ્રોબ્લેમ એક જ હતો. પત્નીને સતત એ વાતનો ભય લાગતો હતો કે, મારો હસબન્ડ કોઇ બીજી છોકરી સાથે સંબંધ રાખવા માંડશે તો? એમાંયે ક્યારેક એવી વાત ખબર પડે કે, કોઇને કોઇની સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર છે, ત્યારે તો એ રીતસરની ફફડી જતી. આ ડરના કારણે એ પતિ પર નજર રાખવા માંડી. પતિને ખબર ન પડે એમ એનો ફોન ચેક કરી લે. ધીમે ધીમે પતિને આ વાતની ખબર પડી ગઇ. પતિએ તેને બેસાડીને બહુ પ્રેમથી કહ્યું કે, તારા સિવાય મારી લાઇફમાં કોઇ છે નહીં અને ભવિષ્યમાં પણ કોઇ નહીં હોય. મને તારાથી પૂરો સંતોષ છે. તું ખોટી વાતોમાં શંકા ન કર. તારો તમામ ભય મનમાંથી કાઢી નાખ. તારે સંતાઇને મારો ફોન જોવાની કંઇ જરૂર નથી. મારી સામે જ તું મારો ફોન ચેક કરી શકે છે. છેલ્લે પતિએ કહ્યું, તને ખબર છે, આ શંકા જ ઘણા સુંદર દાંપત્યને ખાઇ ગઇ છે. શંકા રહેશે ત્યાં સુધી તું સાચું સુખ ક્યારેય અનુભવી શકવાની નથી. પત્નીએ કહ્યું, તારી વાત સાચી છે, પણ આજુબાજુમાં જે કિસ્સાઓ બને છે એ જોઇને ડરી જવાય છે. આપણી જેમ ક્યાં કોઇ જીવે છે. બધાને કોઇ ને કોઇ ઇશ્યૂ છે. પતિએ કહ્યું, બીજાનું શું છે એમાં બહુ પડવા જેવું હોતું નથી. પત્ની ઘણી વખત તો બીજાની વાત જાણીને એવું કહે કે, તું તો કોઇ દિવસ આવું નહીં કરેને? પતિ તેને કહેતો કે, તને આવો વિચાર જ કેમ આવે છે? પ્રેમ માણસને શંકાશીલ બનાવી દે છે. સુખ પણ ઘણી વખત સવાલો લઇને સામે આવી જાય છે.
પ્રેમની સાથે એકબીજા પર શ્રદ્ઘા હોય એ સૌથી વધુ જરૂરી છે. એક બીજો કિસ્સો પણ મજાનો છે. એક પતિ-પત્ની હતાં. બંને વચ્ચે ખૂબ પ્રેમ. એક વખત પત્નીની ફ્રેન્ડે કહ્યું કે, ધ્યાન રાખજે હો, તારો પતિ બીજી એક છોકરી સાથે વાત કરતો હતો. પત્નીએ કહ્યું, હું મારા પતિને સારી રીતે ઓળખું છે. એ કેવો છે એની મને ખબર છે. એ એવું કંઇ કરે જ નહીં. એ પછી તેની ફ્રેન્ડે કહ્યું કે, હું તો તારી મશ્કરી કરતી હતી. મારે તારું રિએક્શન જોવું હતું. તારો પતિ સારો માણસ છે એ મને ખબર છે. મને ખબર હોય એના કરતાં પણ મોટી વાત એ છે કે, તને ખબર છે કે મારો વર કેવો છે.
પ્રેમમાં અને દાંપત્યમાં ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાની જ છે, ક્યારેક ઝઘડા પણ થવાના છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા બહુ સ્વાભાવિક છે. દુનિયામાં એવું કોઇ કપલ નહીં હોય, જેને ક્યારેય ઝઘડો ન થયો હોય. એક કપલે કહ્યું કે, અમારા વચ્ચે શરૂઆતમાં ઝઘડા થતા હતા. ધીમે ધીમે અમને સમજાયું કે, ઝઘડવામાં કોઇ માલ નથી. આપણે ઝઘડીએ છીએ એટલો સમય આપણે સુંદર રીતે જીવવાનો સમય ગુમાવીએ છીએ. ઝઘડવું અને કારણ વગર મોઢું ચડાવીને ફરવાનો કોઇ મતલબ હોતો નથી. કેટલાક લોકો ઝઘડે છે અને એને ખબર પણ હોય છે કે, એક બે દિવસમાં પાછું સરખું થઇ જશે. જો આવી ખબર જ હોય તો પછી એક બે દિવસનો સમય શા માટે લો છો? જલદી માની જવું એ પણ પ્રેમનો જ એક પ્રકાર છે. પોતાની વ્યક્તિ સાથે જીવી જાણવા જેવું સુખ બીજું કોઇ નથી. છેલ્લે એક વાત, પ્રેમ જોઇતો હોય તો પ્રેમ આપવાની તમામ તૈયારીઓ રાખો. પ્રેમ તો જ ટકે જો એ બંને તરફે એકસરખો હોય. આપણા માટે જે બધું જ કરી છૂટવા માટે તૈયાર હોય છે એના માટે આપણે કેટલું કરીએ છીએ એ પણ ક્યારેક શાંતિથી બેસીને વિચારવું જોઇએ. પ્રેમ કરો અને પ્રેમ અનુભવો, જિંદગીનું અંતિમ સત્ય આ જ છે.
છેલ્લો સીન :
પ્રેમ વગર ક્યારેય સુખ કે શાંતિ મળવાના નથી. પ્રેમ હોય તો બધું જ શક્ય છે, તમામ મુકામ પાર કરી શકાય છે, મંજિલ સુધી પહોંચી શકાય છે. બાકી બધું જ હોય અને પ્રેમ ન હોય તો એનો કોઇ અર્થ રહેતો નથી. -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 24 મે 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *