જિંદગી જેમ આગળ વધે, એમ ઘણા ભ્રમો ભાંગે છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગી જેમ આગળ વધે,
એમ ઘણા ભ્રમો ભાંગે છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

સમી સાંજે ઝૂકી આંખે બગીચે બાંકડે બેસી
અને એકાંત પી જાવું, તને મોડેથી સમજાશે,
સમયસર ચાલવા જાવું, ઉદાસી ઢાંકવા જાવું
અને ટોળે ભળી જાવું, તને મોડેથી સમજાશે.
-જિગર જોષી `પ્રેમ’



જિંદગી અને જાતજાતના ભ્રમોને નજીકનો નાતો છે. આપણે બધા જિંદગીના કોઇ ને કોઇ તબક્કે કોઇ ને કોઇ ભ્રમ પાળીને જીવતા હોઇએ છીએ. કેટલાક ભ્રમો મીઠા પણ છેતરામણા હોય છે. લાંબા સમય પછી સમજાય છે કે, જેને હું પ્રેમ સમજતો હતો એ તો મારો ભ્રમ હતો. જેને દિલોજાન માનતો હતો એ દોસ્ત મારો ભ્રમ હતો. લોહીના સંબંધ પણ ક્યારેક ભ્રમ સાબિત થાય છે. આપણે બધા કેટલું બધું આભાસી જીવતા હોઇએ છીએ. જે ન હોય એને માની લઇએ છીએ. જે ન હોય એને ધારી લઇએ છીએ. કેટલાં બધાં સપનાંમાં આપણે રાચતા હોઇએ છીએ. એ એવું ન જ કરે. એને મારા પર લાગણી છે. દુનિયામાં સૌથી વધુ જો બિનભરોસાપાત્ર કશું હોય તો એ માણસ છે. માણસ ક્યારે પલટી મારે એ નક્કી નથી હોતું. આપણને જ્યારે સમજાય કે, એ તો મારો ભ્રમ હતો ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. આપણને વેદના થાય છે. સવાલો ઊઠે છે. કોઇ આવું કેવી રીતે કરી શકે? એને આવું કરતા પહેલાં જરાયે વિચાર આવ્યો નહીં હોય? મારી લાગણી સાથે એણે આવી રમત કરી? આપણને ભરોસો ઊઠી જાય છે. ક્યારેક દુનિયા પરથી તો ક્યારેક પોતાની જાત પરથી પણ ભરોસો ઊઠી જાય છે. આપણને જ એમ લાગે કે મારી મતિ ભમી ગઇ હતી કે મેં આવું કર્યું.
સુખ બાબતે પણ આપણે ઘણી વખત જાતજાતના ભ્રમમાં રાચતા હોઇએ છીએ. આટલું થઇ જશે પછી શાંતિ થશે. આટલું કરી લઉં એટલે સુખી થઇ જઇશ. સુખ અને શાંતિ માટે ફાંફાં મારતા રહે છે. સુખ ક્યારેય આવતું જ નથી. ક્યારેક સુખ અચાનક જ ફીલ થવા લાગે છે. આપણને પોતાને એ સમજાતું નથી કે, આટલું બધું સારું કેમ લાગે છે? શાંતિ માટે માણસ ધ્યાન કરે છે. આશ્રમોમાં જાય છે. મૌન પાળે છે. કેટકેટલુંયે કરે છે, પણ શાંતિ મળતી નથી. ક્યારેક આપણને જ સવાલ થાય છે કે, હું શું કરું છું? મારે શું જોઇએ છે? હું જે તરફ જઇ રહ્યો છું એ રસ્તો સાચો તો છેને? ક્યાંક હું કોઇ ભ્રમમાં તો નથી જીવતોને? જિંદગીના એક મુકામ પછી ઘણી વખત બધું વ્યર્થ પણ લાગે છે. એક માણસની આ વાત છે. આખી જિંદગી ખૂબ મહેનત કરી. બધા માટે જેટલું થઇ શકે એ બધું જ કર્યું. છોકરાઓને ભણાવ્યા ગણાવ્યા. સંતાનો સરસ રીતે સેટ થઇ ગયાં. પોતપોતાની રીતે બિઝનેસ કરવા વિદેશ ચાલ્યા ગયા. બધા પોતપોતાનામાં પરોવાઇ ગયા પછી પતિ-પત્ની એકલાં થઇ ગયાં. એમાં પણ અચાનક એક દિવસ પત્નીએ પણ દુનિયામાંથી વિદાય લીધી. એ વ્યક્તિ સાવ એકલી થઇ ગઇ. વાત કરવાવાળું પણ કોઇ નહોતું. તેને વિચાર આવતો કે, આ સ્થિતિ માટે બધું કર્યું હતું? એક વખત એ એક સંત પાસે ગયો. સંતને સવાલ કર્યો કે, આખી જિંદગી બધા માટે બધું કર્યું અને હવે સાવ એકલો છું. કોઇ સાથે નથી. ક્યારેક સવાલ થાય છે કે, આખી જિંદગી આના માટે કૂચે મર્યો હતો? સંતે કહ્યું, તેં જ્યારે જે કરવું જોઇએ એ કર્યું છે. એ જ તો કર્મ છે. અત્યારે તું જે કરે છે એ ખોટું છે. તું અફસોસ કરે છે. તારે અફસોસ કરવાની નહીં, પણ સંતોષ માનવાની જરૂર છે. મારે જે કરવું હતું એ હું કરી શક્યો છું. તારો ઇરાદો તો એ જ હતોને કે, બધા સુખી થાય. બધા સુખી છે. તું કેમ દુ:ખી થાય છે? અમુક સમયે માણસે પોતાની રીતે અને પોતાની જાત સાથે ખુશ રહેતા પણ શીખવું પડે છે. તું દુ:ખી થાય છે, કારણ કે તેં એક ભ્રમ પાળ્યો હતો કે જતી જિંદગીએ બધા તારી સાથે હશે. અપેક્ષાઓ મોટાભાગે ભ્રમ સાબિત થતી હોય છે. તારા ભ્રમને ભાંગી નાખ અને તારી બાકીની જિંદગી મજાથી જીવ. તને મજામાં રહેતા કોઇ નથી રોકતું. તું માન તો બધા છે. તું માન તો કોઇ નથી. ભલે દૂર હોય, સાદ પાડીએ અને આવી જાય એ પણ સુખ જ છે. આપણી વધુ પડતી અપેક્ષાઓ આપણાં દુ:ખનું સૌથી મોટું કારણ હોય છે.
દુનિયાને આપણે બદલી શકવાના નથી. દુનિયા અને લોકો વિશે માણસ ઘણા બધા ભ્રમ સાથે જીવતો હોય છે. કેટલાક ભ્રમો જેટલા વહેલા ભાંગી જાય એટલું સારું હોય છે. વહેલું પતે. લાંબા સમયથી પાળેલા ભ્રમ જ્યારે તૂટે છે ત્યારે વધુ પીડા આપે છે. કેટલાક લોકોની ફિતરત જ છેતરવાની હોય છે. સમય એવો આવ્યો છે કે, સારા, સાચા અને ભોળા લોકોને દુનિયા મૂરખ સમજે છે. એક સાવ સાચી વાત છે. એક ઓફિસમાં એક યુવાન કામ કરતો હતો. નખશિખ સજ્જન. કંઇ જ ખોટું કર્યા વગર પોતાનું કામ પ્રામાણિકતાથી કરતો રહે. એ જે પોસ્ટ પર કામ કરતો હતો એ ઘણી કમાણી કરાવી આપે એવી હતી. એ માણસ કંઇ ખોટું કરતો ન હતો. થોડા સમય બાદ તેની ટ્રાન્સફર થઇ. નવી પોસ્ટ કંઇ ન મળે એવી હતી. તેની સાથેના લોકો એવી વાતો કરતા હતા કે, એક નંબરનો મૂરખ છે. કંઇ ન કર્યું. હવે સાવ સુક્કી જગ્યા પર જવું પડશે. ત્યાં કંઇ મળવાનું નથી. એક મિત્રએ તેને કહ્યું કે, તારા વિશે આવી વાતો થાય છે. એ યુવાને કહ્યું, કંઇક તો વાતો થવાની જ છે. જો હું રૂપિયા બનાવતો હોત તો લોકો એવું કહેતા હોત કે, એક નંબરનો કરપ્ટ હતો. રૂપિયા નહોતો બનાવતો તો લોકો મને મૂરખ કહે છે. કરપ્ટ કરતાં મૂરખ કહે એમાં મને વાંધો નથી. આપણે ઘણી વખત આપણા વિશે શું કહેવડાવવું એ આપણે નક્કી કરવાનું હોય છે. મને મૂરખ કહે એમાં મને કોઇ વાંધો નથી. દુનિયા કંઇક તો બોલવાની જ છે. હું તો ત્યાં સુધી કહું છું કે, દુનિયા જે કહેતી હોય એને બહુ સાંભળવાનું પણ નહીં. આપણે આપણા રસ્તે ચાલતા રહેવાનું. આપણને શું સાચું લાગે છે અને આપણને શું શાંતિ આપે છે એ આપણે નક્કી કરવાનું હોય છે. માણસે એ નક્કી કરવાનું હોય છે કે, મારે દુનિયાના નિયમો પર ચાલવું છે કે મારા પોતાના સિદ્ધાંતો પર જીવવું છે. ચોઇસ આપણી હોય છે. મેં મારી પસંદગી મુજબ કામ કર્યું છે. દુનિયાનું દુનિયા જાણે.
કેટલાક ભ્રમ એવા હોય છે કે જ્યાં સુધી એ ભાંગે નહીં ત્યાં સુધી એ સમજાતા જ નથી. આપણને એ ભ્રમમાં જીવવાની મજા આવતી હોય છે. ભાંગે ત્યારે જ ખબર પડે છે કે, એ તો મારો ભ્રમ હતો. આપણે કેટલા બધા સંબંધો આખી જિંદગી રાખવા ઇચ્છતા હોઇએ છીએ. કંઇક એવું બને છે અને ધડાકા સાથે સંબંધ તૂટે છે. એક સાવ સાચી વાત છે. એક છોકરીએ પોતાની પસંદગીના છોકરા સાથે લવમેરેજ કર્યા. ઘરના લોકોને કહ્યું હતું પણ એ માન્યા નહીં. આખરે છોકરીએ પોતાની રીતે મેરેજ કરી લીધા. ઘરના લોકોએ સંબંધો કાપી નાખ્યા. કોઇ બોલતું નહીં. તેને સવાલ થતો કે, તમે બધા તો મને સુખી જોવા ઇચ્છતા હતા. અત્યારે હું સુખી જ છું. તમારે બધાએ મને તમારી શરતોએ અને તમે જે રીતે ઇચ્છો એ રીતે સુખી કરવી હતી. મને મારી રીતે સુખી થવા દેવી નહોતી. હું તો એ ભ્રમમાં જ જીવતી હતી કે, મારી ખુશીમાં મારા ઘરના લોકો રાજી જ હોય. એ તો કોઇ રાજી નથી. સંબંધ, પ્રેમ, લાગણી માટે પણ બધાની વ્યાખ્યાઓ અલગ અલગ અને પોતાની હોય છે. આપણે બધું પકડી રાખવું હોય છે, આપણું ધાર્યું જ કરવું હોય છે. કોઇ એનું ધાર્યું કરે તો આપણને પસંદ પડતું નથી. જિંદગીમાં એવો તબક્કો પણ આવતો હોય છે જ્યારે આપણને એ પણ નથી સમજાતું કે, શું સાચું છે અને શું ભ્રમ છે? સાચી વાત સમજાવવા માટે ઘણી વખત કોઇના ભ્રમ પણ ભાંગવા પડતા હોય છે. સંબંધો અને જિંદગીમાં પારદર્શકતા હોય એ જરૂરી છે. સમયે સમયે ચેક કરતા રહેવું પડે છે કે, હું જે કરી રહ્યો છું કે કરી રહી છું એ સાચું છેને, મારો ભ્રમ તો નથીને? ભ્રમ હોય તો એનાથી જેમ બને એમ વહેલી તકે મુક્ત થઇ જવામાં જ માલ હોય છે.


છેલ્લો સીન :
દરેક સત્ય પણ ક્યાં પૂરેપૂરું સમજાતું હોય છે? અસત્યનું પણ એવું જ છે. આપણે નક્કી જ ન કરી શકીએ કે, સાચું શું અને ખોટું શું? એ સ્થિતિ જ અવઢવ અને અસમંજસ સર્જે છે. – કેયુ.


(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 10 મે 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *