રહેવા દે, મારે
એમાં નથી પડવું

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કદી મહેનત કરી લઉં છું, કદી રાહત કરી લઉં છું,
ઘણી વેળા અમસ્તી પણ ખડી આફત કરી લઉં છું,
કિનારા જેમ સાગરથી કદી જીવ્યું નથી જાતું,
નિરંતર હું જીવનમાં કંઈ ને કંઈ હરકત કરી લઉં છું.
– અકબરઅલી જસદણવાળા
દરેકને જિંદગીમાં ક્યારેક ને ક્યારેક એવો સવાલ ઊઠતો હોય છે કે, આમ કરું કે ન કરું? ત્યાં જાઉં કે ન જાઉં? એમાં પડવું કે ન પડવું? ટુ બી ઔર નોટ ટુ બીની સ્થિતિ માણસને પજવતી રહે છે. કેટલાક સંજોગો જ એવા હોય છે જ્યારે આપણે નક્કી જ ન કરી શકીએ કે શું કરવું? ક્યારેક માણસ આખી વાત પર ચોકડી જ મારી દે છે કે, બેમાંથી કંઇ નથી કરવું. દરેક વખતે એવું થઇ શકતું નથી. અમુક સંજોગો એવા હોય છે જ્યારે આપણે કોઇ ને કોઇ નિર્ણય કરવો જ પડે છે. નિર્ણય કરવાની દરેક માણસની પોતાની આવડત હોય છે. દરેક માણસ લાંબો વિચાર કરીને જ કોઇ મહત્ત્વના નિર્ણય પર આવતો હોય છે. પ્લસ માઇનસ પોઇન્ટ્સ વિચારે છે. ટૂંકા ગાળા માટે શું સારું છે અને લાંબા ગાળે શેમાં ફાયદો છે એની પણ ગણતરી માંડે છે. આખરે નક્કી કરે છે કે, આમ કરવું છે અથવા તો આમ નથી કરવું. કોઇ નિર્ણય સો ટકા સાચો જ પડશે એની કોઇ ગેરંટી હોતી નથી. નિર્ણયનું પરિણામ આવે ત્યારે જ ખબર પડે છે કે, આપણે જે નિર્ણય લીધો હતો એ વાજબી હતો કે નહીં? નિર્ણયોનું પણ ભર્યા નાળિયેર જેવું હોય છે. અંદરથી શું નીકળે એ કોઇ કહી શકતું નથી. સમય ક્યારે કેવો ટર્ન લે એનું કંઇ નક્કી નથી હોતું. લાખ વિચાર કરીને કંઇ કર્યું હોય, ગણતરીમાં કોઇ કચાશ છોડી ન હોય, બધું જ કામ પાક્કે પાયે કર્યું હોય તો પણ બાજી ઊંધી વળી શકે છે.
એક યુવાનની આ વાત છે. તેણે નક્કી કર્યું કે, મારે ઉદ્યોગપતિ બનવું છે. નાણાંનો કોઇ પ્રોબ્લેમ નહોતો. તેણે એક ચીજના ઉત્પાદન માટે ઉદ્યોગ શરૂ કરવાનું નક્કી કર્યું. એ ઇન્ડસ્ટ્રી વિશે નાનામાં નાની વાતનો અભ્યાસ કર્યો. તેને ગળા સુધીની ખાતરી થઇ કે, આ ઇન્ડસ્ટ્રીમાં નુકસાન જવાનો કોઇ સવાલ જ નથી. સારું એવું વળતર મળવાનું જ છે. દુનિયામાં જે વ્યક્તિએ આ ઇન્ડસ્ટ્રી શરૂ કરી છે તેને ફાયદો જ થયો છે. વર્લ્ડ બેસ્ટ મશીન્સ મંગાવીને તેણે ઇન્ડસ્ટ્રી શરૂ કરી. શરૂ થતાંની સાથે જ તેને ફાયદો થવા લાગ્યો. એકાદ મહિનો થયો હશે. ઇન્ડસ્ટ્રીમાં અચાનક આગ લાગી અને બધું નાશ પામ્યું. કંઇ જ ન બચ્યું. તેણે કહ્યું કે, આ આગમાં મારું સપનું પણ બળીને રાખ થઇ ગયું. તેને જબરદસ્ત આઘાત લાગ્યો. મારી સાથે આવું કેમ થયું? પોતાના સવાલોનો જવાબ અને આશ્વાસન મેળવવા માટે એ યુવાન એક સંત પાસે ગયો. સંતને સવાલ કર્યો કે, બધો જ વિચાર કરીને બધું કર્યું હતું તો પણ મારી સાથે આવું થયું. સંતે કહ્યું કે, તેં બધો જ વિચાર કરીને બધું કર્યું હતું, પણ એવો વિચાર નહોતો કર્યો કે કોઇ અકસ્માત પણ થઇ શકે છે. દુનિયામાં કોઇ માણસ એવું નથી ઇચ્છતો કે, કોઇ અકસ્માત થાય. આમ છતાં અકસ્માતો થતા રહે છે. આગ કંઇ માત્ર તારી ઇન્ડસ્ટ્રીમાં જ લાગી છે એવું તો નથી જ, અગાઉ પણ અનેક ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી છે. કેટલીક પરિસ્થિતિ આપણા હાથમાં હોતી નથી. એ આપણને ગમે કે ન ગમે, સ્વીકારવી પડતી હોય છે. સારી રીત એ છે કે, જેવી કુદરતની ઇચ્છા એવું માનીને જે થયું હોય એ સ્વીકારી લેવું. કેટલાક સવાલો એવા પણ હોય છે જેના કોઇ જવાબ જ નથી હોતા. સ્વીકાર જ તેનો ઉપાય હોય છે. મનમાંથી દરેક ભાર ઉતારી નાખ અને નવેસરથી કંઇક કર.
માણસ ઘણી વખત કોઇ અનુભવોના આધારે પણ નિર્ણય લેતો હોય છે. આપણે બધા જ જેનો ખરાબ અનુભવ થયો હોય એનાથી દૂર રહીએ છીએ. આપણે જ મનમાં ને મનમાં કહેતા હોઇએ છીએ કે, એક વખત મૂરખ બન્યો છું, હવે બીજી વખત નથી બનવું. આપણામાં પેલી કહેવત એમ જ નથી પડી કે, દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે. કેટલાક માણસો પણ આગ જેવા હોય છે. એની પડખે ચડીએ તો દાઝી જ જવાય. કેટલીક વખત આપણું મન જ ના પાડે છે કે, રહેવા દે એમાં નથી પડવું. એક સાવ સાચી ઘટના છે. એક પરિવારમાં એક ઇશ્યૂ થયો. એક સ્વજનને તેની ખબર પડી. તેના મિત્રએ કહ્યું કે, તું વચ્ચે પડે તો વાત સુલઝી જાય એમ છે. થોડો વિચાર કર્યા પછી તેણે કહ્યું, રહેવા દે, મારે એમાં નથી પડવું. તેના મિત્રએ કહ્યું, ન પડવાનું કારણ? એ યુવાને કહ્યું કે, મારું મન ના પાડે છે. આપણું મન ઘણી વખત આપણને રોકતું હોય છે. ઘણી વખત સિક્સ્થ સેન્સ કામ કરતી હોય છે. એ આપણને રોકે છે, ટોકે છે અને એવું કહે છે કે, રહેવા દે, હાથે કરીને ઉપાધિ વહોરવાનો કોઇ મતલબ નથી. પોતાના હોય એના માટે કંઇ કરીએ તો હજુયે સમજી શકાય પણ બધા માટે બધું કરવામાં ઘણી વખત છેતરાવવાનો ભય રહેતો હોય છે. આપણે ઘણી વખત અમુક કિસ્સામાં એવો સવાલ કરીએ છીએ કે, તારું મન શું કહે છે? જ્યારે કોઇ નિર્ણય લેવોમાં ધ્યાન પડતું ન હોય ત્યારે મનનું કહ્યું માનવું જોઇએ એવું કહેવાતું આવ્યું છે. અલબત્ત, મન કહેતું હોય એ કરતા પહેલાં પણ એનાં સારાં-નરસાં પાસાં તો વિચારવાં જ પડે.
ઘણી વખત માણસ મનને પણ છેતરતો હોય છે. પોતાને ગમતું હોય એ કરવા માટે બધું મન પર ઢોળી દેતો હોય છે. દર વખતે મન કહે એમ કરવાનું હોય છે, મન ફાવે એમ નહીં. આપણા નિર્ણયો આપણું ભાવિ નક્કી કરતા હોય છે. ભલે જિંદગી ક્યારેક ફંટાઇ જતી હોય, પણ નિર્ણયો તો સમજી વિચારીને જ કરવા પડે છે. નિર્ણયો કર્યા પછી પણ એને મક્કમતાથી વળગી રહેવું પડતું હોય છે. કેટલાકના નિર્ણયો રોજ ફરતા હોય છે. આજે એને આમ કરવું હોય છે અને કાલે તેને તેમ કરવું હોય છે. અગાઉના સમયમાં વેપાર માટે એક શબ્દ વપરાતો હતો કે, થડો તપાવવો પડે. એક પિતા દીકરાને દુકાને બેસવાનું કહેતા. દીકરો થોડી વાર બેસે અને પછી રખડવા ચાલ્યો જાય. એક વખત પિતાએ કહ્યું કે, દીકરા ધંધો ચલાવવા માટે થડો તપાવવો પડે. થડે લાંબો સમય બેસવું પડે. આ વાત નિર્ણયોને પણ લાગુ પડે છે કે, નિર્ણય લીધા પછી એને વળગી રહેવું પડે.
નસીબમાં હશે એવું થશે એવું માનીને પણ ઘણા લોકો ચાલતા હોય છે. નસીબ જેવું કંઇ હોય તો પણ નસીબમાં શું લખ્યું છે એની આપણને ખબર હોતી નથી એટલે નસીબના ભરોસે રહેવામાં બહુ માલ નથી હોતો. નસીબ હોય તો પણ એને ચમકાવવું પડે છે. એક હીરાનો વેપારી હતો. તેણે કહ્યું કે, હીરાને તરાશવો પડે છે. ખાણમાંથી તો કાચો હીરો જ મળે છે. એને ચમકાવવો પડે છે. આપણે પણ કાચા જ હોઇએ છીએ. આપણે પાકા થવું પડતું હોય છે. મહેનત જ તેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. જિંદગી આપણી સામે બહુ બધી લાલચો મૂકતી હોય છે. મજા કરવા માટેનાં અનેક બહાનાં મળતાં હોય છે. એક યુવાનની આ વાત છે. એ પોતાની કરિયર માટે બહુ મહેનત કરતો હતો. એક વખત તેના મિત્રએ કહ્યું કે, થોડીક મજા પણ કરવી જોઇએ. એ યુવાને કહ્યું કે, સાચું કહું, મને પણ જલસા કરવાનું મન થાય છે, પણ પછી વિચાર આવે છે કે, જલસા કરવાથી મારે જે હાંસલ કરવું છે એ હું કરી શકીશ નહીં. મારે દૂર સુધી પહોંચવું છે. જે ધાર્યું છે ત્યાં સુધી પહોંચવા માટે ચાલતા રહેવું જરૂરી છે. બસ એટલે જ હું મહેનત કરતો રહું છું. આપણાં કામ, આરામ, આળસ, મહેનત, કંટાળા અને સંઘર્ષથી જ આપણી સારી કે નરસી છબિ બનતી હોય છે. કંઇ એમ ને એમ મળી જવાનું નથી. નામ માટે કામ સાર્થક કરવું પડતું હોય છે. જે મહેનત માટે તૈયાર હોય છે એને જ ધારી મંજિલ મળતી હોય છે.
છેલ્લો સીન :
જિંદગી આપણને ચોઇસ આપતી હોય છે કે, તારે શું કરવું છે? આપણે જ જો પસંદગીમાં થાપ ખાઇ જઇએ તો એમાં વાંક જિંદગીનો નથી હોતો, તેના માટે જવાબદાર આપણે જ હોઇએ છીએ. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 25 જાન્યુઆરી 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
