ROSTER DATING
નવી જનરેશન એક નહીં,
અનેક સાથે સંબંધો રાખે છે

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
કોઇ એક વ્યક્તિ સાથે કમિટેડ થતાં પહેલા
જેન-ઝી ઓપ્શન ચેક કરે છે. છોકરીઓ અને
છોકરાઓને ખાત્રી ન થાય ત્યાં સુધી એ
કોઇને કોઇ સાથે ડેટિંગ કરતા રહે છે!
———–
સમય સાથે બધું બદલાય છે અને એમાં સંબંધોનો પણ સમાવેશ થઇ જાય છે. સંબંધ બાંધવાની, સંબંધ રાખવાની અને સંબંધ જાળવવાની રીતોથી માંડીને સંબંધની વ્યાખ્યા પણ બદલતી રહે છે. જેન-ઝી તો સંબંધની બાબતોમાં તદ્દન બિન્ધાસ્ત છે. કોઇ કમિટેડે રિલેશન્સમાં બંધાતા પહેલા એ શક્ય હોય એ તમામ વિકલ્પો ચકાસી લે છે. ગળા સુધીની ખાત્રી થાય કે, આ વ્યક્તિ જ મારા માટે પરફેક્ટ ચોઇસ છે ત્યારે જ એ કમિટેડ રિલેશન બાંધે છે. હમણાંના એક રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે, આજની યંગ જનરેશન એક સાથે અનેક સંબંધો રાખે છે. એમાં છોકરા અને છોકરીઓ, બંનેનો સમાવેશ થઇ જાય છે. એમાં કોઇને કશું ખોટું લાગતું નથી. તમે ‘ડિયર જિંદગી’ ફિલ્મ જોઇ છે? આ ફિલ્મમાં આલિયા ભટ્ટ એટલે કે કાયરા પોતાના એક કરતા વધુ અફેર અને બ્રેકઅપના કારણે ગિલ્ટ ફીલ કરે છે. કોઇ મને કેરેકટરલેસ કે ફાસ્ટ સમજશે એવું વિચારીને કાયરા અપરાધભાવ અનુભવે છે. એ સમયે શાહરૂખ ખાન એટલે ડો. જગ તેને કહે છે કે, જ્યારે આપણે એક ખુરશી ખરીદવા જઇએ છીએ ત્યારે શું આપણે પહેલી જ દુકાનમાં જે દેખાય એ ખુરશી ખરીદી લઇએ છીએ? ના, આપણે ઘણી બધી ખુરશીઓ જોઇએ છીએ. તેના પર બેસીને ચેક કરીએ છીએ. કોઇ ખુરશી દેખાવમાં સારી હોય છે પણ બેસવામાં જરાયે કમ્ફર્ટેબલ નથી હોતી. કોઇ ખુરશી બેસવામાં બહુ સારી હોય છે પણ દેખાવમાં ખરાબ હોય છે. આપણે જો એક ખુરશી ખરીદવામાં આટલા બધા ઓપ્શન જોતા હોઇએ તો જીવનસાથી પસંદ કરતા પહેલા આપણે શા માટે ઓપ્શન જોવા ન જોઇએ? તેનો સીધો મતલબ એ થાય છે કે, ઓપ્શન તપાસવા એ ગુનો નથી. સાચો લાઇફ પાર્ટનર પસંદ કરતા પહેલા એકથી વધુ લોકોને મળવામાં કંઇ જ ખોટું નથી. યંગ જનરેશન આ વાતને જ ફોલો કરી રહી છે. રોસ્ટર ડેટિંગમાં એવું જ છે કે, જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી જુદી જુદી વ્યક્તિને અજમાવતા રહો.
રોસ્ટર ડેટિંગમાં રોસ્ટર શબ્દ સ્પોર્ટ્સ અને મિલિટરી ક્ષેત્રમાંથી આવ્યો છે. રોસ્ટરનો સીધો સાદો અર્થ ખેલાડીઓ કે કર્મચારીઓની એક સત્તાવાર યાદી થાય છે. ટીમ લીડર ખેલાડીઓની રોસ્ટર યાદી તૈયાર કરે છે. ક્યો ખેલાડી રમશે અને ક્યો વેઇટિંગમાં રહેશે એ રોસ્ટરને આધારે નક્કી થાય છે. યંગસ્ટર્સ પણ એક સાથે ઘણા બધા પાર્ટનર્સ સાથે ડેટિંગ કરીને એક યાદી બનાવે છે અને એટલે જ તેને રોસ્ટર ડેટિંગ નામ અપાયું છે. આ પ્રકારના ડેટિંગમાં જ્યારે કોઇ વ્યક્તિ કોઇની સાથે ડેટિંગ કરે ત્યારે એની સાથે કોઇ છેતરપિંડી કે બદમાશી કરતી નથી. એનું કારણ એ છે કે, એ કોઇને કમિટેડ હોતી જ નથી. ન ફાવે તો છુટ્ટા થઇ જવાની બંને પક્ષે પૂરી તૈયારીઓ હોય છે. એક ડેટિંગ એપના રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે, અત્યારના સમયમાં છોકરો અથવા તો છોકરી એક સાથે ચાર પાંચ વ્યક્તિ સાથે સંબંધ રાખે છે. એને ચેક કરે છે. પ્લસ અને માઇનસ પોઇન્ટ્સ વિચારીને એ નક્કી કરે છે કે, આની સાથે ફાવશે કે નહીં? જો ફાવે એમ ન હોય તો પેલા ફિલ્મી ગીત, વો અફસાના જિસે અંજામ તક લાના ના હો મુમકિન, ઉસે ઇક ખૂબસુરત મોડ દે કે છોડના અચ્છા જેવું વિચારીને છોડી દે છે.
રોસ્ટર ડેટિંગના ઘણા ફાયદાઓ પણ ગણાવવામાં આવે છે. સૌથી મોટો ફાયદો તો એ જ કે, જિંદગી માટે ઘણા બધા વિકલ્પો મળે છે. એક કરતા વધુ સાથે સંબંધ હોય ત્યારે જો કોઇ સામેથી સંબંધ કાપી નાખે તો આઘાત લાગતો નથી, કારણ કે બીજો ઓપ્શન તૈયાર જ હોય છે. બેકઅપ પ્લાન રેડી જ હોય છે. એ વાતની ખબર પડે છે કે, એની સાથે ક્લિક થાય છે કે કેમ? વિચારો મળે છે કે કેમ? ફાઇનાન્સિયલ અને ઇમોશનલ સિક્યોરીટી મળે એમ છે કે નહીં? સૌથી મોટી વાત તો એ કે, એની સાથે જિંદગી જીવી શકાશે કે કેમ? માણસ હવે કોઇ જોખમ લેવા માંગતો નથી. ડેટિંગ એપ્સ પરથી એ વાત બહાર આવી છે કે, છોકરાઓની સરખામણીમાં છોકરીઓને રિકવેસ્ટ વધુ મળે છે. એ હિસાબે છોકરીઓ પાસે વધારે આપ્શન હોય છે. અલબત્ત, તેમાં જોખમ એ વાતનું હોય છે કે, ખરેખર કેટલા ઓપ્શન રિલાયેબલ હોય છે? ડેટિંગ એપ્સ પર કેટલાંક લોકો મજા કરવા માટે જ આવતા હોય છે. કેટલાંક પોતાની સાચી વિગતો છુપાવે છે. આવું કરવામાં છોકરીઓ પણ બાકાત નથી.
રિલેશનશીપ એક્સપર્ટસ કહે છે કે, એક કરતા વધુ ઓપ્શન ચેક કરો એમાં વાંધો હોય શકે નહીં. એરેન્જ મેરેજમાં પણ છોકરા કે છોકરીએ એક ન ગમે ત્યારે બીજા પર નજર દોડાવે જ છે. એરેન્જ મેરેજમાં ભલે વાત વડીલો તરફથી આવતી હોય પણ છોકરા કે છોકરી એમાં પણ પોતાના ગમા અણગમા લાગુ તો કરે જ છે. એરેન્જ મેરેજના કિસ્સામાં એવું થાય છે કે, એક ઓપ્શન પૂરો થઇ જાય, વાત આગળ ન વધે એ પછી જ બીજા ઓપ્શન પર વિચાર કરવામાં આવે છે. હવેની જનરેશન પોતાની રીતે જ મલ્ટીપલ ઓપ્શન ચેક કરતી રહે છે. એમાં પણ સાવધાની અને પ્રામાણિકતા રાખવાની સલાહ એક્સપર્ટ આપે છે. તેઓ કહે છે કે, ડેટિંગમાં પણ નિખાલસતા હોવી જોઇએ. જ્યાં સુધી કમિટેડ ન થવાય ત્યાં સુધી રિલેશનમાં ટ્રાન્સપરન્સી રાખવાની અને કહી દેવાનું કે, હું અન્ય લોકોને પણ મળી રહ્યો છું કે મળી રહી છું. જેની સાથે ડેટિંગ કરી રહ્યા હોવ તેની સાથે ક્યારેય જૂઠું ન બોલવું. જો એને ખબર પડશે કે, તમે ખોટું બોલી રહ્યા છો તો એને ભરોસો જ ઉઠી જશે પછી સંબંધ આગળ જ નહીં વધે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, બને ત્યાં સુધી સંબંધો ઇમોશનલ રહે એ સારું છે. ઘણા યંગસ્ટરની દાનત જ ફિઝિકલ રીલેશન પૂરતી હોય છે. આ સૌથી મોટું જોખમ છે. એમાં તકેદારી રાખવામાં જ ભલાઇ છે. એક સાથે વધારે પડતા લોકો સાથે રિલેશન રાખવામાં પણ જોખમ છે. બે કે ત્રણ વ્યક્તિ સાથે સંબંધ હોય ત્યાં સુધી ઠીક છે પણ વધુ પડતા સંબંધો હશે તો તમે જ ગૂંચવાઇ જશો. સંબંધો રાખવામાં પર્સનલ અને પ્રોફેશનલ કામો પણ ડિસ્ટર્બ ન થાય એની કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે. એક વખત કમિટેડ રિલેશનમાં આવી જાવ પછી બાકીનું બધું છોડી દેવું જોઇએ. એ પછી કોઇ રમત નહીં કરવાની. આવું બધું કહેવાઇ રહ્યું છે પણ કેટલાંક યંગસ્ટર મેરેજ પછી પણ આડાઅવળા ધંધા કરે છે. તે એવું કહે છે કે, જસ્ટ ફોર ફન બધું કરીએ છીએ પણ આવું કરવું ક્યારેક જોખમી બને છે.
સોશિયોલોજિસ્ટ તો એવી સલાહ આપે છે કે, આપણા સમાજમાં જે પરંપરાઓ ચાલી આવે છે એને જ ફોલો કરવામાં માલ છે. જો કોઇની સાથે પ્રેમ થઇ જાય અને તેની સાથે જિંદગી આગળ વધારવાનું નક્કી કરો તો બરાબર છે, બાકી જો લાઇફમાં કોઇ ન હોય તો ફેમિલી કહે એ માનવામાં સાર હોય છે. ઘરના લોકો ક્યારેય બૂરું નથી ઇચ્છવાના. મેરેજ એ જિંદગીભરનો સંબંધ છે. જે કંઇ કરીએ એ બહુ સમજી વિચારીને કરવાનું હોય છે. સારી વ્યક્તિ મળી જાય પછી પણ પ્રેમ અને દાંપત્ય સજીવન રહે એ માટે સતર્ક રહેવું પડે છે. છેલ્લે તો કમિટમેન્ટ, વફાદારી, પ્રેમ અને કેર જ દાંપત્ય જીવનને જીવવા જેવું બનાવે છે.
————
પેશ-એ-ખિદમત
બાત મેરી કભી સુની હી નહીં,
જાનતે વો બુરી ભલી હી નહીં,
ઉડ ગઇ યૂં વફા જમાને સે,
કભી ગોયા કિસી મેં થી હી નહીં.
-દાગ દહેલવી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 03 જૂન 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
