બધાયે મનને થોડું થોડું મારીને જીવે છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બધાયે મનને થોડું
થોડું મારીને જીવે છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


તૂટે અત્તરની શીશી પણ મહેક ન તૂટે કદી,
કોઈ જ્યારે તૂટે છે ત્યારે વધુ સંધાય છે,
કાયમ એ કહેતા, `મૂંઝાતો નહીં કદી, બેઠો છું હું’,
એની પાસે જઈને બેસું તો ઊભા થઈ જાય છે.
– કુલદીપ કારિયા


જિંદગી પણ ગજબની છે. લાઇફમાં ક્યારેય કંઈ હન્ડ્રેડ પર્સન્ટ હોતું જ નથી. સુખ પણ નહીં અને દુ:ખ પણ નહીં. સતત એવું લાગે કે કંઇક ખૂટે છે. જે ઝંખના હોય એ મળતું નથી. મળી ગયું હોય એ ગમે ત્યારે અચાનક જ હાથમાંથી સરકી જાય છે. ક્યારેક જિંદગી સામે જ સવાલ થાય કે, તું કેમ આવી છે? માંડ એવું લાગે કે, હવે લાઇફ બરાબર જઇ રહી છે ત્યાં જ તું કેમ આડી ફાટે છે? શું અમારે સતત એ ભય નીચે જ જીવવાનું કે ગમે ત્યારે ગમે તે થશે? અત્યારે જે સારું છે એ નહીં રહે? જે જોઇતું હોય એ મળી જાય પછી પણ એ સવાલ મૂંઝવતો રહે છે કે, આ ટકશે તો ખરુંને? જેના પર આંખો મીંચીને ભરોસો કર્યો હોય એના માટે પણ પ્રશ્ન રહે કે, આ માણસ આપણા સારાપણાનો ફાયદો તો નહીં ઉઠાવેને? ઘણી વખત તો આપણો કોઇ વાંક ન હોય તો પણ આપણને જવાબદાર ઠેરવી દેવામાં આવે છે. કોના મનમાં શું ચાલે છે એ જ સમજાતું નથી. ક્યારેક એવો વિચાર પણ આવી જાય છે કે, બધાની જિંદગી અને વિચારો પારદર્શક હોત તો કેવું સારું હતું. ખબર તો પડત કે કોણ કેવું છે. અહીં તો દરેક માણસ ભેદી છે. ક્યારેક તો પોતાની જાત વિશે પણ સવાલ થાય છે કે, હું કરું છું એ તો સાચું છેને? આપણને સાચું લાગે એ ઘણી વખત બીજાને ખોટું કેમ લાગે છે? સંસાર અને સમાજના પોતાના નિયમો છે. આપણા નિયમો કંઇ નહીં? બીજા કહે એમ જ કરવાનું? બીજા કહે એમ જ જીવવાનું? જરાકેય સવાલ કરીએ તો બળવો કરતા હોય એવું બધાને કેમ લાગે છે? ક્યારેક એવો વિચાર કેમ આવી જાય છે કે, કોઇ મને સમજતું જ નથી. મારે કરવું છે એ કોઇ કરવા દેતું નથી. જિંદગી આપણી હોય છે, પણ આપણે જે રીતે જીવવું હોય છે એ રીતે જીવી જ નથી શકાતું. દરેકને લાઇફમાં એક વખત તો એવું થયું જ હોય છે કે, બધું મૂકીને ક્યાંક ચાલ્યા જવું છે. આ ઝંઝટમાંથી મુક્તિ જોઇએ છે. ક્યાંય જઇ નથી શકાતું. ગમે કે ન ગમે, એ જ રોજિંદી ઘટમાળમાં તમારે રહેવું પડે છે.
જિંદગીના અનુભવો આપણને કંઇક ને કંઇ વેદના, પીડા, દર્દ, આપતા રહે છે. દરેકના દિલનો એકાદ ખૂણો ભારે હોય છે. કેટલીક ઘટનાઓને દિલમાં સંઘરીને છુપાવી દીધી હોય છે. કોઇને કહી શકાતું નથી. સહી પણ શકાતું નથી. ક્યારેક એ આંખના ખૂણા ભીના કરી દે છે. કોઇ જોઇ ન જાય એવી કાળજી રાખીને એ ભીના ખૂણાઓને સૂકા કરી નાખવા પડે છે. સંબંધો સૌથી વધુ પીડા આપે છે. પોતાનું હોય એ જ ક્યારેક પારકાને સારા કહેવડાવે એવું વર્તન કરે છે. આપણને એમ થાય કે, કેમ કોઇ કંઇ સમજતું નથી? એક છોકરીની આ વાત છે. તેણે પોતાની કોલેજમાં સાથે ભણતા છોકરા સાથે લવમેરેજ કર્યા હતા. મા-બાપને એ પસંદ પડ્યું નહોતું. દીકરીને કહી દીધું કે, હવે તું તારા રસ્તે અને અમે અમારા રસ્તે. સમય વીતતો ગયો. કહે છે કે, ધીમે ધીમે બધું સરખું થઇ જતું હોય છે. માતા અને ભાઇ ક્યારેક ખાનગીમાં કોઇને ખબર ન પડે એમ ખબર પૂછી લેતા હતા. પિતા કોઇ હિસાબે સમજતા નહોતા. દીકરીને એમ જ થયા રાખતું કે, એક પપ્પા બોલવા માંડે તો બધું બરાબર થઇ જાય. પપ્પાને કહેવું છે કે, હું ખૂબ ખુશ છું, બહુ સુખી છું, પણ પપ્પા સાંભળે તોને? એ તો એવું જ ઇચ્છતા હતા કે, હું સુખી થાઉં. હું સુખી જ થઇ છું. હવે તો તમે બોલો. પપ્પાની યાદમાં ક્યારેક ડૂસકું ભરાઇ જાય છે પણ કોઇને સંભળાતું નથી.
ક્યાંક દીકરો બાપનું માનતો નથી તો ક્યાંક બાપ દીકરાને એનું ધાર્યું કરવા દેતો નથી. એક પિતા-પુત્રની આ વાત છે. કંઇ પણ વાત હોય, પિતા દીકરાને ખખડાવી જ નાખે. દીકરાને એ વાત જ ન સમજાય કે, પપ્પા શાંતિથી વાત કેમ નથી કરતા? દીકરો મોટો થયો પછી એ પણ સામે બોલવા લાગ્યો. પિતા વારેવારે એમ બોલે કે, બુઢ્ઢો થાઉં એટલે મારે તારી સાથે તો રહેવું જ નથી. એના કરતાં હું વૃદ્ધાશ્રમમાં ચાલ્યો જઇશ. દીકરાએ કહ્યું, કાશ, વૃદ્ધાશ્રમની જેમ કોઇ યુવાશ્રમ પણ હોત, જ્યાં જઇને અમે અમારી રીતે રહી શકતા હોત. દુનિયામાં એવાં મા-બાપની કમી નથી જે વૃદ્ધાશ્રમના નામે સંતાનોને ડરાવતાં રહે છે. પોતાના લોકો દ્વારા જ ઘણી વખત ઇમોશનલ બ્લેકમેલિંગ થતું હોય છે. પોતાનું ધાર્યું કરવા માટે ઘણી વખત ઘરના લોકો જ બાજીઓ ચાલતા હોય છે. આપણને એમ થાય કે, કરવા દેને એને જે કરવું હોય એ, કારણ વગરની બબાલમાં નથી પડવું.
એક સસરા અને પુત્રવધૂનો સાવ સાચો કિસ્સો છે. પુત્રવધૂ ડોક્ટર છે. પતિ બિઝનેસમેન છે. સસરાને ડાયાબિટીસ છે. પુત્રવધૂને ખબર ન પડે એમ એ મીઠાઇ ખાઇ લે. ખાવામાં કંઇ ધ્યાન ન રાખે. પુત્રવધૂ કહી કહીને થાકી ગઇ કે, તમારું સુગર હાઇ રહે છે, મહેરબાની કરીને થોડુંક ધ્યાન રાખો. ચાલવા જાવ, ગમે તે ખાઇ ન લો. સસરા કોઇ વાત સમજે જ નહીં. બંને વચ્ચે રોજેરોજ માથાકૂટ થાય. એક દિવસ પતિએ પત્નીને કહ્યું કે, તું રહેવા દેને, એમણે જિંદગીમાં ક્યારેય કોઇનું કહ્યું માન્યું નથી. એ તારું પણ નથી માનવાના. જે કરવું હોય એ કરવા દે. એ તો નહીં સુધરે તને હાઇપરટેન્શન થઇ જશે. પત્નીએ કહ્યું કે, હું એમના સારા માટે કહું છું. પતિએ કહ્યું, પણ એમને સારું લાગવું જોઇએને? એમને તો એમ જ લાગે છે કે, મને ટોકે છે. મને શાંતિથી ખાવા-પીવા નથી દેતી. એક વખત તો તેમણે પત્નીને ત્યાં સુધીનું કહી દીધું કે, જે થવાનું હોય એ થશે, જેટલું જીવવાના હશે એટલું જીવશે, તું એમને એમની રીતે રહેવા દે. એ તો અત્યારે એવું જ વિચારે છે કે, મને શાંતિથી જીવવા દેતી નથી. ભલે લાગણી હોય પણ ઘણી વખત આપણે ઇચ્છતા હોય એવું થતું નથી. આપણી લાગણી બધાને સ્પર્શે, આપણી વાત બધાને સમજાય, સાચું કહેતા હોઇએ તો પણ બધા માને એવું જરૂરી નથી. જે લોકો પોતે માનતા હોય એને જ સાચું માને તો એને જે માનવું હોય એ માનવા દેવામાં જ સાર હોય છે. ઘણી વખત આપણે સારું કરવા જવામાં પણ આપણી એનર્જી જ બગાડતા હોઇએ છીએ. જે કોઇ હિસાબે ન જ સમજે એમ હોય એને સમજાવવાના પ્રયાસો કરવા એ આપણી અણસમજ છે.
દુનિયાને સુધારવાનો પ્રયાસ કરવાને બદલે આપણે સમજી જવું બહેતર હોય છે. આપણને ઘણું સાચું નથી લાગતું, સારું પણ નથી લાગતું. બીજાનું સારું ઇચ્છતા હોઇએ તો પણ સારું કોઇ પર ધરાર લાદી શકાતું નથી. ઘણી વખત દુનિયા ચાલતી હોય એમ ચાલવા દેવી પડતી હોય છે. કેટલોક ભાર મનમાં દબાવીને જ જીવી જાણવામાં માલ હોય છે. કોઇને કોઇ વેદના રહેવાની જ છે. આવું હોત તો કેટલું સારું હોત, બસ જિંદગીમાં આટલું જ ખૂટે છે, એવો વિચાર ઘણી વખત આવતો હોય છે. જે આપણું ન થવાનું હોય એની ઝંખના વેદના જ સર્જે છે. સુખને જીવતું રાખવા માટે કેટલાંક દુ:ખને દબાવી દેવાં પડતાં હોય છે. દુનિયા પાસે અને કેટલીક વખત આપણા પોતાના લોકો પાસે પણ વધુ અપેક્ષાઓ રાખવા જેવું હોતું નથી. કોઇ આપણા માટે કંઇ કરે તો સારી વાત છે, પણ કોઇએ કરવું જોઇએ એવો આગ્રહ ન રાખીએ એ જ સારું છે. બધી ઇચ્છાઓ પૂરી નથી થતી, બધી અપેક્ષાઓ સંતોષાતી નથી, બધાં સપનાં પૂરાં થતાં નથી. અધૂરપ રહેવાની જ છે. એને આપણે જેટલી ઝડપી સ્વીકારી લઇએ એ જ સારું છે. જે છે એને જીવી જાણીએ, જે નથી એને ભૂલી જાણીએ તો જ જિંદગી જીવવા જેવી લાગવાની છે.
છેલ્લો સીન :
જે વાત સતાવતી હોય એને વતાવવી નહીં. વેદના સર્જે એવી સંવેદનાને છંછેડવામાં બહુ માલ હોતો નથી. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 31 મે 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *