કામ ટાળવાની આદત તમને તો નથીને? : દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

કામ ટાળવાની આદત

તમને તો નથીને?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

——–

કામ ટાળવાની આદત સુધારીએ નહીં તો

એ આપણી માનસિકતાનો એક ભાગ બની જાય છે.

આખરે માણસ મહત્ત્વના કામને કેમ ટાળે છે?

એની પાછળનાં કારણો પણ જાણવાં જેવાં છે!

———–

કામ કરવાની દરેકની પોતાની રીત અને માનસિકતા હોય છે. દરેક પોતાની પેટર્ન અને ટેન્ડેન્સી મુજબ કામ કરતા હોય છે. એક જ કામ બે વ્યક્તિ જુદી જુદી રીતે કરે છે. માણસ કામ કેવી રીતે કરે છે તેના પરથી જ તેની કાબેલિયત નક્કી થતી હોય છે. કેટલાક લોકોને કામ સોંપીએ પછી જ્યાં સુધી એ પૂરું ન થાય ત્યાં સુધી તેને સખ વળતું નથી. આ કામ મારું છે. મારે જ આ કામ કરવાનું છે. મારે એ કામ બેસ્ટ રીતે કરવું છે. કામ વિશે દરેક માણસ પોતપોતાની રીતે વિચારતો અને વર્તતો હોય છે. કામ પ્રત્યે માણસનો એપ્રોચ કાં તો પોઝિટિવ હોય છે અને કાં તો નેગેટિવ હોય છે. કેટલાક લોકોની પ્રકૃતિ જ થાય છે, કરીએ છીએ, ક્યાં કંઇ અટકી જાય છે, એવી હોવાની છે. દેશ અને દુનિયામાં આજકાલ પ્રોકાસ્ટિનેશનની ચર્ચા ખૂબ થાય છે. અંગ્રેજી શબ્દ પ્રોકાસ્ટિનેશનનો અર્થ થાય છે, જરૂરી અને મહત્ત્વનું કામ જાણીજોઇને ટાળવું. કેટલાંક લોકોની પ્રકૃતિ જ કામ ટાળતા રહેવાની હોય છે. આળસમાં અને પ્રોકાસ્ટિનેશનમાં ઘણો બધો ફર્ક છે. આળસુને તો કામ કરવું જ નથી હોતું. પ્રોકાસ્ટિનેશનમાં કામ કરવું હોય છે, કામનું ઇમ્પોર્ટન્સ પણ ખબર હોય છે, છતાં કામ ટાળતા રહે છે.

કામ ટાળવાની વૃત્તિ વિશે હમણાં થયેલો એક અભ્યાસ કેટલીક રસપ્રદ વાત કરે છે. કામ ટાળવા પાછળ ઘણાં કારણો હોય છે. કેટલીક વખત ચિંતા કે ડરના કારણે લોકો કામ ટાળતા હોય છે. એક વખત શરૂ કરીશ તો પછી પૂરું કરવું પડશે, એના કરતાં આરામથી કરીશ એવું વિચારીને પણ ઘણા લોકો કામ ટાળતા હોય છે. અઘરું કામ હોય ત્યારે માણસ ઘણી વખત એવું વિચારે છે કે, ભેજાનું દહીં થઇ જવાનું છે. એ અઘરા કામ માટે પોતાની જાત જ્યાં સુધી તૈયાર ન થઈ જાય ત્યાં સુધી કામ મુલત્વી રાખતા હોય છે. પરફેક્શનમાં માનનારો માણસ પણ ઘણી વખત કામ મુલત્ત્વી રાખતો હોય છે. એને જ્યારે ખાતરી થાય કે, મેં નક્કી કર્યું છે એ કામ મેં ધાર્યું છે એ રીતે કરી શકીશ ત્યારે જ એ કામને હાથમાં લે છે. અમુક લોકો કામ કરવું કે નહીં એનો નિર્ણય જ લઇ શકતા નથી, એના કારણે કામમાં વિલંબ થતો રહે છે. ભૂતકાળમાં એવા પ્રકારના કામમાં નિષ્ફળતા મળી હોય તો પણ માણસ કામ ટાળે છે. એક છૂપો ભય તેને સતાવતો હોય છે કે, આ વખતે પણ કામ પૂરું ન થયું તો? આ વખતે પણ કામ કરવામાં હું ફેલ જઇશ તો?

કામ ટાળવાનું સૌથી મોટું કારણ કયું છે એ ખબર છે? એ છે અત્યારના આનંદની લાલચ! માણસ જે કરતો હોય અને તેમાં તેને આનંદ આવતો હોય ત્યારે એ મહત્ત્વનું કામ ઘણી વખત મુલત્ત્વી રાખતો હોય છે. આવું બધું અત્યારના સમયમાં ઇન્ટરનેટ અને ટેક્નોલોજીના કારણે વધી રહ્યું છે. તમને પણ ઘણી વખત એવો અનુભવ થયો જ હશે કે, કામ પેન્ડિંગ હોય અને મોબાઇલ પર રીલ્સ જોવાનું શરૂ થાય તો આપણે મોબાઇલને વળગેલા રહીએ છીએ. હાલને હજુ એક-બે રીલ્સ જોઇ લઇએ એવું વિચારતા રહીએ છીએ. તેને જે આનંદ આવતો હોય છે તેની લાલચ જાગતી રહે છે અને કામ ઠેલાતું રહે છે. આવી પ્રકૃતિ સામે માનસશાસ્ત્રીઓ લોકોને સાવચેત કરે છે. તેઓ કહે છે કે, મજાના કારણે જે તે સમયે તો તમને સારું લાગશે, પણ પછી તમે ગિલ્ટ ફીલ કરશો. ગુનાહિત કૃત્ય કર્યું હોય એવું તમને લાગશે. મારે આવું નહોતું કરવું જોઇતું, કામ વહેલા પતાવી લેવાની જરૂર હતી, મેં ખોટો ટાઇમ વેસ્ટ કર્યો. કેટલીક વખત કામ ટાળવાની વૃત્તિના કારણે સંબંધો પણ ખરાબ થાય છે. તને એક કામ સોંપ્યું હતું એ પણ તેં નથી કર્યું? કામમાં તારું ધ્યાન જ નથી હોતું. કોઇ કામ સોંપવાને તું લાયક જ નથી. આવું પણ ઘણી વખત સાંભળવું પડે છે. કેટલાક લોકોની ઇમેજ જ નકામા માણસની થઇ જાય છે.

ઘણા લોકો વળી એવું પણ વિચારે છે કે, મૂડ આવે ત્યારે કરીશ. કામ માટે મૂડ ક્યારેય આવતો નથી. કામ માટે મૂડ બનાવવો પડે છે. કેટલાક લોકોના પ્લાનિંગ જબરદસ્ત હોય છે, પણ એ કામ શરૂ કરવામાં બહુ વાર લગાડે છે. અમુક લોકો એવું વિચારીને મોટું કામ ટાળે છે કે પહેલાં નાનાં નાનાં કામ પતાવી લઉં. મોટું કામ પછી કરીશ. કંઇ બાકી ન રહે ત્યારે જ એ મોટું કામ હાથમાં લે છે. હવે તો આ કરવું જ પડે એમ છે એ સ્થિતિ આવી ન જાય ત્યાં સુધી કામ કરતા નથી. માણસ કામ વિશે પોતાની મેળે જ કેટલીક વાતો ઘડી કાઢતા હોય છે અને એને સાચી માની પણ લેતા હોય છે. તમે જ કેટલાંક લોકોના મોઢે એવું સાંભળ્યું હશે કે, હું પ્રેશરમાં જ સરસ કામ કરી શકું છું. એવું કંઇ બિલકુલ હોતું નથી. એ માત્ર ને માત્ર આપણા ખયાલો જ હોય છે. જેને કામ કરવું છે એ ફટ દઇને કામ હાથમાં લઇ લે છે અને પૂરું ન થાય ત્યાં સુધી શાંતિથી બેસતા નથી. જેને બહાનાં કાઢવાં હોય છે એને હજાર બહાનાં મળી જતાં હોય છે.

મનોવૈજ્ઞાનિકો કામ ટાળવાની વૃત્તિ સામે લોકોને સાવચેત કરતા કહે છે કે, છેલ્લે તો તમારું કામ જ તમારું નામ બનાવવાનું છે. તમારા કામનું પ્રાયોરિટી લિસ્ટ બનાવો. નક્કી કરો કે, આજના દિવસમાં અને આટલા સમયમાં મારે આ કામ કરવાનું જ છે. કામનું લિસ્ટ પણ રાખો. ઘણી વખત વધુ કામ હોય ત્યારે એકાદ બે કામ ભુલાઇ જતાં હોય છે. મને યાદ રહેશે એવો વિચાર કરીને કામની નોંધ કરવાનું ટાળવું ન જોઇએ. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ધ્યાનભંગ કરે એવી વાતોથી દૂર રહો. ખાસ તો મોબાઇલને દૂર રાખો. મોબાઇલ નજીક હોય તો પણ નોટિફિકેશન એલર્ટ ટોનને સાયલન્ટ મોડમાં રાખો. જો એવું નહીં કરો તો કોઇ ને કોઇ ટોન વાગતો જ રહેશે અને તમારું ધ્યાન એના તરફ જતું રહેશે. એક વખત મોબાઇલ હાથમાં લીધા પછી આપણે ક્યાંથી ક્યાં પહોંચી જઇએ એ નક્કી રહેતું નથી.

કામ પૂરું કરવાની ચિંતા કર્યા વગર કામ શરૂ કરી દો. કામ શરૂ થશે એટલે એ વહેલું કે મોડું પૂરું થવાનું જ છે. જે કામનું ટેન્શન લાગતું હોય એને પહેલાં પૂરું કરો. એક અભ્યાસ એવું કહે છે કે, અઘરું કામ પૂરું કર્યા પછી એવું જ ફીલ થાય છે કે, ધારતા હતા એટલું આ અઘરું નથી. આપણે ઘણી વખત કામનો હાઉ ઊભો કરતા હોઇએ છીએ અને કારણ વગરના ડરતા હોઇએ છીએ. કામ ટાળવાની વૃત્તિ બંધ કરીએ એ જરૂરી છે, એનું કારણ એ છે કે, જો એવું ન કરીએ તો કામ ટાળવાની વૃત્તિ આપણી જિંદગીનો ભાગ બની જાય છે. એ આપણી આદત બની જાય છે. માર્ટિન લ્યુથર કિંગનું એક વાક્ય મમળાવવા જેવું છે કે, આખી સીડી ન દેખાય તો કંઇ નહીં, જે પગથિયું અત્યારે નજરે પડે છે એ ચડવા માંડો, આપોઆપ તમે ઉપર પહોંચતા જશો. સારી રીતે કામ કરવા માટે પોતાને જ એપ્રિસિએટ કરવાની અને ઇનામ આપવાની એક ટેક્નિક અપનાવવાનું સૂચન પણ કરવામાં આવે છે. નક્કી કરેલું કામ પૂરું થાય પછી ચા પીઓ, રિલેક્સ થાવ અને નવા અથવા તો આગળના કામ માટે તૈયાર થાવ. પોતાની જાતને શાબાશી આપો કે, આજે તેં સરસ કામ કર્યું છે. આપણી આદતો આપણે જ બદલવી પડે છે અને આપણે જ સારી આદતો કેળવવી પડે છે. જરાક શાંતિથી વિચાર કરજો કે, કામ પ્રત્યે તમારો એટિટ્યૂડ કેવો છે? જો કંઇ બદલવા જેવું લાગે તો આજથી જ બદલાવ અમલમાં મૂકો. જેટલું વહેલું કરશો એટલા ફાયદામાં રહેશો.

————

પેશ-એ-ખિદમત

હો ગઈ બાત પુરાની ફિર ભી,

યાદ હૈ મુઝકો જબાની ફિર ભી,

ભૂલ જાતે હૈં મુસાફિર રાસ્તા,

લોગ કહતે હૈં કહાની ફિર ભી.

– અંબરીન હસીબ અંબર

(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 28 જાન્યુઆરી 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *