મને ખબર છે, એ મને
ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એમને સંભારવાથી બોલ, શું હાંસલ થયું?
ઘા ઉપર ઘણ મારવાથી બોલ, શું હાંસલ થયું?
ના વહેલા પાણીએ લોહીનું પણ પાણી કર્યું,
આંસુઓ સંતાડવાથી બોલ, શું હાંસલ થયું?
– પ્રણવ પંડ્યા
સંબંધ ગજબની ચીજ છે. જિંદગીમાં કોઇ એટલું વહાલું હોય છે જેના માટે આપણે કંઇ પણ કરી છૂટવા તૈયાર હોઇએ છીએ. સંબંધ લોહીનો હોય કે લાગણીનો, એ ઘણી વખત સોળે કળાએ જીવાતો હોય છે. આટલો નાતો કેમ બંધાઇ જતો હશે તેની કંઇ સમજ જ નથી પડતી. કેટલાક સંબંધો શ્વાસની સાથે જોડાઇ જતા હોય છે. આપણા મોઢે એટલે જ તો એવું બોલાઇ જતું હોય છે કે, એ તો મને જીવ જેવો વહાલો છે અથવા તો જીવ જેવી વહાલી છે. કેટલાક સંબંધોમાં આપણો કોઇ જ સ્વાર્થ નથી હોતો. બસ કોઇ સારું લાગતું હોય છે. સંબંધ જ્યારે તૂટે, કોઇનો હાથ છૂટે, કોઇ દૂર થઇ જાય ત્યારે વેદનાની વાતો બહુ થાય છે. કોઇ કોઇનું નથી. બધા સ્વાર્થનાં સગાં છે. કામ પતે એટલે બધા દૂર થઇ જાય છે. આપણે કંઇક હોઇએ તો બધા આપણી નજીક આવવા મથે છે. સત્તા કે સંપત્તિ ન હોય તો કોઇ ભાવ પૂછતું નથી. સંબંધના નામે જાતજાતનાં રોદણાં રોવાતાં હોય છે. જે સંબંધો જીવાતા હોય છે એની વાત ભાગ્યે જ કોઇ કરતું હોય છે. જેની સાથે આપણે સરસ જિંદગી જીવતા હોઇએ એને આપણે કેટલી વખત એવું કહ્યું હોય છે કે, તું છે તો બધું છે. માત્ર છોકરી અને છોકરાના પ્રેમની જ વાત નથી, કેટલાક બીજા સંબંધો પણ આપણે જીવતા હોઇએ છીએ. એક નાતો બંધાતો હોય છે, જે જકડી રાખે છે.
એક સાવ સાચી વાત છે. એક ભાઇ દરરોજ એક દુકાને પાન ખાવા જાય. એક છોકરો તેનું પાન બનાવી આપે. પહેલાં તો એ કહેતા કે, મને કેવું પાન જોઇએ છે. થોડા સમયમાં એ છોકરો પેલા ભાઇને જુએ કે તરત જ એનું પાન બનાવી આપે. પેલા ભાઇ કંઇ જ બોલે નહીં. પાન લઇને રૂપિયા ચૂકવીને ચાલ્યા જાય. આ રોજનો ક્રમ. એક દિવસ એ ભાઇ પાન ખાવા ગયા તો પેલો છોકરો નહોતો. બીજો કોઇ હતો. એણે કહ્યું એવું પાન બનાવી આપ્યું. બીજા દિવસે પણ એ છોકરો નહોતો. ચાર-પાંચ દિવસ થઇ ગયા, એ છોકરો દેખાયો નહીં. આખરે એ ભાઇથી ન રહેવાયું. તેણે પૂછ્યું, પેલો છોકરો ક્યાં ગયો? એ ભાઇને નામ પણ ખબર નહોતી. તેણે કહ્યું, જે પાન બનાવતો હતો એ છોકરો. દુકાનવાળાએ કહ્યું કે, એ તો એના વતન ચાલ્યો ગયો. હવે નથી આવવાનો. ખબર નહીં કેમ પણ પેલા ભાઇના ચહેરા પર ઉદાસી છવાઇ ગઇ. એની સાથે ભલે બોલતો નહોતો, પણ રોજની લાગણી હતી. માત્ર એ છોકરો જ નથી ગયો, એની સાથે એના પાનનો સ્વાદ અને લાગણીનો ભાવ પણ ચાલ્યો ગયો હોય એવું એને લાગ્યું. એને વિચાર આવતો કે, એ છોકરો કેમ ચાલ્યો ગયો હશે? એની સાથે શું થયું હશે? ક્યારેક એનો સંપર્ક કરવાનો પણ વિચાર આવતો, પણ એણે કંઇ ન કર્યું. એની યાદો મનમાં સંઘરી રાખી અને એ દુકાને પાન ખાવા જવાનું બંધ કરી દીધું. એ પછી એણે બીજી દુકાને પાન ખાવા જવાનું શરૂ કર્યું. પહેલા જ દિવસે એણે પાન બનાવનાર છોકરાને પૂછ્યું, તારું નામ શું છે? એને વિચાર આવ્યો કે, હવે આ સંબંધ મારે નામ સાથે જીવવો છે.
કેટલાક લોકો સાથેના સંબંધો અલગ કક્ષાએ જ જીવાતા હોય છે. એક બીજી સાવ સાચી વાત છે. એક યુવાન હતો. એ નાનો હતો ત્યારે એક રિક્ષામાં સ્કૂલે જતો હતો. રિક્ષાવાળા અંકલ તેને હાથ પકડીને સ્કૂલ સુધી મૂકી આવતા. ક્યારેક પંક્ચર પડે તો બધા છોકરા રિક્ષા ફરતે ગોઠવાઇ જતા અને મસ્તીથી જોતા કે અંકલ કેવી રીતે પંક્ચર કરે છે. એ અંકલને પણ છોકરા સાથે માયા બંધાઇ ગઇ હતી. સ્કૂલ પૂરી થઇ પછી પણ અંકલને એ મળવા જતો. યંગ થઇ ગયો. પિતાના બિઝનેસમાં લાગી ગયો. એક દિવસ અંકલ પાસે જઇને કહ્યું, તમે મારી સાથે કામ કરશો? મારી કાર ચલાવશો? અંકલ એની સાથે આવી ગયા. એ પછી પણ એ યુવાન તેને અંકલ જ કહેતો. એ એના માટે ડ્રાઇવર નહોતા, પણ એક એવી અંગત વ્યક્તિ હતા જેની સાથે લાગણીનો નાતો હતો. એ યુવાન પરિવારના વડીલને જેટલું માન આપતો એટલું જ માન એ અંકલને મળતું હતું. અંકલ પણ પોતાના લાડકાને સ્કૂલે લઇ જતા એ જ પ્રેમથી રોજ ઓફિસે લઇ જતા હતા. આ સંબંધને કોઇ શું નામ આપે?
કેટલાક સંબંધો એવા હોય છે જેમાં આપણે એનો પડ્યો બોલ ઝીલતા હોઇએ છીએ. કોઇનું ન માનીએ પણ એ વ્યક્તિ કહે એટલે એ થઇ જાય. પરવડે કે ન પરવડે, ફાવે એમ હોય કે ન હોય, તો પણ આપણે એના માટે એવું કરતા હોઇએ છીએ. એક ભાઇની આ વાત છે. તેના પરિવારમાં એક દીકરી હતી. એ તેને ખૂબ જ વહાલી હતી. એ રીતસરનો તેના પર હુકમ જ ચલાવતી. દીકરીને પણ એમના પ્રત્યે ખૂબ જ આદર હતો. દીકરીને ખબર હતી કે, અંકલ પાસે આપણું બધું ચાલવાનું છે એટલે એ પોતાનું ધાર્યું કરાવતી. એક વખત એ ભાઇનાં પત્નીએ કહ્યું કે, તમે ક્યારેય એને કંઇ કહેતા નથી એટલે એ પેધી ગઇ છે. એ હવે તમને ટેકન ફોર ગ્રાન્ડેટ લેવા માંડી છે. અંકલે કહ્યું, મને ખબર છે કે એ મને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. તને ખબર છે, એમ જ કોઇ ટેકન ફોર ગ્રાન્ટેડ લેતું નથી. એની પણ લાયકાત કેળવવી પડે છે. આપણી જિંદગીમાં એવા કેટલા લોકો હોય છે, જે આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોય છે? ક્યારેક ગ્રાન્ટેડ લેવાવાની પણ મજા હોય છે. એની લાઇફમાં એક હું તો છું જેને એ ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. જિંદગીમાં થોડાક ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાય એવા સંબંધ પણ હોવા જોઇએ. ગણતરીપૂર્વકના સંબંધો તો ઘણા હોય છે. સાચો સંબંધ એ છે જેમાં કોઇ ગણતરી જ ન હોય. આવા સંબંધો બસ જીવવાના હોય છે. એના વિશે બહુ વિચાર પણ ન કરવાનો. એ અંકલે કહ્યું કે, મને તો ક્યારેક એવો વિચાર આવી જાય છે કે, થોડાં વર્ષોમાં એ સાસરે ચાલી જશે, પછી કોણ જાણે ક્યારે એનું મોઢું જોવા મળશે. એના કરતાં અત્યારે એ કહે એ કરી લેવા દે. આપણને ક્યાં ખબર હોય છે કે, કોણ ક્યારે કેટલું દૂર ચાલ્યું જવાનું છે? જેને રોજ મળતા હોઇએ એ અચાનક જ જોજનો દૂર ચાલ્યા જાય છે. કેટલાક સંબંધો સમય સાથે સરી જાય છે અને પછી એ સંબંધો સ્મરણોમાં જ જીવાતા હોય છે.
તમારી જિંદગીમાં એવું કોઇ છે જેને તમે ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ શકો છો? તમને ખબર હોય કે, આની પાસે મારી બધી પાલી ચાલવાની છે. તમે એ સંબંધનો ક્યારેક ફાયદો પણ ઉઠાવ્યો હશે. તમને એ અંદાજ નહીં હોય કે સામેની વ્યક્તિએ ફાયદો ઉઠાવવા દીધો છે, કારણ કે તમે એના લાડકા અને વહાલા છો. એવા સંબંધને સાચવી રાખજો. અમુક સંબંધો જ્યારે હોય છે ત્યારે આપણને એની કદર નથી હોતી, પણ એ જ્યારે નથી રહેતા ત્યારે સમજાય છે કે, આપણી જિંદગી માટે એ સંબંધ કેટલા મહત્ત્વના હતા. સંબંધનું સત્ય અને સત્ત્વ જેટલું વહેલું સમજાઈ જાય એટલું સારું છે. જેની સાથે જીવવા જેવું લાગતું હોય એની સાથે જીવી લો. હસવાની મજા આવતી હોય એની સાથે હસી લો. ગપ્પા પણ ક્યાં બધા સાથે મારી શકાતા હોય છે? જિંદગીમાં કુદરતે કેટલાક લોકોને આપણા માટે જ મોકલ્યા હોય છે. એ આપણા સારા નસીબનો હિસ્સો હોય છે. કોણ છે જેના વગર તમને ન ચાલે? જેના વગર મજા ન આવે? સાચી મજાનું કારણ વ્યક્તિ હોય છે, કંપની હોય છે, સાથ હોય છે, સંગાથ હોય છે. ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોય તો લેવા દો. આપણે બધાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાનો અધિકાર પણ ક્યાં આપતા હોઇએ છીએ? અમુક સંબંધો જિંદગીનો સંતોષ આપતા હોય છે, કારણ કે એવી વ્યક્તિના કારણે જ જિંદગી જિંદગી જેવી લાગતી હોય છે.
છેલ્લો સીન :
કોને નજીક રાખવા, કોને દૂર રાખવા, કોને સ્વીકારવા અને કોને અવગણવા એની સમજ ન હોય તો જિંદગીમાં મૂર્ખ બનવાની શક્યતાઓ વધી જાય છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 07 જૂન 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
