જેને તારા હસવાની પરવા ન હોય, એની સામે રડીશ નહીં! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જેને તારા હસવાની પરવા ન

હોય, એની સામે રડીશ નહીં!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ખાલી-ખાલી ખંડિયેરમાં ખાંખાંખોળું ક્યાં કરવું?

અમથું-અમથું આ જીવતરને લાંબુ-પ્હોળું ક્યાં કરવું?

એકમેકની વચ્ચેનું આ અંતર કેમે ના સ્હેવાતું,

જાણી જોઈને ફળિયામાં આખું ટોળું ક્યાં કરવું?

-રાજેન્દ્ર શુકલ

દરેક માણસની એક ફિતરત હોય છે. ઇચ્છાઓ, અપેક્ષાઓ, આદતો, દાનતો અને પ્રકૃતિ એક માણસને બીજા માણસથી અલગ પાડે છે. માણસની ફિતરતથી જ એની ઓળખ બને છે. માણસ બદલાતો હોય છે. રોજેરોજ માણસમાં પરિવર્તન આવે છે. સારો માણસ ખરાબ થઈ શકે છે. ખરાબ માણસ પણ સુધરી શકે છે. આમ છતાં માણસની સમાજમાં જે ઓળખ, છાપ કે ઇમેજ બની ગઈ હોય છે એ ઘડીકમાં બદલાતી નથી. મોટાભાગે એવું પણ થાય છે કે, સારા હોય એની ઇમેજ બગડતા વાર નથી લાગતી, પણ ખરાબ ઇમેજ હોય એને સારા સાબિત થતાં બહુ વાર લાગે છે. માણસની ઇમેજ વિશે એવું કહેવાય છે કે, માણસ ઘરમાં કેવો છે એ મહત્ત્વનું હોય છે. સરવાળે માણસ ઘરમાં હોય એવો બહાર વર્તાઈ આવતો હોય છે. માણસનું ઘર એ પોતાની એક નાનકડી દુનિયા છે. એ દુનિયાના નિયમો જુદાં હોય છે.

એક વ્યક્તિની આ વાત છે. એ ઘરમાં સાવ જુદો જ હતો. પોતાનો હોદ્દો, પોતાનો રોફ અને પોતાની આઇડેન્ટિટી એ બહાર જ રાખતો. તેણે કહ્યું કે, મારા ઘરમાં બીજા બધા છે એવો જ હું છું. બહાર હું ગમે તે હોવ, ઘરમાં હું પતિ છું, પિતા છું, દીકરો છું. પરિવારના લોકો માટે મારું કર્તવ્ય અલગ છે. મારા ઘરના લોકોના ચહેરાથી મને ફેર પડે છે. મારું કામ બધાના ચહેરાને ખીલેલા રાખવાનું છે. ઘરનો કોઈ સભ્ય ઉદાસ, નિરાશ, હતાશ કે મૂંઝાયેલો હોય તો એ મારી વ્યક્તિગત નિષ્ફળતા છે. તમારા પોતાના લોકોના ચહેરાની રેખા બદલાય તો તમને ખબર પડી જવી જોઈએ. આત્મીયતા જો ઉત્કૃષ્ઠ હોય તો સ્પંદનો ઝીલાતા હોય છે. કોઈ સાથે ફોન પર વાત કરતી વખતે પણ આપણને અણસાર આવી જાય છે કે એનો મૂડ કેવો છે? આપણે ઘણી વખત એવું પૂછીએ પણ છીએ કે, તારો અવાજ કેમ ડાઉન છે? શું થયું છે?

માણસ આનંદ કદાચ છુપાવી શકે, પણ ઉદાસી વર્તાઈ આવતી હોય છે. ચહેરો ચાડી ફૂંકી દે છે. મનમાં જે ચાલતું હોય એ ચહેરા ઉપર તરવરી જતું હોય છે. તમારો ચહેરો કોને વાંચતા આવડે છે? ચહેરાની ભાષા યુનિક હોય છે. અમુક લોકો જ તે વાંચી શકે છે. અમુક લોકોને જ તેનાથી ફેર પડે છે. શ્વાસની ગતિમાં પણ જરાકેય ફેર થયો હોય તો પણ પોતાની વ્યક્તિ માપી લે છે. જે પામી શકે એ જ માપી શકે. સંવેદનાનું લેવલ જ્યારે એકસરખું હોય ત્યારે વેદના સૌથી પહેલાં સમજાઈ જાય છે. આપણને ખબર પડે કે, આપણી વ્યક્તિ મજામાં નથી પછી આપણું વર્તન કેવું હોય છે એનાથી આપણો તેની સાથેનો સંબંધ પ્રગટ થતો હોય છે. કોઈ મજામાં ન હોય ત્યારે આપણો જીવ કેમ મૂંઝાય છે? આપણને એમ થાય છે કે, શું કરું તો આને મજા આવે?

એક છોકરીએ સ્યુસાઇડ એટેમ્પ્ટ કર્યો. સદ્્નસીબે એ બચી ગઈ. તેના પિતા એને ફરીથી મક્કમ બનાવવા માટે મનોચિકિત્સક પાસે લઈ ગયા. મનોચિકિત્સકે છોકરીની સારવાર કરી. બાપ-દીકરી ડૉક્ટરના રૂમમાંથી બહાર નીકળ્યા પછી પિતાએ દીકરીને કહ્યું, તું થોડી વાર રિસેપ્શન એરિયામાં બેસ તો, હું આવું છું. પિતા ફરીથી મનોચિકિત્સકની ચેમ્બરમાં ગયા. તેણે ડૉક્ટરને કહ્યું કે, હવે મને તમારી સારવારની જરૂર છે. ડૉક્ટરે કહ્યું કે, હા બોલો. પિતાએ કહ્યું, હું ક્યાં થાપ ખાઈ ગયો? મને કેમ દીકરીમાં આવેલા પરિવર્તનની ખબર ન પડી? એણે સ્યુસાઇડ એટેમ્પ્ટ કરી લીધો ત્યાં સુધી મને કેમ અણસાર ન આવ્યો? મને એ કહો કે, મારે શું ધ્યાન રાખવું? ડૉક્ટરે એનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યું. આપણી વ્યક્તિ જ્યારે કોઈ ખોટું વર્તન કરે ત્યારે આપણે આપણને કેટલા જવાબદાર માનીએ છીએ? આપણો વાંક ઘણી વખત આપણને દેખાતો નથી. આપણા લોકોના આપણી સાથેના વર્તન માટે આપણે પણ જવાબદાર હોઈએ છીએ. આપણને એ જ મળે છે જે આપણે આપીએ છીએ.

આપણે ક્યારેક એવું પણ કરતાં હોઈએ છીએ કે, દિલની વાત જેને કહેવાની હોય એને કહેતા નથી અને જેને કહેવાની ન હોય એની પાસે રોદણાં રડતા રહીએ છીએ. દરેક માણસને એક કિનારો જોઈતો હોય છે. એવો કિનારો જ્યાં એને શાંતિ મળે, સાંત્વના મળે, સહાનુભૂતિ મળે. આ કિનારો કેવો છે એ પણ મહત્ત્વનું હોય છે. ઘણા કિનારા તકલાદી હોય છે, છેતરામણા હોય છે. કિનારા જ ક્યારેક ડૂબાડવાનું કામ કરે છે. એવા કિનારા કરતા મઝધાર વધુ મજબૂત હોય છે. તમે તમારી લાઇફમાં કઈ વ્યક્તિ પર પસંદગી ઉતારો છો તેના પરથી તમારી સમજદારી પણ છતી થાય છે. એક છોકરાએ કહ્યું કે, જ્યારે દર્દ હોય ત્યારે હું છાના ખૂણે રડી લઉં છું, કારણ કે દરેક ખભા આંસુ સહન કરી શકે, આંસુને સમજી શકે એવાં સક્ષમ હોતાં નથી. કોઈને હોય કે ન હોય, મારા આંસુની મને કદર છે, એ બધા પાસે વહાવવા માટે નથી. એના માટે પાત્રતા હોવી જોઈએ.

એક છોકરો અને છોકરી બહુ જ સારા મિત્રો હતાં. બધી જ વાત એકબીજાને કરે. છોકરીએ ભણવા માટે વિદેશ જવાનું થયું. એ વિદેશ જાય એ પહેલા તેના દોસ્તને મળવા ગઈ. તેના ફ્રેન્ડે કહ્યું, તારું ધ્યાન રાખજે. મજામાં રહેજે. છેલ્લે તેણે કહ્યું, મારે તને એક વાત કરવી છે. વિદેશમાં તને નવા ફ્રેન્ડ્સ મળશે. નવા સંબંધો બંધાશે. મારી એક વાત યાદ રાખજે. હસજે બધા સાથે, બધાની કંપની એન્જોય કરજે. રડવાનું મન થાય ને ત્યારે માત્ર ને માત્ર એવી વ્યક્તિ પાસે રડજે જેને તારા હસવાની પરવા હોય. જેને આપણા હાસ્યની પડી ન હોય એને આપણા રડવાથી કંઈ ફેર પડવાનો નથી. આપણો ચહેરો જે વાંચી શકે એની પાસે જ દિલની કિતાબ ખુલ્લી મૂકવી જોઈએ.

આ દુનિયામાં એવા લોકોની કમી નથી જે આપણને દુ:ખી જોઈને રાજી થાય. એને મજા આવતી હોય છે. નાટકનો એક કલાકાર હતો. એક વખત તેને ઉમદા નાટક માટે એવાર્ડ મળ્યો. એક પત્રકારે તેને સવાલ પૂછ્યો, તમે આટલી સરસ એક્ટિંગ કેવી રીતે કરી શકો છો? એ કલાકારે કહ્યું, દુનિયાના લોકો સાથે જીવી જીવીને! સ્ટેજની બહાર પણ નાટક કરવામાં લોકો પાવરધા હોય છે. એવી એક્ટિંગ કરે છે, જાણે એ રિયલ જ હોય. આપણે ઓળખી જ ન શકીએ કે આ માણસ નાટક કરે છે! લોકોના નાટક જોઈ જોઈને હવે તો મને પણ એવું લાગવા માંડ્યું છે કે, હું માત્ર સ્ટેજ પર જ નાટક નથી કરતો, ધરતી પર પણ નાટક જ કરું છું! મને નાટકિયા લોકોએ જ નાટક કરતાં શીખવાડી દીધું છે. હસવાનું નાટક, રડવાનું નાટક અને છાના રાખવાનું પણ નાટક લોકો કરે છે. ક્યારેક કોઈ મારી ચિંતા કરે ત્યારે પણ મને સવાલ થાય છે કે, આ વ્યક્તિને ખરેખર મારી ચિંતા હશે? કે પછી એ ચિંતા કરવાનું પણ નાટક કરતો હશે?

એક યુવાન ફિલોસોફર પાસે ગયો. તેણે સવાલ કર્યો કે, આપણને કઈ રીતે ખબર પડે કે આ વ્યક્તિ આપણી છે કે નહીં? ભરોસાપાત્ર છે કે નહીં? એ વ્યક્તિ આપણી સાથે જે રીતે પેશ આવે છે એવી જ છે કે નહીં? આ સવાલ સાંભળીને ફિલોસોફર ખડખડાટ હસવા લાગ્યો? તેણે સામો સવાલ કર્યો. મને પ્રશ્ન પૂછતી વખતે તને એમ કેમ ન થયું કે, આ માણસ સાચો જવાબ આપશે કે નહીં? તેં તો મને કોઈ પણ જાતની શંકા કર્યા વગર સવાલ કરી દીધો! એ પછી ફિલોસોફરે કહ્યું કે, માણસને ઓળખવાની કોઈ ચાવી નથી. એને પરખવો પડે. બધા ઘડીકમાં પરખાઈ જાય એવા પણ નથી હોતા. અમુક પથ્થર જેવા હોય છે એ પીગળે જ નહીં, અમુક મીણ જેવા હોય છે, એ તરત ઓગળી જતાં હોય છે. જિંદગીમાં સૌથી વધુ કંઈ મહત્ત્વનું હોય તો એ માણસને ઓળખવાનું જ છે. એ આવડી જાય તો પછી વધુ કંઈ શીખવાની જરૂર જ નથી. આપણે માણસને ઓળખી શકીએ એટલી આવડત આપણે જાતે જ કેળવવી પડે છે.

દુનિયામાં એવા માણસો પણ હોય છે જેને આપણી પરવા હોય છે. આપણું હાસ્ય એના માટે અમૂલ્ય હોય છે. આપણે પણ માત્ર આપણા માટે નથી જીવતા. આપણી જિંદગીમાં એવી વ્યક્તિ હોય છે જેને આપણે ખુશ જોવા, હસતી રાખવા ઇચ્છતા હોઈએ છીએ. એ મજામાં હોય તો આપણને આપોઆપ મજા આવે છે. આપણે પણ કોઈના માટે એવા હોઈએ છીએ. અમુક લોકો આપણી જિંદગીના પહેરેદાર હોય છે, એ જ આપણા એન્ટરટેઇનર, આપણા સુખનું કારણ હોય છે. એ લોકો આપણા માટે જેવા છે એવા જ આપણે તેના માટે બનવાનું હોય છે. આગ જો બંને તરફ હોય તો જ આગનું મહત્ત્વ છે. એક બાજુથી જો પાણી પડે તો સંબંધો ઠરી જ જવાના છે. એકલા પડી ન જવું હોય તો એ વાતની પણ કેર કરવી પડે છે કે, આપણી વ્યક્તિ દૂર ન જાય, આપણા હાથે જ એને ધક્કો ન લાગી જાય એની પણ તકેદારી રાખવી પડે છે. સંબંધોની સાર્થકતા કે નિષ્ફળતા આપણા હાથની જ વાત હોય છે!

છેલ્લો સીન :

જેને તમારાથી ફેર પડતો હોય, એનાથી મોઢું ન ફેરવતા! એને ઓળખીને એનું જતન કરજો!                        -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 08 એપ્રિલ 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “જેને તારા હસવાની પરવા ન હોય, એની સામે રડીશ નહીં! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

  1. Khub j Sara’s..Lakhyu chhe.. hasva mate aakhi duniya joy pan radva maate potanu j vyakti joiye jene Tamara aansu Ni k hhasya Ni kimat hoy.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *