ખોટી રાડો પાડીને તું શું સાબિત કરવા માંગે છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ખોટી રાડો પાડીને તું શું
સાબિત કરવા માંગે છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


એક માણસ નાતમાં સાચો પડે, એમને એમાંય પણ વાંધો પડે,
ક્યાં મળે છે તપ વગર ફળ કોઇને, જો રહો તડકે તો પડછાયો પડે!
-સ્નેહલ જોશી


વાણી અને પાણીને જો કાંઠો ન હોય તો એ વિનાશ સર્જે છે. દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. શબ્દોને રેઢા ન મૂકી શકાય. ઘણા લોકો મનમાં આવે એમ બોલતા હોય છે. શબ્દોને જે સમજીને અને સાચવીને વાપરતા નથી એ શબ્દો પર અત્યાચાર કરતા હોય છે. શબ્દોનું સત્ત્વ અને તત્ત્વ તો જ જળવાઇ જો તેને જ્યાં વાપરવાના હોય ત્યાં વાપરવામાં આવે અને જેવી રીતે વાપરવાના હોય એવી જ રીતે વાપરવામાં આવે! શબ્દોને ખોટી રીતે છેડવા પણ ન જોઇએ અને ખોટી રીતે છંછેડવા પણ ન જોઇએ. એક માણસ બોલવામાં બેફામ હતો. ગમે તેને ગમે તેમ કહી દે. લોકો પણ ધીમેધીમે તેનું અપમાન કરવા લાગ્યા. એક વખત એક માણસ સંત પાસે ગયો. સંતને તેણે કહ્યું, બધા મારું અપમાન કરે છે. સંતે કહ્યું કે, તું શબ્દોનું અપમાન કરે છે એટલે તારું અપમાન થવાનું જ છે. બોલતી વખતે તું કંઈ ભાન ન રાખે તો તારું અપમાન થવાનું જ છે. તું જો એવું ઇચ્છતો હોય કે, કોઈ તારું અપમાન ન કરે, તો તું શબ્દોનું સન્માન કરતા શીખી જા. શબ્દો બહુ નાજુક હોય છે. શબ્દોને સલુકાઇથી વાપરવા પડે. તું તો શબ્દોની ધાર કાઢીને એને ફેંકે છે. શબ્દોને તીક્ષ્ણ બનાવીને વાપરીએ તો સામેની વ્યક્તિને એ વાગવાના જ છે. આપણે ઘા આપીએ તો ફૂલની અપેક્ષા ન રાખી શકીએ. દુનિયાનો સીધો નિયમ છે, અહીં તો જેવું આપો એવું મળે. તું શબ્દોની ધાર કાઢીશ તો સામેની વ્યક્તિ પણ એ જ રીતે તને પરખાવશે. શાંતિથી વાત કરીશ તો જ શાંતિથી જવાબ મળશે. આપણે કોઈને નમસ્તે કરીએ તો સામેની વ્યક્તિ પણ નમસ્તે કરશે. આપણે જો કોઇને તુચ્છકારીએ તો સામેની વ્યક્તિ ધુત્કારવાની જ છે! તને મારી જરૂર નથી તો મને પણ તારી પરવા નથી.
લોકોને મોટા ભાગે એટલું જ જોઇતું હોય છે કે, આપણે એની સાથે શાંતિથી વાત કરીએ. હાય હલો થાય અને હળવાશથી બે-ચાર વાતો થાય. સમાજમાં જેને આદર મળતો હોય એવી વ્યક્તિ પર નજર કરજો, એને આદર મળવાનાં બેમાંથી એક કારણ હશે. એક તો લોકો એનાથી ડરતા હોય. આને વતાવવા જેવો નથી એવું વિચારીને ઘણા લોકો આદર આપવાનો દેખાડો કરતા હોય છે. બીજા કારણમાં ખરેખર આદર મળતો હોય છે. એ માણસની ઇમેજ જ એવી હોય છે કે, લોકો કંઇ બોલતાં પહેલાં સો વાર વિચાર કરે. આપણો અને આપણા શબ્દોનો પ્રભાવ એવો હોવો જોઇએ કે, સામેની વ્યક્તિએ બોલતાં પહેલાં એટલો તો વિચાર કરવો જ જોઇએ કે, મારાથી ક્યાંક બોલવામાં કંઇક ભૂલ ન થઇ જાય, કોઇ લોચો ન વળી જાય. ઘણાનાં મોઢે આપણે એવી વાત સાંભળીએ છીએ કે, એ સામે આવેને ત્યારે મારી બોલતી બંધ થઇ જાય છે. મારું મગજ જ કામ નથી કરતું કે, શું બોલવું?
પ્રભાવને બદલે જો પ્રકોપ હશે તો માણસ તમારી હાજરીમાં સારું બોલશે પણ પાછળથી તમને ગાળો જ દેવાનો છે. મોઢે પણ ત્યાં સુધી જ સારું બોલશે જ્યાં સુધી તેને તમારી જરૂર હશે. જેવું કામ કે સ્વાર્થ પતશે એટલે એ દૂર ચાલ્યો જશે. એમાંયે જો એ શક્તિશાળી બની ગયો હશે તો સામે વેર પણ વાળશે. તારો સમય હતો ત્યારે તેં બહુ દાદાગીરી કરી છે. હવે મારો સમય છે. હવે હું પણ તને દેખાડી દઇશ. દુશ્મની માત્ર મારામારી કરીને જ નથી બતાવાતી, ઘણી વખત બોલીને કે વર્તન કરીને પણ દુશ્મની કાઢવામાં આવતી હોય છે. ઘણાની તો પ્રકૃતિ જ પરપીડનની હોય છે. આપણી સાથે એવું વર્તન કરશે કે આપણાથી એવું બોલાઇ જાય કે, કોણ જાણે એ કયા ભવની દુશ્મની કાઢી રહ્યો છે! સંબંધ ખૂબ સારા હોય ત્યારે કોઇ એવું નથી બોલતું કે, કોણ જાણે કયા ભવની દોસ્તી કાઢી રહ્યો છે. સારા સંબંધોને આપણે ઋણાનુબંધ કહીએ છીએ. તારી સાથે કોઇ ભવનું લેણું હશે કે તારી સાથે સંબંધ બંધાયો. માથાભારે માણસ સાથે પનારો પડે ત્યારે એવો જ વિચાર આવે કે, કોઇ ભવમાં કંઇક પાપ કર્યાં હશે તે આને મળવાનું થયું!
ઊંચા અવાજે બોલવામાં કોઈ બહાદુરી નથી. સાચી ક્ષમતા એમાં જ છે કે, આપણે શાંતિથી બોલીએ અને જે મેસેજ આપવાનો છે એ અપાઇ જાય. વધુ બોલવાની કે ઘાંટા પાડવાની કોઇ જરૂર જ નથી. એક ગ્રૂપની આ વાત છે. આ ગ્રૂપમાં એક મિત્ર એવો હતો જે પોતાનું ધાર્યું કરવા અને હું જ સાચો છું એ સાબિત કરવા માટે રાડો પાડીને બોલવા લાગતો હતો. ઘણા લોકો આવું કરતા હોય છે. તેની વાતમાં કોઇ ધ્યાન ન આપતું હોય ત્યારે પોતાનું ઇમ્પોર્ટન્સ છતું કરવા માટે એ ઊંચા અવાજે બોલવા લાગતા હોય છે. આવું જ એ મિત્ર કરતો હતો. એક વખતે તેણે રાડારાડી કરી એટલે તેના મિત્રએ કહ્યું કે, રાડો પાડીને આખરે તું શું સાબિત કરવા માંગે છે? તું સાચો છે એ? તું સાચો હોય તો પછી તારે રાડો પાડવાની કોઇ જરૂર જ નથી. રાડો એ જ પાડે છે જેને પોતાની વાત પર ભરોસો હોતો નથી! આજના સમયમાં લોકો વાતવાતમાં એગ્રેસનનો મુદ્દો ઉઠાવે છે. ઘણા લોકો પોતે કામમાં કે ટીમને લીડ કરવામાં એગ્રેસિવ છે એવું સાબિત કરવા માટે ઊંચા અવાજે બોલવા લાગે છે. એગ્રેસન તો એક્શન અને ડિસિઝનથી આવે છે, રાડો પાડવાથી નહીં!
શબ્દોને જ નહીં ઘણા લોકો તો મૌનનો પણ હથિયારની જેમ ઉપયોગ કરે છે. એ મોઢું ફુલાવીને બેસી જશે. અબોલા એ મૌનનું અપમાન છે. મૌન તો સહજ હોવું જોઇએ. વેવલેન્થ જો સારી રીતે મેચ થતી હોય તો મૌનમાં પણ સંવાદ સાધી શકાય છે. હોઠ જરાક મલકે અને સ્નેહ રચાઈ જાય છે. ઘણાં કપલ્સ એવાં હોય છે જેમાં એકબીજાને કંઈ કહેવું પડતું નથી, કહ્યા વગર જ બધું સમજાઇ જાય છે. કપલ્સ વચ્ચે સંવાદ જરૂરી છે પણ દરેક વખતે એ સંવાદ શબ્દોથી જ થાય એવું જરૂરી નથી. મૌનથી પણ સંવાદ સધાતો હોય છે. ઘણાનું મૌન પણ બોલકું હોય છે. ચહેરાના હાવભાવ અને આંખોના ઉલાળાથી એ પોતાની વાત કહી દેતા હોય છે, બોલવાની જરૂર જ રહેતી નથી. આંખોની ભાષામાં પણ સરળતા અને સહજતા હોવી જોઇએ. ઘણાની નજર એવી કરડાકીવાળી હોય છે કે, ડર લાગી જાય! વેધક કે કાતીલ નજર પણ તીક્ષ્ણ હથિયારો જેવું જ કામ કરે છે. આપણી સાથે વાત કરતી વખતે કોઈ જો ડરે તો સાચો સંવાદ થતો જ નથી. સાત્ત્વિક સંવાદ ત્યારે જ રચાય છે જ્યારે બે વ્યક્તિ એકબીજા સાથે વાત કરવા, એકબીજાની વાત સાંભળવા અને એકબીજાની વાત સમજવા તૈયાર હોય. સંવાદનો અભાવ જ સંબંધોમાં ખાઈ પેદા કરે છે. સંબંધ બગડે એટલે શબ્દો અને ટોન બદલવા લાગે છે. ઘણા જે રીતે વાત કરતા હોય છે એ જોઇને એવો જ વિચાર આવી જાય કે, આવી રીતે તે કંઇ વાત કરાતી હશે? બધાને જો ખબર પડતી હોત કે વાત કેવી રીતે કરાય તો મોટા ભાગની સમસ્યાઓનું સમાધાન મળી જાય. તમે માર્ક કરજો, સમાધાન કરવા માટે ભેગા થયા હોય ત્યારે એકાદ માણસ એવું કંઈ બોલી નાખે છે કે, આખી વાત જ ઊંધા પાટે ચડી જાય! જરાકેય આડી વાત થાય એટલે સામેથી એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે, તમારો કહેવાનો મતલબ શું છે? મતલબ સમજાવતા ન આવડે તો માથાકૂટ સર્જાઈ જતી હોય છે. આપણે ક્યારેય માર્ક કરીએ છીએ કે, હું જ્યારે બોલું છું ત્યારે મારો ટોન કેવો હોય છે? આપણે ક્યારેય આપણી વ્યક્તિને પૂછીએ છીએ કે, હું બરોબર વાત તો કરું છુંને? માણસના સંબંધો જો વારેવારે દાવ પર લાગતા હોય તો તેણે પોતાના શબ્દો અને પોતાના ટોન પર પણ એક નજર કરી લેવી જોઈએ! વાત કરતા ન આવડે તો વાતનું વતેસર થઇ જતા વાર નથી લાગતી!
છેલ્લો સીન :
પ્રકૃતિનો કોઈ પણ ધ્વનિ જોજો, એ એકદમ મૃદુ અને શાંત છે. વાવાઝોડાં અને તોફાનનો અવાજ સરવાળે વિનાશ જ નોતરે છે. માણસનું વર્તન એની મનોદશાનો જ પડઘો છે. ઝાટકી નાખવાનો ઇરાદો ઝઘડામાં જ પરિવર્તિત થતો હોય છે. ઝાટકવા અને ખંખેરવામાં જડતા અને સહજતા જેટલો ફર્ક છે. -કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 18 ફેબ્રુઆરી 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *