તું તારા સંબંધોને ફરીથી જીવતાં કર તો સારું છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું તારા સંબંધોને ફરીથી
જીવતાં કર તો સારું છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


યૂં તો તન્હાઇ સે ધબરાએ બહોત,
મિલ કે લોગોં સે ભી પછતાએ બહોત,
ડૂબના અખ્તર થા કિસ્મત મેં લીખા,
વૈસે હમ તૂફાં સે ટકરાએ બહોત.
-વકીલ અખ્તર


આ દુનિયામાં જો કંઈ આસાનીથી સમજી ન શકાય એવું હોય તો એ સંબંધ છે. સંબંધ ક્યારેક સોળે કળાએ ખીલેલા હોય છે તો ક્યારેક અચાનક જ આથમી જાય છે. રોજ જેનું મોઢું જોયા વગર ચાલતું ન હોય, રોજ જેની સાથે વાત કર્યા વગર મજા ન આવતી હોય એ અચાનક જ જોજનો દૂર ચાલ્યા ગયા હોય એવું લાગે છે. સંબંધમાં આપણું ધાર્યું કંઇ થતું નથી. એનું કારણ એ છે કે, સંબંધ બે બાજુએથી જોડાયેલા હોય છે. આપણે ગમે એટલા સારા હોઇએ, આપણે ગમે એટલું ખેંચાવા તૈયાર હોઇએ, આપણે જેને જીવ જેવા સમજતા હોઇએ એ આપણને એવા જ સમજે એવું જરૂરી નથી. ક્યારેક તો લોકો આપણા સંબંધોની સંવેદનાનો ગેરલાભ પણ ઉઠાવતા હોય છે. એને ખબર હોય છે કે, આ વ્યક્તિને મારા પર બહુ લાગણી છે. હું કહીશ એ બધું કરશે એટલે માણસ એનો દુરુપયોગ કરે છે. એક છોકરીની આ વાત છે. એક છોકરો તેને પ્રેમ કરતો હતો. છોકરીને તેના પ્રત્યે કંઇ જ હતું નહીં. એક દિવસે છોકરાએ તેને પ્રપોઝ કર્યું. આઇ લવ યુ કહ્યું. છોકરી થોડીક શરમાઇ અને પછી તેણે પણ કહ્યું કે, આઇ લવ યુ ટુ. છોકરો સાતમા આસમાને હતો. છોકરીએ આ વાત તેની ફ્રેન્ડને કરી. તેની ફ્રેન્ડે કહ્યું કે, તને એના માટે કશી લાગણી નથી તો તેં કેમ એના પ્રેમનો સ્વીકાર કર્યો? છોકરીએ કહ્યું, ભલેને ફિલ્ડિંગ ભરતો! મારે કંઈ કામ હશે તો કરી આપશે. કોઇ આપણા ઇશારે નાચતું હોય તો ભલેને નાચે! મારી જરૂરિયાતો પૂરી કરશે ત્યાં સુધી હું તેને રમાડીશ અને પછી ટાટા બાય બાય કહી દઇશ! તેની ફ્રેન્ડે કહ્યું કે, તું ખોટું કરે છે. આ વાત વાજબી નથી. એ છોકરીએ કહ્યું કે, એ છોકરો પણ મને સાચો પ્રેમ કરે છે એની કોઇ ગેરન્ટી તારી પાસે છે? એ પણ ટાઇમપાસ કરતો હોય એવું ન બને! તેની ફ્રેન્ડે કહ્યું, એની તો મને ખબર નથી પણ તારી તો ખબર જ છે કે, તારું રિલેશન ફૅક છે. જે સંબંધનો પાયો જ તકલાદી હોય એનું કંઈ ન થઇ શકે!
હવે સમય એવો આવી ગયો છે કે, સંબંધને પણ સમયે સમયે ચકાસતા રહેવું પડે છે કે, આ સંબંધમાં સત્ત્વ તો છેને? ઘણા સંબંધોમાં સ્વાર્થ હોય ત્યાં સુધી સત્ત્વ હોય છે, જેવો સ્વાર્થ પૂરો થાય કે સત્ત્વ જેવું તત્ત્વ જ ન રહે. આપણી દરેકની જિંદગીમાં એવા લોકો આવ્યા જ હોય છે જે આપણી નજીક રહેવાનો પ્રયાસ કરતા હોય. આપણે પણ તેને નજીક આવવા દીધા હોય છે. અચાનક એ ક્યાં સરકી જાય છે એની જ ખબર પડતી નથી. ફોનબુકમાં એવા કેટલાંયે નંબરો હોય છે જેને જોઇને એવું લાગે કે, એક સમયે આ નંબર સ્ક્રીન પર રોજ ઝબકતા હતા, હવે ફોનબુકમાં દટાઇ ગયા છે. એક યુવાનની આ વાત છે. તેનો એક મિત્ર હતો. નિયમિત રીતે વાત કરતો. ફરવા સાથે આવતો. મિત્રના પૈસે મોજમજા કરતો. એને બીજો ખમતીધર મિત્ર મળી ગયો એટલે એ એની તરફ ઢળી ગયો. લાંબો સમય થઇ ગયો. અચાનક એક દિવસ જૂના મિત્રના ફોન પર એનો નંબર ઝળક્યો. મિત્રએ ફોન ન ઉપાડ્યો. પેલા ફ્રેન્ડે મેસેજ કર્યો. તારું એક કામ છે. મિત્રએ જવાબ જ ન આપ્યો. એ પછી એનો ક્યારેય ફોન જ ન આવ્યો. જૂના મિત્રને થયું કે, જો તેને ખરેખર દોસ્તીની પરવા હોત તો તેણે ફરીથી ફોન કર્યો જ હોત. એનો ફોન ન આવ્યો એ જ સાબિત કરે છે કે, એને કામ જ કઢાવવું હતું.
એક વેપારી હતો. એક મંદિરની બહાર તેની નાનકડી દુકાન હતી. એક માણસ નાળિયેર લેવા આવ્યો. એ અપસેટ હતો. વેપારી સાથે વાતવાતમાં કહ્યું કે, એક મિત્ર તેને મૂર્ખ બનાવી ગયો છે. એના કારણે ટેન્શન પેદા થયું છે. વેપારીએ કહ્યું, હમણાં તમે નાળિયેર લીધું, એ પહેલાં તમે નાળિયેરને કાન પાસે હલાવીને ચેક કર્યું કે, નાળિયેરમાં પાણી તો છેને? નાળિયેર બોદું તો નથીને? આ રીતે માણસને પણ ચેક કરતા રહેવું પડે છે કે, એનામાં પાણી તો છેને? એ માણસ બોદો તો નથીને? બોદા માણસોની સંખ્યા સતત વધી રહી છે. જેને આપણે પોતાના સમજતા હોય એ અજાણ્યાને પણ સારા કહેવડાવે એ રીતે આપણી સામે પેશ આવે છે. આપણી મતિ મૂંઝાઇ જાય કે, આ એ જ વ્યક્તિ છે જે આપણી સાથે સારી સારી વાતો કરતી હતી? ઘણાના અનુભવ થાય પછી આપણે કહેતા હોઇએ છીએ કે, મને કલ્પના નહોતી કે આ માણસ આવો નીકળશે! મને ખબર હોત તો એની સાથે સંબંધ જ ન રાખત. ખબર હોત તોને? ઘણા માણસ પોતે કેવા છે એની ક્યારેય ખબર જ પડવા નથી દેતા. એનું પોત પ્રકાશે ત્યારે ખબર પડે કે આ તો નયા ભારના ભરોસાને લાયક નથી.
જિંદગીમાં કેટલાંક સંબંધો ઈશ્વરના આશીર્વાદ જેવા પણ હોય છે. આપણી જિંદગીમાં કેટલાંક એવા લોકો હોય છે જે આપણી જિંદગીને જીવવા જેવી બનાવે છે. એની હાજરી જ આપણા માટે પૂરતી હોય છે. જિંદગી સારી રીતે જીવવી હોય તો આવા લોકોનું જતન કરવું જોઇએ. સારા લોકો સારાં નસીબથી જ મળતા હોય છે. એક માણસની આ વાત છે. એ ગરીબ હતો. ઘણાબધા મિત્રો હતા. બધાએ તેને દરેક પરિસ્થિતિમાં સાચવી લીધો હતો. મિત્રોના કારણે જ એ ટકી ગયો હતો. અચાનક એની કિસ્મતે પલ્ટી મારી. બેચાર કામ એવાં શરૂ થયાં કે એની પાસે ધનના ઢગલા થવા લાગ્યા. ધનિક થઇ ગયો એ પછી તેને થયું કે, મારા મધ્યમવર્ગના મિત્રો મારી હેસિયતના નથી. મારે તો મોટાં માથાંઓ સાથે જ સંબંધો રાખવા છે. એનું આખું ગ્રૂપ જ બદલાઈ ગયું. તે કોઇને ગણકારતો જ નહીં. તેના મિત્રોને દુ:ખ થયું પણ એ બધાને એક હદથી વધુ કંઈ ફેર પડતો નહોતો. એને ઠીક લાગે એમ કરે એવું વિચારી બધા મિત્રોએ પણ પોતાનું મન વાળી લીધું હતું. અચાનક પેલા માણસને બે-ચાર ફટકા પડ્યા. કહેવાતા મિત્રો દૂર થઇ ગયા. એ માણસ ડિપ્રેશનમાં સરી ગયો. એક વખત તેણે પોતાના એક સંબંધીને તેની સાથે જે થયું એ વિશે વાત કરી. આ સંબંધીએ કહ્યું કે, તેં તારા જે સંબંધોને મારી નાખ્યા છે એને ફરીથી જીવતાં કર. સાચા મિત્રો હતા એની પાસે જા. એ માણસે કહ્યું કે, હવે કયાં મોઢે હું તેની પાસે જાઉં? સંબંધીએ કહ્યું કે, તું જા તો ખરા, એ બધા તારી સાથે જ હશે. તું દૂર ચાલ્યો ગયો હતો, એ બધા તો ત્યાં જ છે. સાચા મિત્રો ક્યારેય મોઢું ફેરવતા નથી અને સાચો સંબંધ ક્યારેય સુષુપ્ત થતો નથી. સંબંધમાં એક બીજી વાત પણ યાદ રાખવા જેવી હોય છે. આપણે બધા પાસેથી સારા સંબંધ અને સારા વર્તનની આશા રાખીએ છીએ. એમાં કશું ખોટું નથી પણ આપણે એ પણ વિચારવું જોઇએ કે, હું મારા નજીકના લોકો પાસેથી જેવી અપેક્ષા રાખું છું એવું જ વર્તન હું એ લોકો સાથે કરું છું ખરા? અપેક્ષાઓ એની જ પૂરી થતી હોય છે જે બીજાની અપેક્ષાઓનું પણ ધ્યાન રાખે. સંબંધમાં વન-વૅ ન ચાલે. પલ્લું ક્યારેક ઊંચુંનીચું થાય એનો વાંધો નહીં પણ ઓવરઓલ બેલેન્સ જળવાઇ રહેવું જોઇએ. જેના પર તમને લાગણી છે એનાથી કંઈ ભૂલ થાય તો જતું કરી દો. એની પાસે કોઈ ઇગો નહીં, કોઇ નારાજગી નહીં, એના માટે કંઈ પણ. સંબંધોને મરવા ન દો, સંબંધો મરી જશે તો જિંદગી જીવવા જેવી નહીં લાગે!
છેલ્લો સીન :
કોઈ લૉજિક, કોઈ ગણતરી કે કોઈ માન્યતાની આડે ન આવે એ સાચો સંબંધ. કેટલાંક સંબંધો ઉપરથી લખાઇને આવ્યા છે, એ લોહીની નથી હોતા પણ દિલના હોય છે! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 08 ઓક્ટોબર, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *