તનનો નહીં, મનનો થાક માણસને ભાંગી નાખે છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તનનો નહીં, મનનો થાક
માણસને ભાંગી નાખે છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


કોઈ બારી બહારનાં દૃશ્યો નિહાળે છે,
કોઈ એ દૃશ્ય વિશે કરતું રહે અટકળ,
આ બધું અંધારનું ષડ્યંત્ર લાગે છે,
એ વિના હોતી હશે કૈં આટલી ઝળહળ.
– જાતુષ જોશી


એની આંખો ફરતે રચાઈ ગયેલાં કાળાં કુંડાળાં એ વાતની ચાડી ખાતાં હતાં કે, એનું મન ક્યાંક અંધકારમાં અટવાઇ ગયું છે. જે ચહેરો સદાયે ખીલેલો રહેતો હતો એ અચાનક જ મૂરઝાઇ ગયો છે. જિંદગીમાંથી જાણે એને રસ જ ઊડી ગયો છે. ક્યાંય ગમતું નથી. કોઇ ગમતું નથી. જિંદગીમાં ક્યારેક એવી ક્ષણ પણ આવે છે જ્યારે બધું જ વ્યર્થ લાગે છે. માણસ અમુક સમયે શારીરિક, માનસિક કે આર્થિક રીતે પડી ભાંગતો હોય છે. આર્થિક નુકસાન ગયું હોત તો માણસ ધીમે ધીમે પાછો સધ્ધર થઇ જાય છે. તબિયત બગડી હોય તો પણ થોડીક સારવાર બાદ સાજા થઇ જવાય છે. માનસિક રીતે ભાંગી જઇએ ત્યારે તેમાંથી બહાર આવતા બહુ વાર લાગે છે. એક ડોક્ટરે સરસ વાત કરી હતી કે, શરીર પર ઘાવ થયો હોય તો થોડીક પાટાપિંડીથી રુઝાઇ જાય છે. મનના ઘાવને રુઝાતા બહુ વાર લાગે છે. કેટલાક ઘાવ એવા હોય છે જે દિલ પર ઘસરકા પાડી દે છે. આપણું અસ્તિત્વ હલી જાય છે. જેના પર ભરોસો મૂક્યો હોય, જેને આંખો મીંચીને પ્રેમ કર્યો હોય અને જેને જીવનનો હિસ્સો ગણ્યો હોય એ વ્યક્તિ જ્યારે છેહ આપે ત્યારે એવો સવાલ જાગે છે કે, હવે દુનિયામાં ભરોસો કોનો કરવો? જેને પોતાના માન્યા હતા એ પારકા કરે એના કરતાં પણ ખરાબ કૃત્ય કરે ત્યારે સંબંધો સામે જ સવાલો સર્જાતા હોય છે. દોસ્તો ક્યારેક એવું કરે છે કે આપણે દુશ્મનોને પણ માફ કરી દઇએ છીએ. આપણને થાય કે, એના વિશે તો ખબર જ હતી કે એ દુશ્મન છે, દોસ્ત વિશે ખબર નહોતી કે એ દોસ્ત નથી!
માણસનું માપ એના પરથી નીકળતું હોય છે કે, એ ખરાબમાં ખરાબ સમયમાં કેટલો માનસિક સ્થિર રહે છે. જિંદગીમાં ખરાબ સમય આવવાનો જ છે. દુનિયામાં કોઇ પણ માણસને પૂછી જોજો કે, તમારી જિંદગીમાં ખરાબ સમય આવ્યો હતો? એકેય માણસ એવું નહીં કહે કે, ના, મેં ક્યારેય ખરાબ સમય જોયો જ નથી. સંબંધો ક્યારેક તૂટવાના જ છે. આઘાત ક્યારેક લાગવાનો જ છે. એક માણસને તેની નજીકના જ લોકોએ હેરાન કર્યો, તેની સાથે વિશ્વાસઘાત કર્યો, જેટલો લેવાય એટલો લાભ લઇને એને તરછોડી દીધો. એ માણસ એક સંત પાસે ગયો. સંતને કહ્યું કે, મારા જ લોકોએ મારી સાથે આવું કર્યું. મને તો સપનામાં પણ એવું ન હતું કે, આ લોકો પણ આવું કરી શકે છે. સંતે કહ્યું કે, એ તારી ભૂલ હતી. તારે માનસિક રીતે તૈયાર રહેવું જોઇતું હતું કે, કોઇ પણ માણસ ગમે ત્યારે ગમે એ વર્તન કરી શકે છે. જે માણસની દગા, ફટકા, વિશ્વાસઘાત, બેવફાઇ, છેતરપિંડી સામે તૈયારી નથી હોતી એ નાદાન છે. આપણી સાથે જો એવું કંઇ ન થાય તો બહુ સારી વાત છે, પણ જો એવું થાય અને માનસિક તૈયારી ન હોય તો આઘાત વધુ લાગે છે. એક માણસની આ વાત છે. તેની સાથે તેના એક મિત્રએ દગો કર્યો. એને કંઇ ફેર ન પડ્યો. તેણે કહ્યું, આવું થાય. આમાં કંઇ નવાઇ જેવું નથી. તેના એક સ્વજને કહ્યું, પણ એ તો તારો મિત્ર હતોને? એ માણસે કહ્યું કે, મિત્ર તો હું સમજતો હતો, એના માટે તો હું શિકાર જ હતો. મેં મિત્ર સમજ્યો એ મારી ભૂલ હતી. એણે તો મારી પાસે જે ઇરાદો હતો એ પૂરો કર્યો છે. મારે હવે મારી ભૂલ ભોગવવાની છે.
કોઇ સંબંધ તૂટે કે કોઇ સાથ છૂટે ત્યારે આપણે એવું પણ કહેતા હોઇએ છીએ કે, કદાચ આટલું જ નસીબમાં લખ્યું હશે. એક યુવાન હતો. તેનો એક મિત્ર હતો. મિત્રએ તેની પાસેથી થોડાક રૂપિયા માંગ્યા. દોસ્તીના દાવે તેણે રૂપિયા આપ્યા. થોડા જ સમયમાં એ મિત્ર ગુમ રહેવા લાગ્યો. તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે તો પણ એ હાથમાં ન આવે. યુવાનને સમજાઇ ગયું કે, રૂપિયા પાછા આપવાની એની દાનત નથી. તેણે પછી પ્રયાસો જ છોડી દીધા. તેના એક બીજા મિત્રને બધી વાતની ખબર પડી. તેણે પૂછ્યું, શું થયું હતું? એ યુવાને બધી વાત કરી. છેલ્લે એવું કહ્યું કે, સારું થયું, આટલાથી પત્યું. સંબંધ કદાચ લાંબો ચાલ્યો હોત તો હું વધુ રકમમાં ઊતરી ગયો હોત. કેટલાક લોકો વહેલા પરખાઇ જાય એમાં જ આપણું ભલું હોય છે. એવા લોકો દૂર થાય ત્યારે એવું જ સમજવું કે, છુટકારો થયો.
કેટલાક લોકો સંબંધ તૂટે એના કારણે દુ:ખી થતા હોય છે. એ વખતે પણ એટલો વિચાર કરવો જોઇએ કે, દુ:ખી થવા જેવો એ સંબંધ હતો ખરો? જો સંબંધ સાચો હોત તો એ તૂટ્યો જ ન હોત. કેટલાક સંબંધો તૂટે કે છૂટે ત્યારે દુ:ખી નહીં પણ સુખી થવાનું હોય છે કે જાન છૂટી! એક છોકરીને એક છોકરા સાથે દોસ્તી હતી. પહેલાં પહેલાં તો બધું સારું હતું, પણ ધીમે ધીમે એ છોકરો તેના પર આધિપત્ય જમાવવા લાગ્યો. તારે આમ તો કરવું જ પડશે. તારે આ વાત તો માનવી જ પડશે. તું આ ખોટું કરે છે. તારે આમ ન કરવું જોઇએ. આખરે એ છોકરીને સમજાઇ ગયું કે, આની સાથે વધુ સંબંધ રાખવામાં માલ નથી. એક વખત છોકરાએ જે કહ્યું હતું એ વાત છોકરીએ ન માની. છોકરાએ કહ્યું કે, તારે મારી વાત ન માનવી હોય તો આપણા સંબંધો પૂરા. છોકરીએ પ્રેમથી કહી દીધું કે, પૂરા તો પૂરા. હું આમ પણ આ સંબંધથી તંગ આવી ગઇ છું.
કેટલાક સંબંધોને આપણે જ હાથે કરીને વળગેલા હોઈએ છીએ. સામેની વ્યક્તિ ગમે તે કરે તો પણ આપણે સહન કરી લઇએ છીએ. જિંદગીમાં સંબંધ નો ડાઉટ જરૂરી છે, પણ એ સંબંધ પ્રેમ, લાગણી અને હળવાશ આપવો જોઇએ. જો એ સંબંધ ટેન્શન, ઉપાધિ, ચિંતા અને ત્રાસ આપતો હોય તો એ સંબંધ ખતમ થાય એ જ બહેતર હોય છે. આપણે ઘણી વખત જેને સંબંધ કહેતા હોઇએ છીએ એ સંબંધ હોતો જ નથી. સામેની વ્યક્તિ આપણી મૂર્ખાઇને ઓળખીને આપણો ફાયદો ઉઠાવતી હોય છે. સંબંધમાં પણ સાવચેતી રાખવી પડતી હોય છે. જો સાવચેતી ન રાખીએ તો આપણો ઉપયોગ ક્યારે થઇ ગયો એની સમજ આપણને જ પડતી નથી.
દુનિયામાં કોઇ આપણને માનસિક રીતે નબળા પાડી શકવું ન જોઇએ. હા, ક્યારેક એવું બનવાનું છે કે, કોઇના વર્તનથી આઘાત લાગે. એ આઘાત જીરવવાની તાકાત પણ આપણે રાખવી જોઇએ. બહુ ઓછા લોકો પોતાના કારણે ભાંગી પડતા હોય છે, મોટાભાગે લોકો બીજાના કારણે તૂટી જતા હોય છે. આપણે આપણું ધ્યાન રાખવું પડતું હોય છે. જો આપણે આપણી સ્થિતિ વિશે અવેર ન રહીએ તો દિવસ તો સારો જતો નથી, રાત પણ ચેન લેવા દેતી નથી. સૂઇ ગયા પછી સપનાં પણ સારાં આવતાં નથી. ખરાબ સપનાં એ વાતની નિશાની છે કે, આપણો દિવસ સારો નથી ગયો. આપણે જેવા વિચારો કરીએ એવાં જ સપનાં આપણને આવતાં હોય છે. આપણા વિચારો આપણને ખબર ન પડે એ રીતે આપણામાં સચવાય છે. કેટલીક લાગણીઓ દિવસે વ્યક્ત નથી કરી શકતા એ રાતે કણસાટ કે ડરામણા સપના રૂપે બહાર આવતી હોય છે. રાતે સૂતી વખતે છેલ્લા અને સવારે ઊઠીને પહેલાં વિચારો તમને કેવા આવે છે? જો સારા વિચારો આવતા હોય તો માનજો કે, તમારી જિંદગી સાચા રસ્તે છે. જો સવાર સુંદર લાગે તો સમજવું કે, લાઇફ રાઇટ ટ્રેક પર છે. સવાર જ જો ખરાબ પડી તો દિવસ ક્યાંથી સારો જવાનો છે? મજામાં ન હોઇએ તો સવારે ઊઠીને સારા વિચારો આવવાના જ નથી. સવારે ઊઠીએ ત્યારે પણ જો શરીરમાં થાક હોય તો સમજવું કે, રાતે દિવસનું વેર વસૂલ્યું છે. જિંદગીમાં દરેક પરિસ્થિતિ, દરેક પડકાર, દરેક પ્રશ્નો માટે તૈયાર રહો. એ પડકારને ઝીલો. તેમાંથી જેમ બને એમ વહેલી તકે બહાર નીકળી જાવ. જિંદગીમાં કંઇ પણ થઇ શકે છે. આપણે એટલું ધ્યાન રાખવાનું હોય છે કે, આપણે સ્વસ્થ અને સક્ષમ રહેવાનું છે. કોઇની પાછળ એટલા દુ:ખી ન થાવ કે આપણું સુખ હણાઇ જાય. આપણા સુખનો કબજો આપણા હાથમાં રહેવો જોઇએ. કોઇ આપણને દુ:ખી કરી ન જાય એની કાળજી રાખવી પડતી હોય છે. કેટલાક લોકો આપણને હર્ટ કરવા અને આપણને હતાશ કરવા માટે જ આપણી જિંદગીમાં આવતા હોય છે. જાળ પાથરવાવાળા તો પાથરવાના જ છે, આપણે એ કુંડાળામાં પગ મૂકવો છે કે નહીં એ આપણે નક્કી કરવાનું હોય છે. કેટલાક સંબંધોમાં પણ સાવચેતી એ જ સલામતી હોય છે.
છેલ્લો સીન :
દુનિયા, સમાજ અને સૃષ્ટિને એ જ લોકો વગોવે છે જેને પોતાનામાં શ્રદ્ધા નથી. જેને કંઇક કરી છૂટવું છે એને પોતાની મંજિલ સિવાય બીજી કોઇ બાબતોમાં રસ જ નથી હોતો. દુનિયા બહુ સારી જ છે, જો આપણે સારા હોઇએ તો! આપણે જ આડા રસ્તે હોઇએ તો કોઇ સીધા રસ્તે લાગવાનું નથી.
-કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 11 જાન્યુઆરી 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *