તું એની લાઇફમાં વધુ પડતી દખલ ન કર! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું એની લાઇફમાં વધુ

પડતી દખલ ન કર!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગી હી ખુદ નિશાની હો જાએ,

એસે જિઓ કી કહાની હો જાએ,

ખ્વાબ તૂટે તો નયા દેખિએ,

કહીં નજરે ન પુરાની હો જાએ.

-આદિત્ય જામનગરી

માણસમાં કુદરતે શક્તિઓ અને શક્યતાઓનો વિશાળ ભંડાર મૂકેલો છે. આપણે બસ એ ભંડારને શોધવાનો હોય છે. હાથની રેખાઓમાં કદાચ માર્ગ હોતા હશે પણ એ માર્ગે ચાલીને મંઝિલ સુધી તો આપણે જ પહોંચવું પડે છે. આપણે જ જો આપણી મર્યાદાઓ નક્કી કરી લઇએ તો સફળતાની શક્યતાઓ મર્યાદિત જ થઇ જાય છે. દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક જે એવું વિચારે છે કે, મારાથી આ ન થાય. બીજા પ્રકારના લોકો તેમાં થોડોક જ ફેર કરીને એવું વિચારે છે કે, મારાથી આ શા માટે ન થાય? પડકારો, સંઘર્ષો, મુશ્કેલીઓ, તકલીફો, સમસ્યાઓ, વિઘ્નો અને પરેશાનીઓ તો આવવાની જ છે. જેને કંઇક કરવું છે એ સૌથી પહેલા એવું જ નક્કી કરે છે કે, ગમે તે થાય હું મારા માર્ગમાંથી ડગવાનો નથી. મોટાભાગના લોકો પહેલી નિષ્ફળતામાં જ હારી જાય છે. પોતાના નામ ઉપર પોતાના હાથે જે ચોકડી મૂકી દે છે. આપણે જ જો ચોકડી મૂકી દઇએ તો એ ચોકડી કોઇ ભૂંસી ન શકે!

એક યુવાનની આ વાત છે. તે જે કામ કરતો હતો એમાં તેને સફળતા મળતી નહોતી. એક-બે પ્રયાસમાં એ હારી ગયો. એક સાંજે તેના પિતાએ તેને સમજાવતા હતા. ખૂબ સમજાવ્યો છતાં દીકરાને કોઇ અસર થતી નહોતી. એવામાંને એવામાં સાંજ આથમી ગઇ. અંધારું થવા લાગ્યું. પિતાએ દીકરાને કહ્યું કે, અંધારું થઇ ગયું છે, લાઇટ ચાલુ કરી દે. દીકરો ઊભો થયો અને સ્વીચ ચાલુ કરી. ટ્યુબલાઇટનો પ્રકાશ ચારે તરફ ફેલાઇ ગયો. પિતાએ સહજતાથી કહ્યું કે, બસ દીકરા આટલું જ ધ્યાન રાખવાનું હોય છે. અંધારું થાય ત્યારે લાઇટ ચાલુ કરી દેવાની. અંધારમાં જ બેઠા રહીએ તો કોઇ માર્ગ સૂઝવાનો જ નથી. આપણે નક્કી કરવાનું હોય છે કે, મારે મારા અંધારામાંથી બહાર આવવું છે. જિંદગીમાં ક્યારેક તો અંધારું લાગવાનું જ છે. પ્રકાશ હાથવગો જ હોય છે પણ એના માટે પ્રયાસ તો આપણે જ કરવા પડે.

આપણને ક્યારેક આપણી વ્યક્તિને હતાશ, નિરાશ કે ઉદાસ જોઇને ચિંતા થતી હોય છે. આપણે એની પાછળ ખૂબ મહેનત કરતા હોઇએ તો પણ એનામાં કોઇ ફેર પડતો નથી. ક્યારેક આપણને ગુસ્સો પણ આવી જાય છે કે, હું આને આટલું બધું સમજાવું છું, એના માટે આટલી બધી મહેનત કરું છું પણ એને કોઇ ફેર જ નથી પડતો. બે મિત્રોની વાત છે. એક મિત્રને નિષ્ફળતાઓ મળતી હતી. તેણે કહ્યું કે, હવે મારે કંઇ કરવું જ નથી. મારાથી કંઇ થઇ શકશે નહીં. મિત્રએ તેને ખૂબ સમજાવ્યો પણ તેને કોઇ અસર જ થતી નહોતી. એ મિત્ર એક ફિલોસોફર પાસે ગયો. મિત્રની બધી વાત કરી. ફિલોસોફરે કહ્યું કે, એ સમજતો નથી એમાં તું કેમ આટલો પરેશાન થાય છે? તારું કર્તવ્ય એને સમજાવવાનું છે. એ તું કરી રહ્યો છે. તું એમાં સફળ થતો નથી એના કારણે તું હતાશ થતો હોય એવું લાગી રહ્યું છે. એક વાત યાદ રાખ, તું એનું નસીબ બદલાવી નહીં શકે. એનું નસીબ તો એણે જ બદલવાનું છે.

સંબંધોમાં પણ ઘણીવખત આવું થતું હોય છે. આપણને જેના માટે ખૂબ પ્રેમ કે લાગણી હોય એના માટે આપણે આપણાથી થાય એ બધું કરી છૂટતા હોઇએ છીએ. આપણને આપણા પ્રયાસોમાં સફળતા ન મળે એટલે દુ:ખી થતા હોઇએ છીએ. એક છોકરીની આ વાત છે. તેને એક છોકરા સાથે પ્રેમ થયો. માતા-પિતાને દીકરીની ખુશીથી વધું કંઇ હતું નહીં. દીકરીને પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાની ખુશીથી હા પાડી. લગ્ન થયા. થોડોક સમય તો બધું બરાબર ચાલ્યું. દીકરીને પછી પતિ સાથે પ્રોબ્લેમ થવા લાગ્યા. માતા-પિતા સુધી આ વાત પહોંચી. પિતા સમજી ગયા કે, દીકરી દુ:ખી છે. એક દિવસે પિતાએ દીકરીને બોલાવીને કહ્યું કે, એવું જરાયે નથી કે તેં તારી પસંદગીના છોકરા સાથે લગ્ન કર્યા છે એટલે બધું સહન કરી લેવાનું. અમે તારી સાથે છીએ. તું નક્કી કર કે, તારે શું કરવું છે? દીકરી ગઇ પછી પિતા એકલા પડ્યા. દીકરીની માએ આવીને કહ્યું કે, તમે તો કેવા છો? નિર્ણય દીકરી પર છોડો છો? તમે એને એમ કેમ નથી કહેતા કે, આમ કર. તને ત્યાં ન ફાવતું હોય તો પાછી આવી જા. આ વાત સાંભળીને પતિએ કહ્યું કે, નિર્ણય એને કરવા દે. જોવા તો દે એનામાં કોઇ નિર્ણય કરવાની શક્તિ છે કે નહીં? એણે એમ પૂછ્યું હોત કે, મારે શું કરવું જોઇએ તો હું તેને ચોક્કસ ઓપ્શન વિશે વાત કરત. એણે સલાહ કે માર્ગદર્શન માંગ્યા નથી. આપણે એ પણ સમજવાની જરૂર હોય છે કે, ક્યારે સલાહ આપવાની જરૂર છે, ક્યારે માર્ગદર્શન આપવાની આવશ્યકતા છે, ક્યારે મદદ કરવાની છે, ક્યારે સાંત્વના આપવાની જરૂર છે અને ક્યારે સાથે ઊભા રહેવાની જરૂર છે.

આપણે ઘણીવખત આપણી વ્યક્તિને વધુ પડતી મદદ કરીને એની શક્તિઓને ક્ષીણ કરી દેતા હોઇએ છીએ. તમે જ્યારે કોઇના વતી નિર્ણયો લેવા માંડો છો ત્યારે એની નિર્ણયો લેવાની તાકાતને છીનવી લો છો. બનવા જોગ છે કે, એ આપણાથી સારો કોઇ નિર્ણય કરે. આપણે આપણી વ્યક્તિને એટલી પણ નબળી ન સમજવી જોઇએ કે એના વતી બધું આપણે કરવા માંડીએ. તમારી વ્યક્તિ જો તમને પૂછ્યા વગર કંઇ કરી શકતી ન હોય તો માનજો કે તમે એની પાંખો કાપી નાખી છે. માત્ર આકાશ આપી દેવું પૂરતું નથી, એને કહેવું પડે છે કે તારી પાસે તારી પાંખો છે, ઉડવા માટે કેવી રીતે પાંખો ફફડાવવી જોઇએ એ પણ એને કહો પણ એના વતી તમે ઉડવા ન માંડો.

આપણને કોઇ ઉપર પ્રેમ હોય ત્યારે આપણે ઘણી વખત એના વતી બધું કરી નાખતા હોઇએ છીએ. પ્રેમ એ છે જે પોતાની વ્યક્તિની ક્ષમતાને બહાર લાવે. એને પોતાની જાત નજીક લઇ જવામાં મદદ કરે. એની ખૂબીઓનો એને પરિચય કરાવે. પ્રોટેકશન પરાધીનતા બની ન જાય એની કાળજી રાખવી પડતી હોય છે. તમે દિશા ચીંધો, રસ્તો બતાવો પણ ચાલવા તો એને જ દો. ક્યારે આપણી વ્યક્તિની આગળ રહેવું અને ક્યારે એને આગળ થવા દેવી એની સમજ એ પ્રેમ જ છે. એ પડી ન જાય એની કેર કરો પણ એના વતી તમે બધું કરી ન નાખો. પ્રેમમાં જો ધ્યાન ન રાખીએ તો આપણે આપણી જ વ્યક્તિને આપણી ડિપેન્ડન્ટ બનાવી દઇએ છીએ. આપણે પણ એ ધ્યાન રાખવાનું હોય છે કે, કોઇ આપણા નિર્ણયો કરવા ન માંડે. માર્ગદર્શન પણ ત્યારે માંગો જ્યારે એની જરૂર હોય. સલાહ લેવાની પણ આદત ન પડવી જોઇએ. દરેક નિર્ણય બીજાને પૂછીને કરવાની જરૂર હોતી નથી. પહેલા તમારી જાતને સવાલ કરો. જવાબ શોધો. કોઇ જવાબ ન મળે તો જ તમારો પશ્ન બીજાને પૂછો. તમારા માટેનો સૌથી ઉત્તમ જવાબ એ જ હશે જે તમને તમારી પાસેથી મળશે. બીજા પર વિશ્વાસ એ જ મૂકતા હોય છે જેને પોતાના પર વિશ્વાસ હોતો નથી. ધ્યાન ન રાખીએ તો ક્યારે પરાધીન થઇ જઇએ એની આપણને જ સમજ પડતી નથી. પ્રેમને તાકાત બનવા દો, નબળાઇ નહીં!  

છેલ્લો સીન :

જે માણસ પોતાની બેડીઓ અને બંધનોમાંથી જાતે જ બહાર આવે છે એ જ ખરી મુક્તિનો અહેસાસ માણી શકે છે.                                              -કેયુ.

 (‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 22 ઓગસ્ટ 2021, રવિવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *