સન્ડે સ્કેરીઝ :
રવિવાર પૂરો થઈ જવાની પીડા :
તમને આવું થાય છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
માણસ રિલેક્સ થવા માટે રવિવારની રાહ જોતો હોય છે.
રવિવારે મજા કરે છે, પણ રવિવાર પૂરો થતો જાય એમ
એને ટેન્શન થવા લાગે છે. કાલથી પાછી હતી એની એ જ ઉપાધિ,
એવો વિચાર માણસને ડિસ્ટર્બ કરી દે છે. એનાથી બચવું કેવી રીતે?
———–
માંડ માંડ મળેલી થોડીક ખુશી અને શાંતિ સરકતી લાગે ત્યારે થોડુંક તો ડિસ્ટર્બ થવાતું જ હોય છે. અત્યારના આધુનિક સમયમાં માણસની લાઇફ હેક્ટિક થઇ ગઇ છે. લોકો પાસે શ્વાસ લેવાની પણ ફુરસદ નથી. એક એવી દોડ ચાલે છે જેનો કોઇ અંત જ નથી. માણસને ગમે કે ન ગમે, તેણે જિંદગીની રેસમાં ઝુકાવવું જ પડે છે. જિંદગી અને ઘર ચલાવવાં હોય છે. પોતાની જાતને સાબિત કરવાની હોય છે. સ્પર્ધા સતત વધી રહી છે. ટકી રહેવા માટે પણ તનતોડ મહેનત કરવી પડે છે. આવા સંજોગોમાં લોકો રવિવારની રાહ જોઇને બેઠા હોય છે. એક દિવસ તો આરામ મળે. હમણાંના એક રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે, લોકો હવે સન્ડે સ્કેરીઝનો ભોગ બની રહ્યા છે. રવિવાર સવાર તો સારી પડે છે, પણ જેમ જેમ સમય જાય છે એમ એમ એને રજા પૂરી થવા લાગીનું ટેન્શન થવા લાગે છે. ફરી કાલથી એના એ ઢસરડા કરવાના છે એવો વિચાર માણસને અપસેટ કરી દે છે. માણસની આવી ફીલિંગને સન્ડે સ્કેરીઝ તરીકે ઓળખવામાં આવે છે. દુનિયામાં એના વિશે અનેક રિસર્ચ થયાં છે. હમણાંના એક અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે, જેમ જેમ સમય જાય છે એમ એમ આ ભય સતત વધી રહ્યો છે. એનું કારણ લોકો પર હાવી થઇ ગયેલો કામનો સ્ટ્રેસ છે.
સન્ડે સ્કેરીઝ વિશે ન્યૂરોસાયન્ટિસ્ટ સુજેન કૂપરમેન કહે છે કે, રવિવાર સાંજથી સન્ડે સ્કેરીઝની અસર વર્તાવા માંડે છે. એમાંયે જો નેક્સ્ટ વીકમાં ખૂબ વધુ કામ રહેવાનું હોય કે કોઇ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ શરૂ થવાનો હોય તો આવી ફીલિંગ વધુ થાય છે. આવી ચિંતાને એન્ટિસિપેટરી એંગ્ઝાઇટી તરીકે ઓળખવામાં આવે છે. આવું ન થાય એના માટેનો બેસ્ટ રસ્તો એ છે કે, કાલના બહુ વિચાર ન કરો. વર્તમાનમાં જીવો. કામ માટે પણ પોઝિટિવ રહો. મારું કામ છે, મારે કરવાનું છે, સમય આવ્યે કરી નાખીશ, અત્યારે એન્જોય કરવાનો સમય છે તો એન્જોય કરવા દે. આપણે ટેન્શન રાખીએ કે ન રાખીએ, જે કામ છે એ તો કરવું જ પડવાનું છે. આવા સંજોગોમાં પેલી વાત યાદ રાખવા જેવી છે કે, વર્ક વ્હાઇલ યુ વર્ક, પ્લે વ્હાઇસ યુ પ્લે. નવરા હો ત્યારે કામને હાવી થવા ન દો.
હવેના સમયમાં લોકો અનેક ઉપાધિઓમાં ફસાયેલા રહે છે. રવિવારે પણ લોકોને શાંતિ હોતી નથી. સામાન્ય દિવસોમાં કોઇ કાર્યક્રમ કે પ્રસંગ હોય તો લોકો રજા મળે એમ નથી એવું કહીને છૂટી જાય છે. રવિવારે કોઇ પ્રસંગ હોય તો જવું પડે છે. એવા સંજોગોમાં પણ લોકોને એમ થાય છે કે, માંડ એક દિવસ મળતો હોય એમાંયે આવા બધામાં જવું પડે છે. રવિવારના મામલે પતિ-પત્નીઓમાં પણ ઝઘડાઓ થવા લાગ્યા છે. રવિવારે હસબન્ડને ઘરે આરામ કરવો હોય છે. પત્નીની ઇચ્છા બહાર જવાની હોય છે. સંતાનોનો પણ કોઇ ને કોઇ આગ્રહ હોય છે. પત્ની વર્કિંગ વુમન હોય તો તે પણ એવું જ ઇચ્છતી હોય છે કે, રવિવારે એક દિવસ આરામ કરીએ અને સાથે ટાઇમ સ્પેન્ડ કરીએ. પત્ની જો હાઉસ વાઇફ હોય તો સ્વાભાવિક રીતે તેની ઇચ્છા એવી હોય કે, હસબન્ડ તેને સમય આપે. તેની સાથે શોપિંગમાં આવે કે ક્યાંક ફરવા લઇ જાય. પતિને ઘરે પડ્યા રહેવું હોય છે. બંને વચ્ચે માથાકૂટ થાય છે અને દાંપત્યજીવન ખરડાતું રહે છે. બીજો એક પ્રોબ્લેમ એ પણ હોય છે, રેગ્યુલર દિવસોમાં કંઇ વધારાનું કામ હોય તો એવું વિચારીને રાખી મૂકવામાં આવે છે કે, રવિવારે કરીશું. રવિવારે એટલાં બધાં કામ ભેગાં થઇ જાય છે કે, માણસ થાકી જાય! સન્ડે સ્કેરીઝનો ભોગ ન બનાય એ માટે એક સલાહ એ પણ આપવામાં આવે છે કે, રવિવાર પર કોઇ કામ મુલત્વી ન રાખો. રવિવારના દિવસે મેક્સિમમ સમય ફ્રી રહેવાય અને આપણી ઇચ્છા હોય એ કરી શકાય એની કાળજી રાખો.
બે ઘડી માની લો કે સન્ડે ખૂબ જ સરસ ગયો છે તો પણ રાતે એમ જ થાય છે કે, કાલથી ફરી હતું એનું એ જ રૂટિન શરૂ થઇ જવાનું છે. સોમવારે ઊઠતાંવેંત પહેલો વિચાર એ જ આવતો હોય છે કે, હવે આખું વીક કામ કરવાનું છે. કોણ જાણે સન્ડે ક્યારે આવશે. સોમવાર એ સૌથી ટેન્શનવાળો દિવસ છે. એક અભ્યાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે, મંગળવારના દિવસે સૌથી વધુ હાર્ટએટેક આવે છે. તેનું કારણ એ છે કે, સોમવાર સ્ટ્રેસમાં ગયો હોય છે. સોમવારે મોટાભાગે પ્લાનિંગ થયાં હોય છે અને મંગળવારથી તેનું એક્ઝિક્યૂશન કરવાનું હોય છે. એનો સ્ટ્રેસ ઘણી વખત લોકોની જિંદગી ખતરામાં મૂકી દે છે. મંગળ અને બુધવારે ખૂબ કામ રહે છે. કામ તો એ પછીના દિવસોમાં પણ હોય જ છે, પણ સન્ડે નજર સામે હોવાથી માણસ રિલેક્સ ફીલ કરવા લાગે છે. ગુરુવારે કામ પતે ત્યારે માણસને એવું થાય છે કે, હવે શુક્ર અને શનિ બે જ દિવસ છે, પછી તો રવિવારની રજા મળશે. સન્ડે સ્કેરીઝના કારણે હવે સન્ડેના બદલે સેટરડે નાઇટનું ઇમ્પોર્ટન્સ વધી રહ્યું છે. લોકો શનિવારે રાતે જ મોડે સુધી મજા કરે છે, જેથી રવિવારે મન થાય ત્યાં સુધી સૂવા મળે અને આરામ કરી શકાય. રવિવારે મોડે સુધી જાગવાથી ટેન્શન થાય છે. કાલથી કામે ચડવાનું છે. જો ઉજાગરો હશે તો સરખું કામ નહીં થાય. એના કરતાં વહેલા સૂઇ જઇએ, જેથી મન્ડેથી રિલેક્સ રહીને કામ કરી શકાય.
કામ અને આરામ, રજા અને મજા આમ તો આપણી માનસિકતા પર ઘણો મોટો આધાર રાખે છે. બધી મજા પણ રવિવાર કે રજાના દિવસો માટે બાકી ન રાખો. વીક ડેઝમાં પણ નાની નાની મજા કરતા રહો. માણસ કંઇ ચોવીસ કલાક કામ કરતો નથી. ગમે એવી નોકરી હોય, થોડોક સમય તો માણસને મળતો જ હોય છે. એ સમયે રિલેક્સ ફીલ કરો. સન્ડે સ્કેરીઝનું એક કારણ મોબાઇલ પણ છે. માણસ જેવો નવરો પડે કે તરત જ એ હાથમાં મોબાઇલ લઇ લે છે. રીલ્સ જોવાનું શરૂ થાય પછી અટકતું નથી. સોશિયલ મીડિયામાં સમય ક્યાં પસાર થઇ જાય છે એની ખબર પડતી નથી. ઘડિયાળમાં જોઇએ ત્યારે ખબર પડે છે કે ઓહો, આટલો બધો સમય વીતી ગયો. મોટાભાગે માણસને એમ થાય છે કે, ખોટો સમય વેડફાઇ ગયો. ચાલુ દિવસોમાં પણ અમુક સમયે મોબાઇલથી દૂર રહો. બને તો મોબાઇલમાં ટાઇમ સેટ કરી લો કે આટલા સમય કરતાં વધુ સમય મોબાઇલ હાથમાં લેવો નથી. આપણો પ્રોબ્લેમ એ પણ થઇ ગયો છે કે, આપણે મન અને મગજને ફ્રી રહેવા જ દેતા નથી. આપણો ખાલી સમય મોબાઇલ માટે નથી. આપણો સમય આપણા માટે છે.
સન્ડે સ્કેરીઝથી બચવાનો બીજો એક ઉપાય એ છે કે, પ્રકૃતિની નજીક રહો. પ્રકૃતિની નજીક રહેવાની કળા જે લોકો જાણે છે એ પોતાની નજીક રહી શકે છે. જે ક્ષણ હોય એને પૂરેપૂરી જીવો. કામનું બહુ ટેન્શન ન રાખો. પોતાની જાત પર પણ શ્રદ્ધા રાખો કે, જ્યારે કામ કરવાનું હશે ત્યારે હું કરી જ લઇશ. કામ બાબતે પણ એક ધ્યાન રાખવાનું છે કે, કામ કરતા હોવ ત્યારે કામ જ કરો. ઘણા લોકો કામમાં વેઠ ઉતારતા હોય છે, કામને પેન્ડિંગ રાખતા હોય છે. પરિણામે થાય છે એવું કે કામનો ભરાવો થઇ જાય છે અને સરવાળે ટેન્શન થવા લાગે છે. રવિવાર અઠવાડિયે માંડ માંડ આવે છે, એ તો કોઇ ટેન્શનમાં ન જ જવો જોઇએ. જિંદગીમાં મજા માટે અને પોતાના માટે પણ સમય ચોરી લેવો પડતો હોય છે. લાઇફને અને કામને એટલા બધા સીરિયસલી પણ ન લો કે પોતાના બોજ નીચે જ દબાઇ જવાય. રિલેક્સ રહો અને મજાના સમયે માત્ર ને માત્ર મજા કરો, તો જ કામના સમયે સારું કામ કરી શકશો.
————
પેશ-એ-ખિદમત
દુનિયા મેં હમ જો અપની હકીકત કો પા ગયે,
તો ઝિંદગી કે રાઝ સમઝ મેં સબ આ ગયે,
યે સોચતે હૈં સિર્ફ યહી સોચતે હૈં અબ,
હમ તેરે દર પે લાયે ગયે હૈં કિ આ ગયે.
– માયલ ખૈરાબાદી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 07 જાન્યુઆરી 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
