હું તારી સાથે બધી વાત
ક્યાં શેર કરી શકું છું!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
પ્રશ્ર્ન કોઇ પણ નથી તો પૂછવું કેવી રીતે?
ના લખ્યું હો કાંઇ તો ભૂંસવું કેવી રીતે?
આ ભરી મહેફિલ સજાવી બેસતા લાખો છતાં,
જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે?
-ઉર્વીશ વસાવડા.
દરેક વ્યક્તિનાં અમુક ‘સિક્રેટ્સ’ હોય છે. થોડીક એવી વાતો હોય છે જે બધા માટે હોતી નથી. અમુક એવી ઘટનાઓ હોય છે જે દિલના કોઈ ખૂણે સચવાયેલી હોય છે. દરેકના દિલમાં એક એવું ‘ફોલ્ડર’ હોય છે, જે કોઈ ખોલી શકતું નથી. ઘણું બધું એવું સિક્યોર્ડ હોય છે, જેનો પાસવર્ડ આપણે કોઈને આપતા નથી. આપણે જ ક્યારેક એ ખોલીએ છીએ, ક્યારેક અચાનક જ એ ખૂલી જાય છે, તેના ઉપર નજર ફરે છે, કંઈક તાજું થઈ જાય છે, કંઈક યાદ આવી જાય છે, ક્યારેક આંખ થોડીક ચમકે છે તો ક્યારેક આંખ થોડીક ભીની થાય છે. ક્યારેક નાનકડો નિસાસો નખાઈ જાય છે તો ક્યારેક હૃદય થોડુંક હળવું થાય છે. અમુક વાતો આપણે કોઈને કહેતા નથી. શું આપણે કોઈને કહેવી હોતી નથી? ના, આપણે કહેવી હોય છે, એ વાતો વાગોળવી હોય છે, પણ આપણે કોઈને કહી શકતા નથી. કોણ શું સમજશે, કેવું સમજશે, શું ધારી લેશે અને મારા વિશે શું માની બેસશે એવો ડર, ભય, શંકા અને ચિંતા રહ્યા કરે છે! એના કારણે જ કેટલું બધું દિલમાં ધરબાયેલું રહે છે!
એક વાતનો જવાબ આપો. તમારી અત્યંત નજીક કોણ છે? હવે બીજી વાત, એને તમારા વિશેની બધી જ ખબર છે? તમારી નાનામાં નાની વાતો, તમારી આદતો, તમારા ગુણો, તમારા અવગુણો, તમારી વૃત્તિ, તમારી પ્રકૃતિ, તમારી માનસિકતા અને તમારા વિશેની તસુએ તસુની જાણકારી એને છે? કઈ વાત એવી છે જેની એને ખબર નથી? કોની સાથે તમે તમારા વિચારો અને માનસિકતાથી અનાવૃત થઈ શકો છો? જેની સામે નિર્વસ્ત્ર થઈ શકાતું હોય એની સામે પણ દિલ ક્યાં સાવ ઉઘાડું મૂકી શકાતું હોય છે? આપણે કંઈ છુપાવવું હોતું નથી, કહી દેવું હોય છે. દરેક વ્યક્તિ એક તબક્કે એવું જ ઇચ્છતી હોય છે કે મારી વ્યક્તિને મારા વિશેની બધી જ ખબર હોય. પોતાની વ્યક્તિને એ બધી વાત પણ કરે છે. વાત કર્યા પછી જે રિસ્પોન્સ મળે છે એનાથી છુપાવવાની શરૂઆત થાય છે! આપણી વ્યક્તિ આપણાથી કંઈ છુપાવતી હોય તો એમાં થોડોક વાંક આપણો પણ હોય છે.
આપણી વ્યક્તિની કોઈ અંગત વાત સાંભળીને આપણો અભિપ્રાય કે પ્રતિભાવ શું હોય છે? આપણે તટસ્થભાવે એને જોઈ શકીએ છીએ? ના, આપણે ‘જજમેન્ટલ’ બની જઈએ છીએ. આપણે સાક્ષી બનતા નથી, પણ ન્યાયાધીશ બની જઈએ છીએ. આપણી વ્યક્તિ વિશે ન ધારવા જેવું પણ ધારી લઈએ છીએ. આપણી અંદર એક નાનકડો જાસૂસ પણ જીવતો હોય છે. ક્યારેક એ આળસ મરડીને બેઠો થઈ જાય છે. એ વોચ રાખવા માંડે છે. એને પોતાની વ્યક્તિનો ફોન ચેક કરવાનું મન થાય છે. ફોન કરીએ અને ફોન એન્ગેજ મળે તો તરત એવો વિચાર આવે છે કે કોની સાથે વાત ચાલતી હશે? બે-ત્રણ વાર ફોન કરીએ અને સતત એન્ગેજ મળે તો એમ થાય છે કે આટલી લાંબી વાત કોની સાથે થતી હશે? આપણને સારો વિચાર આવતો નથી, કારણ કે આપણે ઘણું બધું ખરાબ કે ન વિચારવા જેવું વિચારી લીધું હોય છે! આપણે પછી પણ એવું ઇચ્છતા હોઈએ છીએ કે એ આપણને કહે કે કોની સાથે વાત ચાલતી હતી? ફોન આવ્યો હતો કે ફોન કર્યો હતો? શું વાત થઈ? કોઈના ફોનની રિંગ વાગે તો પણ આપણી નજર સ્ક્રીન પર ચાલી જાય છે કે કોનું નામ છે? આપણને કેમ વિશ્વાસ નથી હોતો? થોડુંક એવું વિચારી જુઓ કે તમારે જેના વિશે તમામે તમામ જાણવું છે એને તમારી તમામ વાત ખબર છે ખરી? આપણે તો ઘણું કહેતા નથી! ઘણી વખત તો આપણે જે છુપાવીએ છીએ એના જેવી જ વાત આપણી વ્યક્તિ આપણાથી છુપાવતી નથીને એ વાતની આપણને શંકા હોય છે!
દરેક છોકરીને એક વિચાર આવ્યો જ હોય છે કે મારા પ્રેમીને કે મારા ભાવિ પતિને મારા ભૂતકાળની બધી જ વાત કરું કે નહીં? વાત કરું તો એ મને સમજશે? મને પણ કોઈ ગમતું હતું! મને પણ કોઈના ઉપર ક્રશ હતો! મારો પણ એક અંગત દોસ્ત હતો! ઘણી છોકરીઓ કહીને પસ્તાતી પણ હોય છે! મેં ક્યાં એને બધી વાત કરી દીધી? એ ક્યાં મને સમજી શકે છે? એને પણ છોકરીઓ ફ્રેન્ડ્સ હતી. આપણે કહીએ છીએ કે તારા ભૂતકાળ સામે મને કોઈ પ્રોબ્લેમ નથી. મને તો તારા ભવિષ્ય સાથે સંબંધ છે. આપણે કહીએ છીએ એ સ્વીકારી શકીએ છીએ ખરા? સ્વીકારીએ તો પણ ડરતા રહીએ છીએ કે ભૂતકાળ પાછો સજીવન થઈ જશે તો? એનો કોન્ટેક્ટ ચાલુ હશે તો?
હમણાંના જ બે કિસ્સા છે. તાજાં તાજાં લગ્ન કરેલાં એક કપલ વચ્ચે જૂની વાતો થતી હતી. પત્નીએ તેના કોલેજના એક ફ્રેન્ડ વિશે વાત કરી. અમારે બહુ બનતું હતું. અમને એકબીજાની કંપની ગમતી હતી. અમને બંનેને ખબર હતી કે આપણા મેરેજ થઈ શકે એમ નથી. બહુ ક્લેરિટી હતી અમારી રિલેશનશિપમાં. અમને સાથે જોઈને બધા મજાક પણ કરતા અને અમને ‘પેર’ પણ ગણતા. પતિએ બધી વાત સાંભળી. બહુ પ્રેમથી કહ્યું કે, આવું થવું બહુ સ્વાભાવિક છે. તેં એની મને ઓળખાણ કરાવી હતી. મને ખબર છે કે એ સારો માણસ છે. એ પછી પણ પત્ની પ્રસંગોપાત એના જૂના દોસ્ત સાથે વાત કરતી. પતિને પત્ની ઉપર પૂરો ભરોસો હતો. એને ખબર હતી કે મારી પત્ની મારી છે, એ કંઈ જ ખોટું કરતી નથી.
એક વખત પત્નીના જૂના ફ્રેન્ડનો બર્થ ડે હતો. પત્નીએ પતિને વાત કરી. પતિએ કહ્યું કે, તારે એને અને એની વાઇફને ડિનર માટે ઇન્વાઇટ કરવાં હોય તો કર. તારે અથવા આપણે બંનેએ એને મળવાં અને બર્થ ડે વિશ કરવાં જવું હોય તો પણ કંઈ ઇસ્યૂ નથી. પત્નીએ કહ્યું કે, સારું હું એની સાથે વાત કરી જોઈશ. પત્નીએ એના ફ્રેન્ડને ફોન કર્યો. શું પ્લાન છે બર્થ ડેનો? તમે બંને ડિનર માટે આવો! અથવા તો તું ઇન્વાઇટ કરે તો અમે બંને આવીએ. તેના ફ્રેન્ડે કહ્યું, યાર રહેવા દેને! કંઈ નથી કરવું! છોકરીએ તેને પૂછ્યું, કેમ શું થયું? વોટ્સ ધ પ્રોબ્લેમ? તેના મિત્રએ કહ્યું કે, આ મારી વાઇફ! એને મેં તારા અને મારા વિશે વાત કરી હતી. એક વખત વાત કર્યા પછી હું તારી વાત તેને કરી શકતો નથી. સીધું એવું જ કહે છે કે, હવે મારે તારા મોઢે એનું નામ ન જોઈએ! હતું એ હતું, હવે ફુલસ્ટોપ! તને એક સાચી વાત કહું? તારા મેસેજ આવે છેને એ પણ હું વાંચીને તરત ડિલીટ કરી દઉં છું! કોણ કેટલું ડિલીટ કરતું હોય છે? ડિલીટ કર્યા પછી પણ કેટલું નાબૂદ થતું હોય છે? ડિલીટ કર્યા પછી એ દિલના એક ‘ફોલ્ડર’માં ચાલ્યું જાય છે. એ રિસાઇકલબિન નથી કે પરમેનન્ટ ડિલીટ થઈ શકે. એ સચવાયેલું રહે છે. બહાર આવવા મથતું રહે છે, પણ નીકળી શકતું નથી. આપણે ટપલી મારી બેસાડી દઈએ છીએ.
ફ્રેન્ડ સાથે થયેલી વાત પત્નીએ તેના પતિને કરી. પતિએ કહ્યું, ઓહ! એવું છે? પત્નીએ પતિને કહ્યું કે તું કેવો સારો છે? મારે કંઈ વાત છુપાવવી પડતી નથી. પતિએ કહ્યું, હું ઇચ્છતો હોવ કે તું હળવી રહે અને કોઈ વાત ન છુપાવે તો મારે તારી વાત સમજવી અને સ્વીકારવી જોઈએ. તું મારી વાઇફ છે. મારી ગુલામ નહીં. ભરોસો એ તો પ્રેમ અને દાંપત્યને સજીવન રાખનારું સૌથી મોટું પરિબળ છે.
શંકા એવી ચીજ છે જે ભરોસાને ચીરી નાખે છે. ભરોસો શંકાને ફાવવા દેતો નથી. દરેક વ્યક્તિ ભરોસો બરકરાર જ રાખે એવું જરૂરી નથી. જોકે, આપણે તો ભરોસો ન તૂટે ત્યાં સુધી પણ ભરોસો રાખી શકતા નથી. શંકા આપણને સતાવતી રહે છે. એક કીડો આપણી અંદર ખદબદતો રહે છે. સાચા સાબિત રાખવા આપણે સમ આપીએ છીએ અને ઘણી વાર ખોટા સમ ખાઈએ પણ છીએ. ખોટા સમ ખાવા પડે એ શ્રદ્ધાનો અભાવ જ છે. માણસ સાચું બોલી શકતો ન હોય ત્યારે ખોટા સમ ખાય છે. સાચું હોય ત્યાં સમ ખાવાની જરૂર જ પડતી નથી. મારા સમ ખા જોઈએ એવું કહીને આપણે આપણી વ્યક્તિને બાંધતા હોઈએ છીએ. ભાવતું ન હોય એવું ગળે ઉતારવું ગમતું નથી. બધા સમ પણ ગળે ઊતરતા નથી!
વ્યક્તિ નજીકની હોય કે દૂરની, કોઈના વિશે જજમેન્ટલ ન બનો. વાજબી લાગે એ કહો, પણ જબરજસ્તી ન કરો. આપણી વ્યક્તિ ખરાબ ન થાય એના માટે એ પણ જરૂરી હોય છે કે આપણે એની સાથે સારા હોઈએ. છુપાવવાની રમત એક વખત શરૂ થઈ તો એ વધતી જ જશે. માણસને ધીમે ધીમે ખોટું બોલવાનું ફાવવા માંડે છે. એક તબક્કે તો એ ખોટું બોલવાને જ સાચું માનવા લાગે છે. આપણો પ્રેમ, આપણી લાગણી અને આપણી આત્મીયતા એવી હોવી જોઈએ કે આપણી વ્યક્તિને ખોટું બોલવામાં ગિલ્ટ થાય. કોઈ સાથે હસી-બોલવાથી કોઈ સંબંધ ખતમ નથી થતો, ખતમ તો શંકાથી થાય છે.
દરેક માણસનો એક ‘બાયોડેટા’ હોય છે, એક સીવી હોય છે, પણ એ તો જિંદગીનો એક નાનકડો હિસ્સો હોય છે. માણસ તો બાયોડેટા કરતાં ઘણો જુદો હોય છે. ડિગ્રી દિલની ઋજુતા બતાવતી નથી. અભ્યાસ અને સમજદારી જુદા જુદા છેડાની વાત હોય છે. આજનો સમય એવો છે કે કરિયરમાં સફળ થવું બહુ સહેલું બની ગયું છે અને જિંદગીમાં સફળ થવું અઘરું ને અઘરું બનતું જાય છે. તમે જિંદગીમાં સફળ છો? ઘરે ગયા પછી તમને શાંતિનો અહેસાસ થાય છે? તમારી વ્યક્તિને હગ કર્યા પછી બધું જ મળી ગયું એવો અહેસાસ તમને થાય છે? જવાબ જો હા હોય તો તમે સુખી છો. ભરોસા અને શ્રદ્ધા વગરના નબળા પાયા ઉપર જે ઇમારત ચણાતી હોય છે એમાં મોટાભાગે શંકાનો જ વાસ હોય છે!
છેલ્લો સીન:
જે માણસ બીજાના કારણે સુખી નથી હોતો, એ સરવાળે તો પોતાના કારણે જ દુ:ખી હોય છે! -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 04 ઓકટોબર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com