તું કહે એ બધું જ
કરવા હું તૈયાર છું

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
આપણે હજી જાણતાં નથી એકબીજાનું નામ,
એટલામાં તો આપણાં બેની વાત કરે છે ગામ,
એકબીજાનું સાંભળ્યું નથી આપણે એકે વેણ,
આપણી વચ્ચે આટલી છે બસ, લેણ ગણો કે દેણ.
– જગદીશ વ્યાસ
પ્રેમ, લાગણી, વિશ્વાસ, શ્રદ્ધા અને હૂંફ પર માણસ જીવતો હોય છે. માણસને સાથ જોઇતો હોય છે. ગરીબ હોય કે તવંગર, પહોંચેલો હોય કે પછડાયેલો, સત્તાસ્થાને હોય કે બેકાર હોય, માણસની કક્ષા ગમે તે હોય, પણ એને કોઇ પોતાનું જોઇતું હોય છે. દુનિયામાં એક વ્યક્તિ એવી હોવી જોઇએ જેની સાથે આપણને શાંતિ અને સુખનો અહેસાસ થાય. એ પ્રેમી, પ્રેમિકા, પતિ, પત્ની, દોસ્ત કે કલીગ જેવા કોઇ પણ રૂપમાં હોઈ શકે છે. આપણી લાઇફમાં બે-ચાર લોકો એવા હોય છે, જેની નજીક રહેવાથી આપણને સુકૂન મહેસૂસ થાય છે. પોતાના ઘર સિવાય એકાદા સ્વજનનું એવું ઘર પણ હોય છે જ્યાં આપણને કંઇ અજાણ્યું નથી લાગતું. કેટલાક લોકો વિશે આપણે એમ જ કહેતા હોઇએ છીએ કે, હી ઔર સી ઇઝ ફેમિલી. એ સંબંધ ક્યારેય ફીકો પડતો નથી. એક ડોક્ટરે સરસ વાત કરી હતી. તેમણે કહ્યું કે, લોહી ક્યારેક આછું કે પાતળું પડી શકે છે, લોહી ક્યારેક બગડી પણ શકે છે, પ્રેમ ક્યારેય બદલતો નથી. બ્લડ કેન્સરની જેમ લોહીના સંબંધોમાં પણ ક્યારેક કેન્સર કરતાં પણ ખતરનાક ગાંઠ વળી જતી હોય છે. સ્નેહના સંબંધમાં ક્યારેય ઓટ નથી આવતી. એ એવો ને એવો રહે છે. એ સંબંધમાં કોઇ સ્વાર્થ નથી હોતો. કોઇ અપેક્ષા નથી હોતી, કોઇ ઇર્ષા નથી હોતી. બસ, પ્રેમ જ હોય છે. નખશિખ પ્રેમ સિવાય કંઇ જ ન હોય એવા સંબંધો જેની પાસે હોય એ માણસ સૌથી વધુ નસીબદાર છે.
આપણી જિંદગીમાં ક્યારેક ને ક્યારેક એવા સંબંધો રચાયા પણ હોય છે. રચાયા હોય એ સચવાયા પણ હોવા જોઇએ. એક માણસની આ વાત છે. મોટી ઉંમરે તેના એક સ્વજને તેને સવાલ કર્યો. જિંદગીમાં શું ગુમાવ્યાનો અફસોસ થાય છે? એ માણસે કહ્યું, એક-બે સંબંધ હું સાચવી ન શક્યો એનું મને દુ:ખ છે. મને પછી સમજાયું કે, એ જ તો મારા સુખનું કારણ હતા. બિઝનેસમાં ઘણી વખત નુકસાન ગયું છે. નુકસાન પામેલા બિઝનેસને હું પાછો બેઠો કરી શક્યો હતો, પણ જે સંબંધ તૂટ્યા એને પાછા જોડવામાં હું સફળ થયો નહોતો. સંબંધ તૂટવાનું કારણ કદાચ હું જ હતો. મારા ઇગોએ જ એ સંબંધોનો શ્વાસ રૂંધી નાખ્યો હતો. હું હવે મારાં સંતાનોને એક જ શિખામણ આપું છું કે, બાકી ભલે બીજું જે થવાનું હોય એ થાય, પણ તમારા સંબંધોને નબળા પડવા ન દેતા. રૂપિયા ખાતર કે ઇગોના નામે તમારો સંબંધ ખતમ ન થઇ જાય એનું ધ્યાન રાખજો. જેને આપણા કહી શકાય એવા લોકો બહુ ઓછા હોય છે. તમારી જિંદગીમાં કોઇ એવું છે જેને તમારા વિશે બધી જ ખબર છે? જેને વાત કરવામાં તમારે કોઇ વિચાર કરવો પડતો નથી. હવેનો સમય એવો છે કે, માણસ વાત કરતાં ડરવા લાગ્યો છે. એક મનોચિકિત્સકે કહેલી આ વાત છે. તેમણે કહ્યું કે, માણસ સંકટોનો સામનો કરવાની તાકાત ધરાવે છે. પ્રોબ્લેમ સાવ બીજો જ છે. માણસ મુશ્કેલીમાં હોય ત્યારે કોઇને કંઇ કહી શકતો નથી. પોતાની ઇમેજ માણસ પર ભયંકર રીતે હાવી થઇ ગઇ છે. કોઇ મારા વિશે શું સમજશે? કોઇ મને જજ કરશે. મારા વિશે ખોટી વાતો ફેલાવશે. આ અને આવા અનેક ભ્રમો નીચે માણસ દબાઇ જાય છે. એનો એક અર્થ એવો પણ છે કે, તમને જજ ન કરે અને કોઇ પણ સંજોગોમાં તમારી સાથે જ હોય, એવો કોઇ માણસ તમારી પાસે નથી. જો હોય તો તમે ખુલ્લા દિલે તેની સાથે વાત કરીને હળવા થઇ ગયા હોત. હળવા નથી થવાતું એટલે માણસ ભારે થતો જાય છે. એક તબક્કે પોતાના જ ભાર નીચે દબાઇ જાય છે. ગૂંગળાઇ જાય છે. થાકી, હારી કે ત્રાસી જાય છે. થાકેલો માણસ ફરિયાદ જ કરવાનો છે. દુનિયા સારી નથી. બધા સ્વાર્થી છે. કોઇનો ભરોસો કરવા જેવો નથી. સવાલ એ પણ હોય છે કે, આપણે ભરોસાલાયક છીએ ખરા? જે પોતે ભરોસાલાયક હોય છે એના પર જ લોકો ભરોસો મૂકતા હોય છે.
દરેક માણસની જિંદગીમાં એક વ્યક્તિ તો એવી આવી જ હોય છે જેને એવું કહ્યું હોય કે, તારા માટે હું કંઇ પણ કરવા તૈયાર છું. કેટલાક લોકો માટે આપણે એવું પણ બોલતા હોઇએ છીએ કે, એ તો મારા જીવ જેવો કે જીવ જેવી છે. એના માટે હું જીવ આપતા પણ ન ખચકાઉં. અમુક તો એ હદે પણ કહેતા હોય છે કે, એના ખાતર કોઇનો જીવ લેવો પડે તો પણ લઇ લઉં. ભલે કોઇ જીવ આપતું કે લેતું ન હોય, પણ લાગણી એ કક્ષાની હોય એ નાનીસૂની વાત નથી. આવા ખૂબ જ નજીકના સંબંધમાં જ્યારે સુકારો લાગે ત્યારે માણસ તરડાઈ જાય છે. ખરા અર્થમાં દુનિયા પરથી ભરોસો ઊઠી જાય છે. એક સાવ સાચી વાત છે. એક પતિ-પત્ની હતાં. પત્નીને ખુશ રાખવા માટે પતિ પોતાનાથી થાય એ બધું જ કરી છૂટે. પોતાના માટે કંઇ ન કરે, પણ પત્નીની તમામ ઇચ્છાઓ પૂરી કરે. એક સમયે પત્ની સાથે બોલાચાલી થઇ ત્યારે પત્ની એવું બોલી કે, તેં મારા માટે આમેય શું કર્યું છે? મારે તો આખી જિંદગી સમાધાનો જ કરવાં પડ્યાં છે. એ માણસને આ વાતથી ખરેખર આઘાત લાગ્યો. એને થયું કે, આને ક્યારેય એ ન સમજાયું કે મેં એના માટે શું કર્યું છે? એના માટે નથી કર્યું તો કોના માટે કર્યું છે? એ દિવસથી એ માણસ ચૂપ થઇ ગયો. કેટલાક આઘાત માણસને મૌન કરી દે છે. એ બોલતા નથી. તેને એવું થાય છે કે, હવે બોલવાનો કોઇ અર્થ નથી. શું બોલવું? જે વ્યક્તિ મૌનથી સમજી નથી શકી એ બોલવાથી શું સમજવાની છે? તેને એવો પણ વિચાર આવ્યો કે, મારે શું હિસાબ આપવાનો છે કે મેં તારા માટે શું કર્યું? તમારા માટે કોઇ કંઇ કરે છે? કરતું હોય તો એને એપ્રિસિએટ ન કરો તો કંઇ નહીં, એને હર્ટ થાય એવું તો ન જ કરતા. માણસનું મન ઊઠી જાય છે. બીજા પરથી જ નહીં, ક્યારેક તો પોતાના પરથી જ મન ઊઠી જાય છે. માણસને પોતાના હોવાનો અર્થ જોઇતો હોય છે. પોતાનું વજૂદ તેને માત્ર ને માત્ર પોતાના લોકો પાસે જ સાબિત કરવું હોય છે. એક બીજો સાવ સાચો કિસ્સો છે. એક બાપ મજૂરી કામ કરતો હતો. પોતાની દીકરી ભણે એ માટે તનતોડ મહેનત કરતો. દીકરી ભણવામાં બહુ હોશિયાર હતી. એ માણસ ક્યારેય કોઇના મોઢે પોતાની દીકરીનાં વખાણ પણ ન કરે. એને એ વાતનો ભય લાગતો હતો કે, ક્યાંક મારી દીકરીને કોઇની નજર ન લાગી જાય. દીકરી કશામાં માનતી ન હોવા છતાં એના હાથમાં કાળી દોરી બંધાવી રાખતો. દીકરીને કહેતો કે, મારા ખાતર કાળી દોરી બાંધી રાખ. દીકરી ફાઇનલમાં સેન્ટરમાં ફર્સ્ટ આવી. નાતે એના સન્માનનો કાર્યક્રમ યોજ્યો. દીકરીએ સન્માન વખતે પિતાને સ્ટેજ પર બોલાવ્યા. પિતાનો હાથ પકડીને પિતાના હાથે કાળી દોરી બાંધી અને કહ્યું મારા પપ્પા જેવું કોઇ ન હોય. મારા પપ્પાને કોઇની નજર ન લાગે. પિતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા. હાજર રહેલા બધા જ લોકોની આંખના ખૂણા ભીના થઇ ગયા હતા. કેટલાંક દૃશ્યો સંબંધોને સોળે કળાએ સજીવન કરી દેતાં હોય છે.
સજીવન સંબંધો ક્યારેક બોલકા બની જતા હોય છે અને કહેતા હોય છે કે, તું છે તો બધું છે. તું છે તો જિંદગી જીવવા જેવી લાગે છે. તું જ જિંદગીનો આધાર છે. તારું મારી જિંદગીમાં હોવું જ મારા માટે સર્વસ્વ છે. તમારી જિંદગીમાં જો આવો સંબંધ હોય તો એને જતનપૂર્વક સાચવી રાખજો. જો એ સંબંધ સરકી ગયો તો પછી જિંદગીમાં ગમે એટલું હશે, અધૂરું જ લાગવાનું છે.
છેલ્લો સીન :
ક્યાં દિલનો ઉપયોગ કરવો અને ક્યાં દિમાગ વાપરવું એની સમજ ન હોય તો જિંદગી બરબાદ થતાં વાર નથી લાગતી. સંબંધોમાં સાવચેતી રાખવી પડે છે. આંખો મીંચીને બંધાતા સંબંધો અંધકારમાં જ ધકેલે છે.
– કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 04 જાન્યુઆરી 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
