મળશું ને, એમ કંઈ હું મરી નહીં જાઉં! – ચિંતનની પળે

મળશું ને, એમ કંઈ

હું મરી નહીં જાઉં!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

દુ:ખમાં જીવનની લાણ હતી, કોણ માનશે?

ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે?

કારણ ન પૂછ પ્રેમી હૃદય જન્મટીપનું,

નિર્દોષ ખેંચતાણ હતી, કોણ માનશે?

-શૂન્ય પાલનપુરી.

 

આપણે આપણી જિંદગીમાં કેટલું જીવતા હોઈએ છીએ અને કટકે કટકે કેટલું મરતા હોઈએ છીએ? બહાદુર માણસ એક જ વાર મરે છે અને બીકણ માણસ રોજેરોજ થોડું થોડું મરતો હોય છે. માણસે જિંદગી દરમિયાન મોતનો વિચાર કેટલી વખત કરવો જોઈએ? મોતનો વિચાર કરવો જોઈએ કે નહીં? મોતનો વિચાર કરીને કોઈ ફાયદો છે ખરો? જેના પર મોત સતત સવાર રહે છે એ પૂરેપૂરું જીવી શકતો નથી. આપણે ત્યાં ‘સ્મશાન વૈરાગ્ય’ની વાતો બહુ થાય છે. સ્મશાને કોઈને વિદાય કર્યા પછી ખિન્ન થઈ જવાય છે. ઉદાસી છવાઈ જાય છે. એવા વિચારો આવે છે કે કશાનો કંઈ જ મતલબ નથી. અંતે તો મરી જ જવાનું છે. આટલી બધી હૈયાહોળી કરીને શું ફાયદો? જોકે, થોડા જ સમયમાં સ્મશાન વૈરાગ્ય દૂર થઈ જાય છે અને માણસ પાછો હતો એવો ને એવો થઈ જાય છે. સારી વાત છેને! સ્મશાન વૈરાગ્ય તો જેટલું જલદી દૂર થાય એટલું સારું છે.

બે મિત્રો એક સ્વજનની સ્મશાનયાત્રામાં ગયા. એકે એવી વાત કરી કે યાર જિંદગીનો કોઈ ભરોસો નથી. મોત ક્યારે આવે એ નક્કી નથી. આખરે આ બધાનો અર્થ શું છે? બીજા મિત્રએ જવાબ આપ્યો કે એનો અર્થ છે. એવો અર્થ કે જિંદગીને જીવી લો. દરેક ક્ષણ માણો. એ ક્ષણ કામની હોય કે આરામની, ખુશીની હોય કે ગમની, સફળતાની હોય કે નિષ્ફળતાની, પ્રેમની હોય કે નફરતની, પોતાની હોય કે પોતાની વ્યક્તિની. જિંદગી જીવવા માટે છે, મરવા માટે નહીં. મરવાના વિચાર જ વ્યર્થ છે. આપણી જિંદગીનો કોઈ અર્થ છે. આપણા જન્મનું કોઈ કારણ છે. એ સાર્થક કરી લો. મોતની ઘડી આવે એ પહેલાં જિંદગીથી સંતોષ થવો જોઈએ. મેં મારા ભાગનું કર્તવ્ય બજાવી લીધું છે. મેં મારા ફેરાને સફળ બનાવ્યો છે. આવું ક્યારે લાગે? જ્યારે આપણે જે કરવાનું છે એ એના યોગ્ય સમયે કરી લીધું હોય.

માણસે ભરપૂર જીવવું જોઈએ, કારણ કે જિંદગીનો કોઈ ભરોસો નથી. બે પ્રમીઓની આ વાત છે. પ્રેમી મળવાનું કહે તો પ્રેમિકા મજાકમાં એવું કહે કે, મળીશ ને, હું કંઈ મરી નથી જવાની! એક વખત આવી વાત સાંભળીને પ્રેમીએ કહ્યું કે, તું મરી નથી જવાની, પણ કદાચ હું મરી જઈશ તો? પ્રેમ કરવાનું અને જિંદગી જીવવાનું પોસ્ટપોન ન કરો. પોસ્ટપોન કરવાની વૃત્તિ ક્યારેક અફસોસ બની જતી હોય છે. આવું કરી લીધું હોત તો કેવું સારું હતું? એક વાર મળી લીધું હોત તો? અમુક ઇચ્છાઓને દબાવી ન રાખો. કેટલીક ઇચ્છાઓ જાગે ત્યારે તમારી જાતને સવાલ પૂછી જુઓ કે કદાચ આ ઇચ્છા પૂરી ન થાય તો મને અફસોસ થાય ખરો? જો જવાબ ‘હા’માં હોય તો એ ઇચ્છાને પ્રાયોરિટી આપો.

એક મોટી ઉંમરના કપલની આ વાત છે. બંનેએ મોટી ઉંમરે લગ્ન કર્યાં હતાં. એ લોકો દર મહિને એની મેરેજ મન્થલી અનિવર્સરી ઊજવવા લાગ્યાં. આ વાત ઘણાને ફની લાગી. એક દિવસ એક મિત્રએ તેને પૂછ્યું કે યાર એનિવર્સરી તો વર્ષે હોય, આ દર મહિને ઊજવવાનું તેં કેમ શરૂ કર્યું? એ મિત્રએ બહુ સરસ રીતે કહ્યું કે, ઉંમર મોટી થઈ ગઈ છે. કેટલાં વર્ષો છે એ ખબર નથી એટલે દર મહિને સેલિબ્રેશન કરીએ છીએ. મરતા પહેલાં જીવી લેવું છે.

બે ભાઈઓની આ સાવ સાચી વાત છે. મા મોટા ભાઈ સાથે રહેતી હતી. વૃદ્ધ માને હવે કેટલો સમય? એક દિવસ નાના ભાઈએ કહ્યું કે હવે માને મારી સાથે રહેવા આવવા દે. ખબર નહીં એ કેટલો સમય છે. તારી સાથે તો રહી લીધું હવે થોડાંક વર્ષો મારી સાથે રહેવા દે. મારે એની સાથે રહેવું છે. મોટા ભાઈએ હા પાડી. વૃદ્ધ મા નાના ભાઈ સાથે રહેવા ગઈ. નાનો ભાઈ માતાનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. એને સંતોષ હતો કે એ માની કાળજી લઈ શકે છે. દરરોજ મંદિરે લઈ જતો. માની તબિયતનું ધ્યાન રાખતો. મા જાય એ પહેલાં એની સાથે જીવી લેવું છે એવો જ એને વિચાર આવતો હતો. થોડાંક વર્ષો ગયાં. એક દિવસ નાનો ભાઈ ફેક્ટરીથી ઘરે આવતો હતો અને તેની કારને ભયંકર એક્સિડન્ટ થયો. હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હતો. મોટો ભાઈ હોસ્પિટલ પહોંચ્યો. ડેથ બેડ પર રહેલા નાના ભાઈએ મોટા ભાઈનો હાથ હાથમાં લીધો. ભાઈને કહ્યું, સારું થયું તેં માને મોકલી. ખરેખર બહુ સારું થયું. મને થતું હતું કે મા હવે કેટલો સમય? મારા સમયનો તો મેં વિચાર જ નહોતો કર્યો? બાય ધ વે, તમે તમારા સમયનો વિચાર કરો છો?

મોતથી ડરો નહીં. મોતના બહુ વિચાર પણ ન કરો. જિંદગીના વિચાર કરો. જીવવાના વિચાર કરો. તમે જે કંઈ કરો એ મોતને આધાર બનાવીને ન કરો, જિંદગીને આધાર બનાવીને કરો. જિંદગી ટૂંકી હોતી નથી, જિંદગી તો પૂરી હોય છે, આપણે જીવતા હોતા નથી. જિંદગી તો વર્ષોની હોય છે. મોત તો ક્ષણનું હોય છે. ફટ દઈને આવી જાય છે. અમુક મિનિટોમાં મામલો ખતમ. જિંદગી તો લાંબી હોય છે. જીવી લો. મોતનો વિચાર કર્યા વગર.

અમુક જ્ઞાની લોકો એવી વાતો કરે છે કે આપણે જિંદગીનું પ્લાનિંગ કરતા રહીએ છીએ, પણ મોતનું પ્લાનિંગ નથી કરતા. મોતનું પ્લાનિંગ કરવું જોઈએ? મોતનું પ્લાનિંગ હોય? હા, એવું કહી શકાય કે જે કરવું છે એ પૂર્ણ કરી લેવું એ મોતનું પ્લાનિંગ! વાત સાચી પણ લાગે. જોકે, એ પણ આખરે તો જીવી લેવાનું અને જીવી જાણવાનું જ પ્લાનિંગ નથી? તો પછી મોતનું પ્લાનિંગ શા માટે કરવું, જીવવાનું પ્લાનિંગ જ શા માટે ન કરવું? જે જીવી જાણે છે તેને મોતથી ડરવાની કંઈ જરૂર જ નથી.

સૈયદ ઝમીર જાફરીનો એક સરસ મજાનો શેર છે. એક લમ્હા ભી મુસર્રત કા બહુત હોતા હૈ, લોગ જીને કા સલીકા હી કહાં રખતે હૈ. જીવવા માટે તો એક ક્ષણનો અહેસાસ પણ પૂરતો હોય છે. લોકોને જીવતાં જ ક્યાં આવડે છે. દરેકે પોતાની જાતને એક સવાલ કરતા રહેવું જોઈએ કે મને જીવતા આવડે છે? દુનિયાની કોઈ પણ ફિલોસોફી લઈ લો, બધામાં સરવાળે એક જ વાત લખી હોય છે કે વર્તમાનમાં જીવો. અત્યારની ક્ષણને માણો. આ વાત પાછી બધાને ખબર છે. દરેક માણસ એટલો તો ડાહ્યો છે જ કે એને ખબર હોય કે કેમ જીવાય. તકલીફ ત્યાં થાય છે કે એ જીવવાનું હોય ત્યારે જીવી શકતો નથી. બધું જ્ઞાન, બધી જ સમજ અને બધી જ આવડત ભુલાઈ જાય છે. ક્યારેક ગુસ્સો જીવવા નથી દેતો તો ક્યારેક ઈગો આડો આવી જાય છે.

સૌથી નજીકના હોય એને જ આપણે સૌથી વધુ દુ:ખી કરીએ છીએ. એક પતિ-પત્નીની આ વાત છે. પતિ-પત્નીને ખૂબ જ હેરાન કરે. વાતવાતમાં ઉતારી પાડે. ઝઘડા કરે. પત્ની એક વખત પતિની વાતો બહેનપણીને કરતી હતી. વાત વાતમાં એનાથી ત્યાં સુધી બોલી જવાયું કે, સાલ્લો મરતોય નથી! આ વાત સાંભળીને તેની ફ્રેન્ડે એવું કહ્યું કે એમ ન બોલ, તારે બોલવું હોય તો એમ બોલ કે સાલ્લો જીવતોય નથી!

મોત સામે ફરિયાદ એને જ હોય છે જેને જિંદગી સાથે તકરાર હોય છે. આપણે કેટલી જિંદગી જીવીએ છીએ અને કેટલી વેડફીએ છીએ? માણસ બધામાં નફા અને ફાયદાનો વિચાર કરતો રહે છે, એ જ માણસ જિંદગી વિશે આ વાત કેમ ભૂલી જાય છે? જિંદગી જીવવા કરતાં વધુ વેડફાતી હોય તો માનજો કે તમે ખોટમાં છો. ધંધામાં ખોટ જાય તો આપણે કહીએ છીએ કે એને ધંધો કરતા નથી આવડતો, જિંદગીમાં ખોટ જાય ત્યારે આપણે કહીએ છીએ કે એને જિંદગી જીવતા નથી આવડતું? હા, ઘણાને જિંદગી જીવતા આવડતું હોતું નથી. જિંદગી જીવવી અઘરી નથી, જિંદગી તો બહુ સહેલી છે. આપણે જ એને ગૂંચવી દેતા હોઈએ છીએ.

જિંદગીને પેમ્પર કરો. જિંદગીને હથેળીમાં રાખો. મોત વિશે કોઈ વાત કરે તો કહો કે એ ભાઈ, મોતની વાતો બંધ કર. વાત કરવી હોય તો જિંદગીની કર. મોત તો આવવાનું હશે ત્યારે આવશે, જિંદગી તો આવેલી જ છે! જે છે એની વાત કરને! જેને પ્રેમ કરવાનો છે એને કરી લો, જે મંજિલે પહોંચવાનું છે એના માટે સખત પણ મજાથી મહેનત કરો. હસતા રહો. હસાવતા રહો. રોદણાં રડવાવાળા તો ઘણા છે. હસવાવાળા અને જિંદગી જીવવાવાળા ઓછા છે. મોતના વિચારો ન કરો, આવે તો ખંખેરી નાખો. જીવવાના વિચાર કરો. જિંદગી ખૂબ જ સુંદર છે, જો જીવતાં આવડે તો! ન આવડતું હોય તો હજુ ક્યાં મોડું થયું છે, શીખી લો, એ તમારા હાથમાં જ છે. જિંદગી આપણી હોય છે, આપણે જિંદગીના છીએ ખરા?

છેલ્લો સીન:

સો વર્ષ જીવવાનું છે એવી અપેક્ષા સાથે આવતી કાલે પણ મરી જવાય એવા ખ્યાલ સાથે જીવો.        -એને લી.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 31 મે 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “મળશું ને, એમ કંઈ હું મરી નહીં જાઉં! – ચિંતનની પળે

Leave a Reply

%d bloggers like this: