કોઈને અભાવ તો કોઈને
પોતાનો સ્વભાવ નડે છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
આંખોની સાથે સાથે ફરકતો નથી હવે,
આ અંધકાર કાંઈ સમજતો નથી હવે,
મોટેથી બોલવા સમું અંતર રહી ગયું,
પડઘો તો કોઈ વાતનો પડતો નથી હવે.
– સતીષ નકાબ
દરેક માણસને સુખી થવું હોય છે. દરેક વ્યક્તિને ખુશ રહેવું હોય છે. જિંદગી સારી રીતે જીવવી જોઈએ એ પણ બધાને ખબર જ છે, છતાં માણસ ખુશીથી રહી શકતો નથી. દરેકને કોઇ ને કોઇ પ્રોબ્લેમ છે. કોઇને ઘરના લોકો સાથે જ વાંધો છે. કોઇને ઓફિસનાં ટેન્શન છે. કોઇને કરિયરની ચિંતા સતાવે છે. એક માણસ એવો શોધી લાવો જેને કોઇ જ પ્રોબ્લેમ ન હોય. પ્રોબ્લેમ, સમસ્યા, મુશ્કેલી અને કામ એ જિંદગીનો ભાગ છે. આપણે ક્યારેય તેનાથી સંપૂર્ણપણે મુક્ત થઇ શકવાના નથી. આપણે તો શું દુનિયાનો કોઇ માણસ સમસ્યાઓથી કાયમી છુટકારો મેળવી શકતો નથી. બધા પ્રશ્નો છતાં ખુશ રહેતા શીખવું પડે છે. કેટલાક કિસ્સાઓમાં તો આપણે જ મગજ પર કારણ વગરનો ભાર લઇને ફરતા હોઇએ છીએ. એણે આમ કર્યું અને પેલાએ તેમ કર્યું. મારું મગજ બગાડી નાખ્યું. કોઇ આપણું મગજ બગાડતું નથી. આપણે જ આપણા મગજને બગડવા દેતા હોઇએ છીએ. કોની કઇ વાતની આપણા પર કેટલી અસર થવા દેવી તે આપણે નક્કી કરવું પડે છે. આપણું મન અને મગજ ડસ્ટબિન નથી કે કોઇ પોતાનો કચરો એમાં ઠાલવી જાય. કોઇ કંઇ કરે કે તરત જ આપણે છંછેડાઇ જઇએ છીએ. કેટલાક લોકો જ એવા હોય છે જેને બીજાને હેરાન કરવામાં મજા આવતી હોય છે. એવા લોકોને ખબર પડી જાય કે, આ સહેલાઇથી છંછેડાઇ જાય છે તો એ એવું જ કરવાના છે. એ તો છંછેડીને ચાલ્યા જશે અને પોતાના કામે લાગી જશે, આપણે ગુસ્સાની આગમાં બળતા રહીશું.
એક માણસની આ વાત છે. ઓફિસમાં તેના એક કલીગ સાથે તેને પ્રોબ્લેમ થતા હતા. એક તબક્કે તેને એવું લાગવા માંડ્યું કે, એ મને હેરાન કરવા માટે જ આવું કરે છે. એ કંઇ પણ કરે તો એ પોતાના પર જ લઇ લે કે, મને ડિસ્ટર્બ કરવા જ તેણે આવું કર્યું છે. એક વખત એ માણસ એક સંત પાસે ગયો. તેણે કહ્યું કે, મારો કલીગ મને હેરાન કરી રહ્યો છે, મારે શું કરવું જોઇએ? સંતે કહ્યું, આપણી જિંદગીમાં કેટલાક લોકો એવા હોય છે જેને આપણે હટાવી શકતા નથી. એ જે કરતા હોય એને આપણે રોકી શકવાના નથી. તેનો શ્રેષ્ઠ ઉપાય છે, તેની અવગણના. એની વાત ધ્યાને જ નહીં લેવાની. ઘણી વખત તો આપણે ધારી કે માની લેતા હોઇએ છીએ કે, એ મને ચીડવવા માટે જ આવું કરે છે. જરૂરી નથી કે, એનો ઇરાદો એવો જ હોય. બે ઘડી માની લો કે, એ ડિસ્ટર્બ કરવા માટે જ બધું કરે છે, એવા સંજોગોમાં પણ ડિસ્ટર્બ થવું કે ન થવું એ તો આપણે નક્કી કરી શકીએને? સંતે કહ્યું, મને પણ આ આશ્રમમાં આવીને ઘણા લોકો ઘણું કહે છે. હું એમની વાત ધ્યાનથી સાંભળું છું. જો એની વાત સાચી હોય તો ચોક્કસપણે ધ્યાનમાં લઉં છું. જો એની વાત ખોટી હોય તો હું એવું વિચારું છું કે, એની વાત જ ખોટી છે તો પછી મારે ચિંતા શા માટે કરવી જોઇએ. હું ખોટી વાતોના ખુલાસા પણ કરતો નથી.
કેટલીક વખત એવું થતું હોય છે કે, કોઇ કંઇ કહે ત્યારે આપણે આપણા બચાવમાં ઊતરી જતા હોઇએ છીએ. સવાલ જ જ્યારે ખોટો હોય ત્યારે જવાબ આપવાનું ટાળવું જોઇએ. ઘણા લોકો એવા હોય છે, જે બીજી કોઇ મગજમારીમાં પડ્યા વગર શાંતિથી કહી દે છે કે, તું જ કહે છે એ વાત ખોટી છે. બાકી તારે જે કરવું હોય એ કર. આપણી લાઇફમાં આપણે કોને કેટલો અધિકાર આપવો એ આપણે જ નક્કી કરવાનું હોય છે. આપણી જિંદગીમાં કેટલાક લોકો એવા હોય છે જેનો આપણા પર અધિકાર હોય છે. આપણે જેની પર અધિકાર જતાવતા હોઇએ એનો પણ અધિકાર આપણા પર હોય છે. તું કહે એમ હું કરું તો હું પણ એવી ઇચ્છા રાખું જ કે, હું કહું એમ તું પણ કરે. એની પાસે ખુલાસા કરો, એની પાસે પેટછૂટી વાત કરો, એની પાસે બચાવ પણ કરો, જેને તમારાથી ફેર પડે છે. જે તમારું ભલું ઇચ્છે છે. જે તમારું બૂરું જ ઇચ્છે છે એનાથી ડરવાની કે ડિસ્ટર્બ થવાની જરૂર જ નથી.
એક યુવાનની આ વાત છે. એ પોતાનું કામ બહુ જ સરસ રીતે કરતો હતો. તેની સાથે કામ કરતો એક યુવાન તેના વિશે જેમ તેમ બોલતો. આ યુવાને એક વખત બોસને ફરિયાદ કરી કે, એ વ્યક્તિ મને પરેશાન કરે છે. બોસે કહ્યું, તું કેવું કામ કરે છે એ મને ખબર છે. તારું કામ કેવું છે એ મારે નક્કી કરવાનું છે. એણે નહીં. તું માત્ર તારું કામ સારી રીતે કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કર. કોણ શું કરે છે અને કોણ શું કહે છે એની ચિંતા છોડી દે. જો તું એ કરવા જઇશ તો તારું કામ બગડશે અને એ લોકોને જે કરવું છે એ સાચું થઇ જશે. જિંદગીમાં બે વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી હોય છે. કોને નજીક આવવા દેવા અને કોને દૂર રાખવા. આ બંનેમાં પણ જેને દૂર રાખવા જેવા હોય એમાં વધુ કાળજી રાખવી પડતી હોય છે. એ મનથી પણ નજીક ન રહેવા જોઇએ. ઘણી વખત આપણે કેટલાક ન ગમતા લોકોના વિચાર કરીને એને જાણે અજાણે આપણી નજીક રાખતા હોઇએ છીએ. જે વ્યક્તિ જે ઘડીએ દૂર જાય એ જ ક્ષણે એ આપણા મગજમાંથી નીકળી જવી જોઇએ. જે વ્યક્તિ નજીક હોય એ દૂર થાય ત્યારે વેદના થવાની છે. એ વેદનાને થોડો સમય મહેસૂસ કરીને ભૂલી જવાની હોય છે.
એક યુવાન એક ફિલોસોફર પાસે ગયો. તેણે કહ્યું, મને જે લોકો હર્ટ કરી ગયા છે એ મારા મગજમાંથી ખસતા નથી. ફિલોસોફરે કહ્યું કે, આપણા કોઇ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે આપણને પીડા થાય છે. ધીમે ધીમે આપણે સ્વસ્થ થઇને આપણા કામે વળગી જઇએ છીએ. કેટલાક લોકો જીવતા હોય ત્યારે એના માટે પણ એવું કરવું પડતું હોય છે. દૂર જાય તો જવા દેવાના. આપણે કોઇને ધરાર રોકી શકીએ નહીં. એક ભાઇની આ વાત છે. એક માણસ વિશે તેણે કહ્યું કે, મેં તો એના નામનું નહાઈ નાખ્યું છે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, તેં નહાઈ નાખ્યું છે, પણ તું હજુ સૂકો થયો નથી. નહાઈ નાખ્યા પછી સૂકા થઇ જવું પડતું હોય છે.
આપણે ખુશ રહેવું હોય તો આપણને કોઇ રોકતું નથી. એક માણસ સતત ટેન્શનમાં જ રહેતો હતો. આખી દુનિયા પોતાની દુશ્મન હોય એવું જ તેને લાગતું હતું. એક વખત એ એક સંત પાસે ગયો. તેણે સંતને સવાલ કર્યો કે મને કેમ આવું લાગે છે? સંતે કહ્યું, માણસને સૌથી વધુ બે જ વાત નડે છે, એક તો અભાવ અને બીજો સ્વભાવ. તારા કિસ્સામાં તારો સ્વભાવ જ તને નડી રહ્યો છે. તું પોતે શાંતિ લેતો નથી, કોઇને શાંતિ લેવા દેતો નથી અને પછી કહે છે કે, મને કોઇ ચેન લેવા દેતું નથી. કેટલીક વખત એવું પણ થતું હોય છે કે, આપણને હેરાન કરવામાં કોઇને નયા ભારનો રસ હોતો નથી. અત્યારે લોકો પોતાનામાંથી ક્યાં નવરા થાય છે કે, બીજાની ચિંતા કરે. મોટા ભાગે આપણે જ કોઇની વાતને લઇને ફરતા હોઇએ છીએ. જિંદગીમાં દરેક માણસ શાંતિથી જીવી શકે એટલું એની પાસે હોય જ છે. જિંદગીને સારી રીતે જીવવા માટે અભાવથી બચવું જોઇએ અને સ્વભાવથી સુધરવું જોઇએ. જેને સુખેથી ન જ રહેવું હોય એની પાસે બધું જ હોય તો પણ એને સુખની અનુભૂતિ થવાની નથી. જેને સુખી રહેવું છે એની પાસે જેટલું હોય એટલામાં જ એ સુખી રહી શકે છે. સુખ અને દુ:ખ મોટા ભાગે વિચારોનું જ કારણ હોય છે. તમે માનો તો તમે સુખી છો. તમે પોતાની જાતને દુ:ખી માનો તો દુ:ખી જ રહેવાના છો. દુનિયાની કોઇ તાકાત તમને સુખી કરી શકવાની નથી. નક્કી કરો કે, સ્થિતિ કે સંજોગો ગમે તેવા હોય, મારે મજામાં રહેવું છે, મારે ખુશ રહેવું છે, તો તમે સુખી જ છો. દુ:ખને પકડી રાખશો તો એ તમને ક્યારેય છોડશે નહીં, સુખનું પણ એવું જ છે. શું પકડી રાખવું છે અને શું છોડી દેવું છે એની સમજ આપણામાં હોવી જોઇએ.
છેલ્લો સીન :
માણસે પોતાનામાં આવતા બદલાવ પર પણ નજર રાખવી જોઇએ. જો એ બદલાવ સારા હોય તો કંઇ વાંધો નથી, જો એ ખરાબ હોય તો સાવચેત થઈ જવું પડે છે. જિંદગીના રેડ અને ગ્રીન સિગ્નલને ઓળખતા ન આવડે તો ગાડી પાટા પરથી ઊતરી જાય છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 15 ફેબ્રુઆરી 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
