કોઈને કંઈ આપવામાં તારો
જીવ જ ક્યાં ચાલે છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ,
આવશે, જે આવવાનું છે એ પાસે ખુદ-બ-ખુદ,
અહીં કે ત્યાં, આજે કે કાલે, શોધવાનું છોડીએ.
– હેમેન શાહ
માણસનો જીવ કેવો હોય છે? લોકો માણસનો જીવ પણ માપતા હોય છે. એનો જીવ બહુ ટૂંકો છે. એનો જીવ બહુ મોટો છે. લોકોની દાનત અને વ્યવહારના આધારે લોકો એનો જીવ કેવો છે એ માપી લેતા હોય છે. ઘણા લોકો ઉદાર હોય છે. કંજૂસોની પણ કમી નથી. કોને ઉદાર કહેવા અને કોને કંજૂસ કહેવા એનું કોઇ માપ નથી. માણસ કેટલું આપે તો એને ઉદાર કહી શકાય? કોને કંજૂસ કહેવો? ઉદાર અને ઉડાઉ વચ્ચેનું માપ કેવી રીતે કાઢવું? કંજૂસાઇ અને કરકસરની ગણતરી કેવી રીતે કરવી? માણસ જેવો હોય એવો વર્તાઇ આવે છે. કેટલાક લોકો એવા હોય છે જેના ખીસામાંથી ક્યારેય કંઇ નીકળે જ નહીં. ચમડી તૂટે પણ દમડી ન છૂટે. કેટલાક લોકો છુટ્ટા હાથના હોય છે. એ આરામથી નાણાં વાપરી જાણે છે. અમુક લોકોને તો રોકવા પડે છે કે, બધે હાલી ન નીકળાય. જ્યાં જેટલું શોભતું હોય એટલું શોભે. આપણે બહુ સારા થવાની જરૂર નથી. સામેવાળા કરે એટલું જ આપણે કરવાનું. આજની તારીખે કેટલાક લોકો એની નોંધ રાખે છે કે, આપણી સાથે કોણે કેટલો વ્યવહાર કર્યો હતો? પોતાને કંઇ વ્યવહાર કરવાનો હોય ત્યારે ચોપડી ચેક કરી લે છે કે, આપણે કેટલું કરવું જોઇએ? દરેકની પોતાની એક રીત હોય છે. એમાં કંઇ ખોટું નથી. અલબત્ત, જિંદગીમાં કેટલાક લોકો અપવાદ હોય છે. એના માટે કોઇ ગણતરી હોતી નથી. એના માટે કંઇ ખર્ચ કરવાનો હોય ત્યારે આપણે જરાયે વિચાર કરતા નથી. તારા માટે નહીં કરું તો કોના માટે કરીશ? આપણે આપણી જિંદગીમાં એક વખત તો આપણી વ્યક્તિને એવું કહ્યું જ હોય છે કે, તારા માટે તો બધું કરું છું. માણસ જે કંઇ કરે છે એ માત્ર ને માત્ર પોતાના માટે કરતો નથી. આપણે આપણી સાથે જોડાયેલાઓને પણ ખુશ, રાજી અને સુખી રાખવા હોય છે. પોતે મહેનત મજૂરી કરતા હોય છે જેથી ઘરના લોકોને ખુશ રાખી શકાય.
એક ગરીબ માણસની આ વાત છે. મજૂરી કરીને પોતાનું અને ઘરનું પૂરું કરે. બહુ ઓછા પગારમાં ઘર ચલાવવાનું હતું. જોકે, એને કોઇ ફરિયાદ નહોતી. ભગવાને જેટલું આપ્યું છે એનાથી ખુશ રહેવાનું. એના ઘરે દીકરીનો જન્મ થયો. દીકરી એને જીવ જેવી વહાલી. દીકરી થોડીક મોટી થઇ. પિતા મજૂરી કરીને ઘરે આવે ત્યારે માસૂમ દીકરીને એમ થાય કે, પપ્પા મારા માટે કંઇક લેતા આવે. દીકરીને એટલી સમજ નહોતી કે, પિતા પાસે કંઇ લાવવા જેટલા રૂપિયા નથી હોતા. પિતા ધીમે ધીમે રોજ દીકરી માટે કંઇક લાવવા લાગ્યા. એક દિવસ પત્નીએ પૂછ્યું, તમારી પાસે કંઇ હોતું નથી તો તમે દીકરી માટે બધું ક્યાંથી લાવો છો? પિતાએ કહ્યું, પહેલાં કામ પૂરું થતું ત્યારે હું બહારના ગલ્લે ચા પીતો હતો. દીકરી માટે કંઇક લાવી શકું એ માટે મેં ચા છોડી દીધી. દીકરીથી વધારે મારા માટે કંઇ નથી. આ સાંભળીને પત્નીની આંખોના ખૂણા ભીના થઇ ગયા.
તમારી લાઇફમાં એવું કોણ છે જેના માટે તમે કંઇ પણ કરવામાં વિચાર ન કરો? આપણને વહાલું હોય એના માટે આપણે ઇચ્છીએ એ કરી શકતા હોઇએ ત્યાં સુધી તો કંઇ વાંધો નથી, પણ ઇચ્છવા છતાંયે જ્યારે ન કરી શકીએ ત્યારે પ્રોબ્લેમ થાય છે. એક સાવ સાચો કિસ્સો છે. એક પતિ-પત્ની હતાં. લગ્ન પહેલાં પતિ પોતાની નજીકના અમુક લોકો માટે એનાથી થાય એ કરી છૂટતો. ખાસ તો ભાણેજ, ભત્રીજા અને બીજા છોકરાઓ જે કહે એ કરતો. છોકરાઓને મજા કરાવવામાં કોઇ કસર ન છોડતો. મેરેજ પછી પરિવારના સભ્યો અને છોકરાઓ પાછળ ખર્ચ કરવાના મામલે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા. તમે બધા પાછળ ખોટા ખર્ચા કરો છો, આટલું બધું ન હોય, વહેવાર કરવો પડે એટલો કરો, પણ વધુ પડતું સારું નહીં. એવું નહોતું કે, પત્ની પતિના સ્વજનો માટે જ આવું વિચારતી, પોતાના પિયરના હોય તો પણ એ કંજૂસાઇ કરતી. પતિ એને સમજાવતો કે, આપણે ક્યાં કોઇ કમી છે. ભગવાનની દયા છે. પોતાના લોકો પાછળ થોડોક રૂપિયા વાપરવામાં કંઇ ઓછું નથી થઇ જવાનું. પત્ની કોઇ વાતમાં સમજતી નહોતી. એક વખત ઘરના વ્યક્તિને કંઇક આપવાની વાત આવી. પત્નીએ ના પાડી દીધી. પતિએ કહ્યું, તારો કોઇને કંઇ આપતા જીવ જ નથી ચાલતો. કેવા જીવની થઇ છે તું? તારે બધું ભેગું કરીને ક્યાં જવું છે?
બીજો કિસ્સો વળી સાવ જુદો છે. એક પતિ-પત્ની હતાં. પત્ની ખૂબ જ ઉદાર દિલની હતી. જાણીતા હોય કે અજાણ્યા. દૂરના હોય કે નજીકના, એ કોઇની પાછળ ખર્ચ કરવામાં લાંબો વિચાર ન કરતી. અમુક સંજોગોમાં એવું લાગ્યા વગર ન રહે કે એ વધુ પડતી ખેંચાય છે. તેના કેટલાક નજીકના લોકો તેને કહેતા પણ ખરા કે, થોડીક મર્યાદા રાખ, તું વધુ પડતું કરે છે. બધા તારો લાભ લે છે. કામ પતશે ત્યારે કોઇ યાદ નહીં કરે. એ કહેતી કે, કોઇ યાદ કરે એના માટે હું કંઇ કરતી જ નથી. મને મન થાય, મને ગમે એવું હું કરું છું. એક વખત એક કોમન ફ્રેન્ડે તેના પતિને કહ્યું, તને નથી લાગતું કે, તારી પત્ની વધારે પડતો ખર્ચ કરે છે. બધાને કંઇક ને કંઇ આપતી ફરે છે. એ જે કરે છે એને ઉડાઉ જ કહી શકાય. તું એને ક્યારેય રોકતો કેમ નથી? એ સ્ત્રીના પતિએ કહ્યું કે, હા, મને ખબર છે કે એ ક્યારેક ન કરવા જેવા ખર્ચ કરે છે પણ ઠીક છે. પતિએ એ પછી જે કહ્યું એ મહત્ત્વનું હતું. તેણે કહ્યું, મારી પત્ની કંજૂસ હોત તો કદાચ મને ન ગમત. કંજૂસ હોય એના કરતાં ઉદાર હોય એ મને ગમે છે. એ થોડોક વધુ ખર્ચ કરે એમાં કંઇ અમે ગરીબ થઇ જવાના નથી. કોઇ રાજી થાય એ જોઇને એ પોતે રાજી થાય છે, મારા માટે એટલું પૂરતું છે.
તમે કોને શું આપો છો એ પણ કંઇ ઓછું મહત્ત્વનું નથી. એક પરિવારની આ સાવ સાચી વાત છે. ઘરે ગેસ્ટ આવ્યા હતા. દીકરાએ મહેમાનના દીકરાને પોતાની પાસે જે ચીજો હતી એમાંથી એક ગિફ્ટ આપી. મહેમાન ગયા પછી પિતાએ દીકરાને પૂછ્યું, તેં કેમ એને એ ગિફ્ટ આપી? દીકરાએ કહ્યું, આમેય એ વસ્તુ મને બહુ ગમતી નહોતી. આ વાત સાંભળીને પિતાએ સલુકાઇથી કહ્યું, દીકરા, ન ગમતી હોય એ વસ્તુ તો બધા આપી દે, સાચી ગિફ્ટ એને કહેવાય જે આપણને ગમતી હોય એ આપીએ. આ વાત દીકરાએ યાદ રાખી. દીકરાને પરફ્યૂમનો શોખ હતો. તેની પાસે ઘણાં પરફ્યૂમ હતાં. એક વખત તેનો દોસ્ત તેને મળવા આવ્યો. એ મિત્રે કહ્યું, તારી પાસે તો ઘણાં પરફ્યૂમ છે, એક મને આપ. એ સમયે એણે વિચાર્યું કે, આટલાં પરફ્યૂમમાંથી મને સૌથી વધુ કયું ગમે છે? એને જે સૌથી વધુ ગમતું હતું એ શોધીને એણે મિત્રને આપી દીધું. પિતાને કહ્યું, આજે તમે જે કહ્યું હતું એ મેં કર્યું અને હવે હું હંમેશાં આ વાત યાદ રાખીશ.
કેટલાક વ્યવહારો આપણને વારસામાં મળે છે. આપણા ફેમિલીમાં આપણે જે જોયું હોય એને આપણે જાણે અજાણે ફોલો કરતા હોઇએ છીએ. એક ફેમિલીની આ વાત છે. એક વખત એક મહેમાન ઘરે આવ્યા હતા. વાતો ચાલતી હતી એ દરમિયાન મહેમાન એક બાબતે એવું બોલ્યા કે, મેં આવું કોઇ દિવસ કર્યું નથી. આ વાત સાંભળીને પિતાએ તરત જ એમની ઇચ્છા પૂરી કરી. એ ગયા પછી પિતાએ દીકરા અને દીકરીને કહ્યું, કોઇ માણસ જ્યારે એમ કહેને કે, મેં આ નથી કર્યું, મેં આ નથી જોયું કે મારી પાસે આ નથી ત્યારે સૌથી પહેલું કામ એની એ ઇચ્છા પૂરી કરવાનું કરવું. અમુક વાતો લોકોના દિલને સ્પર્થી જતી હોય છે. આપણે કોઇના માટે કંઇ કરીએ ત્યારે એ વાત પણ યાદ રાખવાની કે, એ આપણે એના માટે નહીં, પણ આપણી ખુશી માટે કરીએ છીએ. આપણને મજા આવવી જોઇએ, આપણને સારું લાગવું જોઇએ. માણસે પોતાની જાતને ખુશ રાખતા પણ શીખવું પડે છે. આપણે આખી દુનિયાને રાજી રાખવાના પ્રયાસો કરતા રહીએ છીએ, ક્યારેય એ વિચાર કર્યો છે કે, મને મજા આવે, મને રાજીપો થાય અને મારો માહ્યલો ખુશ રહે એ માટે હું શું કરું છું? પોતાને રાજી રાખવાની કળા પણ માણસે શીખી લેવી જોઇએ.
છેલ્લો સીન :
એક સમયે બધું જ છોડીને ચાલ્યા જવાનું છે એ બધાને ખબર હોવા છતાં જીવતે જીવ કોઇનાથી કંઇ છૂટતું નથી એ પણ જિંદગીનું એક ગજબનું સત્ય છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 28 ડિસેમ્બર 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
