કેટલાક સંબંધો તૂટે છે, પણ ખતમ થતા નથી – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કેટલાક સંબંધો તૂટે છે,
પણ ખતમ થતા નથી

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


ટેરવાં, તારા ભરોસે છે બધું,
શ્રી સવા, તારા ભરોસે છે બધું,
પાંખમાં એકાદ પણ પીછું નથી,
એ હવા, તારા ભરોસે છે બધું.
– જગદીપ નાણાવટી


દુનિયામાં માણસને જો સૌથી વધુ પેઇન કંઈ આપતું હોય તો એ સંબંધ છે. સૌથી વધુ સુખ, ખુશી, આનંદ અને જીવવાનાં કારણો પણ સંબંધ જ આપે છે. સંબંધમાં જ્યાં સુધી બધું બરાબર ચાલતું હોય ત્યાં સુધી કંઈ વાંધો આવતો નથી. સંબંધ જ્યારે તૂટે, ફૂટે કે આડો ફાટે ત્યારે બહુ પીડા અને વેદના આપે છે. આપણી લાઇફમાં કેટલાક સંબંધો એવા હોય છે જેના માટે આપણે એવું જ વિચારતા હોઇએ છીએ કે, આ સંબંધ મારે જિંદગીભર રાખવો છે. સંબંધમાં દરેક વખતે આપણું ધાર્યું થતું નથી. ગમે એટલો ગમતો સંબંધ હોય તો પણ એ ગમે ત્યારે કરવટ લઇ શકે છે. દરેક સંબંધનું ચોક્કસ આયુષ્ય હોય છે. કેટલાક સંબંધો અકાળે ખતમ થઇ જાય છે. કેટલાક લોકો આપણી જિંદગીમાં આવે છે અને અચાનક ગુમ થઇ જાય છે. કેટલાક સંબંધોને આપણે જ આપણા હાથે પૂરા કરી દઇએ છીએ. જ્યારે એવું સમજાય કે, આની સાથે સંબંધ રાખવામાં બહુ માલ નથી એટલે આપણે જ એ સંબંધના નામ પર ચોકડી મૂકી દઇએ છીએ. બધા સંબંધો સારા જ હોય એવું બિલકુલ જરૂરી નથી. કેટલાક સંબંધો જોખમી હોય છે. દુનિયામાં એવા લોકોની કમી નથી, જેનાથી દૂર રહેવામાં જ માલ હોય છે. સંબંધ આંખો ખુલ્લી અને મગજ સાબદું રાખીને બાંધવા પડે છે. અમુક લોકોના રવાડે ચડવા જેવું હોતું નથી. મૂરખ, સ્વાર્થી, હલકટ અને બદમાશ સાથેનો સંબંધ પતન નોતરે છે.
કેટલાક સંબંધો ખરેખર સોળે કળાએ જીવાતા હોય છે. લાઇક માઇન્ડેડ વ્યક્તિ મળે ત્યારે એવું લાગે કે એ મારા જેવો જ અથવા તો મારા જેવી જ છે. આમ તો આપણા જેવા માત્ર ને માત્ર આપણે જ હોઇએ છીએ, છતાં ક્યારેક કોઇક આપણા જેવું લાગે છે. સોલ મેટ માનતા હોઇએ એની સાથે પણ ક્યારે વાંધો પડે અને ક્યારે ડિસ્ટન્સ આવી જાય એ નક્કી હોતું નથી. એક છોકરાની આ વાત છે. તેનો એક ખાસમખાસ ફ્રેન્ડ હતો. કોણ જાણે એને શું થયું કે, અચાનક જ તે દૂર થઇ ગયો. એને તો કારણ પણ ખબર ન હતી કે, આખરે તેને થયું છે શું? તેણે કારણ જાણવાની કોશિશ પણ કરી. એ દોસ્તે કોઇ કારણ આપ્યું નહીં અને સંબંધ પૂરો કરી નાખ્યો. એ છોકરો એક વખત એક સંતને મળ્યો. પોતાના દોસ્ત સાથે જે થયું એની વાત કરીને તેણે સવાલ કર્યો કે, મારી સાથે એણે આવું કેમ કર્યું? સંતે કહ્યું, સંબંધોનું આયુષ્ય પણ પૂરું થતું હોય છે. તેને જે થયું હોય તેની સાચી વાત એણે કરવી જોઇતી હતી. એ દોસ્તે સાચી વાત ન કરી એ જ સાબિત કરે છે કે, એનામાં પારદર્શકતા નથી. એ તો મિત્ર હતો, એને કોઇ વાંધો હોય તો એ તને મોઢામોઢ કહી શકતો હતો. તારી સાથે ઝઘડી પણ શકતો હતો. એણે એવું ન કર્યું અને સીધો કિનારો જ કરી લીધો. તેં દોસ્તી ટકાવવા પ્રયાસ કરી જોયો, પણ એના તરફથી કોઇ રિસ્પોન્સ ન મળ્યો. હવે એ સંબંધ પાછળ દુ:ખી થવાનો કોઇ મતલબ નથી. એને જો ક્યારેય રિયલાઇઝ થશે તો આવશે, બાકી તૂટેલા સંબંધ પાછળ દોડવામાં ઘસરકા જ પડવાના છે. કેટલાક સંબંધો તૂટે અને કેટલાક હાથ છૂટે પછી એ સંબંધોને દિલમાં સંઘરી દેવાના હોય છે. ક્યારેક એ સંબંધની સુગંધ મહેસૂસ કરી લેવાની હોય છે. સારી વાતો મમળાવી લેવાની હોય છે. વિખૂટા પડવાની વેદના વિસારી દેવાની હોય છે. કેટલાક મરી ગયેલા સંબંધો ક્યારેય પાછા સજીવન થતા નથી. એની પાછળ જીવ બાળવાનો કોઇ અર્થ હોતો નથી.
સંબંધનો સૌથી મોટો પ્રોબ્લેમ એ હોય છે કે, કેટલાક સંબંધો તૂટે પછી પણ ભુલાતા નથી. એક છોકરા છોકરીની આ વાત છે. બંને વચ્ચે પ્રેમ હતો. લગ્ન કરવાની ઇચ્છા હતી. બંનેના ઘરના લોકો ન માન્યા. આખરે બંનેએ જુદાં પડી જવાનું નક્કી કર્યું. બંનેએ જુદી જુદી વ્યક્તિ સાથે મેરેજ કરી લીધા. બંને સુખી હતાં પણ એક ખાલીપો સતત મહેસૂસ થતો હતો. ક્યારેક કંઇ યાદ આવી જતું અને વેદના છવાઇ જતી હતી. એક વખત એ છોકરી એક ફિલોસોફરને મળી. તેણે કહ્યું, એ સંબંધ પૂરો થઇ ગયો એને વર્ષો થઇ ગયાં છે. હવે અમે મળતાં નથી. વાત પણ કરતાં નથી. મને ખબર નથી કે એ ક્યાં છે અને શું કરે છે. તેને પણ કદાચ મારા વિશે કંઇ ખબર નહીં હોય. મને એની સામે કોઇ ફરિયાદ પણ નથી. સવાલ એટલો જ થાય છે કે, હજુ કેમ ક્યારેક કેટલીક યાદો તાજી થઇ જાય છે અને વેદના આપે છે? ફિલોસોફરે કહ્યું કે, કેટલાક સંબંધો તૂટી ગયા પછી પણ ક્યારેય સાવ ખતમ થતા નથી. એ ક્યારેક વેદના તો ક્યારેક સંવેદના રૂપે આપણામાં જીવતા રહે છે. કોઇ સંબંધ સંપૂર્ણપણે ખતમ થતા જ નથી. વીતી ગયેલા સંબંધને આપણામાં કેટલા જીવતા રાખવા એ આપણે નક્કી કરવાનું હોય છે. સુકાઇ ગયેલાં ફૂલોમાં ક્યારેક પાણી છાંટીએ તો થોડીક સુગંધ અનુભવાય છે. એ સુંગધને માણીને ફૂલોને પાછાં સૂકવી દેવાં પડે છે.
ફૂલો સુકાઇ ગયાં હોય તો વાંધો નથી, પણ ફૂલો જો કોહવાઇ ગયાં હોય તો એનાથી મુક્તિ મેળવવી પડે છે. એક કપલની આ વાત છે. લગ્ન બાદ બંનેને બનતું નહોતું. એકબીજા સાથે ઝઘડા થતા હતા. પેઇન આપવામાં બેમાંથી એકેય બાકી રાખતું નહોતું. આખરે બંનેએ ડિવોર્સ લીધા. બંને જુદાં પડી ગયાં પછી પણ છોકરીથી તેના પતિએ આચરેલો ત્રાસ ભુલાતો નહોતો. એક વખત તેની મિત્રને બધી વાત કરી. જૂના દિવસો યાદ આવે છે અને ખુન્નસ ઊભરાઇ આવે છે. તેની ફ્રેન્ડે કહ્યું, તું એનાથી જુદી થઇ ગઇ છે, પણ હજુ એનાથી મુક્ત થઇ નથી. તું શા માટે અગાઉનું પેઇન વારેવારે જીવે છે? એ છોકરીએ કહ્યું કે, નથી ભુલાતું યાર. તેની ફ્રેન્ડે કહ્યું, ભૂલીશ નહીં તો ભોગવવું પડશે. એ છોકરીએ કહ્યું, હું પીડાથી હજુયે તેની સાથે જોડાયેલી છું. તેની ફ્રેન્ડે પછી કહ્યું કે, માત્ર પેપર પર સાઇન કરી દેવાથી ડિવોર્સ નથી થઇ જતા, ખરા ડિવોર્સ તો વ્યક્તિને મગજમાંથી હટાવી દેવાથી થાય છે.
સંબંધો સારા હોય કે ખરાબ, એનો અંત ગમે ત્યારે આવી શકે છે. ખરાબ સંબંધ તૂટે એની હાશ અનુભવવાની અને સારો સંબંધ તૂટે અેને યાદ કરીને જરાક હળવું થઇ જવાનું. આપણી જિંદગીમાં કોઇ કાયમી રહેવાનું નથી. લોકો આવતા અને જતા રહે છે. સારા લોકોની દાનત ન હોય તો પણ ક્યારેક સંજોગો એવા રચાતા હોય છે કે, એ આપણાથી દૂર થઇ જાય છે. જેને રોજ મળવાનું થતું હોય, જેની સાથે રોજ વાત થતી હોય અને જેને બધી જ ખબર હોય એ વ્યક્તિ પણ અચાનક દૂર ચાલી જતી હોય છે. આપણને એમ થાય કે, બસ પૂરું? આટલો જ સાથ આની સાથે લખ્યો હતો? એક યુવતીની આ વાત છે. તેણે જોબ ચેન્જ કરી. નવી જોબ સારી જ હતી. એક વખત તેની ફ્રેન્ડે તેને પૂછ્યું, જૂની જોબનું સૌથી વધુ શું યાદ આવે છે? એ છોકરીએ કહ્યું, એ કંપનીના કલીગ્સ. કામ કરવાની બહુ મજા આવતી નહોતી, પણ જે લોકો સાથે કામ કરતા હતા એ એટલા સારા હતા કે કંઇ ખરાબ લાગતું નહોતું. નવી કંપનીમાં કામ કરવાની મજા આવે છે, પણ કલીગ્સ ઓકે છે. કોઇ ખરાબ નથી પણ કદાચ અગાઉના કલીગ વધુ સારા હતા. ઓફિસ અવર્સ સિવાય પણ એમને મળવાનું મન થતું હતું. હવે એવું નથી. કેટલીક યાદો એવી હોય છે જેને વાગોળવાનું જ મન થયા રાખે છે. કેટલીક યાદોને ખંખેરી નાખવી પડે છે. માણસે એ વાતનું ધ્યાન રાખવું પડે છે કે, તૂટી કે છૂટી ગયેલો સંબંધ પણ પેઇન ન આપવો જોઇએ. વ્યક્તિ જાય એ સાથે એની સાથેની ખરાબ યાદોને પણ વિદાય આપી દેવી પડતી હોય છે. ઘણી વખત નવા સંબંધને તો જ સારી રીતે જીવી શકાય છે, જો જૂના સંબંધથી સંપૂર્ણપણે મુક્તિ મેળવી શકાય. કયો સંબંધ આપણા અસ્તિત્વ સાથે જોડેલો રાખવો અને કયા સંબંધથી સંપૂર્ણ રીતે છેડો ફાડી નાખવો એ જેટલું વહેલું કરી શકીએ એટલી વધુ શાંતિ આપણે અનુભવી શકીએ છીએ.


છેલ્લો સીન :
સાચા સંબંધોને પકડી રાખવા પડતા નથી. પકડી રાખવા પડે એ સાચા સંબંધ હોતા જ નથી. સંબંધ મુક્ત હોય તો જ ટકે છે. આધિપત્ય હેઠળ દબાયેલો સંબંધ વહેલો કે મોડો ગૂંગળાઇને અંત પામે છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 21 ડિસેમ્બર 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *