મારી સાથે વાંધો હોય તો મને કહે, બીજાને નહીં! : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ


મારી સાથે વાંધો હોય તો
મને કહે, બીજાને નહીં!

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ


આયનો ધરવાથી કંઈ વળશે નહીં,
સત્ય સાંપડવાથી કંઈ વળશે નહીં,
મૂળથી ફંગોળી દીધા બાદ દોસ્ત,
આભને અડવાથી કંઈ વળશે નહીં.
-પીયૂષ પરમાર


 
ગમે એવો સંબંધ હોય, એ કાયમ માટે એકસરખો રહેતો નથી. જિંદગીની જેમ સંબંધમાં પણ ચડાવ ઉતાર આવતા જ રહે છે. સૌથી વહાલી વ્યક્તિ સાથે પણ ક્યારેક તો વાંધો પડવાનો જ છે. સંબંધ સારો હોય ત્યારે તો સહુ સારી રીતે વર્તે છે, સંબંધમાં જ્યારે કંઈક ઇશ્યૂ પેદા થાય ત્યારે માણસ કેવી રીતે વર્તે છે એના પરથી સંબંધની સમજણ છતી થતી હોય છે. ઘણાનાં મોઢે આપણે સાંભળીએ છીએ કે, હું કંઇ મનમાં રાખું જ નહીં, જે હોય એ મોઢામોઢ સંભળાવી દઉં! ઉભરો ઠાલવી દઇએ પણ એ પછી શું? ઉભરાઇને ઢોળાઇ જવાનું? સંબંધો ક્ષુલ્લક કારણોથી તૂટતા હોય છે. જે માણસમાં જરાકેય સમજણ હોય એ ક્યારેય સંબંધ કાપતો નથી પણ ઘટાડી નાખે છે. સંબંધ બગાડવા કરતાં સંબંધ ઘટાડવામાં શાણપણ છે. એક યુવાનની આ વાત છે. તેને એક દોસ્ત હતો. બંનેને પહેલાં સારું બનતું હતું પણ પછી એ દોસ્ત ઇર્ષા કરવા લાગ્યો. એક સમયે યુવાનને સમજાયું કે, હવે આની સાથે બહુ બને એવું લાગતું નથી. એક તબક્કે તેને વિચાર આવ્યો કે, એને કહી દઉં કે આજથી તારા અને મારા સંબંધો પૂરા. તું તારા રસ્તે અને હું મારા રસ્તે. એ પછી તેને એવો વિચાર આવ્યો કે, હું મારો રસ્તો લઇ લઉં પછી એ શું કરે છે એની મારે શા માટે ચિંતા કરવી જોઇએ? તેણે ધીમે ધીમે કરીને સંબંધ ઘટાડી નાખ્યા. સંબંધને ક્યારેક દિશા આપવી પડતી હોય છે. આપણે ગાડી લઇને જતા હોઇએ અને પાછળ આવતા વાહનનો ચાલક સતત હોર્ન મારતો હોય તો આપણે તેને સાઇડ આપી દઇએ છીએ. આપણું વાહન ધીમું પાડીને પણ તેને આગળ જવા દઇએ છીએ. એ સમયે આપણને એવો જ વિચાર આવતો હોય છે કે ભાઈ, તું જા એટલે શાંતિ. સંબંધોમાં પણ ઘણી વખત સાઇડ આપી દેવી પડતી હોય છે! નીકળી જવા દેવાના અથવા તો સરકીને નીકળી જવાનું. દરેક વખતે સંઘર્ષ કરવાની જરૂર હોતી નથી. સંઘર્ષમાં પણ સરવાળે શક્તિ તો આપણી જ વેડફાતી હોય છે.
ઘણા લોકો ઘડીકમાં સમજાતા નથી. માણસની સાચી ઓળખ છતી થવામાં ઘણી વાર લાગતી હોય છે. દરેક માણસમાં ડેપ્થ હોય એવું જરૂરી નથી. ઘણા માણસો છીછરા અને હલકા હોય છે. એની સામે આપણે કેવા થવું એ આપણે નક્કી કરવાનું હોય છે. કોઇ વિશે કોઇ જાતની કડવાશ વગર દૂર થઇ જવામાં ઘણી વખત આપણી આંતરિક મીઠાશ જળવાઈ રહેતી હોય છે. એક પતિ-પત્ની હતાં. પત્નીની એક બહેનપણીએ તેની સાથે બદમાશી કરી. પત્નીએ એ બહેનપણી સાથે કંઇ કહ્યા વગર કિનારો કરી નાખ્યો. પતિએ એક વખત પત્નીને પૂછ્યું, તને એના પર ગુસ્સો નથી આવતો? પત્નીએ કહ્યું, જ્યારે તેણે બદમાશી કરી ત્યારે મને દુ:ખ થયું હતું. ગુસ્સો પણ આવતો હતો. મેં પછી એવું વિચાર્યું કે, હુ ગુસ્સે થઇશ કે કોઇ કડવાશ રાખીશ તો એનું નુકસાન તો મને જ જવાનું છે. એક તો તેણે જે કર્યું એનાથી નુકસાન થયું જ છે અને હવે હું મારા હાથે જ મારું નુકસાન કરું? આપણે જ્યારે કોઇના માટે કડવાશ રાખીએ ત્યારે આપણે પહેલાં તો આપણી અંદર કડવાશ ઘૂંટતા હોઇએ છીએ. એ કડવાશ સામાને તો અસર કરવાની હોય તો કરે, આપણને તો કડવા બનાવે જ છે. ઘણા લોકો અંદર ને અંદર ધૂંધવાતા હોય છે. એ એની અંદર સતત કડવાશ જ ઘોળતા હોય છે. અમુક સંબંધો પૂરા થાય ત્યારે દુ:ખી થવાને બદલે ખુશ થવું જોઇએ કે, આટલાથી પત્યું! એક સાવ સાચો કિસ્સો છે. એક મિત્રએ તેના દોસ્ત પાસેથી પાંચ હજાર રૂપિયા ઉછીના માંગ્યા. પેલા મિત્રએ તરત જ પાંચ હજાર કાઢીને આપી દીધા. આ જોઇને તેને બીજા ફ્રેન્ડે કહ્યું કે, તેં એને રૂપિયા આપ્યા તો છે પણ એ પાછા આપશે નહીં! આ વાત સાંભળીને એ મિત્રએ કહ્યું કે, એની મરજી! પાંચ હજારમાં પતશે! એના મનમાં આપણી દોસ્તીની કિંમત કેટલી છે એ પરખાઇ જશે! અમુક સંબંધની કેટલીક કિંમત હોય છે, એ કિંમતની વાત આવે ત્યારે એ સંબંધ પૂરો થઇ જાય છે. અમુક સંબંધો અમૂલ્ય હોય છે. એ સચવાઇ રહે તો ઘણું છે. જડીબુટ્ટી જેવા સંબંધો જિંદગીની દરેક સમસ્યાનો ઇલાજ કરે છે.
સાવ નજીકના હોય એ પણ ક્યારેક હર્ટ કરતા હોય છે. બીજા બે દોસ્તની આ વાત છે. બંને વચ્ચે પાક્કી દોસ્તી. એક વખત બંનેને વાંધો પડ્યો. એક ફ્રેન્ડ બધાને એવું કહેવા લાગ્યો કે, તને ખબર છે એણે મારી સાથે શું કર્યું? બધાને માંડીને વાત કરે. આ વાતની જાણ તેના ફ્રેન્ડને થઇ. તેણે પોતાના દોસ્તને કહ્યું કે, જે વાંધો હોય એ મને કહે, બીજાને નહીં. આપણે કઇ વાત કોને કહીએ છીએ એ બહુ મહત્ત્વનું હોય છે. એક પતિ-પત્ની હતાં. એ બંનેની કોઇ વાત ક્યારેય બહાર ન આવે. એક વખત પત્નીની ફ્રેન્ડે એને પૂછ્યું, તમારે કોઇ દિવસ ઝઘડા થતાં નથી? તું કોઇ દિવસ કંઇ વાત કરતી નથી? પેલી યુવતીએ કહ્યું કે, સાથે રહેતા હોઇએ તો ક્યારેક કંઇ ને કંઇ પ્રોબ્લેમ થવાના જ છે. મારે પણ મારા પતિ સાથે ઘણી વખત બોલાચાલી થઇ જાય છે પણ એ અમારા બંને પૂરતી મર્યાદિત જ રહે છે. અમે બહાર એકબીજાની નિંદા કરતાં નથી. આપણે આપણા લોકોનું ઘસાતું બોલીને છેલ્લે તો આપણી જ માનસિકતા છતી કરતા હોઇએ છીએ. પોતાના લોકોનું ઢાંકતા જેને આવડે છે એની ઇજ્જત સચવાઇ રહે છે. ઘણા લોકો એવું કહે છે કે, બોલી દઇએ તો હળવા થઇ જવાય. મનમાં ને મનમાં રાખીએ તો ભાર લાગ્યા જ રાખે. સાચી વાત છે પણ બોલતાં પહેલાં એ પણ વિચારવું જરૂરી છે કે, આપણે કોના મોઢે બોલીએ છીએ? જેના મોઢે બોલીએ છીએ એનું મોઢું પણ ક્યાંય નહીં ખૂલે એની ગેરંટી છે?
એક યુવાનની આ વાત છે. તેણે કહ્યું કે, મારે જે વાત ગુપ્ત રાખવી હોય એ હું મારા અંગતમાં અંગત માણસને પણ કહેતો નથી. એનું કારણ એ છે કે, દરેકનો એક અંગત માણસ હોય છે. આપણે જેને અંગત સમજીને બધી વાત કરીએ એ એના અંગતને વાત કરી દેતો હોય તો એને કેટલો અંગત સમજવો એ વિશે વિચાર કરવો પડે. બે સંબંધી હતા. એક સંબંધીએ બીજાને ખાનગી વાતો કરવાનું બંધ કરી દીધું. બીજા સંબંધીએ કહ્યું કે, હમણાં તમે ખૂલીને વાત કરતા નથી. પેલાએ કહ્યું, સાચી વાત છે. તમારા પેટમાં વાત રહેતી નથી. હવે હું એવી જ વાતો કરું છું જે તમે આખા ગામને કરો તો પણ કંઈ વાંધો નથી. જે આપણને બધાની બધી વાત કરતો હોય એ આપણી પણ બધી વાત બધાને કરતા હોય છે. સાવ પેક રહેવાની વાત નથી, સાવચેત રહેવાની વાત છે. વાત કરો પણ એવી વ્યક્તિને જે વિશ્વાસપાત્ર હોય. દુનિયામાં એવા લોકો છે જે પોતાને કહેવાયેલી વાત પોતાના સુધી જ રાખે છે. આ બધી વાત કરતી વખતે એ પણ વિચારવું જોઇએ કે, આપણે તો કોઇની વાત કોઇને કહેતા નથીને? વાતો કરતી વખતે આપણો ઈરાદો શું હોય છે? ઘણાને ગોસિપ કે કૂથલી કરવાની મજા આવતી હોય છે. ગોસિપ કરવામાં કશું ખોટું નથી પણ એ ગોસિપ કોઇને નુકસાન પહોંચાડે, કોઇના સંબંધો બગાડે કે કોઇનું કેરેક્ટર એસેસિનેશન કરે એવી ન હોવી જોઇએ! આપણા સંબંધો તો જ જળવાશે જો આપણામાં સંબંધ જાળવવાની આવડત હોય! જે સંબંધો જાળવી શકતા નથી એનાથી સંબંધીઓ પણ મોઢું ફેરવી લેતા હોય છે. સંબંધ સાચવવા એ કલા છે અને દરેક કલાને સમજીને હસ્તગત કરવી પડતી હોય છે!
છેલ્લો સીન :
સંબંધ સાચવવાનો જ્યારે ભાર લાગવા માંડે ત્યારે સંબંધ સામે સંકટ પેદા થાય છે. સંબંધ બચાવવામાં માણસે જો મહેનત કરવી પડે તો એ વહેલો કે મોડો થાકી જાય છે અને સંબંધનો અંત આવી જાય છે. –કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 27 નવેમ્બર, ૨૦૨૨, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *