તારામાં સંતોષ જેવું
કંઈ છે કે નહીં?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ચો-તરફ તડકો બની ફેલાય છે, એક ટહુકો છે, બધે સંભળાય છે,
વાદળાં વરસે છે મૂશળધારથી, એકસરખાં ક્યાં કોઈ ભીંજાય છે.
-અંજુમ ઉઝયાનવી
જિંદગીમાં સંતોષનું મહત્ત્વ કેટલું છે? તમારી પાસે જેટલું છે એનાથી તમને સંતોષ છે? સંતોષ વિશે અનેક વાતો થઇ છે. સંતોષ વિશે એક વાત તો એવી પણ છે કે, સંતોષ નહીં પણ અસંતોષ માણસને આગળ લઇ જાય છે. બે ટંક પેટ તો બધા ભરી લે છે. માણસને ખાવાનું મળી જાય એટલે જો એ સંતોષ માની લે તો કોઇ કામ જ ન થાય! અસંતોષ જ માણસને આગળ વધવાની પ્રેરણા આપે છે. એક યુવાનની આ વાત છે. તેણે એક ગોલ નક્કી કર્યો હતો. તેણે નક્કી કર્યું હતું કે, ગમે તે થાય આટલું તો એચિવ કરવું જ છે. એ યુવાન ખૂબ મહેનત કરતો હતો. થયું એવું કે, એણે જે ગોલ નક્કી કર્યો હતો એ તો એ હજુ યંગ હતો ત્યારે જ પૂરો થઇ ગયો. તેણે નક્કી કર્યું કે બસ, આપણે જે કરવું હતું એ કરી લીધું. યુવાનના એક વડીલને આ વાતની ખબર પડી. તેણે યુવાનને કહ્યું કે, હજુ તો તું યંગ છે, આટલામાં સંતોષ માનીને બેસી રહે એ ન ચાલે. સાચું કહું તો તેં તારી જાતને જ અંડરએસ્ટિમેટ કરી નાખી હતી. ગોલ જ એટલો નીચો રાખ્યો હતો કે, આસાનીથી પ્રાપ્ત થઈ જાય. ઘણા કિસ્સામાં જો ગોલ સિદ્ધ થઇ જાય તો ગોલ વધારવો પડે છે.
કામમાં પ્રવૃત્ત રહેવાની પણ એક મજા છે. બધું હોય એટલે કંઈ બેસી ન રહેવાય. ઘણાનાં મોઢે આપણે એવું સાંભળતા હોઇએ છીએ કે, મારી પાસે જો એના જેટલું હોયને તો હું કામ જ ન કરું. એની પાસે બધું છે તો પણ એ ગધેડાની જેમ કામ કરતો રહે છે. એક ધનવાનની આ વાત છે. તેણે મહેનત કરીને પોતાનું આર્થિક સામ્રાજ્ય ઊભું કર્યું હતું. સાત પેઢી બેઠાં બેઠાં ખાય તો પણ ન ખૂટે એટલી સંપત્તિ જમા થઇ ગઇ હતી. એક વખત તેના મિત્રએ કહ્યું, તારે હજુ કેટલું ભેગું કરવું છે? એ માણસે કહ્યું કે, મારે રૂપિયાની કંઇ જરૂર નથી. હવે હું રૂપિયા મારા માટે નથી કમાતો પણ મારા માણસો માટે કમાઉં છું. મારે ત્યાં સેંકડો લોકો નોકરી કરે છે. આડકતરી રીતે એ બધાનાં ઘર ચલાવવા માટે હું નિમિત્ત બનું છું. આપણા માટે જ્યારે આપણી અને આપણા પરિવારની જવાબદારી પૂરી થાય એ પછી સમાજ અને દેશ પ્રત્યેની જવાબદારી શરૂ થતી હોય છે. જે લોકો મહેનત કરીને નવી નવી શોધો અને સંશોધનો કરે છે એના મનમાં એ જ હોય છે કે, મારે દુનિયા માટે અને માનવજાત માટે કંઇક કરી છૂટવું છું. મારો જનમ ખાલી ફેરો પૂરો કરવા માટે થયો નથી. મારે કંઈક કરી છૂટવું છે. માણસનો વિચાર જ તેને મહાન અને બીજાથી જુદો બનાવે છે.
સંતોષને એ રીતે પણ સમજવા જેવો છે કે, તમારી પાસે જે છે એને પૂરેપૂરું એન્જોય કરો છો? જે મહેનત કરવાની છે એ કરતાં રહો. ઘણા લોકો ધનની દોડ પાછળ એવા લાગી જાય છે કે, એ જીવવાનું જ ભૂલી જાય છે. એક યુવાનની આ વાત છે. એ આખો દિવસ ધંધામાં જ રચ્યોપચ્યો રહે. ઘરમાં પત્ની અને સંતાનોને સમય તો ન આપે, ઘરના પૂરતા ખર્ચ અને વાપરવા માટે પણ રૂપિયા ન આપે. એક દિવસ તેના પિતાએ કહ્યું, તું આખો દિવસ આટલી બધી હાયવોય કરે છે, તો એ કરીને તારે કરવું છે શું? તું કોના માટે બધું કરે છે? તને સંતોષ જેવું કંઈ છે કે નહીં? એક વાત યાદ રાખ, મહેનત પાછળનો ઉદ્દેશ જિંદગીને સારી રીતે જીવવાનો પણ છે. બધું ભેગું જ કર્યે રાખવાનો નથી! કરકસર અને કંજૂસાઈમાં બહુ મોટો ફેર છે. નાણાં વાપરવામાં ધ્યાન રાખવું જોઈએ, ખોટા ખર્ચ ન કરવા જોઇએ પણ સાથોસાથ એ પણ જરૂરી છે કે જ્યાં વાપરવાની આવશ્યક્તા હોય ત્યાં વિચાર ન કરવો.
ઘણા લોકો એવી વાતો પણ કરતા હોય છે કે, આ જગતમાં આપણું શું છે? આખરે તો બધું છોડીને જવાનું છે. સાચી વાત, કોઇ કંઈ ભેગું લઈ જવાનું નથી પણ જ્યાં સુધી અહીં છીએ ત્યાં સુધી તો જરૂર પડવાની છેને? એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે, આપણું કશું જ નથી. બરાબરને? સંતે કહ્યું, ના, એ વાત બરાબર નથી. સાચી વાત એ છે કે, બધું જ આપણું છે. આ ધરતી, આ આકાશ, નદી, પહાડ, ઝરણાં, દરિયો, કુદરતે રચેલું બધું જ આપણું છે. આપણે એને કેટલું આપણું માનીએ છીએ? તમે કઈ રીતે વિચારો છો એ સૌથી વધુ મહત્ત્વનું છે. એક રીતે જુઓ તો કશું જ આપણું નથી, બીજી રીતે જુઓ તો બધું જ આપણું છે. સંતોષ ત્યાં જ આવીને અટકે છે.
માણસે ખર્ચ કરવાની બાબતે ક્યાં વિચાર કરવો અને ક્યાં ન કરવો એ નક્કી કરવું પડતું હોય છે. એક ભાઈની આ સાવ સાચી વાત છે. તે કંજૂસ નહોતો પણ કોઈ ખર્ચ કરવાનો હોય તો પૂરેપૂરો વિચાર કરતો. પેન્ટ જૂનું થઇ ગયું હોય તો પણ ચલાવતો હતો. ચંપલ તૂટી ન જાય ત્યાં સુધી પહેરવાનાં અને એક હોય ત્યાં સુધી બીજાં નહીં લેવાનાં એવો તેનો નિયમ હતો. તેને એક દીકરી હતી. દીકરી કંઈ પણ માંગે તો એક મિનિટનો પણ વિચાર કર્યા વગર ફટ દઇને લઇ આપે. કેટલીક વાર તો દીકરી જે માંગે એ ખોટો ખર્ચ કરવા જેવું હોય તો પણ એ ના ન પાડે. એક વખત તેની પત્નીએ પૂછ્યું, તમે તમારા માટે કંઈક ખરીદતા પહેલાં સો વાર વિચાર કરો છો અને દીકરીને ક્યારેય કોઇ વાતની ના પાડતા નથી, આવું કેમ? તેણે કહ્યું કે, હું જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જે જરૂર હોય એ લઉં છું પણ એક વાત એ પણ છે કે, હું જે કંઈ કરું છું એ આખરે તો તારી અને દીકરી માટે કરું છું. તમારા માટે વિચાર કરું તો એનો અર્થ શું? તમારા બંને માટે તો કંઈ પણ! આપણી દરેકની જિંદગીમાં એવા થોડા લોકો હોય છે જેનું નામ પડે એટલે એવા શબ્દો નીકળ્યા વગર ન રહે કે, એના માટે કંઈ પણ! ક્યાં ગણતરી કરવી અને ક્યાં ન કરવી એની જેને સમજ છે એ જિંદગીનું સાચું ગણિત જાણે છે. આપણે બધાએ એક વાત યાદ રાખવા જેવી છે કે, જિંદગી આપણી પ્રાયોરિટીમાં સૌથી ટોપ પર હોવી જોઇએ. આપણે સંતોષ અને અસંતોષની બહુ વાતો કરીએ છીએ પણ ક્યારેય એ વિચારીએ છીએ કે, મને મારી જિંદગીથી સંતોષ છે ખરો? ક્યારેક શાંતિથી વિચારી જોજો, તમને એવી અનુભૂતિ થાય છે કે મને જિંદગી જીવવાની મજા આવે છે? જિંદગી જીવવાની મજા આવતી હોય તો એ પૂરતું છે. આપણે બધા ઘણી વખત નક્કામી ગણતરીઓ અને વાતોમાં અટવાયેલા રહીએ છીએ. સમયનો પણ સંતોષ હોવો જોઇએ કે, હું મારો સમય સારી રીતે જીવું છું. ઘણી વખત આપણને એમ થાય છે કે, મારો સમય બગડ્યો. સંતોષ માટે એ જરૂરી છે કે, કંઇ જ બગડવા ન દેવું, પછી એ સમય હોય કે સંપત્તિ. સાથોસાથ તેનો સાચો ઉપયોગ કરતા પણ આવડવું જોઇએ. ખર્ચ એવી રીતે કરો કે સંતોષ થાય. આવકની મજા તો જ છે જો ખર્ચનો સંતોષ હોય! જિંદગી પૂરી થવાની હોય ત્યારે પણ એવી ફીલિંગ થાય કે, મેં જે જિંદગી જીવી છે એનો મને સંતોષ છે તો સમજવું કે આયખું સફળ થઇ ગયું!
છેલ્લો સીન :
માણસ રિટર્ન મેળવવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. દુનિયાનું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રેમ અને લાગણી છે. તમે પ્રેમ આપો, તમને કલ્પના ન હોય એટલું રિટર્ન મળશે. હા, નફરત, નિંદા કે કડવાશ આપશો તો એનું રિટર્ન પણ એવું જ મળવાનું છે! -કેયુ.
kkantu@gmail.com