તું કોઇનું મોઢું બંધ ન કરી શકે, તારા કાન બંધ કરી દે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું કોઇનું મોઢું બંધ ન કરી
શકે, તારા કાન બંધ કરી દે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


એક રણ હતું ને રણ મહીં રસ્તો થયો હતો,
હું પણ ચમનની શોધમાં ક્યાં ક્યાં ગયો હતો,
જોયું તો ક્યાંક મારી કને મારું દિલ હતું,
પહેલાં તમારી આંખ પર શક ગયો હતો.
– દિગંત પરીખ



જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી કૂથલી, ખટપટ, કાવાદાવા, ષડ્યંત્રો, પ્રપંચો, લુચ્ચાઇ, બદમાશી, નાલાયકી, દગાખોરી, હરામખોરી, દગાબાજી, બેવફાઇ, વિશ્વાસઘાત જેવું ઘણું બધું સતત ચાલતું આવ્યું છે. દુનિયાના કેટલાક એવા નિયમો છે જે તમે, હું કે કોઇ બદલી શકતું નથી. પરિવર્તનોની ભલે મોટી મોટી વાતો થતી હોય, પણ કેટલુંક એવું હોય છે જે ક્યારેય બદલતું નથી. આજુબાજુમાં ધરમૂળથી બદલાવ આવી જાય તો પણ માણસ સરવાળે હતો એવો ને એવો જ રહે છે. માણસ પોતાના ગમા અણગમાને ચોંટેલો રહે છે. દરેક માણસ કેટલીક બાબતોમાં પોતાની સાથે જ સમાધાન સાધી શકતો નથી. નહીં એટલે નહીં, હું કહું એ જ સાચું. માણસ બરબાદ થશે, પણ પોતાની જીદ કે ઇગો છોડશે નહીં. આપણી જિંદગી સારી રીતે જીવવા માટે એક વાત સમજવી જરૂરી છે કે, આપણે દુનિયાને ક્યારેય બદલી શકવાના નથી. શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે, આપણે બદલી જઇએ. દુનિયા જેવી છે એવી જ રહેવાની છે. આપણે કેવા રહેવું એ આપણે નક્કી કરવાનું હોય છે. આપણે સમાજમાં રહીએ છીએ એટલે તેની નાની-મોટી અસરો આપણને થવાની જ છે. સારી અસર વધુ થાય અને ખરાબ અસર ઓછામાં ઓછી થાય એવી કળા આપણે શીખવી પડતી હોય છે. આપણને નિરાશ કરવાવાળા, ડરાવવાવાળા અને આપણા વિશે મન ફાવે એમ બોલવાવાળા લોકો હોવાના જ છે. બધાથી આપણે સહન થતા હોતા નથી. આપણે સારા હોઇએ એટલે બધા સારા થઇ જાય એવું માનવાની જરાયે જરૂર નથી. ઊલટું સારા લોકોને હેરાન કરનારા વધુ હોય છે. બદમાશને હેરાન કરતા પહેલાં લોકો સો વાર વિચાર કરે છે કે, ક્યાંક આપણી વાયડાઇ આપણને જ ભારે પડી ન જાય. સારા લોકો ઇઝી ટાર્ગેટ હોય છે. સારા લોકોને છંછેડવા વધુ આસાન હોય છે એટલે એવું થવાનું જ છે. આપણે કોણ શું કહે છે, કોણ શું કરે છે એની પરવા કર્યા વગર આપણા રસ્તે આગળ વધતા રહેવું પડે છે. જો ધ્યાન ચૂકીએ તો આપણા માર્ગ પર જ અવરોધ પેદા થાય છે. શેની ગણના કરવી અને શેની અવગણના કરવી એ આવડે તો જ આપણે આપણી ધારેલી મંજિલે પહોંચી શકીએ છીએ.
એક સાવ સાચી ઘટના છે. એક છોકરીએ છોકરાઓ જ પસંદ કરે એવું ફિલ્ડ કરિયર માટે પસંદ કર્યું. તેના વિશે લોકો વાત કરવા લાગ્યા. આને બીજું કંઇ ન મળ્યું? કરવા જેવું બીજું ઘણું છે! પોતાની હોશિયારી સાબિત કરવા માટે એ આવું બધું કરે છે. એનાં મા-બાપ પણ ગજબનાં છે કે, એને મન થાય એ કરવા દે છે. એ છોકરીથી આવું બધું સહન થતું નહોતું. આખરે તેણે પિતાને વાત કરી કે, આ બધાનું શું કરવું? તેના પિતાએ કહ્યું કે, દીકરા એ બધા તો બોલવાના જ છે. આપણે કોઇના મોઢા બંધ ન કરી શકીએ, આપણે આપણા કાન બંધ કરી દેવાના! કાન બંધ કરવાનો મતલબ એ જ છે કે, એવી વાતોને સાંભળવાની જ નહીં. કોઇ કહે તો પણ કહી દેવાનું કે, પ્લીઝ મારી સાથે એ મુદ્દે વાત ન કરો. કેટલાક માણસની જેમ જ કેટલાક લોકોની વાતને પણ ઇગ્નોર કરવી પડતી હોય છે. તમે કંઇક નવું કે જુદું કરવા જાવ ત્યારે લોકો વાતો કરવાના જ છે. દરેક માણસની બુદ્ધિનું એક લેવલ હોય છે એ ત્યાં સુધીનું જ વિચારી શકે છે. આપણે જુદું વિચારતા હોઇએ ત્યારે બધા આપણા જેવું જ વિચારે એવું બિલકુલ જરૂરી નથી. અમુક લોકોને તો કંઇ ગતાગમ પડતી ન હોય તો પણ એ સલાહ આપતા હોય છે. કાચો પાપડ પણ ભાંગી શકે એમ ન હોય એ લોખંડ ઓગાળી દેવાની વાતો કરતા હોય છે.
માણસે પોતાની શક્તિ ક્યાં વાપરવી એની કાળજી રાખવી પડતી હોય છે. એક યુવાનની વાત છે. એના વિશે કોઇ કંઇ કહે એટલે એ સામે લડવા ઊતરી પડે. તારાથી આવું કહેવાય જ કેમ? મારા વિશે બોલવાનો અધિકાર તને કોણે આપ્યો? એક વખત કોઇ તેના વિશે બોલ્યું એટલે એણે નક્કી કર્યું કે, આજે તો એને જોઇ લેવો છે. એના એવા હાલ કરવા છે કે, બીજી વખત મારા વિશે બોલતા પહેલાં વિચાર કરે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, એનાથી શું ફેર પડશે? તું એમ માને છે કે, તું માથાકૂટ કરીશ એટલે એ સુધરી જશે? માન કે એ બોલતો બંધ થઇ જશે તો બીજું કોઇ એના જેવું કરશે. તું કેટલા લોકો સાથે બથોડા લેવાનો છે? તેં ક્યારેય એવો વિચાર કર્યો છે કે, તું જે કરી રહ્યો છે એનાથી તારી એનર્જી કેટલી બગડે છે? તારું મગજ કેટલું ખરાબ થાય છે? લોકો તો નવરા છે, તારે જે કામ કરવાનું છે એ કરને! આવી રીતે તો તું જ બરબાદ થવાનો છે.
દુનિયાનો એક નિયમ એ પણ છે કે, માણસે સન્માન પ્રાપ્ત કરવા માટે પોતાની જાતને સાબિત કરવી પડે છે. આપણે જ એ સ્થાને પહોંચીએ કે, લોકો વખાણ કરે. સારું બોલવાવાળા લોકો પણ છે જ. આપણે ગમે એટલું સારું કામ કરીએ, ગમે એ સ્થાને પહોંચીએ, લોકો વખાણ કરતા હોય તો પણ કેટલાક લોકો તો એવા હોવાના જ છે જે ટીકાઓ કરવાના છે. અમુક લોકાની પ્રકૃતિ જ એવી હોય છે કે, એને કંઇ સારું દેખાતું જ હોતું નથી. બગીચામાં જઇને પણ એ ખૂણામાં પડેલા ખરીને સુકાઇ ગયેલાં ફૂલો અને પાંદડાંના કચરાને જ જોવાના છે. એને ખીલેલાં ફૂલો દેખાવાનાં જ નથી. વાંકદેખા લોકોને સીધું કંઇ દેખાતું જ નથી. એક યુવતીની આ વાત છે. પરિવારમાં એને બધામાં વાંધા જ દેખાય. કોઇનામાં સો સારપ હોય તો પણ એ એકાદ ખામી શોધીને એનાં ગાણાં ગાવા લાગે. આમ તો બધું સારું હતું, પણ એક વાતમાં બહુ મજા ન આવી. એક વખત ઘરના બધા લોકો ભેગા થયા હતા. જેના ઘરે હતા એ ઘરની મહિલાએ ખૂબ મહેનત કરીને સરસ જમવાનું બનાવ્યું હતું. બધાએ જમવાના ખૂબ વખાણ કર્યાં. એ બહેને કહ્યું કે, બધું જ સારું હતું, પણ અથાણું થોડું વાસી હતું. આ વાત સાંભળીને પરિવારની જ એક યુવતીએ કહ્યું કે, અથાણું ખાવું ફરજિયાત નહોતું! તમે એ કેમ ન કહ્યું કે સૌથી સારું શું હતું? આપણી આજુબાજુમાં એવા લોકો હોવાના જ છે જે વાંધા જ શોધે. એવા લોકોને કહેવાનું મન થઇ આવે કે, તમને કંઇ સારું કેમ દેખાતું નથી? આપણે જે કંઇ અભિપ્રાય આપીએ છીએ એનાથી આપણી માનસિકતા છતી થાય છે. આપણી વાતને કોઇ ગંભીરતાથી તો જ લેશે જો ખરેખર એમાં કોઇ બનાવટ કે છીછરાપણું નહીં હોય. લોકો માણસ જેવો હોય એવો પારખી જતા હોય છે. આપણે જ કેટલાક લોકો વિશે એવું કહેતા હોઇએ છીએ કે, હમણાં ચાલુ પડી જશે. કેટલાક લોકો કૂથલીના માસ્ટર હોય છે. આખા ગામની ખબર રાખે. લોકો ભલે ખબર જાણવા માટે એની સાથે સંપર્ક રાખે, પણ અંદરખાને તેની છાપ સારી હોતી જ નથી. કૂથલીખોર વિશે પણ એક વાત યાદ રાખવા જેવી છે કે, જે બીજાની વાતો આપણને કરી શકે છે એ આપણી વાતો પણ બીજાને કરતા હોય છે. આપણને ઘણી વખત એવું લાગે કે, આપણી આજુબાજુમાં શું ચાલે છે એની આપણને ખબર હોવી જોઇએ. અલબત્ત, ન ખબર હોય તો પણ ખાસ કંઇ ફેર પડતો હોતો નથી. આપણે કેટલીક ફાલતુ બાબતોમાં આપણો સમય અને શક્તિ વેડફતા હોઇએ છીએ. કેટલાક લોકો તો પોતાની બાબતોમાં જેટલો રસ લેતા હોય છે એના કરતાં અનેકગણો રસ બીજા શું કરે છે એમાં લેતા હોય છે. જેણે જે કરવું હોય એ કરે, મારે જે કરવાનું છે એનાથી મને મતલબ છે એવું વિચારનારો અને કરનારો પોતાનો માર્ગ ચૂકતો નથી. કોઇનું ન સાંભળવા જેવું ન સાંભળીએ એની સાથોસાથ એ પણ જરૂરી હોય છે કે, આપણે પણ કોઇના વિશે ન બોલવા જેવું ન બોલીએ. આપણી ઇમેજ કેવી છે એના વિશે આપણે પણ વિચાર કરતા રહેવું જોઇએ. સરવાળે દુનિયા પણ આપણને એવી જ લાગવાની છે, જેવા આપણે હોઇએ!


છેલ્લો સીન :
માણસે બધા સાથે સારું રહેવું જોઇએ એમાં ના નહીં, પણ બધા સાથે એકસરખા રહેવા જેવું હોતું નથી. માણસને વર્તીને એની સાથે વર્તન કરવું પડે છે. કોઇનું અપમાન ન કરીએ, પણ જેને નજીક રાખવા જેવા ન હોય એને સિફતપૂર્વક દૂર રાખતા આવડવું જોઇએ. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 05 ઓકટોબર 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *