નેગેટિવિટીથી બચવું એ આજના સમયનો સૌથી મોટો પડકાર છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

નેગેટિવિટીથી બચવું એ આજના
સમયનો સૌથી મોટો પડકાર છે

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

માત્ર આપણે પોઝિટિવ હોઈએ એટલું પૂરતું નથી.
આપણી આજુબાજુની નેગેટિવિટીથી આપણે સતત બચતા રહેવું પડે છે.
મગજ ન બગડે એ માટે ઓફિસ પોલિટિક્સથી પણ સાવચેત રહેવું પડે છે.
જરાકેય બેધ્યાન રહીએ તો નેગેટિવિટી હાવી થઈ જાય છે


———–

આપણી સાથે અને આપણી આજુબાજુમાં જે કંઇ બને છે તેની સીધી અસર આપણને થવાની જ છે. દરેક વ્યક્તિના વાઇબ્સ હોય છે. વાતાવરણની પણ ચોક્કસ અસર હોય છે. આપણે ગમે તે કરીએ એની ક્યારેક ઓછી તો ક્યારેક વધુ અસર આપણને થવાની છે. સુખની અનુભૂતિ તો જ થઇ શકે જો આપણે આપણી આસપાસની નેગેટિવિટીથી દૂર રહીએ. આપણે ક્યારેય એ માર્ક કરીએ છીએ કે, હું જ્યા રહું છું અને જ્યાં કામ કરું છું એનું વાતાવરણ કેવું છે? મારી સાથે જે લોકો છે એના વિચારો કેવા છે? મારા પર એની કેવી અસર થાય છે? કેટલીક સ્થિતિ આપણા કંટ્રોલમાં હોતી નથી. આપણે જ્યાં કામ કરતા હોઇએ ત્યાંનું વાતાવરણ આપણે બદલી શકતા નથી. કેટલાંક સ્થળો કામ કરવા માટે બેસ્ટ હોય છે. આવા સ્થળે કામ કરવાની મજા આવે છે. કામ ગમે એટલું હોય તો પણ પ્રેશર લાગતું નથી. કેટલાંક સ્થળો એવાં હોય છે જ્યાં કામ ઓછું હોય તો પણ સ્ટ્રેસ ફીલ થાય છે. વાતાવરણ ગમે કે ન ગમે, કામ કરવું પડે છે. આવા સંજોગોમાં માણસે પોતાના વિચારોથી સ્વસ્થ અને સાત્ત્વિક રહેવું પડે છે.
વર્કિંગ પ્લેસ વિશે થોડા સમય અગાઉ એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. પોઝિટિવ વાતાવરણ ધરાવતી ઓફિસમાં અમુક કર્મચારીઓ નેગેટિવ માનસિકતા ધરાવતા હતા. તેનું કારણ હતું કે, એ લોકો પોતે જ નેગેટિવ હતા. ઊલટું એવા લોકો ઓફિસનું વાતાવરણ બગાડતા હતા. આવા કિસ્સામાં જે લોકો સારા હતા તેણે સાવધાન રહેવું પડતું હતું કે, આની અસર ક્યાંક આપણા પર ન આવે. આપણી આજુબાજુમાં પણ કેટલાક લોકો એવા હોવાના જ છે જેને કંઇ સારું લાગતું નથી. ગમે તેટલું સારું હોય તો પણ એ લોકો એવું જ કહેશે કે આવું થોડું હોય? આ જ અભ્યાસમાં જ્યાંનું વાતાવરણ નેગેટિવ છે એનો પણ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. કામ કરવાની મજા ન આવે એવા વાતાવરણમાં પણ અમુક લોકો મોજથી કામ કરતા હતા. તેણે પોતાનું ટેબલ પોતાની મરજી મુજબ ગોઠવ્યું હતું. એ લોકોએ એવું કહ્યું કે, કામ આપણે કરવાનું છે, કંટાળો આવે તો પણ કામ તો કરવાનું જ છે તો પછી કામ કરવાની મજા આવે એવા પ્રયાસો શા માટે ન કરવા? અમુક વાતોને મન અને મગજ પર લેવાની જ નહીં. તમે તમારી આજુબાજુમાં જે બની રહ્યું છે એને તમારામાં પ્રવેશવા જ ન દો તો કોઇ પ્રોબ્લેમ થતો નથી.
આ અભ્યાસ બાદ જે ચર્ચાઓ થઇ તેમાં એક રસપ્રદ કિસ્સો બહાર આવ્યો હતો. એક કર્મચારી ખૂબ જ પોઝિટિવ હતો. સરસ કામ કરતો હતો. તેને એવું કહેવાયું કે, તમારે નેગેટિવ લોકોથી બચવું. એ લોકો તમને પણ નેગેટિવ બનાવી દેશે. આ વાત સાંભળીને એણે સવાલ કર્યો કે, એ નેગેટિવ વ્યક્તિની અસર મારા પર થાય એવું જોખમ છે એ વાત સાચી, જો એની નેગેટિવ અસર મને થતી હોય તો મારી પોઝિટિવ અસર એને કેમ નથી થતી? આ વિશે નિષ્ણાતે એવો જવાબ આપ્યો કે, નેગેટિવ એનર્જી વધુ શક્તિશાળી હોય છે, પોઝિટિવ એનર્જી પવિત્ર હોય છે. સફેદમાં કાળો ડાખો તરત દેખાઇ આવે છે. કાળામાં કાળું કરો તો તેને કોઇ ફેર પડતો નથી. માણસને પોતાને બદલવું કે સુધરવું ન હોય તો તમે એને સુધારી ન શકો. એ પોતે તો ન સુધરે પણ આપણે ધ્યાન ન રાખીએ તો આપણને પણ બગાડી દે છે.
આપણી લાઇફમાં આવતા દરેક વ્યક્તિ વિશે એ ચેક કરતા રહેવું પડે છે કે, એની મારા પર કેવી અસર થાય છે? દરેક વખતે એવું નથી કે, જેની સાથે મજા ન આવે એ જ લોકો નેગેટિવ હોય. કેટલાક લોકો સાથે મજા આવે એવી લાલચો પણ હોય છે. કેટલાક લોકો એવી ભ્રમજાળ લઇને ફરતા હોય છે કે આપણને ખબર ન પડે એ રીતે આપણને ભ્રમમાં નાખી દે છે. કંઇક ખરાબ પરિણામ આવે ત્યારે આપણને સમજાય છે કે, આની નજીક રહીને મેં ભૂલ કરી. મારી જે કંઇ હાલત થઇ છે એ આ માણસના કારણે થઇ છે. આવું ભાન થયા પછી પણ ઘણા લોકો એનાથી દૂર થતા નથી. આગની નજીક જઇએ તો દાઝવાના જ છીએ એ વાત દરેકેદરેક માણસે ધ્યાનમાં રાખવી જોઇએ.
ઓફિસનું તો ઠીક છે પણ ઘરનું શું? ઘણી વખત ઘરના લોકો પણ નેગેટિવિટીથી ભરપૂર હોય છે. એનાથી પણ તમે છુટકારો મેળવી શકતા નથી. આવા સંજોગોમાં બેલેન્સ જાળવવું પડે છે. આમ તો આપણને ખબર જ હોય છે કે, મારા આ સ્વજનનો સ્વભાવ કેવો છે. કેટલાકની પ્રકૃતિ જ વાયડી હોય છે. પોતાની અત્યંત નજીકની વ્યક્તિ જ જ્યારે નેગેટિવ હોય ત્યારે હાલત વધારે કફોડી થઇ જાય છે. એવા સંજોગોમાં માણસની કસોટી થાય છે. એક સાવ સાચો કિસ્સો છે. એક છોકરીનો પતિ નેગેટિવ સ્વભાવનો હતો. લગ્ન કર્યાં પછી તેને ખબર પડી કે, આની સાથે ડીલ કરવું અઘરું છે. એ છોકરીએ નક્કી કર્યું કે, ગુસ્સે થયા વગર, નારાજ થયા વગર, હું પ્રેમથી રહીશ. કંઇ પણ હોય એ શાંતિથી કામ લે. ધીમે ધીમે થયું એવું કે, એના પતિમાં જ પરિવર્તન આવ્યું. એ માણસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, હું વાતે વાતે ઉશ્કેરાઇ જતો હતો. આની સાથે રહીને હું ઘણું શીખ્યો છું. અત્યારના સમયમાં સૌથી મોટો એક ઇશ્યૂ એ પણ છે કે, માણસમાં પોતાની વ્યક્તિમાં પરિવર્તન આવે એટલી ધીરજ જ નથી રહી. ટેકલ કરવાને બદલે ઊલટું એ સામે બાંયો ચડાવી લે છે, એના કારણે દાંપત્યજીવન ખરડાઇ રહ્યાં છે. આવા કિસ્સામાં પણ બદલાવ એનામાં જ આવે છે જેના માટે એ તૈયાર હોય, જે પોતાની સ્થિતિનું મૂલ્યાંકન કરી શકતા હોય. જેને સુધરવું જ ન હોય, જે પોતાને જ સાચા માનતા હોય એનો કોઇ ઇલાજ હોતો નથી.
આજના સમયમાં માણસે પોતાની માનસિક સ્થિતિ પર નજર રાખતા રહેવું પડે છે. આખા દિવસમાં આપણને કેવા વિચારો આવે છે? આ વિચારોમાંથી કેટલા એવા હતા જે આપણને ડિસ્ટર્બ કરતા હતા? આવા વિચારોથી બચવાના પ્રયાસ કરવા જોઇએ. એક સવાલ એ પણ થાય કે, વિચારને રોકી શકાય ખરા? હા, આપણે ધારીએ તો કેટલાક વિચારને રોકી શકીએ છીએ. આપણે મનથી નક્કી કરવું પડે કે મારે આવા વિચારો નથી કરવા. નક્કી કર્યા પછી પણ જો એ વિચારો આવે તો તેને ખંખેરીને તરત જ ધ્યાન બીજે પરોવી દેવું. આવું કરવું અઘરું ચોક્કસ છે પણ અશક્ય નથી. છેલ્લે તો આપણા વિચારો જ આપણને સુખી અથવા તો દુ:ખી કરતા હોય છે. કેટલાક વિચારો કાલ્પનિક ભય પેદા કરે છે. આમ થશે તો તેમ થશે અને તેમ થશે તો કંઇક ન થવાનું થશે. વિચારો પણ ઘૂંટાતા હોય છે. જો ધ્યાન ન રાખીએ તો આપણે આપણા વિચારોની જાળમાં જ ફસાઇ જઇએ છીએ. ડિપ્રેશન એ બીજું કંઇ નથી પણ નેગેટિવ વિચારોના હાવી થઇ જવાનું પરિણામ છે.
લોકોને હવે મોબાઇલ વગર ચાલતું નથી. સમય હોય અને મોબાઇલ જુઓ એમાં કોઇ વાંધો નથી, ધ્યાન માત્ર એટલું રાખવાનું કે, હું જે જોઉં છું, જે સાંભળું છું એની મારા મન અને મગજ પર કેવી અસર થાય છે. સોશિયલ મીડિયા પર એક્સિડન્ટ્સની કેટલીક ક્લિપો એવી હોય છે જે જોઇને આપણે હચમચી જઇએ. આપણને ખબર હોય કે, આવી રીલ્સ આપણને અપસેટ કરે છે તો પણ આપણે જોતા રહીએ છીએ. સોશિયલ મીડિયા પર એવું જ જુઓ જે તમને રિલેક્સ ફીલ કરાવે. ટેન્શન આપે એવા કન્ટેન્ટથી દૂર રહેવું જ હિતાવહ છે. જિંદગીના દરેક ડગલે ને પગલે નેગેટિવિટીથી બચવું જોઇએ. આ કિસ્સામાં પણ પેલી વાત એટલી જ લાગુ પડે છે કે, સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી. નેગેટિવિટી સામે સચેત રહેવું એ જ તેનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે.


—————-

પેશ-એ-ખિદમત
આંખોં મેં રહા દિલ મેં ઉતર કર નહીં દેખા,
કશ્તી કે મુસાફિર ને સમુંદર નહીં દેખા,
યે ફૂલ મુઝે વિરાસત મેં મિલે હૈં,
તુમને મેરા કાંટોં ભરા બિસ્તર નહીં દેખા.
– બશીર બદ્ર


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 08 ઓકટોબર 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *