હવે તારી વાતોમાં પહેલાં જેવી આત્મીયતા વર્તાતી નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હવે તારી વાતોમાં પહેલાં
જેવી આત્મીયતા વર્તાતી નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


ન તારી ન મારી નથી કોઈની પણ,
સ્થિતિ સાવ સારી નથી કોઈની પણ,
બધા જિંદગીને ગળે લઈને ફરે છે,
અને એ ધુતારી નથી કોઈની પણ.
-ડૉ. મનોજ લલિતચંદ્ર જોશી

                                                                               
સંબંધને અને સંવાદને સાવ નજીકનો નાતો છે. જરાક માર્ક કરજો, જેના પ્રત્યે આપણને લાગણી હશે એની સાથે આપણે બહુ સલુકાઇથી વાત કરીશું. આપણા ટોનમાં એક પ્રકારની કુમાશ હશે. આપણા શબ્દોની પસંદગી પણ જુદી હશે. એની સાથે આપણે ભલે વિચારીને ન બોલતા હોઈએ પણ શબ્દો દિલમાંથી નીકળતા હોય છે. બોલતી વખતે શબ્દો ક્યાંથી ઊઠે છે એ સામે કોણ વ્યક્તિ છે એના પર આધાર રાખે છે. બોસ કે વડીલ સાથે વાત ચાલતી હોય ત્યારે શબ્દો દિમાગમાંથી ઊઠે છે, એવો વિચાર આવી જાય છે કે, ક્યાંક લોચો ન પડી જાય. પ્રેમમાં માણસની ભાષા, શબ્દો અને લહેકો સાવ જુદો હોય છે. પ્રેમમાં માણસ આરામથી લટુડોપટુડો થતો હોય છે. પ્રેમની એ જ તો મજા છે. પ્રેમ આપણને જ આપણામાં બદલાવનો અહેસાસ કરાવે છે. શેર-શાયરીઓ માત્ર ગમવા જ નથી લાગતી, લખાવવા પણ માંડતી હોય છે. પ્રેમમાં પડેલી વ્યક્તિએ જેવી આવડે એવી પણ બે-ચાર કવિતા કે ગઝલ રચી જ હોય છે. પ્રેમમાં માણસ મુગ્ધ બને છે. પ્રેમમાં એક નશો હોય છે. ચકોર આંખો પ્રેમીઓને ઓળખી લે છે કે, બદલે બદલે સે સરકાર નજર આતે હૈ! માણસ જે રીતે વાત કરે છે એના પરથી નક્કી થાય છે કે, બંને વચ્ચે કેટલી આત્મીયતા છે. આપણે ઘણાં કપલને જોઇને એવું કહેતાં હોઈએ છીએ કે, એ બંને કેવી રીતે વાત કરતા’તાં નહીં? કોઈ પોતાના જીવનસાથી સાથે આવી રીતે વાત કરે ખરું? સંબંધ ભલે ગમે તે હોય પણ ઘનિષ્ઠતા કેટલી છે એ તો વાત કરવાના ટોનથી જ વર્તાઈ જતું હોય છે.
સંવાદની એક કક્ષા હોય છે. માણસના શબ્દો એનું વજૂદ નક્કી કરે છે. કોણ કેવા શબ્દો વાપરે છે તેનાથી તેની બૌદ્ધિકતા મપાતી હોય છે. શબ્દોનું મૂલ્ય તેને કોણ કેવી રીતે વાપરે છે તેના પરથી નક્કી થતું હોય છે. એક સમજુ માણસ હતો. તે એક સંતને નિયમિત રીતે મળતો હતો. બંને વચ્ચે સત્સંગની કક્ષાનો સંવાદ થતો હતો. એક વખત એ માણસે સંતને પૂછ્યું, બધા સાથે વાત કરવાની કેમ મજા નથી આવતી? આપણે વાત કરવા માટે પણ કેમ સિલેક્ટિવ બની જતા હોઇએ છીએ? ક્યારેક કોઇ સાથે વાત કરવાનું પણ મન નથી થતું. એના પ્રત્યે કોઈ રોષ, કોઇ નારાજગી કે કોઇ અણગમો નથી હોતો પણ એવો વિચાર આવી જાય છે કે, એની સાથે શું વાત કરવી? સંતે કહ્યું, હું સાધુ છું. મારી દુનિયા અલગ છે. તમે સંસારી છો. સમાજમાં રહો છો. બધા આપણા જેટલા બૌદ્ધિક હોય એવું જરૂરી નથી. એવી અપેક્ષા પણ રાખી ન શકાય. બાળકની સાથે આપણે એ સમજે એવી ભાષામાં વાત કરીએ છીએ, એવી જ રીતે જે વ્યક્તિની જે કક્ષા હોય એ લેવલે આવીને વાત કરવાની હોય છે. આપણી સામે જે માણસ હોય એની સાથે એના જેવા થઈને વાત કરીએ એ પણ સમજણની જ એક નિશાની છે. આપણી બૌદ્ધિકતા આપણા માટે જ ભાર બનવી ન જોઈએ. ઘરમાં તો નહીં જ. પરિવારમાં આપણે બીજા જેવા જ એક સભ્ય છીએ. ઘણી વખત આપણે ઘરમાં જ ભેદભાવ કરતા હોઈએ છીએ.
કોઈ સંવાદ ક્યારેય એકસરખો રહેતો નથી. માણસના મૂડ અને માનસિકતા બદલાતાં રહેતાં હોય છે. એક ક્ષણમાં માણસનું વર્તન બદલાઈ જતું હોય છે. આપણે બસ એટલી તકેદારી રાખવાની હોય છે કે, કોઈ ગમે એટલું બદલાય આપણામાં બદલાવ ન આવવો જોઇએ. જો આપણે પણ બીજા જેવા થઈ જઈએ તો આપણી સમજમાં કંઇક ખામી છે એવું સમજવું. સંબંધ સહજ હોવા જોઇએ. સંબંધમાં બૌદ્ધિકતા પણ વચ્ચે ન આવવી જોઇએ. હા, માણસની વૃત્તિ પારખતા રહેવું પડે છે. એક છોકરો અને એક છોકરી બહુ સારા દોસ્ત હતાં. બંને બધી વાત એકબીજા સાથે શૅર કરતાં હતાં. સમય જતાં છોકરીના વર્તનમાં પરિવર્તન જોવા મળ્યું. છોકરી બધી વાત કરતી નહોતી. છોકરાએ પણ તેની દોસ્તનો મિજાજ જાણીને ધીમેધીમે અંતર બનાવી લીધું. વાતો ઓછી થતી ગઈ. મળવાનું ઘટતું ગયું. એક વખત બંને મળ્યાં. છોકરીએ સવાલ કર્યો, આપણે હવે ઓછી વાતો કરીએ છીએ નહીં? છોકરાએ સારી ભાષામાં કહ્યું કે, હવે તારી વાતોમાં અગાઉ જેવી આત્મીયતા વર્તાતી નથી. મને એવું લાગ્યું કે, હવે બધી વાત કરવાની તારી મરજી નથી. છોકરીએ કહ્યું, તારી વાત સાચી છે. હું હમણાં ઓછી વાત કરું છું. તું તો મારો દોસ્ત છેને? તેં કેમ ન પૂછ્યું કે, શું વાત છે? કેમ આપણી વચ્ચે ડિસ્ટન્સ જેવું લાગે છે? દરેક વખતે છોડી દેવું એ જ વિકલ્પ હોતો નથી. દૂર થતાં હોઈએ એવું લાગે તો નજીક આવવાનો પ્રયાસ પણ થવો જોઇએ. આપણી વચ્ચે તો કંઈ જ નથી થયું. વિવાદ થાય તો પણ સંવાદ થવો જોઇએ. કદાચ તો વિવાદના સમયે જ સંવાદની સૌથી વધુ આવશ્યક્તા હોય છે.
દરેક કેસમાં જોડાયેલા રહેવું પણ શક્ય બનતું નથી. અમુક વખતે આપણને એવું લાગે કે, હવે અહીં મારી જરૂર નથી ત્યારે ત્યાંથી ખસી જવું એ પણ ડહાપણની જ નિશાની છે. બસ, એટલી ખાતરી કરી લેવાની હોય છે કે, જે થઇ રહ્યું છે એના માટે આપણે જવાબદાર નથી. આપણે ક્યારેય એ વિચારીએ છીએ કે, આપણે જ્યારે વાતો કરીએ છીએ ત્યારે એ વાતોના વિષયો કયા અને કેવા હોય છે? દરેક વખતે ગંભીર વાત કરવી જરૂરી હોતી નથી. વાત ગમે તે હોય એમાં ડેપ્થ હોય એ જરૂરી છે. છીછરા લોકો સાથે છબછબિયાં જ થવાના છે. ઘણા લોકો સાથે વાત કરવાની એક મજા હોય છે. વાત ચાલતી હોય ત્યારે એવું લાગે જાણે આપણામાં કંઈક ઉમેરાઇ રહ્યું છે. માણસ આખરે તો એક સોર્સ હોય છે. કેટલાંક લોકોમાંથી આપણને પ્રેરણા મળતી હોય છે. એવું એમ જ તો નહીં કહેવાતું હોયને કે, એવા લોકોની નજીક રહો જે તમારા માટે દીવાદાંડી બની રહે. જિંદગીના પાઠ અનુભવી પાસેથી જ શીખવા મળતા હોય છે.
એક સંત હતા. એક માણસે તેને પૂછ્યું, સંગ કેવા લોકોનો કરવો જોઈએ? સંતે કહ્યું, જેને મળીને હળવાશ લાગે એવા લોકોને મળતા રહેવું જોઈએ. કમનસીબી એ છે કે, લોકો હવે ધનવાન કે સેલિબ્રિટી તરફ દોડતા રહે છે. મહાનતાની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. જ્ઞાન, સમજ, ડહાપણ સંપત્તિનાં મોહતાજ નથી. ક્યારેક સાવ સામાન્ય માણસ પણ એવી વાત કરી નાખે છે કે આપણે વિચારતા થઈ જઈએ. એક ઓફિસર હતા. એક દિવસ એ ટેન્શનમાં હતા. તેનો એક પ્યૂન હતો. તેણે જોયું કે, સાહેબ આજે કંઈક મૂંઝાયેલા છે. પ્યૂને કહ્યું, સાહેબ, એક વાત કરું? દિલ પર કોઇ ભાર ન રાખો. ભાર હંમેશાં આપણને દબાવી અને ડરાવી રાખે છે. બધું પકડી પણ ન રાખો. થોડુંક ઉપરવાળા પર પણ છોડી દો. આપણું ધાર્યું થાય તો સારી વાત છે પણ આપણું ધાર્યું ન થાય એવું પણ શક્ય છે. ભાર ખંખેરી નાખો અને દિલ જે કહે એ કરો. સાહેબે પ્યૂનની સામે જોયું. હસ્યા અને પ્યૂનને થેંક યુ કહ્યું. તેણે કહ્યું કે, તારી આ વાત હું જિંદગીભર યાદ રાખીશ. કેટલીક વાતો આખી જિંદગી યાદ રાખવા જેવી હોય છે અને કેટલીક વાતો લાંબો વિચાર કર્યા વગર ભૂલી જવાની હોય છે. આપણે શું યાદ રાખીએ છીએ અને શું ભૂલી જઇએ છીએ તેના પરથી જ આપણાં સુખ કે દુ;ખ નક્કી થતાં હોય છે. બાય ધ વે, તમારો સંવાદ, તમારા શબ્દો કોઇને શાંતિ કે સાંત્વના આપે છે? આપણને એકલા પાડી દે અને આપણને આપણા જ ભાર નીચે દબાવી દે એવું જ્ઞાન નિરર્થક છે. ગ્રેસ, ડેપ્થ અને નોલેજ છેલ્લે તો આપણને અને આપણી સાથે હોય એને હળવા બનાવવાં જોઈએ.
છેલ્લો સીન :
જિંદગીમાં કશું જ કાયમી નથી. સંબંધ પણ તેનું આયુષ્ય લઈને આવે છે. સંબંધ વિદાય લે તેનો વાંધો નહીં પણ સંબંધની કતલ થાય ત્યારે વેદના થાય છે. જેના પર ભરોસો કર્યો હોય એ દગો કરે ત્યારે સવાલ થાય છે કે, જેને પોતાના સમજ્યા હતા એણે આવું કર્યું તો હવે વિશ્વાસ કોના પર કરવો?       -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 23 જુલાઈ, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *