મન તો થાય છે કે કહી દઉં,
પણ જવા દે, કંઈ નથી કહેવું
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
દિન કુછ ઐસે ગુજારતા હૈ કોઈ, જૈસે અહેસાન ઉતારતા હૈ કોઈ,
દિલ મેં કુછ યૂં સંભાલતા હૂં ગમ, જૈસે જેવર સંભાલતા હૈ કોઈ,
આઇના દેખ કર તસલ્લી હુઈ, હમકો ઇસ ઘર મેં જાનતા હૈ કોઈ,
દેર સે ગુંજતે હૈ સન્નાટે, જૈસે હમકો પુકારતા હૈ કોઈ.
-ગુલઝાર.
મન તો એવું થાય છે ને કે બધું જ કહી દઉં. સાવ સાચ્ચે સાચ્ચું અને ચોખ્ખેચોખ્ખું, બધું જ કહી દેવું છે. જોકે, પછી વિચાર આવે છે કે, કહી તો દઉં, પણ એનો કોઈ અર્થ છે ખરો? એને ક્યાં કંઈ ફેર પડે છે? વિચાર આવે છે કે જવા દે, કંઈ નથી કહેવું. મારો બળાપો મને જ મુબારક. ભલે બધું ધરબાયેલું રહ્યું મનમાં! જેને કંઈ જ ફેર પડતો ન હોય એને કંઈ કહેવાનો કોઈ મતલબ નથી. એ એની દુનિયામાં મસ્ત છે. એનો કોઈ સ્વાર્થ હતો? ના, એવું તો કંઈ લાગતું નહોતું. એણે આવું કર્યું એ એની મજબૂરી હશે? કદાચ! બાકી એ આવું કરે એવી વ્યક્તિ તો નથી. તો પછી એણે આવું કેમ કર્યું? એને કંઈ વિચાર ન આવ્યો? એને કોઈ વાત યાદ આવતી નહીં હોય? મને જેવું થાય છે એવું એને કંઈ નહીં થતું હોય? એનેય કદાચ થતું તો હશે. મને કેમ હજુ એનો કોઈ વાંક નથી દેખાતો? કેમ હજુ એ નિર્દોષ જ લાગે છે? આવું બધું કરીને હું આશ્વાસન તો નથી મેળવતો ને? હરીફરીને છેલ્લે એવો જ વિચાર આવે છે કે, જવા દે ને, શું ફેર પડે છે? ફેર નથી પડતો તો પછી એના આટલા બધા વિચારો કેમ આવે છે?’
કોઈ હાથ છૂટે, કોઈ સાથ ખૂટે ત્યારે કેટલી બધી વાતો મનમાં જ ચાલતી હોય છે! જિંદગીમાં કેટલીક એવી ઘટનાઓ બનતી હોય છે જે સવાલો છોડી જાય છે. એણે કેમ આવું કર્યું? મારી સાથે કેમ આવું થયું? શું મને મૂરખ બનાવ્યો? મારે એને કહી દેવાની જરૂર હતી? મેં કેમ કંઈ કહ્યું નહીં? મારે કહી દેવું જોઈતું હતું? આપણે જવાબો મેળવવાની કોશિશ કરીએ છીએ. જવાબો શોધીએ છીએ. થોડાક જવાબો મળે છે. કદાચ એ સાચા હોય છે, કદાચ એ ખોટા હોય છે. જવાબ મળી ગયા પછી પણ એમ તો થાય જ છે કે, જવા દે ને! એને તો આ જવાબની પણ ક્યાં પરવા છે? જે પ્રશ્નો છોડીને જાય છે એને જવાબ ક્યાં જોઈતા હોય છે? એને તો જવું હોય છે એના રસ્તે! એવા પણ વિચાર આવે છે કે, એ મળી જ ન હોત તો કે એ મળ્યો જ ન હોત તો કેવું સારું હતું! હું ગયો જ ન હોત તો, મેં વાત આગળ વધારી જ ન હોત તો, હું આટલો ઇન્વોલ્વ જ ન થયો હોત તો, મેં પહેલેથી જ ડિસ્ટન્સ મેઇન્ટેઇન કર્યું હોત તો કેવું સારું હતું! એવું થાય છે કે લાગણીમાં આવીને મેં ભૂલ કરી છે. આ પેઇન, આ ઉદાસી, આ વેદના અને આ ઉકળાટ એના જ કારણે છે.
સંવેદનાઓ ક્યારેક સોંસરવી ઊતરતી હોય છે. સારા હોવાની પણ અમુક સજા ભોગવવી પડતી હોય છે. કોઈ અપેક્ષા ન હોય, કોઈ સ્વાર્થ ન હોય, કોઈ ખોટો ઇરાદો ન હોય તો પણ સાથ છૂટતો હોય છે. દર વખતે ગેરસમજ કે ઝઘડાથી જ વાત ખતમ નથી થતી. અમુક વખતે સંબંધો એવા કારણે અટકી જતા હોય છે જેનું કોઈ ખાસ કારણ જ નથી હોતું. એક છોકરા અને એક છોકરીની આ વાત છે. બંનેને એકબીજા સાથે બહુ જ બને. એકબીજાને બધી જ વાત કરે. છોકરા માટે તો એની દોસ્ત સર્વસ્વ હતી. તે કહેતો તું એક જ મારી દોસ્ત છે જેને હું બધી વાત કરું છું. છોકરી પણ તેને બધી જ વાત કરતી. રોજ વાત કર્યા વગર બંનેને ચાલે જ નહીં. એક દિવસ છોકરીએ કહી દીધું કે હવેથી હું તને મળીશ નહીં કે ફોન પર વાતેય નહીં કરું. મારી લાઇફમાં કોઈ છે. હું તારી સાથે વાત કરું છું એ એને નથી ગમતું. અચાનક એક સંબંધનો અંત આવી ગયો. છોકરો સારો હતો. તેણે કહ્યું કે, ફાઇન, નો પ્રોબ્લેમ. તું મજામાં રહેજે. તું જ્યારે યાદ આવીશ ત્યારે હું તારા માટે પ્રાર્થના કરીશ કે તું ખૂબ ખુશ રહે.
ઝઘડીને, એકબીજા પર આક્ષેપો કરીને, એકબીજાના વાંક કાઢીને અથવા તો એકબીજાને ગાળો દઈને છૂટા પડવા કરતાં પ્રેમથી, સલુકાઈથી અને સાત્ત્વિકતાથી જુદા પડવામાં ક્યારેક વધુ વેદના થાય છે. આવું થવું જોઈતું ન હતું. છોકરાને વિચારો આવતા અને એવું કહેવાનું પણ મન થઈ આવતું કે, તું તો કહેતી હતી ને કે, હું તને કોઈ દિવસ નહીં ભૂલું? આખી જિંદગી તું મારો એક હિસ્સો રહીશ! એક દિવસ મેસેજ ન થાય તો તું મેસેજ કરતી કે હું જીવું છું હોં! નાનકડી ખરીદી કરતી તો પણ ફોટો મોકલતી કે જો તો કેવું છે? મને ક્યાં તારા પ્રેમ કે તારા પ્રેમી સાથે કોઈ પ્રોબ્લેમ છે? હું તો હંમેશાં એવું ઇચ્છતો હતો કે તમે બંને ખુશ રહો, એકબીજાને બહુ પ્રેમ કરો. મને એ તો કહે કે તેં મારી સાથે આવું કેમ કર્યું? મારે હવે કોની સાથે વાત કરવી? જોકે, પછી થતું કે જવા દે ને, કંઈ કહેવું નથી.
આપણા બધાંનાં મનમાં કેટલું બધું ચાલતું હોય છે? કેટલું બધું આપણે કહેવું હોય છે? જેને કહેવું હોય એને કહી ન શકાય ત્યારે સવાલ થાય છે કે કોને કહું? બધી વાત બધાને ક્યાં કહી શકાતી હોય છે? બધા ક્યાં સમજી પણ શકતા હોય છે. કેટલી બધી અંગત વાતો અંદર જ રહી જતી હોય છે? એક યુવાન ટ્રેનમાં સફર કરતો હતો. લાંબી જર્ની હતી. તેની બાજુની સીટમાં એક બીજો યુવાન સફર કરતો હતો. બંને વચ્ચે હાય-હલો થયું. થોડોક પરિચય થયો. પેલો યુવાન ધીમે ધીમે પોતાની બધી જ અંગત વાતો કહેવા લાગ્યો. એની સાથે શું થયું, કોણે શું કર્યું, મેં શું કર્યું, બધી જ વાતો કહી. બાજુમાં બેઠેલા યુવાનને સમજાતું ન હતું કે, મારે તો આની સાથે આ સફરનો જ પરિચય છે તો પણ એ મને કેમ બધી વાતો કહે છે? પેલો યુવાન તો કહેતો જ રહેતો હતો. સફર પૂરી થવામાં હતી. વાતો સાંભળનારા યુવાને છેલ્લે પૂછ્યું, તું કેમ તારી અંગત વાતો મને કહે છે? પેલા યુવાને આંખમાં આંખ પરોવીને એટલું જ કહ્યું, કારણ કે હું આવી અંગત વાતો મારા અંગત લોકોને કરી શકતો નથી! એની આંખો ભીની હતી.
આપણી અંદર ધરબાયેલું ઘણું બધું લાવાની જેમ ઊછળતું રહે છે. દિલ પર એવો ભાર લાગે છે જાણે હમણાં દિલ ફાટી જશે. ક્યાંક દૂર જઈ એકલા બેસી જવાનું મન થાય છે. રડવાનું મન થાય છે, પણ રડી શકાતું નથી. નજીકની વ્યક્તિ જ્યારે આપણને સમજી ન શકે ત્યારે આપણને જ ઘણું બધું સમજાતું નથી. બહુ બધું કહેવાનું મન થાય છે, પણ કંઈ કહેવાની ઇચ્છા જ નથી થતી. બ્રેકઅપ, ડિવોર્સ, દોસ્તીમાં દરાર કે બીજા કોઈ સંબંધમાં જ્યારે ગેપ આવે ત્યારે ઘણું બધું સમજની બહાર હોય છે. બે મિત્રો છૂટા પડતા હતા. એક મિત્ર ખુલાસાઓ કરવા જતો હતો ત્યારે બીજા મિત્રે કહ્યું, કંઈ જ ન કહે, કંઈ જ ન બોલ. કંઈ ખુલાસાની જરૂર નથી. અમુક વાર્તાઓ અચાનક જ પૂરી થતી હોય છે. બધી વાર્તાના અંત જ હોય એવું જરૂરી તો નથી. ગુડબાય. એ મિત્ર એક શબ્દ બોલ્યા વગર કે કંઈ સાંભળ્યા વગર ચાલ્યો ગયો. અમુક સંબંધ અધૂરા રહી જતા હોય છે. એ સમજાતા જ નથી. ખટક્યા રાખે છે.
કોઈ કંઈ કહે નહીં ત્યારે આપણને એવો સવાલ થાય છે ખરો કે એણે કેમ કંઈ ન કહ્યું? મૌનમાં ક્યારેક સવાલો છુપાયા હોય છે. એ સવાલો બહાર આવતા નથી. તેનું કારણ એ હોય છે કે આપણે એના જવાબો જ જોઈતા હોતા નથી. આપણને સવાલ થાય છે કે જવાબો મેળવીને પણ શું મળી જવાનું છે? પોસ્ટમોર્ટમથી મોતનું કારણ મળતું હોય છે, જિંદગી નહીં! સંબંધ પૂરા થયા પછી તેનાં કારણો વધુ વેદના આપતાં હોય છે. એક પ્રેમીયુગલ હતું. થોડા સમયની રિલેશનશિપ પછી બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. પ્રેમિકાની એક ફ્રેન્ડ યુવાનને મળી. તેણે કહ્યું, હું એની પાસે જાઉં છું. તારે કંઈ કહેવું છે? એને કોઈ મેસેજ આપવો છે? એક ઊભરો ગળા સુધી આવી ગયો. છેલ્લે એટલું કહ્યું, એને કહેજે કે મારે કંઈ જ કહેવું નથી! જવા દે ને, મારા વિશે કંઈ વાત જ ન કરતી. પૂછે તો પણ કહી દેજે કે આપણે મળ્યાં જ નથી! છોકરીએ પૂછ્યું કે એવું કેમ? તારા મનમાં કંઈ કડવાશ છે? યુવાને કહ્યું, ના કંઈ જ કડવાશ નથી, કંઈ જ નારાજગી નથી, થોડીક વેદના છે અને એ સહન કરવાની મારામાં તાકાત છે.
જવા દે, કહી દીધા પછી પણ ક્યાં બધું ખતમ થઈ જાય છે? એ તો અંદર ને અંદર વલોવાતું જ રહે છે. જ્યારે કંઈ કહેવાનો મતલબ ન લાગે ત્યારે કંઈ ન કહેવું જોઈએ. જેને ફેર પડતો હશે એને તમે કંઈ નહીં કહો તો પણ બધું સમજાઈ જશે અને જેને ફેર નથી જ પડતો એને ગમે એટલું કહેશો તો પણ કોઈ અર્થ સરવાનો નથી! બધું બધાને કહી દેવું પણ થોડું જરૂરી છે? દિલની વાત દિલમાં જ રહે એની પણ મજા હોય છે. અમુક યાદોને પેમ્પર કરી ઘડી વાળી અને પાછી મૂકી દેવાની. ધ્યાન બસ એટલું રાખવું કે એનો ભાર લાગવો ન જોઈએ. ભાર લાગશે તો ભાંગી જશો. આપણે ભારે થઈ જઈએ કે ભાંગી જઈએ તો પણ એને કંઈ ફેર પડવાનો છે ખરો? અમુક સંબંધોમાં ફેર માત્ર આપણને પડતો હોય છે અને એટલે જ એવો વિચાર આવી જાય છે કે જવા દે, કોઈને કંઈ નથી કહેવું.
છેલ્લો સીન :
જેને તમારા મૌનનું મૂલ્ય નહીં હોય, એને તમારા શબ્દોની પણ કોઈ કિંમત નહીં હોવાની! -કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 26 ડિસેમ્બર 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com
Sir you are truly is amazing, I am reading you all articles in Divya Bhaskar on regular basis. Your writing is so real and powerful that one can relate easily, your skills are impressive and I wonder how one can put so easily in words. I can relate most of things in this particular article.Thank you Sir for explaining reality in simple words and adding wisdom in our thoughts.After reading your each articles, we get new perspective of thinking. Keep writing, long live.
Thank you.
Jabarjast
Thank you.
Sir….same situation ….pn aapn nekm kbrke aapde aeni jetli rah jota hsu etli j ae pn aapdi jove 6 ??
🙂 Shubhkamnao.