સાવધાન! અંધશ્રદ્ધા પણ
હવે હાઇટેક થઈ ગઈ છે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
સોશિયલ મીડિયા પર કોઇ દેવી કે માતાજીનો ફોટો
મૂકીને લખવામાં આવે છે કે, જો તમે લાઇક
નહીં કરો તો તમારું ધનોતપનોત નીકળી જશે!
આવું તો બીજું ઘણું બધું ચાલે છે.
———–
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે સાવ પાતળી ભેદરેખા છે. બંને વચ્ચે બહુ સૂક્ષ્મ ભેદ છે. આ બંને વચ્ચેનો તફાવત જેને સમજાતો નથી એ જિંદગીમાં ગમે ત્યારે આડાપાટે ચડી જાય છે. ધર્મ, ભક્તિ, પૂજા અને શ્રદ્ધા ખૂબ જ જરૂરી છે એ વાતથી બિલકુલ ઇન્કાર ન થઇ શકે, પણ એનુંયે પ્રમાણભાન જળવાવું જોઇએ. શ્રદ્ધાના નામે ધતિંગ ચલાવનારાઓની એક આખી જમાત સતત એક્ટિવ રહે છે. એ માણસની નબળાઇ જાણીને તેને પોતાના સકંજામાં લે છે. હવે જમાનો હાઇટેક થયો છે. લોકો સોશિયલ મીડિયા પર અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે. હમણાંનો જ એક કિસ્સો છે. ફેસબુક પર એક ભાઇએ એક તસવીર અપલોડ કરી. આ ફ્લાણા ઢીકણાનું પવિત્ર સ્થળ છે. તમે જો આને લાઇક કરશો તો ચોવીસ કલાકમાં તમને ફાયદો થાય એવા સમાચાર મળશે. કમેન્ટમાં પ્રણામ લખો. જો તમે લાઇક નહીં કરો તો થોડા જ દિવસોમાં તમારું ધનોતપનોત નીકળી જશે. એ સિવાય પણ જાતજાતની વાતો લખી હતી. ગભરુ લોકો આવી વાતો વાંચીને ફફડી જાય છે. એ ડરતાં ડરતાં લાઇક કરી દે છે. લાઇક કરવામાં આપણું શું જાય છે? લાઇક ન કરીએ અને કદાચ કંઇક ન થવાનું થાય એના કરતાં લાઇક કરી દેવી સારી! લોકો કમેન્ટમાં પણ જય, પ્રણામ, વંદન વગેરે લખે છે. જે લોકો આવી પોસ્ટ કરે છે એણે પોતાના લોકોને પણ કામે લગાડ્યા હોય છે. એ લોકો કમેન્ટમાં લખે છે કે, ખરેખર મેં લાઇક કરી અને મને થોડા જ સમયમાં નોકરી મળી ગઇ. લોકો ડરે એ માટે એવી કમેન્ટ પણ લખવામાં આવે છે કે, મારાથી લાઇક ન કરવાની ભૂલ થઇ ગઇ હતી. મને ખરાબ સમાચાર મળ્યા. મને માફ કરજો. હું લાઇક કરી દઉં છું. લોકો હવે માત્ર પોસ્ટ જ નથી વાંચતા, કમેન્ટ્સ પણ વાંચે છે. અલબત્ત, તેમાં કેટલાક લોકો એવું પણ લખતા હોય છે કે, શું હાલી નીકળ્યા છો, આવું બધું કરતા તમને શરમ નથી આવતી? કોઇ લોકો એ પોસ્ટ સામે જે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફરિયાદ પણ કરે છે. જોકે, આવી પોસ્ટ કરનારા નેગેટિવ કમેન્ટ્સ તરત જ ડિલીટ કરી નાખતા હોય છે. નેગેટિવ કમેન્ટ કરનારને પર્સનલ મેસેજમાં શાપથી માંડીને ધમકી આપવાના પ્રયાસો પણ થતા રહે છે.
પોસ્ટકાર્ડનો યુગ હતો ત્યારે લોકોના ઘરે પોસ્ટકાર્ડ આવતા. પોસ્ટકાર્ડમાં ઉપર જ એવી સૂચના લખવામાં આવતી કે, આખા પોસ્ટકાર્ડની વાત ધ્યાનથી વાંચજો અને જો તમારું સુખ ઇચ્છતા હોવ તો એમાં લખ્યું છે એ મુજબ કરજો. પોસ્ટકાર્ડમાં કોને ફાયદો થયો અને કોને ખોટ ગઇ તેની વાતો લખીને છેલ્લે એવું કહેવાતું કે, આવા બીજા આટલા પોસ્ટકાર્ડ છપાવીને તમારા સગાંવહાલાં અને જાણીતાને પોસ્ટ કરજો. કેટલાકમાં મોકલનારનાં સાચાં નામ અને સરનામાં હોય, બાકી તો નામ વગર જ આવું બધું ચાલતું રહે. કોઇને ખબર જ ન પડે કે, પોસ્ટકાર્ડ કોણે મોકલ્યું છે. દરેક માણસ કોઇ ને કોઇ પરેશાનીનો સામનો કરી જ રહ્યા હોય છે. એવામાં આવા પોસ્ટકાર્ડ ટેન્શન વધારી દેતા હતા. કેટલાકની એવી હિંમત હતી કે, પોસ્ટકાર્ડ ફાડીને કચરામાં ફેંકી દે, પણ મોટાભાગના લોકો પોસ્ટકાર્ડ છપાવીને મોકલી આપતા. બધું કરી લીધા પછી પણ પોસ્ટકાર્ડ ફાડવાની તેમની હિંમત થતી નહોતી. ભગવાન કે દેવી નારાજ થઇ જાય તો? આખરે એ પોસ્ટકાર્ડને નદીમાં વહાવી દેવામાં આવતાં હતાં. હવે પોસ્ટકાર્ડનો યુગ નથી. દુનિયા અત્યારે પોસ્ટકાર્ડને ભૂલીને પોડકાસ્ટ સુધી પહોંચી ગઇ છે, પણ કેટલાક લોકો માન્યતા અને માનસિકતાના સ્તરે હજુ જ્યાં હતા ત્યાંના ત્યાં જ છે. લેભાગુઓ અને બદમાશો પણ તેમનો પૂરેપૂરો ફાયદો ઉઠાવતા રહે છે.
વોટ્સએપ પર પણ અંધશ્રદ્ધા ફેલાવે એવા જાતજાતના મેસેજો આવતા રહે છે. વાતમાં કોઇ દમ ન હોય તો પણ એવું લખવામાં આવે છે કે, આવું કરશો તો તમારું કલ્યાણ થઇ જશે. મેસેજના અંતે એમ પણ લખ્યું હોય છે કે, આ મેસેજ તમારા જેટલા ગ્રૂપ હોય એ બધામાં શેર કરજો, ચોવીસ કલાકમાં તમારું ભલું થશે. ભલું થવાની વાત લોકો હજુ પણ નજરઅંદાજ કરે છે, પણ જો ફોરવર્ડ નહીં કરો તો તમારી માઠી દશા શરૂ થઇ જશે એ વાત લોકોને ડરાવે છે. કેટલાકને તો ત્યાં સુધીના વિચારો આવે છે કે, આના કરતાં તો આ મેસેજ જોયો જ ન હોત તો સારું હતું. બહુ ઓછા લોકો એવા હોય છે જે આવા મેસેજને ઇગ્નોર કરે અથવા તો મોકલનારને બ્લોક કરી દે. આપણે પણ જે ગ્રૂપમાં હોઇએ એમાં કેટલાક મેસેજ એવા આવતા હોય છે જે જોઇને મગજની નસો તંગ થઇ જાય. તમે કોઇને રોકી શકતા નથી. ટોકવા જઇએ તો ખરાબ લાગી જવાનો ડર રહે છે.
ડિજિટલ ડિસિપ્લિન એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આપણે બીજું કંઇ ન કરીએ પણ એટલું તો ચોક્કસ કરી શકીએ કે શંકાસ્પદ અને વિવાદાસ્પદ મેસેજને આગળ ન ધકેલીએ. જે લોકો આવું કરે છે એને સમજાવીને રોકવાનો પ્રયાસ કરીએ. જો એ સમજે એમ ન જ હોય તો એટલિસ્ટ આપણે આવા બધાથી દૂર રહીએ. વોટ્સએપ યુનિવર્સિટીમાં અત્યારે જે બધું બેફામ ચાલી રહ્યું છે એણે અનેક ચિંતાઓ પેદા કરી છે. સાચી વાત તો એ છે કે, સોશિયલ મીડિયા પરની કોઇ વાત સાચી માનવામાં પૂરેપૂરું જોખમ છે. હવે ટેક્નોલોજી ત્યાં સુધી પહોંચી ગઇ છે કે, કોઇ સ્ક્રીન પર બોલતું હોય પણ એ સદંતર ખોટું હોય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ડિપફેક વીડિયો બની શકે છે. કોઇનો પણ ફેક વીડિયો અને નકલી અવાજ બની શકે છે. આપણે તેને રોકી શકવાના નથી. આપણે રોકાઇ જઇએ તો પૂરતું છે.
ધર્મના નામે લોકોને છેતરવામાં આવે છે. દાનનું કહીને નાણાં માંગવામાં આવે છે. એક સાવ સાચો કિસ્સો છે. સોશિયલ મીડિયા પર ગૌશાળાના ફોટા અને વીડિયો મૂકીને માત્ર એકસો એક રૂપિયાનું દાન આપવા માટે અપીલ કરવામાં આવી. અમારે વધારે નથી જોઇતા, ટીપે ટીપે સરોવર ભરાય એવું અમે માનીએ છીએ. તમારી નાનકડી રકમ આ મૂંગાં પશુઓ માટે બહુ મહત્ત્વની બની રહેશે. ઘણા શ્રદ્ધાળુ લોકોને એમ થયું કે, એકસો એક રૂપિયામાં ક્યાં આપણને કોઇ ફેર પડવાનો છે. જે નંબર આપ્યા હતા એ નંબર પર રૂપિયા મોકલ્યા અને થોડા જ સમયમાં આખું બેંક એકાઉન્ટ ખાલી થઇ ગયું. સોશિયલ મીડિયાની કોઇ પોસ્ટ પરથી દયાળુ કે ભાવુક થવાની બિલકુલ જરૂર નથી. ધુતારાઓ જાળ પાથરીને જ બેઠા છે.
સોશિયલ મીડિયા પર જોવા મળતી કોઇ ક્રિયા, કરમ, વિધિ, વિધાનની વાતોમાં પડવા જેવું હોતું નથી. નસીબ બદલાવી નાખવાની વાતો કરનારાથી ખાસ ચેતવા જેવું હોય છે. આમ કરો તો તેમ થશે એવી વાતોમાં આવવું નહીં. બીજી એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે, મફતમાં કે સાવ સસ્તામાં કંઇ મળતું નથી. આપણને ખબર હોય કે આ વસ્તુ મિનિમમ હજાર રૂપિયાની આવે છે અને એ કોઇ રૂપિયા દસ-વીસમાં આપવાની વાત કરે તો સમજી જવાનું કે કંઇક લોચો છે. લાલચ બૂરી બલા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી હવે માણસની નબળી કડી પણ આસાનીથી ખબર પડી જાય છે. તમે ધાર્મિક વીડિયોઝ જોતા હોવ અને એવી પોસ્ટને લાઇક કરતા હોવ એટલે ધુતારાઓને ખબર પડી જાય છે કે, આ ભાઇની શ્રદ્ધા સાથે ખિલવાડ થઇ શકે એમ છે. હવેનો સમય ડગલે ને પગલે સાવધાન રહેવું પડે એવો થઇ ગયો છે! બચવું હોય તો જરાયે બેદરકાર રહેવું પોષાય એમ નથી.
—————-
પેશ-એ-ખિદમત
સાથી મેરે કહાં સે કહાં તક પહુંચ ગયે,
મૈં ઝિંદગી કે નાઝ ઉઠાને મેં રહ ગયા,
બઢતે ચલે ગયે જો વો મંઝિલ કો પા ગયે,
મૈં પથ્થરોં સે પાંવ બચાને મેં રહ ગયા.
– ઉમૈર મંજર
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 02 જુલાઇ, 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
