યાદશક્તિનું અગડંબગડં : યાદ
રાખવા જેવું યાદ રહે તો ઘણું!
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
કોઇ માણસને વધુ તો કોઇને કેમ ઓછું યાદ રહે છે
એ વિશે કોઇ છાતી ઠોકીને કંઇ કહી શકે તેમ નથી!
માણસ કંઇ ભૂલી શકતો ન હોત તો
એની હાલત કેવી દયાજનક હોત?
પ્રેક્ટિસથી યાદશક્તિ વધારી શકાય છે
એવા દાવાઓ થઇ રહ્યા છે.
ચહેરો યાદ હોય પણ નામ યાદ ન આવે
એવું ઘણા લોકો સાથે બનતું આવ્યું છે!
યાદશક્તિ ગજબની ચીજ છે. જે ભૂલવું હોય એ લાખ ધમપછાડા કરીએ તો પણ ભુલાતું નથી અને જે યાદ રાખવું હોય એ મહામહેનતે પણ યાદ રહેતું નથી. તમે જરાક યાદ કરો, એક ઘટના તમારી સાથે ક્યારેક તો બની જ હશે. અચાનક કોઇ વ્યક્તિ મળી જાય, સામેથી હલો કરીને વાત શરૂ કરી દે. એનો ચહેરો પરિચિત હોય પણ આપણને ખુદને સવાલ થાય કે આ ભાઇનું કે બહેનનું નામ શું? ઘણી વખત તો વાતો પૂરી થઇ જાય અને ટાટા-બાયબાય થઇ જાય ત્યાં સુધી એનું નામ આપણને યાદ નથી આવતું! એ ચાલ્યા જાય એ પછી આપણે કોઇને પૂછવું પડે છે કે એમનું નામ શું હતું? ક્યારેક એવું પણ બને કે વાતો ચાલતી હોય, કોઇ રેફરન્સ નીકળે અને આપણને યાદ આવી જાય કે અચ્છા આ તો ફલાણાભાઇ છે!
ક્યારેક વળી એવું પણ બને કે, કોઇ વ્યક્તિ મળે ત્યારે એની સાથે જોડાયેલી તમામ વાતો અને પ્રસંગો યાદ હોય પણ નામ જ ભુલાઇ જાય! કોઇને એની ઓળખાણ કરાવતી વખતે મતિ મૂંઝાઇ જાય કે આની ઓળખાણ કઇ રીતે આપીશ? એનું નામ તો યાદ જ નથી આવતું! એક ભાઇ એવું કહી દેતા કે તમારી ઓળખાણ તમે જ આપી દો! આપણી દાનત ખરાબ નથી હોતી પણ નામ યાદ જ ન આવે તો શું કરવું?
કોઇ કાર્યક્રમમાં કે ટ્રાવેલિંગ દરમિયાન કોઇ પરિચિત ચહેરો જોઇને તરત જ આપણી જાતને જ આપણે સવાલો કરતા રહીએ છીએ. આ ભાઇ કોણ છે? ક્યાં મળ્યા હતા? ચહેરો તો જાણીતો લાગે છે પણ સાલ્લું યાદ નથી આવતું! ક્યાંક ભાંગરો વટાઇ જશે એવા ભયે ઘણા લોકો તો દિશા જ બદલી નાખે છે એમાં પણ કોઇ બહાદુર વળી એવો સવાલ કરે કે બોલો જોવ, મારું નામ શું? આ વખતે શું જવાબ આપવો એ અઘરું થઇ પડે છે. આપણને થાય કે ભલા માણસ, ઉખાણાં પૂછ મા ને! તારું નામ કહી દે ને? કોઇ વળી એવું પૂછે કે, મને ઓળખ્યો? આપણે નાટક કરવું પડે છે કે, આપણે મળ્યા તો છીએ પણ નામ યાદ આવતું નથી!
કોઇ સારો માણસ હોય તો એ વળી પોતાની ઓળખાણ સાથે જ વાત કરે, કે હું ફલાણાભાઇ. એ સાંભળીને ઘણા વળી એવું કહે કે અરે મને બિલકુલ યાદ છે, તમારે કંઇ ઓળખાણ આપવાની થોડી હોય? અંદરખાને તો એમ થતું હોય છે કે સારું થયું તમે નામ કહી દીધું, નહીંતર મારે પૂછવું પડ્યું હોત!
આ ઉપરાંત પણ કેટલું બધું ભુલાઇ જતું હોય છે. ઘરેથી ચાર-પાંચ વસ્તુઓની ખરીદી કરવા નીકળ્યા હોઇએ, મોલ કે દુકાનમાં ગયા પછી બે-ત્રણ જ યાદ આવે! ટેન્શન થઇ જાય કે યાર, શું લેવાનું હતું? જોકે હવે લોકો મોબાઇલમાં સેવ કરી લે છે. આમ તો યાદ રાખવાની ચિંતા ટાળવાનો સૌથી સરળ ઉપાય એ જ છે કે લખી નાખો. યાદ રહી જશે એવા વહેમમાં રહેનારાઓ ભૂલી જાય છે. ઘણા લોકો ઓફિસમાં ચિટ ચોંટાડીને જ રાખે છે કે આમ કરવાનું છે! નજર સામે જ હોય પછી ભૂલવાનો સવાલ જ ક્યાં છે?
પરીક્ષાનું યાદ રાખવું એ સૌથી અઘરી વાત છે. હવે એ તો યાદ રાખવું જ પડે. એનો બીજો કોઇ વિકલ્પ નથી. હા, યાદ રાખવાની અમુક સીધી-સાદી રીતો ચોક્કસ છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના ન્યૂરો સાયન્સ વિભાગના પ્રો. માઇકલ એન્ડરસન કહે છે કે, યાદ રાખવાની સૌથી સરળ રીત એ જ છે જે સદીઓથી ચાલતી આવી છે. યાદ રાખવાનું હોય તેનું ગીત, પંક્તિ, દોહો કે વાર્તા જેવું બનાવી લો એટલે વાંધો નહીં આવે. ટ્યૂશનમાં આવાં જ સૂત્રો અને શોર્ટ ફોર્મ્સ આપીને વિદ્યાર્થીઓને યાદ રાખવાનું કહેવામાં આવે છે.
યાદશક્તિ વિશે સૌથી સરળ વાત તો એ જ છે કે ‘કોન્સન્સ્ટ્રેશન’ હોવું જોઇએ. તમારું ધ્યાન જ ન હોય તો કંઇ યાદ રહેવાનું જ નથી! ટેક ઇટ ઇઝીની વૃત્તિ રાખનારા ઘણું બધું ભૂલી જાય છે. મોબાઇલ ભૂલી જનારાઓની સંખ્યા મોટી છે. ઘરેથી નીકળતી વખતે પાકીટ કે રૂમાલ લેવાનું અથવા તો ઘડિયાળ પહેરતા ભૂલી જનારા લોકો પણ પડ્યા છે. ક્રિએટિવ પીપલ કંઇ ભૂલી જાય તો એવું કહીને છટકી શકે છે કે એ તો છે જ ધૂની! અલબત્ત, એવું હોતું નથી. સચોટ યાદશક્તિવાળા કલાકારો પણ છે. ઘણા વળી ‘સગવડિયા’ હોય છે. યાદ રાખવું હોય એટલું જ યાદ રાખે! બાકી મગજને કષ્ટ નહીં દેવાનું!
તમને રસ્તા યાદ રહે છે? આ પણ એક રસપ્રદ વિષય છે. અમુક લોકો એવા હોય છે જે એક વખત કોઇ રસ્તેથી પસાર થઇ ગયા હોય તો પછી એ ક્યારેય રસ્તો ભૂલતા નથી. આખો રસ્તો જાણે એના મગજમાં ફિટ થઇ ગયો ન હોય! અમુકને રસ્તા યાદ જ રહેતા નથી! એના મગજમાં જીપીએસ સિસ્ટમ જ ગોઠવાઇ હોતી નથી! ગીત, ગઝલ કે શેર-શાયરી અમુક લોકો એવી રીતે બોલતા હોય છે કે એનો વટ પડી જાય. સામા પક્ષે અમુક એવા કવિઓ પણ છે જેને પોતાની રચનાઓ જ યાદ રહેતી નથી! મુશાયરામાં પણ લખીને લાવવી પડતી હોય છે.
ઉંમર થોડીક વધે એ પછી કંઇ યાદ ન આવે ત્યારે માણસ એવું બોલતો હોય છે કે હવે ઉંમર થઇને! આ વિશે પણ મતમતાંતર છે. ઉંમર વધે પછી લોકો ઘણી વાતોને બહુ સિરિયસલી લેતા નથી. એટલે પણ આવું થતું હોય છે. નાના હોઇએ ત્યારે પણ ઘણું ભૂલી જતા હોઇએ છીએ પણ એ વખતે ‘ઠીક છે હવે’ એવું કહીને વાતને ગંભીરતાથી લેતા નથી. મોટા થઇએ પછી એવું લાગવા માંડે છે કે, ઉંમરનું કારણ છે! સાવ એવું પણ નથી હોતું. મોટી ઉંમરે પાવરફુલ યાદશક્તિ ધરાવનારા લોકો પણ પડ્યા છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે લોકોને નજીકથી જાણે છે તે તેમની યાદશક્તિને દાદ આપ્યા વગર રહેતા નથી.
હવે એક યક્ષ પ્રશ્ન, યાદશક્તિ વધારી શકાય ખરી? એ વિશે એવું કહેવાય છે કે પ્રેક્ટિસ કરો તો ફેર ચોક્કસ પડે છે. જેમનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં નોંધાયું છે એવા મેમરી ટુર્નામેન્ટ ચેમ્પિયન બોરિસ નિકોલાઇ કહે છે કે યાદ રાખવા માટે મેં ઘણી પ્રેક્ટિસ કરી હતી. બોરિસે તો તેનું બ્રેઇન સ્કેન કરવાની ઓફર પણ કરી છે. નેધરલેન્ડની રેડબાઉંડ યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરના ડો. માર્ટિન ડ્રેસલર કહે છે કે, મેમરી ચેમ્પિયનશિપના 23 જેટલા સ્પર્ધકોના બ્રેઇન સ્કેન કર્યા પછી એવું સમજાય છે કે, પ્રેક્ટિસ કરવામાં આવે તો યાદશક્તિ વધે છે.
અલબત્ત, સૌથી મોટી વાત તો એ પણ છે કે, યાદ રાખવાની દાનત હોવી જોઇએ અને એના માટે એકાગ્રતા કેળવવાની તૈયારી હોવી જોઇએ. યાદશક્તિ વિશે બીજા પણ જુદા જુદા દાવાઓ કરવામાં આવ્યા છે. એવું પણ કહેવાયું છે કે, નવું યાદ રાખવું હોય તો જૂનું ભૂલતાં શીખો. આમ તો આપણે જૂનું ભૂલતાં જ જતાં હોઇએ છીએ. બચપણની બહુ ઓછી વાતો આપણને યાદ રહેતી હોય છે.
કુદરતની એ પણ સૌથી મોટી કૃપા છે કે આપણને બધું જ યાદ નથી રહેતું! જન્મથી માંડીને આજ સુધીની તમામે તમામ બાબતો યાદ રહેતી હોય તો માણસનું શું થાત? કેટલી બધી કડવાશો મનમાં ભરાઇ રહી હોત? કેટલીક કડવી યાદો તો મહેનત કરીને પ્રયત્નપૂર્વક ભૂલી જવી જોઇએ. યાદ રાખવાની અનેક ટ્રિક્સ પણ બહુ ચર્ચાઇ છે. કોઇ વ્યક્તિને કોઇ ઘટના કે કલ્પના સાથે જોડી દો. કોઇ માહિતીને કોઇ સ્થળ, ચિત્ર કે બીજા કોઇ સાથે સાંકળી લો એવી ઘણી બધી ટ્રિક્સ છે. જોકે એ પણ યાદ રહી જ જશે એની કોઇ ગેરન્ટી આવતી નથી. તમારી યાદશક્તિ સારી છે? જો હા, તો તમે લકી છો. તમારી યાદશક્તિ થોડીક નબળી છે? તો જે યાદ રાખવા જેવું હોય તે યાદ રહે એ માટે તમારી જાતને તૈયાર કરો અને એકાગ્રતા કેળવો. સુખી થવા માટે બધું યાદ રાખવું જરૂરી નથી પણ એક હકીકત એ પણ છે કે સુખી થવા માટે જરૂરી હોય એટલું તો યાદ રાખવું જ પડે!
પેશ-એ-ખિદમત
ઇક તબિયત થી સો વો ભી લા-ઉબાલી હો ગઇ,
હાયે એ તસવીર ભી રંગો સે ખાલી હો ગઇ,
સુબ્હ કો દેખા તો ‘સાજિદ’ દિલ કે અંદર કુછ ન થા,
યાદ કી બસ્તી ભી રાતોં-રાત ખાલી હો ગઇ.
(લા-ઉબાલી/નરમ) -ઇકબાલ સાજિદ
ઇકબાલ સાજિદ પાકિસ્તાનના જાણીતા શાયર છે.
લાહોરમાં 1988માં 56 વર્ષની નાની વયે
તેમનું અવસાન થયું હતું.
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 19 માર્ચ 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)