તને તારી ખામીઓ જ કેમ
દેખાય છે? ખૂબીઓ જોને!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એ વાતથી તને શું કશુંયે થતું નથી?
તું જે કરે છે એમાં કોઈનું ભલું નથી,
વાણી મુજબનું હોય જીવન એ જરૂરી છે,
મીઠાશ હોય શબ્દમાં એ પૂરતું નથી.
– સુનીલ શાહ
દુનિયામાં કોઇ માણસ સંપૂર્ણ હોતો નથી. કુદરતે કોઇને હન્ડ્રેડ પર્સેન્ટ આપ્યું જ નથી. અનેક ખૂબીઓની સાથે થોડીક ખામીઓ પણ હોવાની જ છે. આપણી સામે એવા અસંખ્ય દાખલાઓ હોય છે, જે જોઇને આપણને જ આશ્ચર્ય થાય. કોઇકનો દેખાવ ખૂબ જ સારો હોય છે, પણ અવાજ બોદો હોય છે. કોઇનો અવાજ એકદમ મૃદુ હોય છે, તો એ દેખાવમાં ઠીકઠાક હોય છે. કોઇનામાં રસોઇ બનાવવાની ગજબની આવડત હોય છે, પણ એને બીજા કશામાં ગતાગમ પડતી નથી. કોઇ એના વિષયમાં માસ્ટર હોય છે, પણ સામાન્ય જ્ઞાન જેવું કંઇ હોતું નથી. માણસનાં રૂપ, ગુણ, હોશિયારી, બુદ્ધિ, જ્ઞાન અને બીજી ઘણી બધી બાબતોની ચર્ચાઓ થતી રહે છે. કેટલુંક વારસાગત હોય છે તો કેટલુંક પ્રકૃતિગત હોય છે. દુનિયામાં દરેક વ્યક્તિની એક ચોક્કસ પ્રકૃતિ હોય છે. એ ભાગ્યે જ બદલાય છે. માણસ ધારે તો પોતાના સ્વભાવમાં ફેરફાર કરી શકે છે, પણ એવું થતું નથી. માણસ એવું જ માનતો હોય છે કે, હું જે માનું છું એ જ સાચું, યોગ્ય અને વાજબી છે. આપણી માન્યતાઓ આપણી માનસિકતા સાથે પ્રચંડ રીતે જોડાયેલી હોય છે. એને ઉખેડવી અશક્ય નહીં તો પણ અઘરી તો છે જ. તમને કોઇ પૂછે કે, તમારા પ્લસ પોઇન્ટ્સ શું છે તો તમે તમારા કયા કયા ગુણો ગણાવો? પ્લસ પોઇન્ટ્સ તો માણસ હજુયે શોધી લે છે, પણ કોઇ એવું પૂછે કે, તમારા માઇનસ પોઇન્ટ્સ શું છે તો તમે શું કહો? એવું બિલકુલ નથી કે, માણસને પોતાના માઇનસ પોઇન્ટ્સની ખબર નથી હોતી. ઘણાને ખબર જ હોય છે કે, આ મારો માઇનસ કે નેગેટિવ પોઇન્ટ્સ છે. ખબર હોવા છતાં બહુ ઓછા લોકો તેને દૂર કરવા માટે જે કરવું જોઇએ એ કરતા હોય છે. મોટાભાગે લોકો પોતે જેવા હોય છે એવા પોતે જ સ્વીકારી લેતા હોય છે. ઘણાના મોઢે આપણે એવું સાંભળતા હોઇએ છીએ કે, હું તો આવો જ છું કે હું તો આવી જ છું. ક્યારેક આવું કહેનારને એવું પૂછવાનું પણ મન થઇ જાય કે, આવું જ રહેવું છે કે જરાયે બદલવું પણ છે? સારા થવાની શક્યતાઓ છેલ્લા શ્વાસ સુધી રહે છે. આપણે બદલવું જ ન હોય તો ઉપરવાળો પણ બદલી ન શકે.
આપણો સ્વભાવ અને આપણી માનસિકતા મોટાભાગે આપણને જ નડતા હોય છે. આપણે જ ઘણી વખત માની લેતા હોઇએ છીએ કે, આ મારાથી ન થાય. આ આપણું કામ નહીં. માણસ બીજાના બંધનમાંથી મુક્ત થઇ શકે, પણ પોતે જ બાંધેલી સાંકળો તોડી શકતો નથી. એક યુવાનની આ વાત છે. તેના પિતાએ એક વખત તેને પૂછ્યું, તારે શું કરવું છે? એ યુવાને કહ્યું કે, કરવાનું તો ઘણું મન થાય છે પણ કોન્ફિડન્સ નથી આવતો. પિતાએ પૂછ્યું, કેમ કોન્ફિડન્સ નથી આવતો? પુત્રએ કહ્યું, હું હિસાબ કિતાબમાં સારો નથી. મને લોકો ભોળવી જાય છે. હું છેતરાઇ જાઉં છું. મારા માઇન્સ પોઇન્ટ્સ એટલા બધા છે કે, મને કોન્ફિડન્સ જ નથી આવતો. દીકરાની વાત સાંભળીને પિતાએ કહ્યું, તું તારા માઇનસ પોઇન્ટ્સ શા માટે જુએ છે? તારામાં ઘણા પ્લસ પોઇન્ટ્સ પણ છે. એના પર ધ્યાન દે એટલે આપોઆપ કોન્ફિડન્સ આવશે. તું બધા સાથે સારી રીતે વાત કરે છે, કોઇ સાથે ઝઘડતો નથી, બધાને સમજવાનો પ્રયાસ કરે છે, તારાથી થાય એટલું બધાનું સારું કરે છે. હિસાબ-કિતાબમાં કદાચ તું થોડો કાચો હોઇશ, પણ વ્યવહારમાં તું બેસ્ટ છે. આપણે આપણામાં રહેલું બેડ જ જોતા રહીએ તો બેસ્ટ ક્યારેય દેખાવવાનું જ નથી. પિતાએ છેલ્લે કહ્યું, એક વાત યાદ રાખજે દીકરા, આપણામાં જે છે એમાંથી શેને કામે લગાડવું એ આપણે નક્કી કરવાનું હોય છે. ખામીઓ તો મારામાં પણ ઘણી છે, પણ મેં મારી ખામીઓને ક્યારેય મારા પર હાવી થવા દીધી નથી. આપણામાં રહેલી કેટલીક માન્યતાઓથી આપણે જ મુક્તિ મેળવવી પડે છે. કેટલીક ઝંજીરો તોડવી પડે છે, કેટલીક માન્યતાઓ ફગાવવી પડે છે. ખામીઓની ખબર હોય એ સારી વાત છે, એને દૂર કરવાના પણ જેટલા પ્રયાસો થાય એટલા કરવા જોઇએ, પણ એનાથી નાસીપાસ થવાની કંઇ જરૂર નથી.
આપણી આદત અને આપણી દાનત આપણને સફળતા કે નિષ્ફળતા તરફ દોરી જતી હોય છે. સારી આદતો પાડવી પડે છે, ખરાબ આદતો આપોઆપ પડી જાય છે. માણસને ગાળો બોલતા કોઇ શીખવતું નથી. ઇઝી હોય એ આવડી જાય છે. કૂટેવો કશાયે પ્રયાસ વગર વળગી જાય છે. એનાથી મુક્તિ મેળવવા માટે પ્રયાસ કરવા પડે છે. આપણે શું કરીએ છીએ એના પર આપણે જ નજર રાખવી પડતી હોય છે. ખોટું કરનારાને ખબર જ હોય છે કે, હું સાચું કરતો નથી. એ ઠોકર ખાય પછી જ એને વાસ્તવિકતાનું ભાન થતું હોય છે કે, આવું કરવા જેવું નહોતું. ડાહ્યો વ્યક્તિ એ જ છે જેને સમયસર શું સારું છે અને શું ખરાબ છે એ સમજાઈ જાય છે. એક છોકરીની આ વાત છે. એને વાતવાતમાં ગુસ્સો આવી જતો હતો. ખૂબ જ હોશિયાર અને ડાહી હોવા છતાં જ્યારે એનું મગજ છટકે ત્યારે એ કોઇની નહીં. એક વખત તેની માતાએ તેને કહ્યું, તું તારામાંથી ગુસ્સો કાઢી નાખ તો તારા જેવું કોઇ નથી. દીકરીએ કહ્યું, એ જ તો નથી જતો. માતાએ સવાલ કર્યો, જતો નથી કે તારે જવા દેવો નથી? તું મને કહીશ કે, ગુસ્સાથી મુક્તિ મેળવવા માટે તેં શું પ્રયાસ કર્યા? તારી જાતને પણ ક્યારેય કહ્યું છે કે, હવે મારે ગુસ્સો કરવો નથી? તેં કોશિશ જ નથી કરી તો ક્યાંથી ગુસ્સાથી છુટકારો મળવાનો છે?
જિંદગીમાં શેનાથી દૂર રહેવું અને શેની નજીક રહેવું એની આપણને ખબર પડવી જોઇએ. આગની નજીક રહીએ તો દાઝવાની શક્યતાઓ રહેવાની જ છે. સંબંધોમાં પણ આ વાત એટલી જ લાગુ પડે છે. કોને કેટલા નજીક આવવા દેવા અને કોને દૂર રાખવા એની સમજ ન પડે તો ભેરવાઇ જવાય છે. એક યુવાન હતો. એ એક સાધુ પાસે ગયો. યુવાને સાધુને કહ્યું, મને બદમાશ લોકો જ મળ્યા છે. નાલાયક લોકોથી કેમ છુટકારો મેળવવો? સાધુએ કહ્યું, દુનિયામાં દરેક પ્રકારના લોકો છે. ખરાબ પણ છે અને સારા પણ છે. ગુલાબના છોડમાં ફૂલ પણ હોય છે અને કાંટા પણ હોય છે. આપણે કાંટાને જ અડતા રહીએ તો ટશિયા ફૂટતા રહેવાના છે અને વેદના થતી રહેવાની છે. ફૂલોની કુમાશ માણવા માટે આપણે આપણા હાથ કાંટા પરથી હટાવીને ફૂલ પર માંડવા પડતા હોય છે. આપણી નજર ફૂલ પર હોવી જોઇએ, કાંટા પર નહીં. પસંદગી કરતા આપણને આવડવું જોઇએ. કેટલાક માણસો પણ તીક્ષ્ણ હોય છે, એનો સાથ છરકા જ આપવાનો છે.
જિંદગી દરેક માણસને પસંદગીનો અવકાશ આપે છે. દરેક પાસે ચોઇસ હોય જ છે. આપણે શું પસંદ કરીએ છીએ તેના પર આપણી જિંદગીનો આધાર રહે છે. થાપ ખાઇ જઇએ તો સમસ્યાઓ પેદા થવાની જ છે. કેટલીક આંતરિક અને કેટલીક બાહ્ય પરિસ્થિતિથી મુક્તિ મેળવવી પડે છે. એમાંયે મનના ખયાલો પર તો સૌથી વધુ ધ્યાન આપવું પડે છે. મન જો બંધાઇ ગયું તો એ ક્યારેય મુક્ત થવાનું નથી. અંધશ્રદ્ધામાં માનનારાને એમ જ થાય છે કે, જો હું આમ કરીશ તો મારું ધનોતપનોત નીકળી જશે. કંઇક બૂરું થશે. જે હોય નહીં એનો આપણે વાઘ બનાવતા હોઇએ છીએ. એક વાત તમે પણ સાંભળી જ હશે કે, આપણે જેવું વિચારીએ એવું થાય છે. ખરાબ વિચારીએ તો ખરાબ થવાનું જ છે. જે સારું વિચારે છે એને બધું સારું જ લાગે છે. એક માણસ હતો. એને કોઇ ખરાબ જ ન લાગે. બધાને એ સારા જ સમજે. તેના એક મિત્રએ કહ્યું, બધા સારા હોતા નથી. એ માણસે કહ્યું, મને ખબર છે, પણ બધા ખરાબ પણ નથી. હું બધાને ખરાબ સમજીશ તો કોઇની સાથે સારો નહીં રહી શકું. બધાને સારા સમજીશ તો હું તો સારો રહી શકીશ. ક્યારેક કોઇનો ખરાબ અનુભવ થાય છે ત્યારે પણ હું એવું જ વિચારું છું કે, બીજા લોકો પાસેથી સારા અનુભવો પણ થયા છે. હું સારા અનુભવો ન યાદ રાખું? આપણે શું યાદ રાખીએ છીએ તેના પરથી જ આપણી કક્ષા નક્કી થતી હોય છે. જે સાચું અને સારું છે એને મમળાવતા રહો, ખોટું અને ખરાબ હશે એ આપોઆપ દૂર રહેશે.
છેલ્લો સીન :
જે માણસ પોતાને જ નબળા સમજે છે એને દુનિયા ક્યારેય સબળા સમજવાની નથી. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 14 ડિસેમ્બર 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
