ભૂલોને વાગોળતા રહેવું
એ સૌથી મોટી ભૂલ છે
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મયકદા રાત ગમ કા ઘર નિકલા, દિલ હથેલી તલે ખંડહર નિકલા,
કોઈ કાગઝ ન થા લિફાફે મેં, સિર્ફ તિતલી કા ઇક પર નિકલા.
જબ સે જાના કિ વો બહાદુર હૈ, દિલ સે કુછ દુશ્મનો કા ડર નિકલા,
જિંદગી ઇક ફકીર કી ચાદર હૈ, જબ ઢકે પાંવ અપના સર નિકલા.
-બશીર બદ્ર.
દુનિયામાં એક પણ માણસ એવો નહીં હોય જેણે ક્યારેય ભૂલ ન કરી હોય. ભૂલ એ જ નથી કરતો જેણે જિંદગીમાં કશું કર્યું ન હોય! ભૂલ થવી સ્વાભાવિક છે. દરેક માણસને ક્યારેક તો એવું થયું જ હોય છે કે યાર ખોટું થઈ ગયું. માણસનું ચાલે તો એ ક્યારેય કોઈ ભૂલ ન કરે. જોકે, માણસનું ચાલતું નથી. બધું આપણે ઇચ્છીએ એમ ન થાય. અમુક વખતે સમય અને સંજોગો આપણને સાથ નથી આપતા, તો અમુક વખતે આપણા ઇરાદા, આપણી દાનત, આપણું વર્તન અથવા તો આપણી માનસિકતા આપણી પાસે ભૂલ કરાવે છે.
તમે યાદ કરો, તમારી જિંદગીમાં એવું શું થયું હતું જ્યારે તમને એવું થયું હોય કે મારાથી ભૂલ થઈ ગઈ? એ ભૂલને તમે કેવી રીતે લીધી હતી! એ ભૂલને તમે ભૂલી ગયા છો કે હજુ પણ એ તમને ડંખે છે? ભૂલને જો પંપાળે રાખીએ તો એ વેદના બની જાય છે. આપણને કંઈ વાગ્યું હોય અને જો ડ્રેસિંગ ન કરાવીએ તો ઘા ઊંડો થતો જાય છે અને ક્યારેક કોહવાઈ જાય છે. ભૂલનું પણ એવું જ છે. ભૂલની સારવાર કરવી પડે. અમુક ભૂલ એવી હોય છે કે જેને માફી માગી લેવાથી મુક્ત થઈ જવાય છે. બીજાના મોઢે ભૂલ થઈ હોય તો માણસ માફી પણ માગી લે, પોતાની સાથે જ ભૂલ થાય તો? એવી ભૂલોને ભૂલવી પડે છે. દુનિયાને માફ કરવી સહેલી છે, પોતાને માફ કરવાનું કામ અઘરું છે.
એક યુવાન સાધુ પાસે ગયો. એ બહુ ડિસ્ટર્બ હતો. તેના મનમાં ઘર કરી ગયું હતું કે હું મારા પિતાનો ખૂની છું. મારા કારણે મારા ફાધરનું મૃત્યુ થયું. સાધુને વાત કરી. પિતાનો બહુ મોટો બિઝનેસ હતો. દીકરાને પોતાના ગમતા કામ માટે વિદેશ જવાની ઇચ્છા હતી. પિતાએ કહ્યું, તું જઈશ તો આપણો આવડો મોટો ધંધો કોણ સંભાળશે? તારે મારા બધાં કર્યાં-કારવ્યાં ઉપર પાણી ફેરવવું છે. તારે મને દુ:ખી કરવો છે. દીકરાએ પિતાને સમજાવવાની બહુ કોશિશ કરી કે મારે તમને દુ:ખી નથી કરવા, પણ મારી જાતને સુખી કરવાનો મને કોઈ અધિકાર નહીં? પિતા ઉગ્ર મગજના હતા. જેમ તેમ બોલીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. રાત હતી. દીકરાને એમ થયું કે, પપ્પા અત્યારે બહુ ગુસ્સે છે. સવારે શાંતિથી વાત કરીશ. સવાર પડી. ઘરમાં હાહાકાર મચી ગયો. પપ્પાને રાતના ઊંઘમાં જ સિવિયર હાર્ટએટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું. દીકરાને આઘાત લાગ્યો કે અરરર, આ મારાથી શું થઈ ગયું? આ વાતનો આઘાત મનમાંથી ખસતો નથી.
સાધુએ કહ્યું, આ ભૂલ માટે તું તારી જાતને કારણભૂત શા માટે માને છે? પિતા પ્રત્યે આપણને આદર હોય છે એટલે આપણે અમુક વિચાર કરતા નથી. તને એક વિચાર નથી આવતો કે એ ભૂલ તારી નહીં, પણ તારા પિતાની હતી? એ તને સમજી ન શક્યા. એ તારી પાસેથી તેઓ ધારતા હતા એવું કરાવવા ઇચ્છતા હતા? બીજી વાત કે, જિંદગી આપણે કલ્પી હોય એ રીતે ચાલતી નથી અને મોત આપણે ઇચ્છીએ એમ આવતું નથી. એક તો જે કંઈ બન્યું એના માટે તું તારી જાતને દોષી ન સમજ. બીજું, જો તને એમ થતું હોય કે તારાથી ભૂલ થઈ છે તો એ ભૂલને જેમ બને એમ વહેલી ભૂલી જા. જ્યારે વ્યક્તિ હાજર ન હોય ત્યારે મનથી પણ એની માફી માગી શકાતી હોય છે. તું માફી માગી લે. માણસે ક્યારેક પોતાનાથી જ મુક્ત થવું પડતું હોય છે. અમુક વખતે જો આપણે આપણાથી જ મુક્ત ન થઈએ તો આપણે આપણાથી જ ગૂંગળાઈ જઈએ છીએ. મોટાભાગના પાગલ એટલા માટે ગાંડા થઈ ગયા હોય છે, કારણ કે એ પોતાનામાંથી જ મુક્ત થઈ શકતા નથી.
આપણી આજુબાજુમાં ઘણા એવા લોકો હોય છે જેને જોઈને આપણને થાય કે એ હાથે કરીને દુ:ખી થાય છે. એને કોઈ વાત છોડવી જ નથી. જે પોતાની પરિસ્થિતિનો સ્વીકાર કરતો નથી એ પોતાનામાં જ કેદ થઈ જાય છે. એક છોકરીની આ વાત છે. એનો પિતા ખૂબ જ વિચિત્ર મગજનો. ઘરમાં એને શાંતિ લેવા ન દે. સતત ટોક ટોક કરે. ભણવા સિવાય ઘરની બહાર નીકળવા ન દે. દીકરી દરરોજ શોષવાતી રહે. કોલેજમાં તેને એક બહેનપણી મળી. ફ્રેન્ડની વાત સાંભળીને તેણે કહ્યું કે, ચાલ માની લીધું કે ઘરમાં તારી સ્થિતિ સારી નથી, પણ ઘરની બહાર આવ્યા પછી તો તું તારી રીતે જીવ. કોલેજમાં તો તારી મસ્તીમાં રહે. તારા ઉપર તારું ઘર એટલું બધું હાવી રહે છે કે તું ભણવામાં પણ ધ્યાન આપી શકતી નથી. ઘરની બહાર નીકળ ત્યારે ઘરના દરવાજા પાસે જ ઘરને ખંખેરી નાખ. દરેક જગ્યા આપણને અનુકૂળ હોય એવું જરૂરી નથી. ક્યારે શું ખંખેરી નાખવું એની ખબર હોવી જોઈએ. અમુક વખતે જે કરવા જેવું હોય એ ન કરીને પણ આપણે ભૂલ કરતા હોઈએ છીએ. આપણને ઘણી વખત એવું થતું હોય છે કે, ત્યારે આવું કર્યું હોત તો કેવું સારું હતું! ઘણી વખત તો આપણને મન પણ થઈ આવે છે કે, હવે તો કહી દેવું છે, મનમાં નથી રાખવું. અમુક સમયે મનને છુટ્ટું પણ મૂકવું પડતું હોય છે. અમુક ઇચ્છાઓને યાતનાપૂર્વક દબાવી રાખવી એ પણ પોતાની જાત સાથેની ભૂલ જ હોય છે, આવી ભૂલ દેખાતી નથી, માત્ર અનુભવાતી હોય છે. ઘણા અનુભવો સતત પીડા આપે છે. વેદનાને સમયસર દૂર ન કરીએ તો વેદના આપણને શોષી લે છે. સુકાયેલા ઘણા ચહેરા એ વાતની પણ ચાડી ખાતા હોય છે કે એણે પોતાની જાતને પોતાના હાથે જ શોષાવા દીધી છે.
કેટલાક લોકો ખોટા પડેલા નિર્ણયને પણ ભૂલ માની લેતા હોય છે. હકીકતે એ ભૂલ હોતી નથી. આપણી ગણતરીઓ ખોટી પડતી હોય છે. ગણતરી ખોટી પડે તેમાં પણ દર વખતે આપણો વાંક હોતો નથી. એક યુવાનની આ વાત છે. તેને એક જોબની સરસ ઓફર આવી. જે નોકરી ચાલુ હતી ત્યાં કોઈ પ્રોબ્લેમ ન હતો. છતાં નવી જોબની ઓફર સારી લાગતી હતી. નવી કંપની હતી. સેલરી ખૂબ સારી ઓફર થઈ હતી. પ્રમોશન પણ મળતું હતું. ખૂબ વિચારીને અને પોતાના લોકોની સલાહ લઈને આખરે એણે નવી કંપની જોઇન કરી. થોડોક સમય તો બધું બરાબર ચાલ્યું. અચાનક એવું થયું કે કંપની લોસમાં જવા લાગી. છેવટે કંપની બંધ થઈ ગઈ અને નોકરીમાંથી બધાને છૂટા કરી દીધા. એ યુવાનને થયું કે, મેં જૂની કંપની મૂકીને સૌથી મોટી ભૂલ કરી હતી. એ વાત એના મગજમાંથી નીકળતી જ નહોતી. આખરે તેના મિત્રએ કહ્યું કે, એ ભૂલ ન હતી. તારો નિર્ણય પણ ખોટો ન હતો. દરેક સંજોગ, દરેક સમય અને દરેક સ્થિતિ આપણા હાથમાં નથી હોતી. તેં બધું વિચારીને નિર્ણય લીધો હતો. એને ભૂલ ન સમજ. માન કે તું અગાઉ જે કંપનીમાં નોકરી કરતો હતો એ બંધ થઈ ગઈ હોત તો? તો કદાચ તું એવું કહેત કે મને સારી ઓફર મળી ત્યારે હું ન ગયો એ મારી સૌથી મોટી ભૂલ હતી. અમુક વખતે આપણે અમુક વાતોને ભૂલમાં ખપાવી દેતા હોઈએ છીએ. સમય બદલે એટલે દરેક એને પોતાની નજરથી જોતો હોય છે. સમયને વર્તમાનની નજરથી જ જોવો જોઈએ. ભૂતકાળની નજરથી વર્તમાનને કે ભવિષ્યને ન જોવું જોઈએ. આમ કર્યું હોત તો આમ થયું હોત, આમ ન કર્યું હોત તો આમ થયું ન હોત, એ બધાં તર્ક હોય છે. તર્કનો કોઈ અર્થ નથી હોતો. વાસ્તવિકતાને કોઈ તર્ક સાથે જોડવી ન જોઈએ.
દરેક ભૂલ ભૂલ નથી હોતી, અમુક અકસ્માતો હોય છે. અકસ્માતો પૂછીને નથી થતા, એ બસ થઈ જતા હોય છે. ઇરાદો નથી હોતો. ખરાબ દાનત નથી હોતી. કોઈ હર્ટ થાય એવું પણ આપણે ઇચ્છતા હોતા નથી, છતાં ભૂલ થઈ જાય છે. આપણે મજાકમાં કે હળવા ટોનમાં કોઈને કંઈક કહેતા હોઈએ અને એ ગંભીરતાથી લઈ લે. મિસઅન્ડરસ્ટેન્ડિંગને પણ ઘણા લોકો ભૂલમાં ખપાવી દેતા હોય છે. આપણી નજીકની વ્યક્તિ કોઈ પણ કારણસર હર્ટ થાય ત્યારે આપણને પણ વેદના થતી હોય છે. કોઈને ખરાબ લાગે અને તમને સારું ન લાગે તો સમજવું કે એ વ્યક્તિ તમારી નજીક છે. તેની સાથે ચોખવટ કરી લેવી કે માફી માગી લેવી એ હળવા થવાનો ઉત્તમ રસ્તો છે.
બે મિત્રો હતા. કોઈ કારણસર બંને વચ્ચે ઝઘડો થઈ ગયો. એક મિત્રએ કહ્યું કે, તારી ભૂલ હતી. તારે એવું વર્તન કરવું જોઈતું ન હતું. એ તેનાથી દૂર થઈ ગયો. તેણે કહ્યું કે, જ્યાં સુધી એ સોરી ન કહે ત્યાં સુધી હું તેની સાથે સંબંધ રાખવાનો નથી. બીજા મિત્રને આ વાતની ખબર પડી. તેને થયું કે મારી ક્યાં ભૂલ હતી? એ ખોટું માને છે. તેણે ફોન ઉપાડ્યો. મિત્રને ફોન કરીને કહ્યું કે, આઇ એમ રિયલી સોરી. હવે બધું ભૂલી જા. આ વાત સાંભળીને તેના બીજા મિત્રએ કહ્યું કે, તારી ભૂલ ન હતી તો પણ તેં સોરી કહ્યું? મિત્રએ કહ્યું કે હા, કારણ કે મારા માટે મારા ઇગો કે કોની ભૂલ હતી એ વાત કરતાં અમારા બંનેની દોસ્તી વધારે મહત્ત્વની છે. ક્યારેક આપણે એ પણ સમજવું જરૂરી હોય છે કે આપણા માટે શું મહત્ત્વનું છે? જ્યારે પણ ઇગો વચ્ચે આવતો હોય ત્યારે વિચારજો કે તમારા માટે એ વ્યક્તિનું ઇમ્પોર્ટન્સ કેટલું છે? આપણે ઇચ્છતા હોઈએ છીએ કે એ વ્યક્તિ આપણી નજીક રહે, પણ આપણે જ એ દરવાજો ખોલતા હોતા નથી કે એ અંદર આવી શકે. નકૂચા એટલા ન બીડી દો કે દરવાજો ખૂલે જ નહીં!
ભૂલને ન સમજવી એ ભૂલ છે. સમજીને એને પંપાળ્યા રાખવી એ એનાથી પણ મોટી ભૂલ છે. ભૂલ થઈ હોય તો પણ માફી માગી લો. ભૂલવા જેવી ભૂલોને ભૂલી જાવ. જિંદગીને હળવી બનાવવા માટે આપણે ઘણું બધું આપણા હાથે જ કરવાનું હોય છે. લાઇફને બ્યૂટીફૂલ બનાવવી એ આપણા હાથની વાત છે. આપણે જ ઘણી વખત જિંદગી સાથે હાથ મેળવતા નથી. એક વખત હાથ લંબાવી તો જુઓ!
છેલ્લો સીન :
ભૂલવા જેવું ન ભૂલીએ તો યાદ રાખવા જેવું યાદ રહેતું નથી. જિંદગીને સુંદર રાખવા માટે વાગોળવા જેવું હોય એને જ વાગોળવું જોઈએ. –કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 20 ડિસેમ્બર 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com