આપણા ઘરમાં કેમ કોઈ હસતું નથી? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

આપણા ઘરમાં કેમ
કોઈ હસતું નથી?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


ડૂબી હૈ મેરી ઉંગલિયા ખુદ અપને લહૂ મેં,
યે કાંચ કે ટુકડો કો ઉઠાને કી સજા હૈ.
-પરવીન શાકીર



દરેક માણસમાં એવાં બે તત્ત્વો હોય છે જે તેની સાથે રહેતા લોકોને સીધી અસર કરે છે, એક ઊર્જા અને બીજી ઔરા. આપણને બધાને એવા અનુભવ થયા જ હોય છે કે, ઘરમાં એક વ્યક્તિ ડિસ્ટર્બ હોય તો આખા ઘરનું વાતાવરણ અસ્તવ્યસ્ત થઇ ગયું હોય એવું લાગે. એમાંયે ઘરની એવી વ્યક્તિ જે આખા ઘરનું વાતાવરણ જીવંત રાખતી હોય એ અપસેટ હોય ત્યારે ઘરમાં એક વિચિત્ર પ્રકારની ગંભીરતા છવાઈ જતી હોય છે. એક પિતાની આ સાવ સાચી ઘટના છે. તેની દીકરીના મેરેજ થયા. દીકરી સાસરે ગઇ. પિતાએ કહ્યું કે, દીકરી ગઇ એની સાથે જાણે આખું ઘર જ મૂરઝાઇ ગયું છે. તેની ગેરહાજરી એક સન્નાટો બનીને રહી ગઇ છે. હવે કોઈ વાત નથી કરતું, કોઇ મસ્તી નથી કરતું, કોઇ કંઈ ડિમાન્ડ નથી કરતું! જાણે ઘરમાં ધબકતો શ્વાસ જ ન ચાલ્યો ગયો હોય! કેટલાંક માણસો સાવ હળવા હોય છે, એની હાજરી પણ આપણને હળવાશ આપે છે. કેટલાંક લોકો ભારે હોય છે. એ નજીક હોય ત્યારે આપણને કોઇ અજાણ્યું વજન અનુભવાય છે. અમુક માણસો તો એટલા નેગેટિવ હોય છે કે, એનું આગમન જ ઉપાધિ લઇને આવે છે. માણસનો પણ પ્રભાવ અને પ્રકોપ હોય છે. કોઇ વ્યક્તિત્વ જબરદસ્ત સ્પર્શે છે, તો ઘણાને જોઈને જ ચીડ ચડે છે. એક રીતે જોવા જઈએ તો બધા જ માણસ છે. તો પછી આવું કેમ થાય છે? એનું કારણ વાઇબ્સ છે!
આપણે ક્યારેય એ વિચારીએ છીએ કે, મારા વાઇબ્સ કેવા છે? હું કોઇને ગમું છું કે નહીં? મારી સાથે કોઇને વાત કરવાનું મન થાય છે કે કેમ? કોઇ મારું માને છે કે નહીં? તમે માર્ક કરજો, અમુક લોકોનો પ્રભાવ એવો હોય છે એ લોકો બધાને લાડકા અને વહાલા હોય છે, તેની વાત બધા માને છે, તેમને નારાજ કરવાનું કોઇને ગમતું નથી, એ નારાજ થાય તો પણ સામેની વ્યક્તિને વધુ દુ:ખ થાય છે. આપણી આસપાસ પણ એવા એક-બે વિશિષ્ટ લોકો હોય છે જે આપણાથી ક્યારેય નારાજ ન થાય એવું આપણે ઇચ્છતા હોઈએ છીએ. એની સાથે કંઇક અલગ જ પ્રકારનો લગાવ હોય છે. લગાવ ત્યાં જ હોય છે જ્યાં અભાવ હોતો નથી. બસ, ભાવ જ હોય છે. ઘણા લોકોને આપણે આદર આપતા હોઇએ છીએ. તેની પાસે આપણો કોઇ સ્વાર્થ નથી હોતો, એને પણ આપણું કોઇ કામ નથી હોતું, આપણને બસ એટલી ખબર હોય છે કે, એ વ્યક્તિ સારી છે. આજના સમયમાં સારા લોકોની સંખ્યા સતત ઘટી રહી છે. બનાવટી લોકો સતત વધી રહ્યા છે. કોનો ભરોસો કરવો અને કોનો ભરોસો ન કરવો એ જ નક્કી થઇ શકતું નથી. પોતાના માન્યા હોય એ પારકાને સારા કહેવડાવે એવાં કારનામાં કરે છે! માણસ વિશે એવું કહેવું પડે એમ છે કે, જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી કોઇને પોતાના કે પારકા, સારા કે ખરાબ ન કહેવા જોઇએ. પારકા સમજતા હોઇએ એ નજીકનાને ઝાંખા પાડી દે એવું વર્તન પણ કરી દેતા હોય છે. એક માણસે એવું કહ્યું કે, કેમ કેટલાંયે સમયથી કોઈ ઘા નથી થયો? ક્યાં ગયા છે મારા નજીકના લોકો?
આપણને સારા અને ખરાબ લોકોના અનુભવો થતાં જ રહેતા હોય છે. બે મિત્રોની આ વાત છે. એક મિત્રએ બીજાને પૂછ્યું, તને જિંદગીમાં કેવા કેવા અનુભવો થયા છે? બીજા મિત્રે કહ્યું, અનુભવો તો ઘણા થયા છે પણ મેં નક્કી કર્યું છે કે, મારે કયા યાદ રાખવા છે! હું સારા અનુભવો જ યાદ રાખું છું. ખરાબ અનુભવ થાય એ પછી તરત જ તેને ડિલિટ કરી દઉં છું. કુદરતે આપણને પણ ડિલિટનું બટન આપ્યું છે. આપણે ધારીએ એ ઘટનાને, એ પ્રસંગને, એ યાદને અને એ વ્યક્તિને આપણી લાઇફમાંથી ડિલિટ કરી શકીએ છીએ. પેઇન આપે એવા લોકોને પેમ્પર કરવાની કંઈ જરૂર હોતી નથી. એને હટાવી દેવા જ હિતમાં હોય છે. જેટલી જરૂરિયાત ખરાબ યાદોને ડિલિટ કરવાની હોય છે એટલી જ આવશ્યક્તા સારા લોકોને સેવ કરી રાખવાની પણ હોય છે. સારા લોકો આપણી જિંદગીને જીવવા જેવી બનાવે છે. સાથોસાથ એ પણ વિચારી લેવાનું કે, હું કોઇના માટે સારી વ્યક્તિ છું કે નહીં?
આપણો પ્રભાવ બીજા કોઇ પર પડે કે ન પડે પણ આપણા નજીકના લોકો પર તો પડતો જ હોય છે. આપણે બીજાનું ધ્યાન ન રાખીએ તો કંઇ નહીં, જે લોકો આપણી નજીક છે તેને સાચવી અને સંભાળી લઇએ તો પણ પૂરતું છે. દરેક માણસ દુનિયા માટે મહાન ન બની શકે પણ પોતાના લોકોની નજરમાં તો ઊંચું સ્થાન પ્રાપ્ત કરી જ શકે છે. તમારા ઘરમાં તમારી હાજરી, તમારી અસર અને તમારા પ્રભાવ વિશે તમે ક્યારેય વિચાર્યું છે? હમણાંની જ એક સાવ સાચી ઘટના છે. એક યુવાનને તેની કંપનીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો. તેનો કોઇ વાંક નહોતો. ઓફિસના રાજકારણનો તે ભોગ બન્યો હતો. આ ઘટનાથી તેને બહુ આઘાત લાગ્યો. એ ડિસ્ટર્બ રહેવા લાગ્યો. પત્ની પણ પતિની સ્થિતિ જોઇને ઉદાસ રહેતી હતી. આ કપલને એક નાનકડી દીકરી હતી. થોડા દિવસો વિત્યા. એક દિવસ દીકરીએ અચાનક જ પપ્પા અને મમ્મીને એક સવાલ કર્યો કે, આપણા ઘરમાં હમણાં કેમ કોઈ હસતું નથી? દીકરીને કારણની ખબર નહોતી. એ તો ખુશ હતી, કારણ કે ફ્રી થઈ ગયેલા પપ્પા તેને રોજ સ્કૂલે લેવા મૂકવા આવતા હતા. દીકરીથી વાત છુપાવવા માટે પિતાએ એવું કહ્યું હતું કે, હવે મારે નોકરીએ નથી જવાનું, વર્ક ફ્રોમ હોમ કરવાનું છે. દીકરીથી બધું છુપાવવાનો પ્રયાસ કર્યો પણ દીકરીને ખબર પડી ગઇ કે, હમણાં ઘરમા હસવાનું ઘટી ગયું છે. એ સમયથી પિતાએ નક્કી કર્યું કે, મારી સાથે જે થયું છે એને મારે મારા ઘર પર હાવી થવા દેવું નથી. ઘર એવું સ્થળ છે જે આપણી માનસિકતાની ચાડી ફૂંકી દે છે. કેટલાંક ઘરનું વાતાવરણ જ ખુશનુમા હોય છે. એનું સૌથી મોટું કારણ એ જ હોય છે કે, એ ઘરમાં રહેતા લોકો જીવંત હોય છે. એ ધબકતા હોય છે. ઘરમાં રહેતા લોકો ધબકતા હોય તો જ ઘર સજીવન લાગે. કેટલાંક ઘરમાં જઇએ ત્યારે કંઈક જુદા જ પ્રકારની નેગેટિવિટી ફીલ થાય છે. માર્ક કરજો, એ ઘરમાં રહેવાવાળા લોકો પણ મોટા ભાગે નેગેટિવ જ હશે. આપણે ફક્ત આપણી ચિંતા કરવાની હોય છે. મારું ઘર તો લાઇવ છેને? મારા લોકો તો હસતાં રમતાં છેને? એ ત્યારે જ શક્ય બનશે જો તમે પોતે મજામાં હશો. ગમે એવી ખરાબ પરિસ્થિતિ હોય, માથે ભાર લઇને ફરવાનો કોઇ મતલબ હોતો નથી. ખરાબ સમય હોય ત્યારે પણ માણસે એ જ વિચારવું જોઇએ કે, આ સમયમાં વધુમાં વધુ મજામાં રહેવાય એ માટે શું કરવું જોઇએ? કોઇ સમય કાયમી રહેતો નથી. ખરાબ સમય પણ ચાલ્યો જ જવાનો હોય છે. ખરાબ સમયને આપણે સારી રીતે જીવીએ તો પણ એ જવાનો છે અને રોદણાં રડતાં રહીએ, ફરિયાદો કરતાં રહીએ કે રડવા બેસીએ તો પણ જવાનો જ છે. આપણો સમય આપણે કેવી રીતે પસાર કરવો છે એ આપણે જ નક્કી કરી શકીએ. નક્કી કરો કે, જે ગમે તેવા અપ કે ડાઉન્સમાં પણ હું મારી જિંદગી બેસ્ટ રીતે જીવીશ! આપણને સારી રીતે જીવતા કોઈ રોકતું હોતું નથી, ધ્યાન એટલું રાખવાનું કે આપણે આપણા હાથે જ જિંદગીની ખુશી આગળ કોઈ આડશ પેદા કરી ન દઈએ!
છેલ્લો સીન :
જિંદગી, સુખ, ખુશી અને આનંદનો પણ પોતીકો ઈન્ડેક્સ હોય છે. એને કેટલો ઊંચો લઇ જવો એ આપણે નક્કી કરવાનું હોય છે. જિંદગીના ઊંડાણમાં પહોંચવું છે કે પછી છબછબિયાં જ કરતાં રહેવું છે? ઊંડાણ પામવા માટે ડૂબકી લગાવવી પડે છે. પોતાને પામવા માટે પણ પોતાની જ અંદર ઊતરવું પડે છે. -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 24 માર્ચ 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *