કોઇ પૂછવાવાળું ન હોય ત્યારે
જાતને જવાબ આપવો પડે છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
બધાથી અનોખું વિચારી શકું છું,
ન જે કોઇ ધારે એ ધારી શકું છું,
ઘણા `રાઝ’ ભૂલી ગયો છું ગુલાબો,
ન એકેય કાંટો વિસારી શકું છું.
– રાજ લખતરવી
જિંદગી માણસને દરેક પળનો સાક્ષી બનાવે છે. કોઇ પળ સારી હોય છે તો કોઇ નરસી, કોઇ પળ ખાટી-મીઠી હોય છે તો કોઇ તૂરી-કડવી, કોઇ ક્ષણ અસહ્ય હોય છે તો કોઇ આહલાદક! માણસે કેટલીક ક્ષણો જીવવાની હોય છે અને કેટલીક પળો જીરવવાની હોય છે. સરવાળે બંનેને અનુભવવાની હોય છે. વેદના અને સંવેદના બંનેને જીવી જાણવી પડે છે. સુખમાં છકી નહીં જવાનું અને દુ:ખમાં ડરી નહીં જવાનું! જેને જિંદગીની સમજ છે એ જાણે જ છે કે, એકસરખો સમય ક્યારેય રહેવાનો જ નથી. આપણે જિંદગીને પામવી હોય છે, પણ જિંદગી ઘણી વખત આપણને માપતી હોય છે. જિંદગીના દરેક દાવમાં ખરા ઊતરવું પડે છે. સતત કંઇ જ નથી રહેતું. સુખ હોય કે દુ:ખ, ઉત્સાહ હોય કે ઉત્પાત, શાંતિ હોય કે અંજપો, હાશ હોય કે ત્રાસ, સંબંધ હોય કે સંતાપ, હળવાશ હોય કે હૈયાવરાળ, ચેન હોય કે ચિંતા, મજા હોય કે સજા, બધું જ આવતું જતું રહે છે. અઘરા સમયમાં પણ જરાક હચમચીને સ્થિર થઇ જવું પડે છે. જિંદગી બેલેન્સ સાધવાની જ એક જદોજહદ છે. એક ત્રાજવું છે જે ઉપર-નીચે થતું રહે છે. ત્રાજવાને કઇ તરફ ઝૂકેલું રાખવું છે એ માણસે શીખવું પડે છે. જરાકેય થાપ ખાઇએ તો જિંદગી હાથમાંથી સરકી જાય છે અને આપણે ભટકી જઇએ છીએ.
જિંદગીને પણ બ્રિધિંગ સ્પેસ આપવી પડે છે. જિંદગીને ક્યારેક મનાવવી પડે છે અને ક્યારેક પટાવવી પડે છે. એક પિતા-પુત્ર હતા. દીકરાએ એક વખત બિઝનેસ માટે અને ઘરના ખર્ચ માટે બજેટ બનાવ્યું. બજેટ તૈયાર કરીને દીકરાએ પિતાને બતાવ્યું. પિતાએ આખા બજેટ પર નજર ફેરવીને કહ્યું કે, બાકી બધું તો બરાબર છે, પણ એક વાત ખૂટે છે. દીકરાએ પૂછ્યું, શું? પિતાએ કહ્યું કે, આમાં છેતરાવાની જોગવાઇ તેં કરી નથી. છેતરવાનું બજેટ પણ રાખવું જોઇએ. ક્યારેક કોઇ છેતરી જવાના જ છે. એની જોગવાઇ કરી રાખી હોય તો સારું. પિતાએ પછી માર્મિક વાત કરી. જિંદગીમાં પણ થોડીક સ્પેસ રહે એવી વ્યવસ્થા કરવી પડે છે. ક્યારેક દગો ફટકો થવાનો છે, ક્યારેક કોઇ પીડા આપવાનું છે, ક્યારેક કોઇ ઘા ખમવા પડવાના છે. એની પણ તૈયારી રાખવી પડે છે. આપણે જ્યારે જિંદગી વિશે વિચારીએ છીએ ત્યારે સારું સારું અને ગમતું જ વિચારીએ છીએ. બધું ધારીએ એવું નથી થવાનું, ક્યારેક ન ધારેલું પણ થવાનું છે. એની માનસિક જોગવાઇ રાખવી પડે છે. જિંદગીના સમયના બજેટમાં છેતરાવવાની વ્યવસ્થા પણ કરવી પડે છે, જેથી સમય આવ્યે એને સહન કરી શકાય.
માણસે જવાબો આપવા પડે છે. ક્યારેક બીજાને તો ક્યારેક પોતાની જાતને. આપણા લોકો જ આપણને ઘણી વખત સવાલો કરવાના છે. વ્યક્તિ નજીકની હોય કે દૂરની, પોતાની હોય કે પારકી, જાણીતી હોય કે અજાણી, એને અપેક્ષાઓ રહેવાની જ છે. અપેક્ષાઓ પૂરી ન થાય ત્યારે સવાલો કરવામાં આવે છે. એ સવાલોના જવાબો આપવા પડે છે. એક યુવાનની આ વાત છે. એ રજાના દિવસે પણ ઘરે કામ કરતો હતો. તેની પત્નીએ કહ્યું કે, આજે પણ કામ કરવાનું? મને સમય નહીં આપવાનો? પતિએ કહ્યું, કામ કરવું પડે એમ છે, મારે બોસને જવાબ આપવાનો છે! પત્નીએ કહ્યું, અમારા સવાલનું શું? એનો જવાબ નહીં આપવાનો? આપણે કેટલાક સવાલો અવગણતા હોઇએ છીએ અને કેટલાક જવાબો ખાઇ જતા હોઇએ છીએ. અમુક સમયે એવું ન કરવું હોય તો પણ કરવું પડે છે. જિંદગી ઘણી વખત એવી જગ્યાએ આપણને ઊભા રાખી દે છે કે આપણને મૂંઝવણ થઇ જાય. આપણી પાસે એક જ વિકલ્પ હોય છે કે, હવે આ બાજુ જવું કે પેલી બાજું? હોય ત્યાં રોકાઇ પણ જવાતું નથી! એક તરફ તો જવું જ પડે છે! ક્યારેક દિલથી તો ક્યારેક મજબૂરીથી, અમુક રસ્તે ચાલી જ નીકળવું પડે છે!
બીજાને જવાબ આપવાનો હોય એ તો સમજી શકાય, પણ જ્યારે પોતાની જાતને જ જવાબ આપવાનો હોય ત્યારે સાવધાન રહેવું પડે છે. એક સાવ સાચો કિસ્સો છે. એક યુવાન હતો. તે પોતાની ઓફિસમાં બોસ હતો. તેના હાથની નીચે પચાસ લોકો કામ કરતા હતા. યુવાનની એક પ્રેમિકા હતી. બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. પ્રેમી મળવા આવે એ પછી એને જવાનું હોય ત્યારે નીકળી જાય. એક વખત બંને મળ્યાં. પ્રેમીએ કહ્યું, ચાલ હવે હું જાઉ. પ્રેમિકાએ કહ્યું, બેસને, શું ઉતાવળ છે? તારે ક્યાં કંઇ ચિંતા છે? તું તો બોસ છે. તને કોણ પૂછવાવાળું છે? પ્રેમીએ કહ્યું, જ્યારે કોઇ પૂછવાવાળું હોતું નથી ત્યારે તમારી જાત જ તમને પૂછતી હોય છે કે, તું જે કરે છે એ બરાબર કરે છેને? કોઇ પૂછવાવાળું ન હોય ત્યારે આપણી જવાબદારી વધી જતી હોય છે. કોઇ સવાલ કરે ત્યારે તો આપણે આસાનીથી જવાબ આપી દઇ શકીએ, પણ જ્યારે કોઇ સવાલ કરે એમ ન હોય ત્યારે સવાલ પણ આપણે પૂછવો પડે છે અને જવાબ પણ આપણે જ આપવો પડે છે. જાત પ્રત્યેની વફાદારી નિભાવવી પડતી હોય છે.
જે માણસ પોતાને પૂછવા જેવું હોય એ પૂછતો રહે છે એ જિંદગીની વધુ નજીક રહી શકે છે. તમે તમારી જાતને પૂછવા જેવા સવાલ હોય એ પૂછતા રહો છો? ક્યારેક પૂછજો, હું જિંદગી સારી રીતે તો જીવું છુંને? મને જીવવાની મજા તો આવે છેને? મારી સંવેદનાઓ તો સજીવન છેને? મારા સંબંધો તો સાત્ત્વિક છેને? જેને મારી પરવા છે એની ખેવના તો મને છેને? હું જે રસ્તે ચાલી રહ્યો છું એની આખરી મંજિલ શું છે? એ મંજિલે પહોંચીને મને જે જોઇએ છે એ મળી જવાનું છે? આખરે મારે જોઇએ છે શું? આ સવાલોના જવાબો જાત પાસેથી મેળવતા રહેવા પડે છે. જવાબો ન મળે તો શોધવા પડે છે. જવાબો ખોટા હોય તો સુધારવા પડે છે. આપણે ઘણી વખત આપણને પોતાને ખબર ન રહે એ રીતે જાતને જ છેતરતા હોઇએ છીએ. જાતને છેતરવાનાં ગંભીર પરિણામો ભોગવવાં પડે છે. એ જ માણસ પોતાની વ્યક્તિને વફાદાર રહી શકે છે, જે સૌથી પહેલાં તો પોતાની જાતને વફાદાર હોય છે. જાત સાથે જ બદમાશી કરનાર માણસ બીજા સાથે તો ક્યાંથી સારો રહી શકવાનો છે? જિંદગીની પરીક્ષાઓ પેપર આપીને પાસ નથી થવાતી, પણ દરેક સંજોગોમાંથી પસાર થઇને પાસ કરવી પડતી હોય છે. આપણી જિંદગી પર આપણો અધિકાર હોય છે એ વાત સાચી, પણ જે લોકો આપણા માટે જિંદગી જીવતા હોય એના પ્રત્યે પણ આપણી જવાબદારી બનતી હોય છે. જે તમને પ્રેમ કરે છે એને તમે કેટલો પ્રેમ કરો છો? જિંદગી સારી રીતે જીવવા માટેની સૌથી પહેલી શરત એ છે કે, કોઇ રમત ન રમો. એમાંયે જે આપણી સામે હારી જવા તૈયાર હોય એની સાથે તો ક્યારેય રમત ન રમવી. જિંદગી સુંદર છે, જિંદગી સરળ છે, જિંદગી સહજ છે. આપણે જિંદગીને એવી રાખવા માટે એટલી કાળજી રાખવી પડતી હોય છે કે, એવું ન કરીએ જેનાથી જિંદગી અઘરી બની જાય. આપણી જિંદગી માટે માત્ર ને માત્ર આપણે જ જવાબદાર હોઇએ છીએ. આપણે જો સાચા અને સારા હોઇએ તો બહુ વાંધો આવતો નથી. જિંદગીમાં ફરિયાદો અને અફસોસ ન રહે એ માટે સમજી વિચારીને ચાલવું પડે છે. આપણને બીજા પાસેથી જેવી અપેક્ષા હોય એવા જ આપણે રહેવું જોઇએ. જે વાવીએ એ જ ઊગે. આપણે આપણી અંદર કેવા વિચારો વાવીએ છીએ? વિચારો જ જો વિકૃત હશે તો દાનત ખરાબ જ રહેવાની છે. સેલ્ફ ચેક અને સેલ્ફ એનાલિસિસની જેને ફાવટ છે એ ક્યારેય સેલ્ફિશ હોતો નથી. આપણે જેવા હોઈશું એવું જ આપણી સાથે થવાનું છે. જે જાત પ્રત્યે જવાબદાર છે એ કોઇના પ્રત્યે બેજવાબદાર બનતા નથી. સુખી થવાનું આપણા હાથમાં છે. સુખ છટકી ન જાય એના માટે સતર્ક રહેવું પડે છે. રસ્તો જ જો ખોટો હોય તો મંજિલ ક્યારેય સારી નહીં હોવાની!
છેલ્લો સીન :
નૈતિક જવાબદારીની જેને સમજ છે એ માણસ પર આંખો મીંચીને ભરોસો મૂકી શકાય છે. જેને પોતાની કિંમત છે એ જ ખરા અર્થમાં અમૂલ્ય હોય છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 16 માર્ચ, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
