આપણી ડ્રેસિંગ સેન્સ કેટલી
બદલી છે? કેટલી બગડી છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
આપણું ડ્રેસિંગ સ્થળ અને પ્રસંગ મુજબનું હોવું જોઇએ.
લોકો હવે કમ્ફર્ટના નામે મન થાય એવાં કપડાં પહેરવા લાગ્યાં છે.
ડ્રેસિંગથી આપણી ઇમેજ ઘડાય છે. કેઝ્યુઅલ જ્યાં રહેવાતું હોય ત્યાં
રહેવાય, બધે સારું ન લાગે!
———–
કેવાં કપડાં પહેરવાં એ નક્કી કરવાનો દરેકને અબાધિત અધિકાર છે. દરેકને ગમે અને ફાવે એ પહેરે. કપડાંના કલર અને સ્ટાઇલમાં દરેકની પોતાની પસંદગી હોય છે. પોતાના ગમા અણગમા હોય છે. ઘણા લોકો એકદમ ફિટ કપડાં પહેરે છે. કેટલાકને લૂઝ ફિટિંગ જ ફાવે છે. જેને ખૂલતાં કપડાં જ ફાવતાં હોય એને તમે ચપોચપ ડ્રેસ પહેરાવી દો તો એને ગભરામણ થવા લાગે છે. ચુસ્ત કપડાં પહેરનારને લૂઝ ડ્રેસ લઘરવઘર લાગે છે. ઘણાનું ડ્રેસિંગ જોઇને આપણે કહીએ છીએ કે, કેવું વહરું લાગે છે! આવું પહેરતા પહેલાં એને કંઇ વિચાર આવતો નહીં હોય? એના નજીકના લોકો પણ એને કહેતા નહીં હોય કે, જરાયે સારો નથી લાગતો કે જરાયે સારી નથી લાગતી. કેટલાકની ડ્રેસિંગ સેન્સ એટલી પાવરફુલ હોય છે કે, એને જોઇને જ આફરીન પોકારી જવાય. એમાં વળી ઘણાનાં ફીચર્સ જ એવાં હોય છે કે, એ ગમે તે પહેરે તો પણ એને શોભે. કેટલાકનો દેખાવ જ એવો હોય છે કે, ગમે એવો મોંઘો કે ડિઝાઇનર ડ્રેસ પહેરે તો પણ સારા ન લાગે!
માણસને કપડાં સાથે પણ લેણદેણ હોય છે. આપણે અમુક કપડાં ખરીદી લઇએ છીએ, પણ પછી ભાગ્યે જ તેને પહેરીએ છીએ. એ પહેરવાનું મન જ નથી થતું. અમુક કિસ્સામાં એવું થાય છે કે, કલર ઝાંખો થઇ ગયો હોય, કાણાં પડવાની તૈયારીઓ હોય તો પણ માણસ એને છોડતો નથી. એવું જરાયે હોતું નથી કે, માણસ નવાં કપડાં લઇ શકતો હોતો નથી. અમુક કપડાં પ્રત્યે એવો લગાવ થઇ ગયો હોય છે કે, એ છૂટતાં જ નથી. ઘરના લોકો પણ કહેતા હોય છે કે, હવે આને જવા દે તો સારું. અગાઉના સમયમાં જૂનાં કપડાં આપીને વાસણ ખરીદાતાં હતાં. હજુયે ક્યાંક ક્યાંક આવું જોવા મળે છે. કેટલાક લોકો ઘસાઇ જાય તો પણ કપડાં ન મૂકે ત્યારે હળવાશમાં એવું પણ કહેવાય છે કે, હવે તો આ વાસણવાળા પણ લેવાની ના પાડે એવું થઇ ગયું છે, કચરા-પોતા સિવાય ક્યાંય ચાલે એવું નથી, હવે તો આને કાઢ. દરેક કપડાની એક પોતીકી કથા હોય છે. ઘણા લોકો જૂના ફોટા જોઇને કહે છે, આ શર્ટ અથવા તો આ ડ્રેસ મને એવો ગમતો હતો કે વાત જવા દો!
પહેરવેશ, ડ્રેસિંગ અને ડ્રેસિંગ સેન્સની વાત કરવાનું એટલા માટે મન થયું છે કે, હમણાં એક ફેશન કોન્ફરન્સમાં એ વિશે રસપ્રદ ચર્ચા થઇ. અમેરિકામાં યોજાયેલી આ ફેશન કોન્ફરન્સમાં એવું કહેવાયું કે, લોકો ફેશનને ફોલો કરે કે ન કરે એ એની મરજીની વાત છે, પણ ચિંતાનો વિષય એ છે કે, લોકો ડ્રેસિંગને બહુ લાઇટલી લેવા લાગ્યા છે. જ્યાં જે પહેરવું જોઇએ એ પહેરતા નથી. માણસની ઇમેજ માટે એની ડ્રેસિંગ સેન્સ મહત્ત્વનો ભાગ ભજવે છે. કયા પ્રસંગમાં શું પહેરીએ છીએ તેના પરથી આપણી ઇમેજ નક્કી થાય છે. આજનો યંગસ્ટર્સ કેઝ્યૂઅલ વેરનો ઉપયોગ વધારે પડતો કરવા લાગ્યો છે. તમે ફરવા ગયા હોવ અને ત્યાં શોર્ટ, ટીશર્ટ અને સ્લીપર પહેરો તો ઠીક છે, પણ બધી જગ્યાએ કેઝ્યૂઅલ વેર ન પહેરાય. કોઇને મળવા જઇએ ત્યારે શું પહેરવું એનું પણ ધ્યાન રાખવું જોઇએ. આપણે ત્યાં અગાઉના સમયમાં કોઇ વડીલને મળવા જવાનું હોય તો કપડાં પહેરવામાં ધ્યાન રખાતું હતું. છોકરીઓ ફુલ ડ્રેસ પહેરીને વડીલ પાસે જતી. છોકરાઓ પણ વડીલને મળવા જતા ત્યારે ઉપરનું બટન બંધ કરી દેતા હતા. એ રીતે વડીલોને એક પ્રકારે આદર અપાતો હતો. સરખાં કપડાં પહેર્યાં ન હોય તો વડીલો ખખડાવી પણ નાખતા અને કહેતા કે, આ શું વેશ કાઢ્યા છે? ભવાયા જેવો લાગે છે! હવે વડીલોને ન ગમે તો પણ એ કંઇ કહેતા નથી, તેઓ એવું વિચારે છે કે, આજના છોકરાઓને કંઇ કહેવામાં માલ નથી.
ફેશન એક્સપર્ટ્સે કહ્યું કે, અગાઉના સમયમાં લોકો હોટલમાં જતાં તો પણ ડ્રેસિંગનો ખયાલ રાખતા હતા. ફાઇવ સ્ટારમાં જઇએ તો સરખું ડ્રેસિંગ કરવું જોઇએ એવું મનાતું હતું. અમુક જગ્યાએ તમને અમુક પ્રકારના ડ્રેસિંગવાળા લોકો જ જોવા મળતા હતા. અગાઉના સમયમાં કેટલીક હોટલમાં શોર્ટ પહેરેલા લોકોને પ્રવેશ આપવામાં આવતો નહોતો. એની પાછળનો ઇરાદો કોઇ ભેદભાવનો નહીં પણ ડેકોરમનો હતો. ફેશન એક્સપર્ટ્સ એવી સલાહ આપે છે કે, તમારા ડ્રેસિંગ વિશે કેરફુલ રહો, કારણ કે એનાથી જ લોકો તમને માપવાના છે. દરેક સ્થળ અને પ્રસંગ માટેનો ચોક્કસ પહેરવેશ હોવો જોઇએ. આપણે જ્યાં ધ્યાન રાખવું પડે એમ હોય ત્યાં જ ધ્યાન રાખીએ છીએ, બાકી ચલાવી લઇએ છીએ. ઓફિસમાં અપ ટુ ડેટ જ રહેવું પડે છે. કેટલીક ઓફિસમાં ઇન કરવું ફરજિયાત છે. ટીશર્ટ માત્ર સેટરડેના જ પહેરી શકાય છે. બધી જગ્યાએ નિયમો નથી હોતા, અમુક સ્થળે કેટલાક નિયમો વણલખ્યા હોય છે. કોઇ બોલતું ન હોય તો પણ ઓફિસમાં ચડ્ડો પહેરીને ન જવાય. ઓફિસ તો ઠીક છે, જિમ જઇએ ત્યારે કે વોક કરવા નીકળીએ ત્યારે પણ ડ્રેસિંગનો ખયાલ રાખવો જોઇએ. દરેક કામ માટે ચોક્કસ ડ્રેસ ડિફાઇન કરેલા છે. પૂજામાં ઝભ્ભો લેંઘો જ સારા લાગે, ત્યાં ઇનશર્ટ કરીને ન બેસાય.
માણસ ડ્રેસિંગનું થોડુંકેય ધ્યાન રાખતો હોય તો એ લગ્નપ્રસંગ છે. મેરેજમાં તૈયાર થવામાં લેડીઝ વધુ અવેર હોય છે. એને ખબર હોય છે કે, અત્યારે શું ઇનથિંગ છે. લેટેસ્ટ ટ્રેન્ડ શેનો છે. મેરેજમાં પણ આપણી ડ્રેસિંગ સેન્સ હવે સીરિયલ ઓરિએન્ટેડ થઇ ગઇ છે. વર અને કન્યા તો બરાબર છે કે, ભારે અને ભપકાદાર ડ્રેસિંગ કરે, હવે તો જાનૈયાઓ પણ વરરાજા જેવા તૈયાર થવા લાગ્યા છે. જિંદગીમાં ક્યારેય ન પહેર્યા હોય એવા ફિલ્મી સલવાર કુર્તા લોકો મેરેજમાં પહેરવા લાગ્યા છે. જેને પરવડે છે એ ડિઝાઇનર પાસે ડ્રેસીસ તૈયાર કરાવે છે. કેટલાક ડ્રેસ તો એવા હોય છે જે પહેરીને થાકી જવાય. ચેન્જ કરીએ ત્યારે હાશ થાય.
લોકોની ડ્રેસિંગ સેન્સ બદલવામાં અથવા તો બગાડવામાં કોરોનાએ પણ મોટો ભાગ ભજવ્યો છે. કોરોનાના સમયમાં લોકો લાંબો સમય ઘરમાં રહ્યા હતા. આ સમય દરમિયાન જ વર્ક ફ્રોમ હોમ ચાલુ થયું હતું. ઘરે બેસીને કામ કરતી વખતે નાઇટ ડ્રેસ પહેર્યો હોય તો પણ ચાલે. ઓનલાઇન મીટિંગ હોય ત્યારે પણ લોકો ઉપર સારો શર્ટ પહેરી લેતા હતા. નીચે ચડ્ડી જ પહેરી હોય. સ્ક્રીન પર દેખાવાના હોય એટલા પૂરતું જ ધ્યાન રાખવામાં આવતું હતું. કોરોના કાળ પૂરો થયો તો પણ એ સમયે પડી ગયેલી કેટલીક આદતો હજુ જતી નથી.
અમેરિકાની નોર્ટે ડેમ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર લિન્ડા પ્રિજિબીજવેસ્કીએ ધ લાસ્ટ આર્ટ ઓફ ડ્રેસમાં લખ્યું છે કે, પહેરવેશનો ટ્રેન્ડ બદલાતો રહે એ સ્વાભાવિક છે, પરંતુ તેના વિશે પણ વિચાર થતો રહેવો જોઇએ. લોકોએ અને ખાસ તો યંગસ્ટર્સે હવે પહેરવેશ વિશે વધુ સતર્ક થવાની જરૂર છે. ફેશનને ફોલો કરવી જરૂરી નથી, પણ તમારી ઇમેજને તો ધ્યાનમાં રાખવી જ પડે. તમે જો વેલ ડ્રેસ્ડ નહીં હોવ તો લોકો તમને લાઇટલી લેવા લાગશે. પહેરવેશ માટે સદાયે સતર્ક રહેવું જોઇએ. અત્યારનો યંગસ્ટર્સ એવું વિચારવા લાગ્યો છે કે, જેને જે લાગવું હોય એ લાગે, મને કોઇ ફેર પડતો નથી. તમને ભલે ફેર ન પડતો હોય પણ સામેવાળાને ફેર પડતો હોય છે. ડ્રેસિંગ આપણી સમજણ પણ નક્કી કરે છે. આપણી જાત પ્રત્યેનો આપણો એટિટ્યૂડ કેવો છે એ બહુ મહત્ત્વનું છે. આપણે ભલે ગમે એવી વાતો કરતા હોઇએ, પણ સરવાળે આપણે સમાજમાં રહીએ છીએ. લોકો આપણને જોતા અને જાણતા હોય છે અને આપણું માપ પણ કાઢતા હોય છે. દરેક માણસે એટલી કાળજી રાખવી જોઇએ કે, કપડાંના કારણે પોતાની ઇમેજ ન ખરડાય. જ્યાં જે શોભતું હોય એ જ શોભે!
—————-
પેશ-એ-ખિદમત
દૂસરોં પર અગર તબ્સિરા કીજિયે,
સામને આઇના રખ લિયા કીજિયે,
કોઇ ધોખા ન ખા જાયે મેરી તરહ,
ઐસે ખુલ કે ન સબસે મિલા કીજિયે.
(તબ્સિરા=ટીકા, ટિપ્પણી) -ખુમાર બારાબંકવી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 26 ફેબ્રુઆરી 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
