તને ખબર છે, સારાને લોકો નબળા સમજે છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તને ખબર છે, સારાને

લોકો નબળા સમજે છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

બીબાના ઢાળે ઢળવામાં ઘણી તકલીફ પહોંચી છે,

બરફ માફક પીગળવામાં ઘણી તકલીફ પહોંચી છે,

બુકાની બાંધી ફરનારાનું આ તો છે નગર, મિત્રો!

મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પહોંચી છે.

-મનોજ ખંડેરિયા

દરેક માણસની એક પ્રકૃતિ હોય છે. દરેકમાં થોડુંક એવું હોય છે જે ક્યારેય બદલતું નથી. માણસ જન્મે છે ત્યારે સારો જ હોય છે. મોટો થતો જાય એમ એ જુદા જુદા સમય, સંજોગો અને અનુભવોમાંથી પસાર થાય છે. ધીરે ધીરે માણસ પોતાની વ્યાખ્યાઓ ઘડે છે. પોતાના સ્વભાવને અનુકૂળ હોય એવી વ્યાખ્યામાં એ પોતાને ફિટ કરતો રહે છે. દરેકને સારા માણસ બનવું હોય છે. સારા રહેવું હોય છે. ક્યારેક કોઈ અનુભવ થાય ત્યારે એ વિચારે છે કે, સારા થવામાં બહુ માલ નથી. સારા રહીને આપણે શું મેળવી લીધું? જેની પાસે તાકાત છે, જેની પાસે સત્તા છે, જેની પાસે સંપત્તિ છે, જેની ધાક છે, જેની પહોંચ છે એને જ લોકો પૂજે છે. બુદ્ધિ વગરના લોકો ‘બાદશાહી’ ભોગવે છે. અભણ લોકો ઊંચા આસને બિરાજે છે. આપણે આટલી મહેનત કરીએ તો પણ કોઈ આપણો ભાવ પૂછતું નથી.

માણસના મનમાં સતત એક યુદ્ધ ચાલતું રહે છે. પોતાનું વર્ચસ્વ અને પોતાની આવડત સાબિત કરવા એ મથતો રહે છે. દરેકને દિલના કોઈ એકાદ ખૂણે એવું થતું રહે છે કે મને મારી લાયકાત મુજબનું મળ્યું નથી. મારા વિચારોની કોઈને કિંમત નથી. મારી મહેનતનું કોઈને મૂલ્ય નથી. આપણે તો ત્યાં સુધી નક્કી કરવા માંડીએ છીએ કે દુનિયા કેવી છે? ફિલ્મના ડાયલોગ્સ યાદ કરીએ છીએ. દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે. કોઈને એ રસ્તો નથી મળતો કે, દુનિયાને ઝુકાવવી કેવી રીતે? માણસમાં બે ઇચ્છાઓ સતત તરફડતી રહે છે. એક તો રૂપિયાવાળા થવાની અને બીજી સેલિબ્રિટી બનવાની. બધા મને ઓળખતા હોય. મારી ચર્ચા કરે. ક્યાંય મેળ ન પડે તો એ પોતાના વર્તુળમાં વર્ચસ્વ સાબિત કરવા મથે છે. આમ જુઓ તો કંઈ ખોટું નથી. આગળ વધવાની તમન્ના હોવી જોઈએ, પણ એ કયા ભોગે?

મહાન બનવા અને સારા બનવામાં બહુ મોટો ફર્ક છે. સારા બનવું સહેલું છે. કોઈ પણ વ્યક્તિ સારો માણસ બની શકે. જોકે, આપણે માત્ર સારા બનવું હોતું નથી, આપણે મહાન બનવું હોય છે. આપણે પોપ્યુલર થવું હોય છે. માણસ પછી મહાન બનવાના રસ્તા શોધે છે. ક્યારેક એને એવો વિચાર આવી જાય છે કે સારા હોય એ મહાન બની ન શકે. મહાન બનવા માટે તો ઘણી બાંધછોડ કરવી પડે. આખરે એ સારાપણાને બાજુમાં મૂકી દે છે અને શામ, દામ, દંડ, ભેદ જે કોઈ રીતે આગળ વધાય એ રીત અખત્યાર કરે છે. પાછા છાતી ઠોકીને કહે છે કે, સીધી આંગળીએ ઘી ન નીકળે.

બાય ધ વે, તમે સારા માણસ છો? જો તમે સારા માણસ હોવ તો સારા રહો, કારણ કે સારા લોકો બહુ ઓછા છે. ‘સારા’ એ એક એવી કોમ છે જે કાયમ લઘુમતીમાં હોય છે. ક્યારેક એવું થશે કે સારા રહેવામાં કંઈ ફાયદો નથી. ઘણી લાલચ પણ થશે. સારાપણા સાથે કોમ્પ્રોમાઇઝ કરવાનું પણ મન થશે. ગમે તે થાય, પણ તમારા સારાપણાને આંચ આવવા નહીં દેતા. કંઈ ખોટું કરવાનું આવે અને તમારું મન તમને રોકે તો રોકાઈ જજો. એક વાર સારાપણા સાથે સમાધાન કરશો તો પછી તમને ખરાબ બનતા કોઈ રોકી નહીં શકે. ખરાબ બનવું તો બહુ સહેલું છે. સારા રહેવા માટે જ મહેનત પડે છે. પહેલી વખત લાંચ લેતી વખતે હાથ ધ્રૂજ્યો જ હોય છે, પહેલી વખત ગેરવાજબી કરતી વખતે એવું થયું જ હોય છે કે હું કંઈક ખોટું કરી રહ્યો છું. આવું થાય ત્યારે નજરઅંદાજ ન કરજો. ચલો માની લઈએ કે દુનિયા સારી નથી, પણ આપણે સારા રહેવું કે નહીં એ તો આપણે નક્કી કરી શકીએને?

હા, સારા રહેવામાં તકલીફ રહેશે. ખરાબ થવામાં વાર નથી લાગતી, પણ સારા રહેવાની કિંમત ચૂકવવી પડતી હોય છે. એક ઓફિસમાં સિનિયર પોસ્ટ ઉપર ભરતી કરવાની હતી. એક માણસ વિશે ચર્ચા થઈ. તેના વિશે એવો અભિપ્રાય વ્યક્ત થયો કે, એ માણસ છે હોશિયાર, પણ વધુ પડતો સારો છે! એ કોઈ બાંધછોડ કરતો નથી. આજે ઘણી જગ્યાએ સારા માણસ હોવું એ ‘નેગેટિવ પોઇન્ટ’ ગણાવવા લાગ્યું છે. બધાને ખોટું કરવું હોય અને તમે ન કરો તો તમે ક્યાંથી કોઈને ગમવાના? એક સમય હતો જ્યારે સારા માણસોનું સન્માન થતું. હવે એવું થાય છે કે સારા માણસને લોકો વેવલા સમજવા માંડ્યા છે.

એક યુવાનની આ સાવ સાચી વાત છે. તે જ્યાં કામ કરતો હતો ત્યાં રાજીનામું આપી દીધું. સરસ જોબ હતી. તેના મિત્રએ પૂછ્યું કે, શું થયું? કેમ આટલી સરસ જોબ છોડી? તેણે કહ્યું કે યાર હું ત્યાં ફિટ થઈ શકતો ન હતો. મારા સિનિયરે મને કહ્યું કે, તારે અમુક બાંધછોડ તો કરવી જ પડશે. આપણે ક્યાં રૂપિયા માગવા છે. જે ભાગમાં આવે એ લઈ લેવાના. મેં કહ્યું, મારે નથી જોઈતા, તો મારા પર પ્રેશર આવવા માંડ્યું. મારા વિશે એવી વાતો થવા લાગી કે હજુ નવોનવો છે એટલે પ્રામાણિકતાનું ભૂત છે. ધીમે ધીમે એ પણ આપણી લાઇનમાં આવી જશે. મારે એમની લાઇનમાં આવવું નહોતું એટલે હું નીકળી ગયો. સારા માણસ કાયમ એકલા જ હોવાના. ટોળામાં બધા પોતપોતાનું હિત જ જોતાં હોય છે. આજના સમયમાં ઘણા સારા લોકો છે અને સારા બનાવી રાખવાની જવાબદારી પણ સમાજની છે. સારાઈને સામૂહિક રીતે આવકારવી જોઈએ, સારાઈનું સન્માન થવું જોઈએ. કંઈ નહીં તો એને ખાનગીમાં તો કહી જ શકો કે, તું સારો છે કે તું સારી છે, ઓનેસ્ટ છે, મહેનતું છે. સારા માણસ માટે એટલું પણ પૂરતું છે. તકલીફ એ છે કે હવે લોકો ઊંધી સલાહ આપવા લાગ્યા છે. બહુ સારાઈનું પૂછડું પકડી ન રાખતો. મેળ પડે ત્યારે કરી લેવાનું, દરેકને આવા મોકા નથી મળતા, અત્યારે નહીં કરેને તો પછી તકલીફ પડશે અને જ્યારે સમજાશેને ત્યારે મોડું થઈ ગયું હશે! સારા માણસોને બગાડવામાં સમાજનો ફાળો સહુથી મોટો હોય છે! તમે કોઈને કંઈ અભિપ્રાય આપો ત્યારે માત્ર એટલું વિચારજો કે તમે એને કયા રસ્તે દોરી રહ્યા છો અને શું શીખવી રહ્યા છો?

તમારી આજુબાજુમાં કે તમારી ઓફિસમાં કેવા લોકોની બોલબાલા છે? ક્યારેક આપણને એવું પણ થતું હોય છે કે મને પોલિટિક્સ રમતા નથી આવડતું એટલે હું ફાવતો નથી. ‘એગ્રેસન’ની વ્યાખ્યા પણ હવે બદલાય છે. રાડો પાડવી, ઘાંટા પાડવા, બધા ડરે એને એગ્રેસન કહેવામાં આવે છે. તમારે સફળ થવું છે? તો બીજા કશામાં ન પડો, તમે જે કામ કરો છો એ પૂરી પ્રામાણિકતા અને ધગશથી કરો, સફળતા સામેથી ચાલીને આવશે. આપણે એ જ નક્કી કરવાનું હોય છે કે આપણી એનર્જી આપણે ક્યાં ઇન્વેસ્ટ કરવી છે! સારાપણાને નબળાઈ સમજવાની ભૂલ ક્યારેય ન કરવી. તમને એવા લોકો પણ મળશે જે એવું કહેશે કે તને ખબર છે, સારાને લોકો નબળા સમજે છે! અલબત્ત, નબળા સમજે એના કરતાં સારા સમજે એ વધુ મહત્ત્વનું હોય છે. સાથોસાથ જે સારા છે એનું સન્માન કરો. બીજું કંઈ ન થઈ શકે તો કંઈ નહીં, પણ એનું અપમાન તો ન જ કરશો. તમે સારા હોવ તો સારા રહો, કારણ કે આખરે તો માણસ જેવો હોય એવો જ એ ઓળખાતો હોય છે.

છેલ્લો સીન :

બધા માણસો સારા હોય છે, પણ બધા લોકો ‘સારાપણું’ ટકાવી શકતા નથી.    -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 07 ફેબ્રુઆરી 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *