એ બધાના મોઢે મારું
ખરાબ જ બોલે છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
આદતન તુમને કર દિયે વાદે,
આદતન હમને એતબાર કિયા,
તેરી રાહોં મેં હર બાર રુક કર,
હમને અપના હી ઇન્તજાર કિયા.
-ગુલઝાર
જિંદગી સારી રીતે જીવવા માટે દુનિયાને થોડીક સારી રીતે સમજી લેવી પડે છે. દુનિયા ક્યારેય આપણે ઇચ્છીએ એવી રહેવાની નથી. દુનિયામાં ચિત્રવિચિત્ર લોકો હોવાના જ છે. આપણે ગમે એટલા સારા હોઇએ તો પણ લોકો આપણને સારા કહે જ એવું જરૂરી નથી. માણસો કોઇ ને કોઇ વાંક કાઢતા જ રહેશે. કેટલાક લોકો અદેખા હોય છે. એ બીજાનું સારું જોઇ શકતા જ નથી. આપણે એનું ભલું કરીએ તો પણ એ આપણું બૂરું બોલતા રહે છે. ઘણા લોકો એવા હોય છે જે આપણા મોઢે તો સારું સારું અને મીઠું મીઠું બોલતા હોય છે, પણ પાછળથી આપણું જ વાટતા હોય છે. સફળતાનું એક સત્ય એ પણ છે કે, એ કોઇનાથી જોવાતી નથી. એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને સવાલ કર્યો. હું બધા સાથે બહુ સારી રીતે વર્તું છું તો પણ લોકો મારું ખરાબ બોલે છે. સંતે હસીને જવાબ આપ્યો, તું જેવો છે એવું લાકો ક્યારેય નથી બોલવાના, એ તો એ જ બોલવાના છે જેવા એ પોતે છે. બોલનાર પોતાની ફિતરત, પોતાની સમજણ અને પોતાની વિદ્વત્તા વ્યક્ત કરતા હોય છે. બધાની ફિતરત સારી હોય એવું જરૂરી નથી. જે પોતે કંઇ કરી શક્યા નથી એનાથી બીજા લોકો કોઇ મુકામ પર પહોંચ્યા હોય એ સહન થતું નથી. લોકો પાસે એક હદથી વધુ અપેક્ષાઓ પણ રાખવી ન જોઇએ. માણસ પારકાનાં વખાણ હજુ કરી શકશે, પણ જે પોતાના છે, જે નજીક છે એનાં વખાણ તેનાથી થઇ શકતાં નથી. સારું ન બોલે તો કંઇ નહીં, ઘણાને તો કારણ વગર ખરાબ બોલવાની આદત હોય છે.
બે મિત્રો હતા. એક મિત્રએ બીજા સાથે ધીમે ધીમે સંબંધ ઓછો કરી નાખ્યો. એના એક મિત્રએ પૂછ્યું, તું હવે કેમ તારા મિત્રની સાથે નથી દેખાતો? તેણે સાચી વાત કરી દીધી. તેણે કહ્યું કે, એની એક ખરાબ આદતના કારણે મારે તેનાથી દૂર થવું પડ્યું. એ ક્યારેય કોઇની સારી વાત જ નહોતો કરતો. બધાનું ખરાબ જ બોલે. મેં તેને બે-ચાર વખત તો કહ્યું પણ હતું કે, તું આવું ન કર. જેની સાથે તારે કંઇ લાગતુંવળગતું નથી એનું પણ તું ખરાબ બોલે છે. એ કોઇ વાત સમજ્યો જ નહીં. એક સમયે મને ડર લાગવા માંડ્યો કે, ક્યાંક તેની સાથે રહીને હું પણ એના જેવો ન થઇ જાઉં અને બધાનું ખરાબ બોલવા લાગું. હું એક વાત માનું છું કે, દરેક માણસમાં કેટલીક ખામીઓ અને કેટલીક ખૂબીઓ હોય છે. કોઇ માણસ સંપૂર્ણ નથી. આપણે એનામાં શું જોઇએ છીએ એના પરથી આપણી કક્ષા નક્કી થાય છે. બીજી વાત એ કે, કોઇ શું કરે છે, સારું કરે છે કે ખરાબ કરે છે, કરવું જોઇએ કે ન કરવું જોઇએ, એ નક્કી કરવાવાળા આપણે કોણ? ખોટી વાતો કરીને આપણે સરવાળે આપણું જ મગજ બગાડતા હોઇએ છીએ. જિંદગીમાં એ નક્કી કરવું પડતું હોય છે કે, કઇ વાતને ધ્યાને લેવી અને કઇ વાતને ઇગ્નોર કરવી. નક્કામી વાતોને ધ્યાને લઇએ તો કામની વાતોમાંથી ધ્યાન હટી જાય છે.
આપણે ક્યારેય એ વિચાર કરીએ છીએ કે, હું મારા માટે કેટલું વિચારું છું અને બીજા વિશે કેટલું વિચારું છું? ઘણા લોકોનાં મન અને મગજમાંથી કેટલાક લોકો અને કેટલીક ઘટનાઓ ખસતી જ નથી. ક્યારેક આપણે એવા વાતાવરણમાં આવી જતા હોઇએ છીએ, જ્યાં ગૂંગળામણ થતી હોય છે. આવી જગ્યા જેમ બને એમ વહેલી તકે છોડીને આપણે સારા વાતાવરણમાં ચાલ્યા જતા હોઇએ છીએ. આવું જ વિચારોની બાબતમાં પણ કરવું પડે છે. જ્યારે નક્કામા, ડરામણા કે હતાશ કરે એવા વિચારો આવે ત્યારે તેનાથી દૂર ખસીને સારા વિચારો તરફ વળવું પડે છે. જો એમાં ને એમાં પડ્યા રહીએ તો ધીમે ધીમે આપણે જ આપણામાં જકડાતા જઇએ છીએ. આપણી હતાશા, આપણી ઉદાસી અને આપણી માનસિક સ્થિતિ માટે આપણે જ જવાબદાર હોઇએ છીએ. એક યુવાન હતો. એ હંમેશાં ખુશ રહેતો હતો. એક વખત તેના મિત્રે પૂછ્યું, તું હંમેશાં ખુશ કેવી રીતે રહી શકે છે? એ યુવાને કહ્યું કે, હું કોઇ વ્યક્તિ, કોઇની વાત, કોઇ ઘટના કે કોઇ અનુભવને મારા પર હાવી થવા દેતો નથી. કોઇ બોજ નીચે દબાવું કે ન દબાવું એ આપણે નક્કી કરવું પડતું હોય છે. બોજ નીચે ન દબાવા માટે જે બોજ આવે એને તરત જ ખંખેરી નાખવો પડે છે. એને જો આપણી ઉપર સવાર થવા દઇએ તો એક તબક્કે એ આપણને જ પોતાના સાણસામાં લઇ લે છે.
આપણી મેચ્યોરિટી એના પરથી નક્કી થતી હોય છે કે આપણે કઇ વાતને સિરિયસલી લઇએ છીએ અને કઇ વાતને લાઇટલી લઇએ છીએ. હળવાશ મહેસૂસ કરવા માટે ભારે કરી દે એવી વાતો કે ઘટનાઓથી દૂર રહેવું જોઇએ. એક છોકરીની આ વાત છે. તેના પરિવારમાં એક યુવાન હતો. બંનેને સારું બનતું હતું. ધીમે ધીમે એ છોકરીને ખબર પડી કે, એ તો બધાના મોઢે મારું ખરાબ જ બોલે છે. તેણે એક-બે વખત તો એને મોઢામોઢ કહ્યું કે, તું આવું ન કર. તેનામાં કોઇ ફેર ન પડ્યો. એ છોકરી ડિસ્ટર્બ રહેવા લાગી. એક વખત તે એક સંત પાસે ગઇ. તેણે કહ્યું કે, એ માણસ બધે મારું ખરાબ જ બોલે છે, મારે શું કરવું? સંતે કહ્યું, કંઇ જ કરવાની જરૂર નથી. તું એની વાતો ધ્યાને લે છે એ પણ બંધ કરી દે. સંતે ઉમેર્યું કે, આપણાથી કંઇ ન જોવાય ત્યારે આપણે આંખો બંધ કરી દઇએ છીએ, કોઇ ગંધ આવતી હોય તો થોડીક ક્ષણો નાક બંધ કરીને દૂર ચાલ્યા જઇએ છીએ. કાન આપણે બંધ કરી શકતા નથી, એટલે જ એ આદત કેળવવી પડે છે કે, શું સાંભળવું અને શું ન સાંભળવું. આપણે ડસ્ટબિન નથી કે બધાને આપણે એનો કચરો ઠાલવવા દઇએ.
એક યુવાનની આ સાવ સાચી વાત છે. તેને એક મિત્ર હતો. એ મિત્ર જ્યારે કોઇની વાત શરૂ કરે ત્યારે એ તરત જ કહી દેતો કે, એની વાત ન કર. મારે સાંભળવી જ નથી. કોઇ એમ કહે કે, એ તારા વિશે આવું કહેતો હતો તો તરત જ આપણને એમ થાય છે કે, શું કહેતો હતો? એ યુવાને કહ્યું કે, એ જે કહેતો હોય, મને કોઇ ફેર પડતો નથી. ઘણી વખત નક્કામા લોકોની વાતો ધ્યાને લઇને આપણે એને કારણ વગરનું ઇમ્પોર્ટન્સ આપતા હોઇએ છીએ. વાત એની જ સાંભળો જેની વાતોમાં દમ હોય, જેના વિચારો સારા હોય અને જેની વાતોમાંથી કંઇક શીખવાનું હોય. બધાની બધી વાતો સાંભળવાની કંઇ જરૂર જ હોતી નથી. બીજાની વાતોમાં રચ્યાપચ્ચા રહીએ તો આપણો સમય, આપણું મગજ અને આપણી શક્તિ વેડફાય છે. આ બધાની સાથે એ પણ વિચારવાની જરૂર રહે છે કે, ક્યાંક હું તો બીજાનું ખરાબ કે ખોટું બોલવામાં મારી શક્તિ વેડફતો નથીને? મારાથી તો બીજાની અદેખાઇ થઇ જતી નથીને? હું તો કોઇને ખુશ જોઇને બળી મરતો નથીને? એવું કરતા હોઇએ તો પણ સરવાળે તો આપણે આપણું જ નુકસાન કરતા હોઇએ છીએ. સામેવાળાને આપણા વિચારોથી કોઇ ફેર પડતો નથી, આપણા વિચારો આપણને જ ઘડે અથવા નડે છે. સુખ અને શાંતિ માટે ક્ષણે ક્ષણે સાવધાન રહેવું પડે છે. જરાકેય ધ્યાનભંગ થયું તો જિંદગીને આડાપાટે ચડી જતા વાર નથી લાગતી. આપણું ભલું આપણે જ વિચારવું પડે છે, એના માટે કંઇ બૂરું ન વિચારવું એવું નક્કી કરવું પડતું હોય છે. બીજા તરફ ધ્યાન આપવાનું બંધ કરીએ તો જ આપણે આપણા પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ.
છેલ્લો સીન :
જે માણસ ધ્યાન માત્ર ને માત્ર પોતાના લક્ષ્ય ઉપર રાખે છે એ જ ધાર્યાં પરિણામો અને સફળતા મેળવી શકે છે. ધ્યાન ભટકાવનારાઓની કમી નથી. ધ્યાન હટવા ન દેવું એ પણ એક પ્રકારની સમજદારી અને આવડત જ છે. -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 15 ડિસેમ્બર, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com